આવી સ્થિતિનાં જુદાં જુદાં ઘણાં કારણ હોઈ શકે છે. આપણે બિલકુલ દેખીતા કારણથી શરૂઆત કરીને એક પછી એક કારણ અને તેના ઉપાય જાણીએ.
ઇન્ટરનેટ કનેકશન તપાસો
ફોનમાં કોઈ એપ ન ચાલવાનું સૌથી સાદું કારણ. આથી પહેલાં એ તપાસો કે ફોનમાં ઇન્ટરનેટ કનેકશન તો બરાબર મળે છે ને? કંઈક ખામી સર્જાઈ હોય તો તેને દૂર કરવા માટે ફોનને એરપ્લેન મોડમાં મૂકો. આથી ફોનની તમામ પ્રકારની કનેક્ટિવિટી બંધ થશે. થોડી વાર રાહ જોયા પછી એરપ્લેન મોડ ઓફ કરો. ફોનની બધી કનેક્ટિવિટી ફરી ચાલુ થશે. ફોનના ઇન્ટરનેટ કનેકશનમાં કોઈ કામચલાઉ ખામી સર્જાઈ હશે તો તે દૂર થઈ હશે અને નેટ કનેકશન ફરી ચાલુ થઈ જશે. હવે પેલી એપ ચાલુ થવી જોઈએ. એરપ્લેન મોડથી કામ ન પતે તો ફોનને પૂરેપૂરો રીસ્ટાર્ટ પણ કરી શકાય.
એપ પોતે ડાઉન છે?
એવું બની શકે કે આપણા ફોનના કનેકશનમાં કોઈ પ્રોબ્લેમ ન હોય પરંતુ એપમાં જ કંઈ ખામી સર્જાઈ હોય અને તે કામચલાઉ ડાઉન હોય. ઇન્ટરનેટ આધારિત દરેક એપ ક્લાઉડ પરના સર્વરમાંથી ડેટા મેળવતી હોય છે. આથી તેના સર્વરમાં કંઈ ખામી સર્જાઈ હોય તો પણ આપણા ફોનમાં એપ ચાલુ ન થાય એવું બની શકે છે. આ શક્યતા તપાસવા માટે તમારા બીજા કોઈ ડિવાઇસમાં એ જ એપ ઇન્સ્ટોલ કરીને પ્રયાસ કરી જુઓ. આથી સ્પષ્ટપણે ખબર પડશે કે તકલીફ આપણા ફોનમાં છે કે એ એપમાં.
એપ રીસ્ટાર્ટ કરી જુઓ
ક્યારેક એવું બની કે કે એપ ઓપન થતી હોય પરંતુ ત્યાર પછી તેમાં આગળ વધી શકાતું ન હોય કે નવું કન્ટેન્ટ જોઈ શકાતું ન હોય. આવી તકલીફ દૂર કરવા માટે એપને રીસ્ટાર્ટ કરી શકાય. જો એપમાં લોગઇન થયા પછી જ તેમાંનું કન્ટેન્ટ જોઈ શકાતું હોય તો તેમાંથી લોગઆઉટ થઈને પછી ફરી લોગઇન થવાનો પ્રયાસ કરી શકાય.
એપનો કેશ અને ડેટા દૂર કરવો
ઇન્ટરનેટ આધારિત દરેક એપનો આપણે સ્માર્ટફોનમાં ઉપયોગ કરીએ ત્યારે તેમાંનો ડેટા વધુ સહેલાઈથી અને ઝડપથી જોઈ શકાય એ માટે કેટલોક ડેટા સ્માર્ટફોનમાં ડાઉનલોડ થતો હોય છે. તેમાં કંઈક ખામી સર્જાવાથી પણ એપ બરોબર કામ ન આપે એવું બની શકે. આ શક્યતા દૂર કરવા માટે સ્માર્ટફોનના સેટિંગ્સમાં એપ્સમાં જાઓ અને તેમાં તમને પજવતી એપ ઓપન કરો. તેમાં ક્લિયર કેશ અને ક્લિયર ડેટાના વિકલ્પ જોવા મળશે. આ બધો ડેટા ક્લિયર કરવાથી એપ રાબેતા મુજબ ફરી કામ કરવા લાગે તેવું બની શકે છે. તમારો ડેટા ઇન્ટરનેટ સાથે સિન્ક્ડ રહેતો હશે તો આ રીતે ડિલીટ કરેલો બધો ડેટા ફરી સ્માર્ટફોનમાં આવી જશે એટલે એ ચિંતા રાખવાની જરૂર નથી.
એપ રીઇન્સ્ટોલ કરવી
ઉપરના બધા પ્રયાસો અજમાવી જોયા પછી પણ એપ ધાર્યું કામ ન આપતી હોય તો તેને અનઇન્સ્ટોલ કરીને ફરી ઇન્સ્ટોલ કરવી એ એક જ ઉપાય રહે છે. ઉપર આપેલા બધા ઉપાયોની કસરત ન કરવી હોય તો ધાર્યું કામ ન આપતી એપને ફરી કામ કરતી કરવા માટે સીધો આ ઉપાય પણ અજમાવી શકાય!

