સાવ સાચું કહેજો – હેડિંગમાં ‘સ્મોમ્બી’ શબ્દ વાંચીને તમને આગળ વાંચવાની જિજ્ઞાસા જાગી? હકીકત એ છે કે તમે પોતે કદાચ સ્મોમ્બી હશો અને તમને ખબર પણ નહીં હોય! ‘સાયબરસફર’માં જુલાઈ ૨૦૨૧માં આપણે આ મુદ્દાને અછડતો સ્પર્શ કર્યો હતો, પણ હવે આ સમસ્યા વકરી રહી છે.

અત્યાર સુધી ‘ડોન્ટ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ’ (દારુ પીને વાહન ચલાવશો નહીં) એવી સલાહ આપણે વારંવાર સાંભળી છે. દુનિયાભરમાં એ કારણે થતા વાહન અકસ્માતો ચિંતાનું મોટું કારણ છે, પણ હવે આપણને સૌને દારુ કરતાં પણ વધુ અસરકારક રીતે આસપાસની દુનિયાનું ભાન ભૂલાવે એવી નવી લત લાગી છે – સ્માર્ટફોનની લત.
અગાઉ ‘સાયબરસફર’માં આપણે જેની વાત કરી છે એ ‘ડિજિટલ વેલબીઇંગ’ જેવી સગવડનો લાભ લઈને તમે ક્યારેક તપાસી જોજો કે આખા દિવસ દરમિયાન તમે ચોક્કસ કેટલો સમય સ્માર્ટફોનના સ્ક્રીનમાં પરોવાઈને પસાર કરો છો. ઘરમાં કે ઓફિસમાં આપણે ફોન પર ચીટકી રહીએ એ હજી પણ કદાચ ચાલી જાય, તકલીફ એ છે કે લોકોને એટલાથી સંતોષ નથી. ઘર અને ઓફિસની વચ્ચે, રસ્તા પર પણ કોઈને સ્માર્ટફોનમાં જોયા વિના ચાલતું નથી.
એટલે જ દુનિયાને એક નવો શબ્દ મળ્યો છે – સ્મોમ્બી. શું છે આ સ્મોમ્બી અને તમે પણ એ જોખમી દિશામાં જઈ રહ્યા નથીને?
ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનાં જોખમો હજી ઘટ્યાં નથી ત્યાં દુનિયાને તેનાથી પણ વધુ જોખમી નવી લત લાગી છે.
દક્ષિણ કોરિયા જેવા દેશોમાં 97 ટકા વસતીના હાથમાં સ્માર્ટફોન છે, તેમાંથી 92 ટકા લોકો રસ્તે પણ તેનો ઉપયોગ કરે છે.
દુનિયાના વિવિધ દેશો રસ્તા પર કે ફૂટપાથ પર સ્માર્ટફોનને કારણે થતા અકસ્માતો ટાળવાની પળોજણમાં પડ્યા છે.
આપણે ફૂટપાથ પર કે રસ્તે ચાલી રહ્યા હોઈએ ત્યારે જો સચેત હોઈએ તો આસપાસ ચાલતા બીજા લોકો, રસ્તા પર પડેલી કેળાંની છાલ, પોદળો, થાંભલો, સૂતેલું કૂતરું, આજુબાજુમાંથી પસાર થતાં વાહનો… આ બધા તરફ આપણું પૂરેપૂરું ધ્યાન હોય. તેને જો ૧૦૦ ટકા ધ્યાન ગણીએ, તો નિષ્ણાતો કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ હાથમાં સ્માર્ટફોન લઈને તેમાં કંઈક જોતાં-કરતાં ચાલી રહી હોય ત્યારે તેનું આસપાસની બાબતો તરફનું ધ્યાન પાંચ ટકા પણ હોતું નથી.
કોઈ હિલસ્ટેશન પર જોખમી સાઇટ સીઇંગ સ્પોટ પર સેલ્ફી લેવા જતાં ખીણમાં ગબડી પડતા લોકો વિશે આપણે અવારનવાર અખબારોમાં વાંચીએ છીએ. સ્કૂલે જતાં, રેલવેના પાટા ક્રોસ કરતી વખતે, કાનમાં ભરાવેલાં ભૂંગળાંને કારણે ટ્રેનની અડફેટે આવી ગયેલા વિદ્યાર્થી વિશે પણ ક્યારેક સમાચાર ચમકે છે. આવડી મોટી ટ્રેન પણ જો કોઈના સ્માર્ટફોનમાં પરાવાયેલા મનને જાગૃત ન કરી શકે, તો લોકો રસ્તે ચૂપચાપ ઊભેલા થાંભલા સાથે અથડાઈ પડે એમાં કોઈ નવી વાત નથી.
ચિંતાની વાત એ છે કે આવા લોકોની સંખ્યા દુનિયાભરમાં સતત વધી રહી છે.
આંકડાઓ કહે છે કે દુનિયાની કુલ વસતીના ૮૩ ટકા એટલે કે ૬.૬ અબજ જેટલા લોકોના હાથમાં સ્માર્ટફોન આવી ગયા છે. દક્ષિણ કોરિયા જેવા દેશમાં તો ૯૭-૯૮ ટકા વસતીના હાથમાં સ્માર્ટફોન છે. એ દેશમાં થયેલા એક સર્વેમાં બહાર આવ્યું કે ૯૨ ટકા લોકોએ કબૂલ્યું કે તેઓ ફૂટપાથ પર ચાલતી વખતે સ્માર્ટફોનમાં વિવિધ બાબતો ચેક કરી લેવાની લાલચ રોકી શકતા નથી. એટલું જ નહીં, રસ્તો ક્રોસ કરતી વખતે પણ આ લાલચ રોકી ન શકતા લોકોનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

