આપણે સૌ ઇન્ટરનેટ પરની વિવિધ સર્વિસ, એપ્સ વગેરેનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ, પણ મોટા ભાગે તેની નાની-નાની વાતોની પૂરતી સમજ ન હોવાને કારણે ક્યારેક તકલીફમાં મૂકાઈએ છીએ.

જેમ કે, લગભગ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેના યૂઝર્સને પોતાનું એકાઉન્ટ વેિરફાય કરવાની સગવડ આપે છે. ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ (બિઝનેસ) વગેરેમાં એકાઉન્ટ જે તે પ્લેટફોર્મ દ્વારા વેરિફાય થયા પછી જે તે એકાઉન્ટ, તે વ્યક્તિનું અસલી એકાઉન્ટ હોવાનો દર્શાવતો એક બેજ જોવા મળે છે. જેમ કે ટ્વીટર પર અમિતાભ બચ્ચનના નામે ઢગલાબંધ એકાઉન્ટ હોઈ શકે છે, પણ એ બધાં એમણે પોતે ક્રિએટ કરેલાં ન હોય. આથી અસલી અમિતાભ બચ્ચન પોતાના એકાઉન્ટને ટ્વીટર પર વેરિફાય કરાવી માત્ર તેમનું એકાઉન્ટ ઓરિજિનલ હોવાનો ‘બેજ’ મેળવી શકે છે. જેથી અન્ય યૂઝરને ખાતરી થાય કે તેઓ અસલી અમિતાભ બચ્ચન સાથે જ ઇન્ટરએક્ટ કરી રહ્યા છે.
દેખીતું છે કે એકાઉન્ટનું આવું વેરિફિકેશન સૌ યૂઝર માટે એક સ્ટેટસ સિમ્બોલ બને. આ વાતનો હવે હેકર્સ ફાયદો ઉઠાવી રહ્યા છે!
જેમ કે ઇન્સ્ટાગ્રામ પર હમણાં એકાઉન્ટ વેરિફાય કરાવવાને નામે એક સ્કેમ ચાલી રહ્યું છે. આ સ્કેમ કંઈક આ રીતે થાય છે….
ઇન્સ્ટાગ્રામના સામાન્ય યૂઝરને એક ઇ-મેઇલ આવે છે. તેની સબ્જેક્ટ લાઇનમાં ig bluebadge info લખેલું હોય છે. અને તે ig-badges તરફથી આવ્યો હોવાનું જણાવવામાં આવે છે.
આ ઇ-મેઇલમાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના લોગો પણ ડિસ્પ્લે કરવામાં આવે છે, આથી સામાન્ય યૂઝર્સ આ ઓફિશિયલ મેઇલ હોવાનું માની બેસે છે (ખાસ યાદ રાખશો કે ઇન્ટરનેટ પર આવી બનાવટ કરવી બહુ સહેલી છે. કોઈ કંપનીની વેબસાઇટમાં બીજી કોઈ પણ વ્યક્તિ સહેલાઈથી ચેડાં કરી શકે નહીં, પરંતુ ઇ-મેઇલ, ગૂગલ ફોર્મ, સોશિયલ મીડિયા પર મેસેજ વગેરેમાં અસલી-નકલીની રમત બહુ સહેલી છે).
તો, ઇન્સ્ટાગ્રામના યૂઝરને મોકલાયેલા આ ઇ-મેઇલમાં કહેવામાં આવે છે કે ઇન્સ્ટાગ્રામ દ્વારા તેમના યૂઝર પ્રોફાઇલનો રિવ્યૂ કરવામાં આવ્યો છે અને તેને વેરિફિકેશન માટે પસંદ કરવામાં આવે છે. તેની સાથે ઇમેઇલમાં ‘બેજ ફોર્મ’નું એક બટન આપવામાં આવેલું હોય છે અને તેને ક્લિક કરીને એકાઉન્ટની વિગતો આપવાનું કહેવામાં આવે છે.કહેવાની જરૂર ખરી કે આ બટનની લિંક બિલકુલ બનાવટી પેજ પર પહોંચાડે છે?
ઇમેઇલ સાચો માની બેઠેલી વ્યક્તિ અહીં પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની બધી વિગતો આપી બેસે છે. તમને આવો ઇમેઇલ આવે તો તરત ચેતી જજો!
સોશિયલ મીડિયા પર આપણું એકાઉન્ટ હેક કરવા માટે આવી જુદી જુદી ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. સતર્ક અને સાવચેત રહેવામાં જ સલામતી છે.

