આખરે આપણા દેશમાં પણ ઇન્ટરનેટ, ટીવી અને મોબાઇલ નેટવર્કની જબરી ભેળસેળ થઈ ગઈ છે અને એટલે જ આપણને એક શબ્દ વધુમાં વધુ સંભળાઈ રહ્યો છે – બેન્ડવિડ્થ.
બેન્ડવિડ્થનો અર્થ વિશાળ છે. બે વ્યક્તિ વચ્ચે મનમેળ ન હોય તો પણ આપણે કહેતા હોઇએ છીએ કે બંનેની બેન્ડવિડ્થ મળતી નથી! વાસ્તવમાં ડિક્શનરીમાં પણ બેન્ડવિડ્થનો એક અર્થ એવો જ આપેલો છે કે બેન્ડવિડ્થ એટલે કોઈ સ્થિતિને સંભાળવા માટે જોઇતી ઊર્જા કે માનસિક ક્ષમતા! જોકે આપણે તો તેના ટેકનોલોજી સંબંધિત અર્થ સાથે પનારો છે.
ઇન્ટરનેટના સંદર્ભમાં બેન્ડવિડ્થ એટલે નિશ્ચિત સમયગાળામાં, કોઈ નિશ્ચિત માધ્યમમાંથી, નિશ્ચિત પ્રમાણમાં ડેટા કે ઇન્ફર્મેશનને ટ્રાન્સમિટ કરવાની ક્ષમતા.
સામાન્ય રીતે ઇન્ટરનેટના સંદર્ભમાં આપણે બેન્ડવિડ્થને સ્પીડ ગણી લેવાની ભૂલ કરીએ છીએ પણ તે આપણા ઇન્ટરનેટ કનેકશનની વાસ્તવિક સ્પીડ દર્શાવતી નથી. બેન્ડવિડ્થ માત્ર એટલું દર્શાવે છે કે આપણો કેબલ વધુમાં વધુ કેટલો ડેટા ટ્રાન્સમિટ કરી શકે છે. આપણા ઇન્ટરનેટ કનેકશનની સ્પીડ દરેક ક્ષણે બદલાતી રહે છે તેનું કારણ એ છે કે મૂળ બેન્ડવિડ્થ પોતે બદલાતી નથી પરંતુ ઉપયોગની સ્થિતિ કે ઉપયોગ કરનારા યૂઝર્સ બદલાતા રહે છે.
બેન્ડવિડ્થનો પહેલો આધાર કેબલના પ્રકાર પર છે. આપણી કંપનીનું નેટવર્ક ફાઇબર ઓપ્ટિક્સનું બની ગયું હોય પરંતુ છેવટે, છેક આપણા ઘરના રાઉટર કે પીસી સુધી થોડા પ્રમાણમાં કોપરના કેબલનો ઉપયોગ થતો હોય તો આપણા ઇન્ટરનેટની સ્પીડ ઘટી જાય છે. આપણા ઇન્ટરનેટ નેટવર્કમાં વધુ ને વધુ લોકો જોડાતા જાય તેમ તેમ દરેકને મળતી સ્પીડ ઘટતી જાય છે કારણ કે નેટવર્કની મૂળ બેન્ડવિડ્થ નિશ્ચિત હોવા છતાં, તેમાંથી વહેતા ડેટાનો ઉપયોગ કરનારા વધવાથી દરેકને ભાગે મળતી સ્પીડ ઘટવા લાગે છે.
જ્યારે ‘ડાયલ અપ’ કનેકશનનો જમાનો હતો ત્યારે ફોન લાઇન મારફતે જ ઇન્ટરનેટનો ડેટા પણ વહેતો હતો. એટલે જ્યારે આપણે પીસીમાં ઇન્ટરનેટ ચાલુ કરીએ ત્યારે ફોનનો ઉપયોગ થઈ શકતો નહોતો. સમય સાથે ટેકનોલોજી બદલાઈ ને એક જ કેબલમાં બે પ્રકારના ડેટાનું વહન શક્ય બન્યું અને એ સાથે નેટવર્કની બેન્ડવિડ્થ પણ વધતી ગઈ. એ જ કારણે વીડિયો અને મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસિસ પણ શક્ય બની કારણ કે તેમાં ઘણા વધુ પ્રમાણમાં ડેટાનું વહન કરવાની ક્ષમતા જરૂરી હતી.
ભારતમાં બેન્ડવિડ્થ અને ઇન્ટરનેટ સ્પીડ વચ્ચેનો તફાવત આપણે રોજેરોજ અનુભવીએ છીએ. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કે મોબાઇલ કનેકશન આપતી કંપની નોંધપાત્ર બેન્ડવિડ્થના પ્રોમિસ સાથે જુદા જુદા પ્લાન વેચે છે ને પછી આપણે નિશ્ચિત પ્રમાણમાં ડેટાનો ઉપયોગ કરી લઇએ એ પછી કંપની કનેકશનની સ્પીડ ઘટાડી નાખે છે. આને ‘બેન્ડવિડ્થ થ્રોટલિંગ’ કહે છે. અર્થ એ થયો કે નેટવર્કની બેન્ડવિડ્થ તો ઘટતી નથી, માત્ર નિશ્ચિત નંબર કે આઇપી એડ્રેસ પર જઈ શકતા ડેટાનું પ્રમાણ કંપની ઘટાડી દે છે.
