
આ અંક તમારા હાથમાં આવશે ત્યારે દિવાળી બહુ નજીક હશે ને ઘરમાં ફટાકડા આવી ગયા હશે. પરિવારના લોકો સાથે મળીને ફટાકડા ફોડે ત્યારે એના આનંદ સાથે કોઈ દાઝી ન જાય એની ચિંતા પણ રહે.
બરાબર એવું જ ઇન્ટરનેટના ઉપયોગમાં છે. રોજેરોજ સ્માર્ટફોન, કમ્પ્યૂટર પર ઇન્ટરનેટની મદદથી આપણે કેટલીય જાતનાં કામ કરીએ, કેટલીય સર્વિસનો લાભ લઈએ, મોજમસ્તી માણીએ, પણ આ બધામાં દાઝવાનું સતત જોખમ રહેલું છે.
ઇન્ટરનેટ સેફ્ટીની બાબતે અત્યારે આપણે કેવા વિરોધાભાસી સમયમાં જીવીએ છીએ એ જુઓ – એક તરફ, વર્ષોથી દુનિયાની સારીનરસી બધી બાબતોનો અનુભવ કરીને બેઠેલા વડીલો છે, જે માને છે કે નવા સમયની નવી ટેકનોલોજીમાં એમને કંઈ ગડ બેસતી નથી. બીજી તરફ, હજી તો ઊગીને ઊભાં થતાં ટાબરિયાં આ બાબતે ‘એમ-બી-એ’ બની ગયાં છે, જે માને છે કે ‘મને બધું આવડે!’

બંને વાત ઘણે અંશે સાચી છે, પણ ઇન્ટરનેટ પર આપણી સલામતી જાળવવાની વાત આવે ત્યારે આવી કોઈ પણ જાતની લઘુતાગ્રંથિ કે ગુરુતાગ્રંથિ બંને ખોટાં છે.
તમે બેન્ક ઓફિસર કે પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા હો છતાં ઓનલાઇન ફ્રોડનો ભોગ બનો તો એનું કારણ તમારી ઓછી સ્માર્ટનેસ નથી હોતી, ‘આમાં મને કંઈ સમજાતું નથી’ એવો મનમાં ઠસી ગયેલો ડર કારણભૂત હોય છે. એમ, ફેસબુક યુટ્યૂબ કે ગેમ્સમાં પરોવાયેલાં રહેતાં બાળકો ઘણા બધા પ્રકારનું, લાંબા ગાળાનું નુક્સાન નોંતરે છે.
અહીં આગળ પાંચ ભાગમાં આપેલી વિગતો ઉતાવળે વાંચશો નહીં – એમાં જે સવાલો આપ્યા છે તેના પર પૂરતો વિચાર કરજો.
આમાં બેલેન્સ કેમ જાળવવું, દાઝતાં કેમ બચવું એની થોડી વાત કરીએ. અહીંથી આગળ જે લખ્યું છે એ બધું તમે જાણતા જ હશો, પણ ઇન્ટરનેટના આક્રમણમાં, પેલા કર્ણની જેમ, આ બધું જરૂર હોય ત્યારે જ ભૂલાઈ જાય એવું બની શકે છે!
યાદ રહે, વાત માત્ર પ્રાઇવસીની નથી, સિક્યોરિટીની છે. ‘ફેસબુક કે ગૂગલ મારા વિશે વધુ જાણે અને ટાર્ગેટેડ એડ બતાવે એમાં મારું શું જવાનું છે?’ એવી બેપરવાઇ જ આપણને મોટા આર્થિક કે અન્ય પ્રકારના નુક્સાન તરફ દોરી જઈ શકે છે. હજી પણ ઘણા લોકો પોતાના સ્માર્ટફોન કે ઓફિસમાં કમ્પ્યૂટર લોક્ડ રાખતા નથી. એ લોકો ભૂલી જાય છે કે તેમના ફોનમાં બેન્ક કે અન્ય પેમેન્ટ એપ્સ ન હોય તો પણ, ફોનમાં એવું બીજું ઘણું બધું હોય છે જે ફોન ક્યાંક પડી જાય, ચોરાઈ જાય તો સાવ ખુલ્લું થઈ જાય છે.
ફોન, કમ્પ્યૂટર અને આપણાં વિવિધ ઓનલાઇન એકાઉન્ટ્સ, આ બધાંને પૂરતા પ્રમાણમાં સિક્યોર રાખવાની વિવિધ રીતો બરાબર સમજીને તેનો અમલ કરવો, આજના સમયમાં અનિવાર્ય છે.
દરેક એકાઉન્ટની સિક્યોરિટી

