બીજી ઘણી બધી બાબતોની જેમ, દુનિયાના નક્શાની દુનિયામાં પણ જબરી ડિજિટલ ક્રાંતિ આવી ગઈ છે! વિશ્વના અજાણ્યા ખૂણાઓની શોધમાં નીકળી પડતા પ્રવાસી માર્ગદર્શન માટે કાગળ પર ચીતરાયેલા નક્શા વાપરતા, ત્યાંથી આગળ વધી ડિજિટલ મેપિંગની દુનિયા હવે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) અને ૩઼ડી સ્કેનિંગ અને ૩ડી કન્સ્ટ્રક્શન જેવી ટેક્નોલોજીની મદદથી ગજબની વિસ્તરી છે.

આ યાત્રામાં નવો ચીલો ચાતરે છે સ્ટ્રીટ વ્યૂ. ગૂગલે ફેબ્રુઆરી ૨૦૦૫માં ડિજિટલ મેપ્સ સર્વિસ લોન્ચ કરી, તેના બે વર્ષ પછી મેપ્સમાં જ સ્ટ્રીટ વ્યૂ નામે એક નવું ફીચર પણ ઉમેર્યું. સ્ક્રીન પર ડિજિટલ મેપ જોતી વખતે નીચે જમણા ખૂણે એક નાનકડા માણસનો આઇકન જોવા મળે, તેને ક્લિક કરતાં, આપણે જે સ્થળનો મેપ જોઈ રહ્યા હોઈએ ત્યાંનો સ્ટ્રીટ વ્યૂ હોય તે ભાગ બ્લુ બને અને આપણે ત્યાંથી એ સ્થળે કંઈક અંશે રૂબરૂ પહોંચ્યા જેવો અનુભવ કરી શકીએ.
ગૂગલે દુનિયાનાં વિવિધ સ્થળોના સ્ટ્રીટ વ્યૂ તૈયાર કરવા માટે ખાસ પ્રકરાના કેમેરા ફિટ કરેલાં વાહનોનો આખો કાફલો કામે લગાડ્યો. નાની ગલીઓમાં આ વાહન પહોંચી ન શકે ત્યાં રીક્ષા જેવાં વાહનો ફરતાં થયાં અને ડુંગરોની ધાર જેવાં સ્થળો માટે લોકો પોતાના ખભા કેમેરા લઈને ફરતા થયા.

ભારતમાં પણ સ્ટ્રીટ વ્યૂ કેપ્ચર કરવાની શરૂઆત થઈ હતી, પછી સલામતીના મુદ્દે આખી વાત ઘોંચમાં પડી ગઈ. હવે સરકારની નીતિ કંઈક અંશે બદલાતાં ભારતમાં ફરી સ્ટ્રીટ વ્યૂનું આગમન થયું છે.
તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે દુનિયાનાં વિવિધ શહેરો ઉપરાંત જ્વાળામુખીનાં મુખ જેવાં દુર્ગમ સ્થળો અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના પણ સ્ટ્રીટ વ્યૂ તૈયાર થયા છે! જર્મનીના એક શહેરમાં એક અદભુત મિનિએચર વર્લ્ડ તૈયાર થયું છે, તેના સ્ટ્રીટ વ્યૂ (અને યુટ્યૂબ પર વીડિયો પણ) શોધી જોશો તો મજા પડશે!
ભારતમાં ગૂગલનો સ્ટ્રીટ વ્યૂ પ્રોજેક્ટ એકાદ દાયકાથી ખોરંભે હતો, પણ વિશ્વમાં અન્ય સ્થળોએ આ પ્રોજેક્ટ જબરો આગળ વધી ગયો છે. ગૂગલે આ પ્રોજેક્ટને બિઝનેસ પણ બનાવ્યો છે, એટલે ગૂગલ કંપની પોતે જુદાં જુદાં શહેરોના ખૂણે ખૂણાના સ્ટ્રીટ વ્યૂ બનાવે એ ઉપરાંત હોટેલ, રેસ્ટોરાં, રીટેઇલ શોરૂમ્સ, રીયલ એસ્ટેટ ડેવલવર્સ વગેરે પણ પોતાના બિઝનેસને સંબંધિત સ્ટ્રીટ વ્યૂ વિક્સાવે છે.

