ઇન્ટરનેટ આપણને સૌને બહુ ઉપયોગી ને વ્હાલું લાગે છે, પણ બે કેટેગરીના લોકોને તેની સામે સખત ચીડ છે – એક છે, જેમના હાથમાં હજી મોબાઇલ આવ્યા નથી, એવાં સાવ નાનાં બાળકો. આ બાળકો મમ્મી-પપ્પા સાથે રમવા માગતાં હોય, પણ એ લોકો પોતાના મોબાઇલમાં પરોવાયેલા હોય.

ઇન્ટરનેટ સામે અકળાતા બીજા લોકો છે ડોક્ટર્સ! એમના પેશન્ટ્સ હવે ‘ડોક્ટર ગૂગલ’ની સલાહ લેવા લાગ્યા છે અને એને જ સાચી માનવા લાગ્યા છે! આવા પેશન્ટ્સ સાચા ડોક્ટરને મળે તો એ પોતે પોતાની તકલીફ સાથે એનાં શું કારણ હશે એ કહે અને એની દવા પાછા પોતે જ સૂચવે. ડોક્ટર શાંતિ રાખીને કોઈ બીજી દવા સૂચવે તો એમની સામે જ એ દવાની ‘આડઅસરો’ ગૂગલ કરવા બેસી જાય!
હમણાં આ ટ્રેન્ડ સામે યુકેના ડેન્ટિસ્ટ્સ બરાબર ગિન્નાયા છે.
આપણે ત્યાં યુટ્યૂબ પર જાતભાતના આયુર્વેદિક નુસ્ખાના વીડિયો અપલોડ થાય છે અને ત્યાંથી વોટ્સએપ પર ઠલવાય છે. સમાજનો એક બહુ મોટો વર્ગ આવા નુસ્ખાને સાચા માની લે છે. એ જ રીતે દુનિયામાં બીજે બધે આવી બાબતમાં યુટ્યૂબનું સ્થાન ટિકટોક એપે લઈ લીધું છે.
ટિકટોક પર જે વીડિયો બહુ પોપ્યુલર થાય છે એમાં બ્યુટી ટિપ્સ અને ‘ડુ-ઇટ-યોરસેલ્ફ’ પ્રકારના વીડિયો મોખરે છે. રોજિંદા જીવનમાં આવા નાનામોટા ‘હેક્સ’ ઉપયોગી થાય અને એટલે જ તેના વીડિયો પોપ્યુલર થાય, પણ હવે ટિકટોક પર ડેન્ટલ ટ્રીટમેન્ટના ડુ-ઇટ-યોરસેલ્ફ પ્રકારના વીડિયો જબરા ચાલ્યા છે.
આવા વીડિયોના ક્રિએટર્સ કહે છે કે દાંતની નાની-મોટી તકલીફો માટે ડેન્ટિસ્ટ પાસે જવાની કોઈ જરૂર નથી, એના ઉપાય તો ઘેરબેઠાં થઈ શકે!
ટિકટોક પર આવા ડેન્ટલ હેક્સના વીડિયોના વ્યૂ લાખોમાં પહોંચ્યા પછી, યુકેના ઓરલ હેલ્થ ફાઉન્ડેશને વિગતવાર સ્પષ્ટતા સાથે લોકોને ચેતવ્યા છે કે આવા નુસ્ખાથી ફાયદો થવાનું તો દૂર રહ્યું, લાંબા ગાળાનું ને કાયમી નુક્સાન થવાનું જોખમ છે.
જેમ કે ટિકટોપ પર ઘેરબેઠાં દાંત ચમકાવવાની ટિપ્સ આપતા સંખ્યાબંધ વીડિયો ફરે છે. તેમાં કહેવામાં આવે છે કે થોડા પાણીમાં ૩ ટકા હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉમેરીને તેને દાંત પર ઘસો તો થોડા જ સમયમાં દાંત મસ્ત ઉજળા થઈ જશે. ઓરલ એક્સપર્ટ્સ કહે છે કે દવાની દુકાને મળતી ટીથ-વ્હાઇટનિંગ પ્રોડક્ટ્સમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય છે એ વાત સાચી, પણ તેનું પ્રમાણ ૦.૧ ટકા કરતાં ઓછું હોય તો જ તેના વેચાણની છૂટ હોય છે. ટિકટોકના નુસ્ખાબાજો ૩ ટકા પ્રમાણની ભલામણ કરે છે! ડેન્ટલ ટ્રીટમેન્ટના બીજા નુસ્ખા પણ એટલા જ જોખમી છે. વીડિયો ક્રિએટર્સ પોપ્યુલારિટી માટે ગમે તે હદે જતા હોય છે, એ કહે તે બધું સાચું માની લેવાનું ન હોય.
એટલે જ, ઇન્ટરનેટ પરની કોઈ પણ વાત સાચી માનતાં પહેલાં જરૂરી છે કે ‘અપની અકક્લ લગાઓ’ – વાત સ્વાસ્થ્યની હોય ત્યારે તો ખાસ!