દરેક એકાઉન્ટની સિક્યોરિટી તેના પાસવર્ડથી શરૂ થાય છે અને લગભગ ત્યાંથી જ તૂટે છે. વિવિધ એકાઉન્ટ માટે તમારા પાસવર્ડ જુદા જુદા છે? તમનેય યાદ ન રહે એવા અઘરા છે? જ્યાં મળે ત્યાં ટુ-સ્ટેપ વેરિફિકેશન અને એકાઉન્ટ રીકવરી માટેની તમામ સવલતોનો તમે લાભ લો છો? તમારે માટે મહત્ત્વનાં હોય તેવાં તમામ એકાઉન્ટનાં આ સેટિંગ્સ વહેલી તકે ચકાસી લો.
દરેક ડિવાઇસની સિક્યોરિટી

તમારો ફોન અને કમ્પ્યૂટર હંમેશાં લોક્ડ રહે છે? પાસકોડ ભૂલી જાવ તો સહેલાઈથી – માત્ર તમને – મળે એમ સાચવ્યા છે? ફક્ત સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હશો તો લગભગ તમારા ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા હશો! એના વિના, તમારા જ સ્માર્ટફોનમાં એન્ટ્રી અશક્ય થઈ શકે છે. ફોનના હોમ સ્ક્રીન પર કે ફોનના કવરમાં તમારી અન્ય સંપર્ક વિગતો રાખી છેને?
સલામત બ્રાઉઝિંગ

ઇન્ટરનેટનાં જોખમો ને આપણી વચ્ચે ઢાલ જેવાં બ્રાઉઝરનાં વિવિધ સેફ્ટી ફીચર્સ જાણો છો? ઓનલાઇન પેમેન્ટ પહેલાં, વેબપેજના એડ્રેસમાં લોકની નિશાની છે કે નહીં એ તમે તપાસો છો? તમારા ફોન કે કમ્પ્યૂટરના બ્રાઉઝરમાં તમારા કેટલા પાસવર્ડ સેવ્ડ છે એ તમે જાણો છો? એ બધા સેફ છે કે નહીં એ તપાસવાની સહેલી રીતો તમે જાણો છો? વિચારી જુઓ!
ઇન્ટરનેટે દુનિયાના વિવિધ દેશો વચ્ચેનાં અંતર સાવ ઘટાડી નાખ્યાં, પણ એક ઘરમાં રહેતા લોકો વચ્ચે અંતર વધારી દીધાં છે. આપણે સૌ પોતપોતાના સ્ક્રીનમાં, પોતપોતાની એપ્સમાં, એમાંય આપણી હિસ્ટ્રી અનુસાર આપણને જે બતાવવામાં આવે એમાં જ પરોવાયેલા રહીએ છીએ.
ઇન્ટરનેટ પરની સેફ્ટી એટલે માત્ર એકાઉન્ટ્સ કે ડેટાની સલામતી એવો સીમિત અર્થ કરવા જેવો નથી. ઇન્ટરનેટના આક્રમણ સામે આપણા પારિવારિક સંબંધો પણ અકબંધ અને હૂંફાળા રહેવા જોઈએ! આપણે ઇન્સ્ટાગ્રામ કે શોપિંગ સાઇટ્સમાં કૂર્તી કે ગેજેટ્સ તપાસવામાં વ્યસ્ત રહીએ ત્યારે આપણા જ પરિવારની કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ગંભીર તકલીફમાં મૂકાઈ હોય ને આપણને અણસાર પણ ન આવે – આવું થવા ન દેશો.
પરિવારના સભ્યોમાં ચર્ચા