ઉપરનો સ્ક્રીનશોટ ગૂગલ મેપ્સમાં પેરિસના એફિલ ટાવર વિસ્તારનો સાદો વ્યૂ છે, જ્યારે નીચે એ વિસ્તારમાં ક્યાં ક્યાં સ્ટ્રીટ વ્યૂ ઉપલબ્ધ છે એ બ્લુ કલરથી દેખાઈ આવે છે! આવું હવે ભારતનાં શહેરોમાં પણ થઈ રહ્યું છે.
વર્ષ ૨૦૦૭માં ગૂગલે આખી દુનિયાનો ૩૬૦ ડિગ્રીનો મેપ બનાવવાનો તુક્કો અમલમાં મુક્યો અ વાતને ૧૫ વર્ષ વીતી ગયાં છે. અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટ હેઠળ ૨૨૦ અબજ ઇમેજ કેપ્ચર કરાઈ છે અને ૧૦૦થી વધુ દેશમાં એક કરોડ માઇલ્સના સ્ટ્રીટ વ્યૂ કેપ્ચર થયા છે – ભારત (અને ઘણે અંશે જર્મની પણ) એમાંથી બાકાત હતું!

ભારતમાં સ્ટ્રીટ વ્યૂની શરૂઆત થઈ હતી, પણ પછી ભારતમાંથી આ ફીચર પાછું ખેંચાયું.
જુદાં જુદાં શહેરોના સ્ટ્રીટ વ્યૂ તૈયાર કરવા માટે ગૂગલે છત પર ખાસ પ્રકારના કેમેરા ગોઠવેલાં વાહનોનો મોટો કાફલો તૈયાર કર્યો છે. આ વાહનો શહેરોના ખૂણેખૂણામાં ફરીને તેની ફોટોગ્રાફી કરે છે અને પછી એ તમામ ફોટોગ્રાફને ડિજિટલી એકમેક સાથે જોડીને તેમાંથી બધા વિસ્તારોના ૩૬૦ ડિગ્રી પેનોરમિક વ્યૂ તૈયાર કરવામાં આવે છે.
બન્યું એવું કે ૨૦૧૧માં ભારતના બેંગલુરુ શહેરમાં સ્ટ્રીટ વ્યૂ ફીચર માટે ઇમેજ કેપ્ચર કરી રહેલાં ગૂગલના વાહનોને શહેર પોલીસે અટકાવ્યાં. એ સમયે જાહેર સ્થળોની આ પ્રકારે ફોટોગ્રાફી કરવા વિશે કોઈ સ્પષ્ટ નીતિ તો નહોતી પરંતુ આ બાબતે ભારતમાં કાનૂની અડચણ ઊભી થશે એવું લાગતાં ગૂગલે ભારતમાં સ્ટ્રીટ વ્યૂ ફીચર માટે ઇમેજિસ કેપ્ચર કરવાનો પ્રોગ્રામ સમેટી લીધો.
એ પછી પણ આ વિશે કાયદાકીય સ્પષ્ટતા નહોતી, પરંતુ ‘વોનોબો’ અને ‘મેપમાયઇન્ડિયા’ જેવી ભારતીય કંપનીઓએ ગૂગલ જેવા સ્ટ્રીટ વ્યૂ જેવા પ્રોજેક્ટ હાથ ધર્યા પરંતુ તેનો વ્યાપક ઉપયોગ થયો નહીં.

