(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • ‘સાદા’ કોચિંગ ક્લાસ અને ઓનલાઇન એપ્સ આમનેસામને
  • હવે પ્રિન્ટ આઉટ પર ઓનલાઇન ઓર્ડર કરી શકાશે
  • નેટફ્લિક્સ પાસવર્ડ શેરિંગના રૂપિયા લેવાની વેતરણમાં
  • સેમસંગ ફોન્સમાં ઉપયોગી રીપેરિંગ મોડ

થોડા સમય પહેલાં કરિયાણા કે સ્ટેશનરીના નાના દુકાનદારોને ડર હતો કે તેમના ગ્રાહકો મોટા મોટા મોલમાં ખેંચાઈ રહ્યા છે. એ પછી નાના મોટા રિટેલર્સ અને મોલ એક તરફ આવી ગયા અને તેમને ઓનલાઇન શોપિંગ સાઇટ્સ તરફથી તીવ્ર સ્પર્ધાનો સામનો કરવાનો સમય આવ્યો.

આવું જ હવે ટ્યૂશન ક્લાસીસ અને વિરાટ એજ્યુકેશનલ પ્લેટફોર્મ્સ વચ્ચે થઈ રહ્યું છે. આપણે જાણીએ છીએ કે રાજસ્થાનનું કોટા શહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ ક્લાસ માટે દેશભરમાં કેપિટલ તરીકે જાણીતું છે. થોડા સમય પહેલાં એવું બન્યું કે એક મોટા ઓનલાઇન એજ્યુકેશનલ પ્લેટફોર્મે કોટા શહેરમાં જાહેરાતોનાં હોર્ડિંગ મૂક્યાં અને વિદ્યાર્થીઓને કોચિંગ ક્લાસની ફીમાં ૯૫ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી!

શરત એટલી હતી કે જે વિદ્યાર્થીઓ કોઈને કોઈ વાસ્તવિક ટ્યૂશન ક્લાસમાં જોડાયેલા હોય માત્ર તેમને જ આ ડિસ્કાઉન્ટનો લાભ મળી શકે. આનો અર્થ એ થયો કે જેઈઈ કે નીટ જેવી પરીક્ષાની તૈયારી માટે કોઈ સ્ટુડન્ટે રોજિંદા ટ્યૂશન ક્લાસમાં જોડાઈને એક લાખ રૂપિયા કે તેથી વધુ ફી ભરી હોય, તે આ ટ્યૂશન ક્લાસમાંથી પોતાની ફી પરત માગીને વર્ચ્યુઅલ ટ્યૂશન ક્લાસમાં જોડાઈ જાય તો તેને માત્ર પાંચ હજાર રૂપિયા જેટલી ફી ભરવાની થાય.

ઘણા ખરા રોજિંદા ટ્યૂશન ક્લાસીસ હપ્તામાં ફી ભરવાની સગવડ આપતા હોવાથી કદાચ તે છૂટા થવા માગતા વિદ્યાર્થીએ ભરેલી ફી પરત ન કરે તોય વિદ્યાર્થીને ટ્યૂશન બદલવાનું બહુ મોંઘું પડે નહીં.

સ્કીમ માત્ર થોડા સમય માટે હતી. પરંતુ કોટામાં હોબાળો મચ્યો. વિદ્યાર્થીઓ ઉપરાંત ટીચર્સ પણ વધુ પગાર અને સગવડથી લલચાઈ સામાન્ય ટ્યૂશન ક્લાસ છોડીને વર્ચ્યુઅલ ક્લાસમાં જોડાઈ રહ્યા છે. આ કારણે દેશભરના રોજિંદા ટ્યૂશન ક્લાસના સંચાલકો વર્ચ્યુઅલ પ્લેટફોર્મ સામે અકળાયા છે. તેમનું એસોસિએશન વર્ચ્યુઅલ કોચિંગ પ્લેટફોર્મ્સની નીતિ રીતિઓ તથા ફીમાં ‘‘વધુ પડતું ડિસ્કાઉન્ટ ઓફર’’ કરવા જેવી મોનોપોલી સર્જતી તરકીબો સામે અવાજ ઉઠાવવાનું વિચારી રહ્યું છે. કોચિંગ ક્લાસિસનું એસોસિએશન આ બાબતે વડાપ્રધાનના મંત્રાલયને એક પત્ર લખે તથા કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાનો પણ સંપર્ક કરે તેવી શક્યતા છે.