ઇન્ટરનેટને કારણે પરિવાર વચ્ચે સંવાદ જ ઘટતો જાય છે અને પેરેન્ટ્સ પોતાના કરતાં બાળકો વધુ સ્માર્ટ છે એવું માને છે, પરિણામે ઇન્ટરનેટનાં જોખમો વિશે સંતાનો સાથે ચર્ચા થતી નથી કે એની કાળજી લેવાતી નથી. બાળકો ઉપરાંત, પરિવારના જે સભ્યોને ઇન્ટરનેટનો ઝાઝો પરિચય નથી એમને એનો સાચો ઉપયોગ શીખવીએ, સ્માર્ટફોનનો બોમ્બ તો એમના હાથમાં પણ છે!
બાળકોના ઉપયોગ પર નજર

બાળકોને વહેલો સ્માર્ટફોન પકડાવી દેવો કે પછી કંટાળીને ફોન ઝૂંટવી લેવો – આ બંને વાત જોખમી છે. એજ્યુકેશન માટે હવે સ્માર્ટફોનનો ઉપયોગ લગભગ અિનવાર્ય છે ત્યારે સંતાન ફોનમાં બીજું શું શું કરે છે, શું જુએ એ આપણે જોવું પડશે. બાળક આપણી પાસે હોય ત્યારે આપણે પોતાના સ્માર્ટફોનમાં એવી બાબતો જોવી પડશે, જે બાળકને તેના સાચા ઉપયોગ તરફ દોરે.
અંગત માહિતી અંગત રાખીએ

તમારો અગાઉ જેની સાથે સંપર્ક હોય, જે ફેસબુકના જન્મ પહેલાં જ છૂટી ગયો હોય, એવી વ્યક્તિને પણ ફ્રેન્ડ બનાવવાનું એફબી સૂચવી શકે છે. આપણા જીવનમાં સોશિયલ સાઇટ્સની આટલી હદે ઘૂસણખોરી છે. તેનો સામનો કરવાનું, અંગત માહિતી અંગત રાખવાનું મુશ્કેલ છે, પણ શીખવું પડશે. એમ ન થવાનાં જોખમો વિશે, ખાસ કરીને બાળકોને સમજાવવું પણ પડશે.
પહેલા તબક્કામાં, ઇન્ટરનેટ પર સાવ વન-વે કમ્યુનિકેશન હતું. પછી સોશિયલ સાઇટ્સ આવી અને યૂઝર જનરેટેડ કન્ટેન્ટનો બીજો તબક્કો આવ્યો. ત્રીજા તબક્કામાં તો વળી મેટાવર્સને નામે અસલી-નકલીની સાવ ભેળસેળ થવાની છે!
અત્યારે ઇન્ટરનેટને કારણે મિત્રો, સ્વજનોના સંપર્કમાં રહેવું બહુ સરળ બની ગયું પણ ‘કોઈ પણ, કંઈ પણ લખી શકે, શેર કરી શકે’ એવી લોકશાહીને કારણે જોખમો વધી ગયાં. ‘જીવતા હાથી કરતાં મરેલો હાથી સવા લાખનો’ એમ આપણી એક્ટિવિટીને આધારે કમાણી કરતી સાઇટ્સને આપણે મગજ ચલાવવાનું બંધ કરી, તેનું કહ્યું કરીએ એમાં વધુ રસ છે. મની ગેમ્સ અને નકામા વીડિયો – આ બે વાઇરસ આપણાં બાળકો કે અન્યોને માંદા પાડે નહીં એ પણ જોવું જોઇશે.
કાળજીપૂર્વકનું શેરિંગ

ઇન્ટરનેટને કારણે આપણને વાસ્તવિક નુક્સાન થવાનું સૌથી મોટું જોખમ આપણી પોતાની બેકાળજીને કારણે હોય છે. જે મેસેજ સાચો હોવાની તમને પોતાને ખાતરી નથી એ બીજાને શેર શા માટે કરવો? એ મેસેજ લોકોને શિકાર બનાવવાનો ફંદો હશે તો ફસાશે તો આપણા જ કોઈ સ્વજનને?
ઇન્ટરનેટ પર કોઈ પણ બાબત પર આંધળો વિશ્વાસ મૂકશો નહીં, ક્યારેય નહીં.
આપણા મન પર આપણો કાબુ