ગયા વર્ષે, ૨૦૨૧માં ચિત્ર બદલાયું. ભારતમાં નેશનલ જિઓસ્પેસિયલ પોલિસી તૈયાર થઈ. તેમાં ભારતની સ્થાનિક કંપનીઓને ભારતનાં વિવિધ સ્થળોના મેપ્સ સંબંધિત ડેટા કલેક્ટ કરવાની છૂટ આપવામાં આવી. તેમ જ તેનો ઉપયોગ કરવા માટેનાં લાયસન્સ વિદેશની કંપનીઓને પણ આપવાની છૂટ આપી દેવામાં આવી.
આ કારણે ગૂગલને ભારતમાં ફરી સ્ટ્રીટ વ્યૂ શરૂ કરવાનો રસ્તો મળી ગયો.
ગૂગલે ભારતમાં ટેક મહિન્દ્રા તથા મુંબઈની જિનેસિસ ઇન્ટરનેશનલ નામની કંપની સાથે જોડાણ કર્યું છે. આ બંને ભારતીય કંપનીએ શરૂઆતમાં ભારતનાં ૧૦ શહેરોની ઇમેજિસ કેપ્ચર કરી. તેની માલિકી આ ભારતીય કંપનીઓની જ રહેશે. પરંતુ તેમના લાયસન્સ હેઠળ ગૂગલ તેનો ઉપયોગ કરી શકશે. હવે શહેરોની આ યાદી ખાસ્સી વિસ્તરી રહી છે. આ વર્ષના અંત સુધીમાં ભારતનાં ઓછામાં ઓછાં ૫૦ શહેરોમાં સ્ટ્રીટ વ્યૂ સર્વિસ લોન્ચ થઈ જાય તેવી શક્યતા છે. ભારતમાં સંવેદનશીલ સરકારી ઇમારતો તથા સંરક્ષણ સંબંધિત વિસ્તારોના સ્ટ્રીટ વ્યૂ ઓફર કરી શકાશે નહીં.
તમે મેપ એપ ઓપન કરી, તેમાં ‘લેયર્સ’માં સ્ટ્રીટ વ્યૂ ઉમેરી શકો છો.
આ પણ જાણી લો…
ગૂગલ મેપ્સમાં અમુક વિસ્તારોની એરિયલ કે સેટલાઇટ ઇમેજીસ સામાન્ય રીતે દર બે અઠવાડિયે અપડેટ થાય છે. સ્ટ્રીટ વ્યૂ ઇમેજીસ જેવી મળે કે તરત અપડેટ થાય છે. આમ છતાં, ઓછી વસતીવાળા ભાગોની ઇમેજીસ ખાસ્સી જૂની હોય એવું બની શકે છે.
સ્ટ્રીટ વ્યૂમાં ઘણી વાર વાંધાજનક ઇમેજિસ પણ કેપ્ચર થઈ જાય છે. ગૂગલ મેપમાં ‘રીપોર્ટ એ પ્રોબ્લેમ’ની એક વ્યવસ્થા છે, જેનાથી ગૂગલ સ્ટ્રીટ વ્યૂનો ઉપયોગ કરતા લોકો પોતે જે તે ઇમેજિસ વાંધાજનક હોવાનું કહી શકે છે. ગૂગલની ટીમ આવી ઇમેજ તપાસી તેને દૂર કરવા જેવાં યોગ્ય પગલાં લે છે.
સ્ટ્રીટ વ્યૂમાં જુદાં જુદાં સ્થળે રસ્તે જતા લોકો, કાર વગેરે પણ કેપ્ચર થાય છે. તેમની પ્રાઇવસી માટે દરેક વ્યક્તિનો ચહેરો અને કારની નંબર પ્લેટ ધૂંધળી કરી નાખવામાં આવે છે.
સ્ટ્રીટ વ્યૂમાં માત્ર જાહેર રસ્તાઓ કે જેમની સાથે ગૂગલે જોડાણ કર્યું હોય તે ખાનગી વિસ્તારો જ જોઈ શકાય છે, પણ એ સાથે અમુક બિલ્ડિંગની અંદરના ભાગ પણ જોઈ શકાય છે.
નીચેના સ્ક્રીનશોટ્સ જુઓ. સ્થળ જાણીતાં, પણ ફોટોની રીત અજાણી લાગે છે? આ ત્રણેય ફોટો અનુક્રમે અમદાવાદની સીદી સૈયદની જાળી ધરાવતી મસ્જીદ, રાજકોટના રામકૃષ્ણ આશ્રમ અને જૂનાગઢના મકબરાની છે!

ગૂગલની સ્ટ્રીટ વ્યૂ એપ ઇન્સ્ટોલ કરી, આ શહેરો સર્ચ કરો તો આ સ્થળો ઉપરાંત બીજાં કેટલાંક સ્થળોના અનોખા સ્ટ્રીટ વ્યૂ જોવા મળશે. વાસ્તવમાં, આ મારા-તમારા જેવા યૂઝર્સે પોતાના ફોનથી આ સ્થળોએ ‘જરા જુદી રીતે’ લીધેલા ફોટોગ્રાફ એકમેક સાથે જોડીને આ ‘સ્ટ્રીટ વ્યૂ’ બનાવવામાં આવે છે (જે ખરેખર ‘ફોટોસ્ફીયર’ છે, પણ સ્ટ્રીટ વ્યૂ એપમાં એને પણ સામેલ કરવામાં આવેલ છે.

ગૂગલ મેપ્સમાં ભારત સહિત વિશ્વનાં અનેક સ્થળોના આવા સ્ટ્રીટ વ્યૂ જોઈ શકાય છે.
તમે પણ તમારા સ્માર્ટફોનમાં Google Street View એપ ઇન્સ્ટોલ કરી, તમને ગમતાં સ્થળોના આ પ્રકારના વ્યૂ બનાવી શકો છો!

યૂઝર દ્વારા તૈયાર કરવામાં આવતા આ વ્યૂ કરતાં, ગૂગલ કંપની પોતે જે સ્ટ્રીટ વ્યૂ તૈયાર કરે છે તે બહુ જુદા છે. ભારતમાં હવે જેનું આગમન થયું છે તે ગૂગલના પોતાના સ્ટ્રીટ વ્યૂ છે.