૨૦૧૬ના અરસામાં આખી દુનિયાને ‘પોકેમોન ગો’ ગેમનું ઘેલું લાગ્યું હતું. એ ગેમ વાસ્તવિકતા અને વર્ચ્ચુઅલ દુનિયાની ભેળસેળ કરે છે અને ગેમ રમતા લોકો હાથમાં મોબાઇલ લઈ, તેના પર સ્ક્રીન પર દેખાતા અને વાસ્તવિક દુનિયામાં હોવાનો આભાસ આપતાં કેરેક્ટર્સને કેપ્ચર કરવાની મથામણમાં રસ્તા પર જોખમી રીતે નીકળી પડતા હતા. એ પછી ‘સ્મોમ્બી’ શબ્દ ચલણમાં આવ્યો.
હજી થોડાં વર્ષ પહેલાં સુધી, આપણે કોઈએ ‘સેલ્ફી’ શબ્દ સાંભળ્યો નહોતો. ‘સેલ્ફીશ’ આપણે સૌ જાણીએ, પણ સેલ્ફી બધા માટે નવી વાત હતી! એ જ રીતે, ‘સ્મોમ્બી’ આપણે માટે અત્યારે નવોસવો શબ્દ છે, પણ આ લેબલ જેમને લાગી શકે એવા લોકો સાથે આપણો ભેટો રોજબરોજ થઈ જતો હોય છે.
તમને પણ ઘણી વાર આવો અનુભવ થયો હશે – ચાર રસ્તે ટ્રાફિક સિગ્નલ રેડમાંથી ગ્રીન થયા પછી આપણી આજુબાજુનાં બધાં વાહનો આગળ જવા લાગે, પણ આપણી બરાબર આગળની કાર ટસની મસ ન થાય. કેમ? કેમ કે એના ડ્રાઇવર ભાઇ (કે બહેન!) પોતાના મોબાઇલમાં વોટ્સએપ કે બીજું કંઈ ચેક કરવામાં પરોવાયેલા હોય!