ભારતમાં ખોટા મેસેજને કારણે ટોળાં હત્યાની હદે જઈ શકે છે. ફેસબુક, યુટ્યૂબ, ગૂગલ ન્યૂઝ વગેરે પર જેમાં રસ બતાવીએ, એ જ બાબતોનો સતત મારો થાય છે. આવો ઇરાદાપૂર્વકનો મારો તમે ટાળી ને ખાળી શકો છો? ચોક્સાઇપૂર્વક તમને ચોક્કસ દિશામાં દોરવવામાં આવે છે એ તમે પારખી શકો છો? શેરિંગ ને સર્ફિંગ મોજથી, પણ બુદ્ધિ તો આપણી જ રહેવી જોઈએ!
ગુમનામ પણ રહી શકાય

ઇન્ટરનેટ પર ‘કંઇક ન કરવા જેવું કરવા’ ઓળખ છુપાવવી પડે એવું નથી. આપણી જાસૂસી ન થાય એ માટે પણ વધુ પ્રાઇવેટ, વધુ સલામત બ્રાઉઝર્સ અને એપ્સનો ઉપયોગ કરી શકાય. જ્યાં શક્ય હોય એવી સાઇટ્સ પર તમારી ઓળખ છતી ન થાય એવા યૂઝરનેમ અને ઈ-મેઇલ એડ્રેસનો ઉપયોગ કરવાના અલગ ફાયદા છે – ફક્ત ટ્રોલિંગ માટે એ કામનું છે એવું નથી.
કેબીસીમાં અમિતજી કહેતા રહે છે કે ‘દેખો એક, દો, તીન… યે બટન દબાયે ઔર…’ બસ, આટલી વારમાં હવે રકમ આવે છે તેમ ચાલી પણ જાય છે! હેકર્સ માટે આ ઓછામાં ઓછા જોખમ ને ઓછામાં ઓછા રોકાણવાળો રોકડિયો ધંધો છે – મોટી જાળ પાથરો તો એક-બે માછલી તો ફસાવાની જ છે!
કોઈના કહેવાથી ફોનમાં રિમોટ એક્સેસ એપ ડાઉનલોડ ન કરાય, ઓનલાઇન શોપિંગ પછી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ઇન્ટરનેટ પર કસ્ટમર સપોર્ટ નંબર શોધવા ન જવાય, આપણે રકમ લેવાની હોય તો ઓટીપી આપવાનો ન હોય… આ બધી સાવ સામાન્ય બુદ્ધિની વાતો છે, આપણે સ્માર્ટ પણ છીએ, છતાં હેકરની વાતોથી ભોળવાઈ જઈએ છીએ! આ બધું શીખ્યા-સમજ્યા વિના હવે કોઈને ચાલે તેમ નથી.
મુખ્ય બે પ્રકારની ભૂલો

ઓનલાઇન ફ્રોડ મુખ્ય બે રીતે થાય છે – પેમેન્ટ લેવાનું હોય તોય ઓટીપી એન્ટર કરવામાં આવે અથવા કોઈના કહેવાથી ફોનમાં જોખમી એપ નાખી, તેના દ્વારા ઓટીપી જવા દેવાય. બંનેમાં હેકરની કરામત કરતાં, આપણી ભૂલ વધુ મોટી છે. સાદું વિચારો – દુકાનદાર દરેક પેમેન્ટ લેતી વખતે ઓટીપી આપવા બેસે તો ધંધો ક્યારે કરે?! સાદો નિયમ છે – પેમેન્ટ લેવાનું છે? ઓટીપી આપવાનો નથી.
ખોટી જગ્યાએ ખોટી વાત

લોકોની બીજી મુખ્ય ભૂલ – ઓનલાઇન શોપિંગ કર્યા પછી, કંઈ પ્રોબ્લેમ થાય તો કંપનીનો કસ્ટમર કેર નંબર ગૂગલ કરીને શોધે! ઇન્ટરનેટ પર બનાવટી બિઝનેસ વિગતો મૂકવી સહેલી છે. ઠગ લોકો આટલું કરી શાંતિથી, કોઈ માછલી સામેથી ફસાવા આવે તેની રાહ જોતા હોય છે. બેન્ક ખાતાની વિગતો અજાણી વ્યક્તિને આપો નહીં, બેન્ક ઓફિસરને પણ નહીં.
વિગતોની લ્હાણી ન કરશો

