આગળ શું વાંચશે?
- પ્લે સ્ટોરની ફીમાં થોડી છૂટછાટ
- ભારતની ડિજિટલ કરન્સી આવી રહી છે
- પાર્કિન્સન્સ રોગની વહેલી પરખ
- ટ્રુકોલરની આઇફોન માટે નવી એપ
- નેશનલ રેસ્ટોરાં એસોસિએશનને ફૂડ ડિલિવરી એપ્સ સામે વાંધો
હાલમાં ગૂગલના પ્લેસ્ટોરમાં મૂકાયેલી એપ્સના ડેવલપર ડિજિટલ પ્રોડ્ક્ટ્સના સેલિંગ બાબતે ખાસ્સી તકલીફોનો સામનો કરી રહ્યા છે. આવી એપ્સના એપ ડેવલપર જ્યારે કોઈ પણ પ્રકારની ડિજિટલ પ્રોડક્ટનું વેચાણ કરે ત્યારે તેણે ફરજિયાતપણે ગૂગલની બિલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવો પડે છે. આ માટે ગૂગલ ૩૦ ટકા સુધીની ઊંચી ફી વસૂલ કરી શકે છે (એપલના એપ સ્ટોરમાં પણ આ જ સ્થિતિ છે). તેને બદલે જો ડેવલપર પોતાની વેબસાઇટ પરથી અન્ય કોઈ પણ પ્રકારના પેમેન્ટ ગેટવેની મદદથી પેમેન્ટ મેળવે તો તેને માંડ ૨ કે ૩ ટકા જેટલી ફી ચૂકવવાની હોય છે. ગૂગલ અને એપલની આ નીતિ સામે લાંબા સમયથી વિરોધ થઈ રહ્યો છે.

એ પછી ગૂગલે નિશ્ચિત પ્રકારના કન્ટેન્ટ માટે પોતાની ફી અડધી કરીને ૧૫ ટકા કરી છે. દરમિયાન હવે ગૂગલે ભારત સહિત કેટલાક દેશોમાં એપ્સ ડેવલપર્સને પોતાની એપમાં ગૂગલની પે સિસ્ટમ ઉપરાંત અન્ય પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવાની છૂટ આપવાનું પ્રાયોગિક ધોરણે શરૂ કર્યું છે.
અલબત્ત ડેવલપર્સનો તેનો ખાસ ફાયદો થાય તેમ નથી કારણ કે આવા કિસ્સામાં ડેવલપરે ગૂગલની ફી તો ભરવી પડશે, માત્ર તે ૪ ટકા ઓછી થશે. એની સામે બીજી પેમેન્ટ સિસ્ટમની ફી પણ ચૂકવવાની રહે. આથી ગણિત હરી ફરીને ૧૫ ટકા સુધીની ફી પર આવીને ઊભું રહે છે! ઉપરાંત ગૂગલે આવી છૂટછાટ માત્ર નોનગેમિંગ કન્ટેન્ટ આપતી એપ્સ માટે લાગુ કરી છે.
ગૂગલની ફી અન્ય પેમેન્ટ ગેટવે કરતાં ખાસ્સી ઊંચી હોવાને કારણે ડેવલપર્સ અને છેવટે સામાન્ય યૂઝર્સ માટે એપ દ્વારા ડિજિટલ કન્ટેન્ટની ખરીદી હજી પણ મોંઘી રહે છે!
ઘણા સમયથી એવી ચર્ચા ચાલે છે કે ક્રિપ્ટોકરન્સીનો સામનો કરવા ભારતમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) ડિજિટલ કરન્સી લાવશે. આ પ્રકારની કરન્સી ‘સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)’ તરીકે ઓળખાય છે અને તે વર્તમાન નાણાકીય વર્ષમાં જ લોન્ચ થઈ જાય તેવી શક્યતા છે.