સ્કૂલમાં હવે પ્રોજેક્ટ એસાઇન્ટમેન્ટ્સ મોટા ભાગે એવાં હોય છે, જેમાં વિદ્યાર્થીએ કાગળમાં હાથે લખવું પડે, તેની સાથે ઇમેજની પ્રિન્ટ આઉટ્સ મૂકવી પડે અને પછી બધું સ્પાઇરલ બાઇન્ડ કરાવી, સ્કૂલમાં સબમિટ કરવાનું થાય. મોટા ભાગે વિદ્યાર્થીઓ મોડી સાંજે ધડાકો કરે કે તેમણે પ્રિન્ટ કઢાવવાની છે અને મા-બાપને દોડાદોડી થઈ પડે.

હવે આનો ઉપાય પણ એક એપ આપી રહી છે. શહેરોમાં ઓર્ડર આપ્યાની દસ મિિનટમાં કે અડધા કલાકમાં ઓર્ડર મુજબ કરિયાણાની ડિલિવરી કરતી એપ્સ વધી રહી છે. આવી એક એપ બ્લિન્કઇટ (હવે જેની માલિક ફૂડ ડિલિવરી કરતી ઝોમેટો એપ છે) પ્રિન્ટઆઉટ માટે પણ ઓનલાઇન ઓર્ડર આપવાની સગવડ આપી રહી છે. આપણે એપમાં ડોક્યુમેન્ટ અપલોડ કરીશું એટલે કંપની પ્રિન્ટ કાઢી ઘરે પહોંચાડી આપશે. જોકે આ સર્વિસ ખાસ્સી મોંઘી છે – ગ્રેસ્કેલ પ્રિન્ટના એક પેજના ૯ રૂપિયા, કલર પ્રિન્ટના એક પેજના ૧૯ રૂપિયા વત્તા ઓછામાં ઓછો ૨૫ રૂપિયાનો ડિલિવરી ચાર્જ! છતાં મજબૂર માબાપ આ સર્વિસનો લાભ લેશે પણ ખરા!

આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ બિઝનેસની દૃષ્ટિએ ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે.

શરૂઆતમાં પોતાની સર્વિસને પોપ્યુલર બનાવવા માટે કંપનીએ પાસવર્ડ શેરિંગ બાબતે ખાસ્સું ઉદાર વલણ અપનાવ્યું હતું. આ કારણે કોઈ એક વ્યક્તિ નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન ભરે અને પછી પોતાના પાસવર્ડની લ્હાણી કરે તો બીજા લોકો મફતમાં નેટફ્લિક્સનો લાભ લઈ શકતા હતા.

હવે કંપનીએ આ બાબતે થોડું કડક વલણ અપનાવ્યું છે. આ માટે કંપની હવે કેટલાક દેશોમાં ‘એડ એ હોમ’ નામે એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. જે મુજબ, નેટફ્લિક્સમાં એકાઉન્ટ ધરાવતી વ્યક્તિ પોતાના જ ઘરના સભ્યો સિવાય અન્ય લોકોને પાસવર્ડ શેર કરવા ઇચ્છે તો તેની વધારાની ફી ચૂકવીને એમ કરી શકાશે. નેટફ્લિક્સની મેમ્બરશીપના પ્લાન અનુસાર, એક એકાઉન્ટ હેઠળ કેટલાં વધારાનાં ‘હોમ’ ઉમેરી શકાય તેની મર્યાદા રહેશે.