યુપીઆઇથી આગળ વધીને હવે તો ડિજિટલ રૂપીનો જમાનો આવી રહ્યો છે. આ બધી નવી રીતો સલામત છે જ, આપણે ઉપયોગમાં ભૂલ કરીએ છીએ. પેટ્રોલ પમ્પ પર, મોલમાં લકી ડ્રો માટે ફોન નંબર/ઈ-મેઇલ એડ્રેસ આપો કે ફોનમાં ઝાઝું તપાસ્યા વિના એપ નાખો એ બધું સરખું જ છે. ફોનમાંની કઈ એપને તમારા એસએમએસ વાંચવાની મંજૂરી આપી છે એ જરૂર તપાસો.
ઇન્ટરનેટ કે ટેક્નોલોજી આખરે છે શેને માટે? એનો લાભ લઈને આપણે પોતાનું કામકાજ ફટાફટ કરીએ, બિઝનેસ વિસ્તારીએ, પરિવાર સાથે મજા માટે વધુ સમય મેળવીએ તો તો ઠીક, પણ ઇન્ટરનેટથી આપણો સ્ટ્રેસ વધે, આંખો બગડે કે ગરદન-પીઠમાં કાયમી દુઃખાવો ઘર કરી જાય એ તો કેમ ચાલે?
સેફર – વધુ સલામત ઇન્ટરનેટની વાત કરીએ ત્યારે આ બધી બાબતો તરફ પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ. આજે લગભગ દરેક ઘરમાં સવાર-બપોર-સાંજ ને રાત સોફામાં વાંકો-ચૂંકો ગોઠવાઈને મોબાઇલમાં ગેમ કે ઓટીટી જોતો જણ કે જણી જોવા મળશે! આપણી અગાઉ જન્મી ચૂકેલા કોઈને મળી નહોતી એવી દુર્લભ ને શક્તિશાળી ભેટ આપણને મળી છે, એનો આવો દુરુપયોગ?!
ડિજિટલ વેલનેસ જાળવીએ

હવે સોશિયલ મીડિયાની કે અન્ય દરેક સારી એપ યૂઝરને તેના વધુ પડતા ઉપયોગ સામે ચેતવે છે કેમ કે ટેકનોલોજીએ આંગળી આપી તો આપણે સીધો હાથ જ પકડી લીધો છે!
દરેક એપના મર્યાદિત ઉપયોગના ફાયદા છે અને અતિરેકનાં દેખીતાં નુક્સાન છે. સંતુલન અનિવાર્ય છે. સવારના નાસ્તા વખતે, જમતી વખતે કે રાત્રે સૂતાં પહેલાં, થોડો સમય ફોનને પણ આરામ કરવા દઈએ!
બધું ગૂગલને ન પૂછાય

ડૉક્ટર્સને એક વાતે વાજબી અકળામણ થઈ રહી છે – ગૂગલ, યુટ્યૂબ કે વોટ્સએપ એમનાં હરીફ બની રહ્યાં છે! કોરોનાકાળમાં આપણે આનો સૌથી વધુ અનુભવ કરી લીધો. હવે મોટા ભાગના લોકો આવી ‘હેલ્થ ટીપ્સ’ને ગંભીરતાથી લેતા નથી છતાં, યુટ્યૂબ પર કોઈ પણ, કંઈ પણ કહે એ બિલકુલ સાચું માની લેનારા લોકો પણ છે. ગૂગલને ડૉક્ટર બનાવવા જેવું નથી.
ડેટા ઓર્ગેનાઇઝેશન

માનસિક શાંતિનો ડિજિટલ ડેટાના ઓર્ગેનાઇઝેશનનો સીધો સંબંધ છે. ઓફિસ કમ્પ્યૂટરમાં ડેસ્કટોપ ખીચોખીચ ફાઇલ્સ, ફોલ્ડર્સ શોર્ટકટ્સથી ભરાયેલ છે? મહત્ત્વની ફાઇલ્સ વારંવાર શોધવા જવું પડે છે? તમે દિવસની શરૂઆત ટુ-ડુ લિસ્ટ ચેક કરીને નથી કરતા? તમારા અત્યંત મહત્ત્વના ડેટાનો બેકઅપ નથી જળવાતો? તો તમે ચોક્કસ સ્ટ્રેસ નોંતરી રહ્યા છો!