હાલમાં આરબીઆઇએ આ બાબતે યુએસની એક ફાઇનાન્સ ટેક્નોલોજી કંપની તથા ભારતની ચાર અગ્રગણ્ય બેન્ક્સ સાથે આ બાબતે કન્સલ્ટેશન શરૂ કરી દીધું છે.
ક્રિપ્ટોકરન્સી પર કોઈ સરકારનો અંકુશ હોતો નથી પરંતુ સીબીડીસીમાં રિઝર્વ બેન્કનો અંકુશ રહેશે. આ કરન્સી ડિજિટલ ફોર્મેટમાં જ રહેશે પણ તેને ગમે ત્યારે પેપર કરન્સીમાં ફેરવી શકાશે, આથી તે કાયદેસરનું ચલણ ગણાશે.
આરબીઆઇ આ ડિજિટલ કરન્સી માટે બ્લોકચેઇન ટેકનોલોજીનો ઉપયોગ કરશે.
તમને પોતાને કે તમારા પરિવારના કોઇને પાર્કિન્સન્સનો રોગ હોય તો તમે જાણતા જ હશો કે આ રોગ આપણા રોજિંદા જીવન પર કેવી અસર કરી શકે છે. સમગ્ર વિશ્વમાં જેટલા પણ ન્યૂરોલોજિકલ રોગ છે તેમાં પાર્કિન્સન્સનું પ્રમાણ સૌથી વધુ ઝડપથી વધી રહ્યું છે.

આ રોગની મુશ્કેલી એ છે કે તેનું વહેલું નિદાન થઈ શકતું નથી. મોટા ભાગે આ રોગ શરીરમાં ઘર કરી જાય તેના લાંબા સમય પછી તેનાં લક્ષણો દેખાવાની શરૂઆત થાય છે. પરંતુ હવે અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી)ના સંશોધકોએ પાર્કિન્સન્સની વહેલી જાણ થઈ શકે તેવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત મોડેલ વિકસાવ્યું છે.
આ મોડેલ વ્યક્તિની શ્વાસોચ્છવાસની પેટર્નનો ડેટા એકઠો કરે છે અને તેના પરથી એ વ્યક્તિને પાર્કિન્સન્સ છે કે નહીં તે પારખી લે છે. આ માટે વ્યક્તિ જ્યારે ઊંઘમાં હોય ત્યારે, એક સાધનથી માત્ર રેડિયો વેવ્ઝની મદદથી કોન્ટેક્ટલેસ રીતે તેના શ્વાસોચ્છવાસનો ડેટો એકઠો કરવામાં આવે છે. આ મોડેલથી કોઈ વ્યક્તિના ફક્ત એક રાતમાં એકઠા કરેલા ડેટા પરથી ૯૦ ટકા ચોકસાઈથી તેનું નિદાન થઈ શક્યું.
હાલમાં આ મોડેલ પર અમેરિકામાં આગળ અભ્યાસ થઈ રહ્યો છે. પરંતુ તેનું સંશોધન ભારત અને અન્ય દેશોમાં પણ વિસ્તારવામાં આવે તેવી શક્યતા છે.
આપણા પર આવી રહેલ કોલ કરનાર વ્યક્તિ કોણ છે તે જાણવાની સગવડ આપતી ટ્રુકોલર એપ ભારતમાં જબરજસ્ત પોપ્યુલર છે. હમણાં કંપનીએ આઇફોન માટેની તેની એપ બિલકુલ નવેસરથી તૈયાર કરી છે.
કંપનીના દાવા મુજબ આ એપ અગાઉ કરતાં ઘણી વધુ લાઇટ, ફાસ્ટ અને એફિશિયન્ટ છે, ખાસ તો તે સ્પામ કોલ્સ અને સ્કેમ કોલ્સને અગાઉ કરતાં લગભગ દસ ગણી વધુ સારી રીતે ઓળખ કરી શકે છે!
આપણને સૌને સ્માર્ટફોનમાં ઝોમેટો કે સ્વીગી જેવી એપ પર ફૂડ ઓર્ડર કરવાની ટેવ પડી ગઈ છે, પરંતુ નેશનલ રેસ્ટોરાં એસોસિએશન ઓફ ઇન્ડિયાને લાગે છે કે આવી એપ્સના ડિસ્કાઉન્ટ પ્રોગ્રામ્સ રેસ્ટોરાં માટે લાભદાયી નથી.

આવા ડિસ્કાઉન્ટ પ્રોગ્રામમાં જોડાવાનો કસ્ટમરે કોઈ ચાર્જ ચૂકવવાનો હોતો નથી, પરંતુ રેસ્ટોરાંએ પોતાના મેનૂમાં ૧૫-૪૦ ટકા જેટલું ડિસ્કાઉન્ટ ઓફર કરવું પડે છે.
ઉપરાંત સામાન્ય પેમેન્ટ ગેટવેની સરખામણીમાં આવી એપ્સના પેમેન્ટ ગેટવેમાં પણ ઊંચી ફી ચૂકવવી પડે છે. અલબત્ત આ ઓનલાઇન બિઝનેસ જે રીતે ફેલાયો છે એ જોતાં એસોસિએશનની સલાહની ખાસ અસર થવાની શક્યતા નથી.