આ ઉપરાંત કંપની હજી એક નવો પ્લાન લાવી રહી છે. અન્ય ઘણા ઓટીટી પ્લેટફોર્મની જેમ નેટફ્લિક્સના આ પ્લાનમાં સબસ્ક્રિપ્શન તો લેવું પડશે પરંતુ તે એડવર્ટાઇઝમેન્ટ સપોર્ટેડ હોવાથી એડ્ઝ ફ્રી પ્લાનની સરખામણીમાં તેમાં ઓછી રકમ ચૂકવવાની રહેશે. નેટફ્લિક્સ આવા એડ સપોર્ટેડ પ્લાન માટે માઇક્રોસોફ્ટ સાથે જોડાણ કરી રહી છે.  નેટફ્લિક્સનો આ નવો પ્લાન ક્યારે લોન્ચ થશે અને તેની કેટલી કિંમત રહેશે એ વિશે હજી કોઈ સ્પષ્ટતા નથી.

લેપટોપ કે સ્માર્ટફોન જો રીપેરિંગમાં આપવાનાં થાય તો આપણે હંમેશાં મૂંઝવણનો સામનો કરવો પડે છે – તેમાંના આપણા ડેટાની સલામતીનું શું? રીપેરિંગ કરનાર અજાણી વ્યક્તિ પર ભરોસે કેમ મૂકવો?

લેપટોપના કિસ્સામાં, તમે ગૂગલ ડ્રાઇવ કે વનડ્રાઇવ જેવી ક્લાઉ઼ડ સ્ટોરેજ સર્વિસનો ઉપયોગ કરતા હો તો બહુ ચિંતા નહીં, લેપટોપના જનરલ યૂઝર તરીકે કોઈ એકાઉન્ટ સેટ કરી દો, તેમાં તમારો કોઈ ડેટા ન રાખો અને રીપેરિંગ કરનારને એ યૂઝરના યૂઝરનેમ-પાસવર્ડ આપો તો તે તમારા ક્લાઉડમાંના ડેટા સુધી પહોંચી શકે નહીં. સ્માર્ટફોનમાં આવું થઈ શકતું નથી. આથી તેમાં આપણા તમામ ડેટાનો બેકઅપ લઈ, ફોન તદ્દન ફેક્ટરી રીસેટ કરીને જ રીપેરિંગમાં આપવો જોઈએ. પરંતુ, એ માટે ફોન એટલો ચાલવો જોઈએ!

સેમસંગ કંપની આ તકલીફના ઉપાય તરીકે, તેના ફોન્સમાં ‘રીપેરિંગ મોડ’ ઉમેરી રહી છે. તેને એક્ટિવેટ કરતાં, ફોન બંધ થઈ ફરી ચાલુ થશે અને એ પછી, ફોનમાંનો આપણા તમામ પર્સનલ ડેટા, ફોટોઝ, મેસેજિસ, ઈમેઇલ, એકાઉન્ટસ વગેરે બધું જ હાઇડ રહેશે. ફોન ખરીદ્યા સમયે તે જે સ્થિતિમાં હોય લગભગ એ જ સ્થિતિમાં ફોન આવી જશે. આપણે ચિંતા વગર તેને રીપેરિંગમાં આપી શકીશું અને એ પછી, પોતાના પાસવર્ડથી ફોનમાં એન્ટર થઈ, રીપેરિંગ મોડ બંધ કરતાં બધો ડેટા પહેલાંની જેમ જોવા મળશે!

આ સુવિધા હાલમાં સેમસંગનાં અમુક હાઇએન્ડ મોડેલ્સમાં મળે તેવી શક્યતા છે, પરંતુ તેની ઉપયોગિતા જોતાં અન્ય મોડેલ્સમાં તથા અન્ય કંપનીના ફોનમાં પણ તે મળવા લાગે તો નવાઈ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!