ફક્ત કારમાં નહીં, ટુ-વ્હીલર ચલાવનારા ઘણા લોકો પણ ખભા અને કાન વચ્ચે મોબાઇલ દબાવી ‘ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન’ કરતાં કરતાં જતા દેખાતા હોય છે. ઘણા યંગસ્ટર્સ ફક્ત ચાર રસ્તે ઊભા હોય ત્યારે જ નહીં, બાઇક કે સ્કૂટી રાઇડ કરતી વખતે પણ, ડાબે હાથે મોબાઇલ પર સોશિયલ મીડિયા સ્ટેટસ ચેક કરી લેવાની લાલચ રોકી શકતા નથી.
વાહનમાં કે વાહન પર ન હોય, પગે ચાલીને જતા હોય એવા અનેક લોકો હવે ચાલતાં ચાલતાં, આસપાસની દુનિયા ભૂલીને પોતાના મોબાઇલમાં પરોવાયેલા જોવા મળતા હોય છે.
આ લોકો, આજની નવી દુનિયામાં ‘સ્મોમ્બી’ તરીકે ઓળખાય છે.

‘સ્માર્ટફોન’ અને ‘ઝોમ્બી’ (એક પ્રકારનો વાઇરસ કે તેનાથી મર્યા પછી ‘જીવતા’ થયેલા મનાતા ભૂતિયા લોકો!) શબ્દો ભેગા કરીને આ ‘સ્મોમ્બી’ શબ્દ બનાવવામાં આવ્યો છે. તેનો સાદો અર્થ કે પોતાનો જીવ જોખમાય એટલી હદે સ્માર્ટફોનમાં પરોવાઈને આસપાસની દુનિયાનું ભાન ગુમાવી દેનારા લોકો.
દુનિયાની મોટા ભાગની વસતી પાસે સ્માર્ટફોન આવી ચૂક્યા છે અને સ્માર્ટફોનનો ઉપયોગ ઘર કે ઓફિસના બંધ, સલામત વાતાવરણ ઉપરાંત રસ્તે પણ સતત વધી રહ્યો છે. દુનિયાભરનાં શહેરોમાં આ એક બહુ મોટી સમસ્યા બનવા લાગી છે કેમ કે વાહન ચલાવતી વખતે કે રસ્તે ચાલતા રાહદારીઓની સ્માર્ટફોનની આદત તેમના પોતાના ઉપરાંત અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકે છે.

હવે આવા લોકોની અને તેમનાથી અન્ય લોકોની સલામતી માટે મોટાં શહેરો જુદા જુદા રસ્તા અપનાવી રહ્યાં છે. કેટલાંક શહેરમાં આવા લોકોને ચેતવતાં સાઇનબોર્ડ મૂકાયાં છે. કેટલાંકમાં ફૂટપાથ પૂરી થતી હોય ત્યાં ફ્લેશલાઇટ્સ મૂકવામાં આવી છે, આવા લોકોની આસપાસની સ્થિતિ અનુસાર તેમને ચેતવે એવી એપ્સ પણ વિકસવા લાગી છે.
આ બધા ડિજિટલ, ટેક્નોલોજી ઉપાયો કામ લાગે કે ન લાગે, સૌથી સહેલો ઉપાય આપણા હાથમાં જ છે – બસ એને વાહન ચલાવતી વખતે કે રસ્તે ચાલતા જતી વખતે ખિસ્સામાં રાખવાનો છે!
કેવા પ્રયાસો થાય છે?
ભારતમાં અને અન્ય દેશોનાં શહેરોમાં રસ્તો ક્રોસ કરનારા લોકો માટેનાં સિગ્નલ ટ્રાફિક માટેનાં અન્ય સિગ્નલ કરતાં થોડાં જ નીચાં હોય છે. પરંતુ હવે જર્મનીનાં અમુક શહેરોમાં આવાં સિગ્નલ બરાબર રોડના લેવલે મૂકવાની શરૂઆત થઈ છે.
દક્ષિણ કોરિયાના સિઓલમાં અને દુનિયાના અન્ય દેશોનાં શહેરોમાં ફૂટપાથ પૂરી થતી હોય ત્યાં, ટ્રાફિકવાળો રસ્તો શરૂ થઈ રહ્યો હોવાની ચેતવણી આપતી નિશાનીઓ ફૂટપાથ પર ચીતરવામાં આવે છે. દક્ષિણ કોરિયા અને જર્મનીનાં શહેરોમાં ફૂટપાથ પૂરી થતી હોય અને રસ્તો શરૂ થતો હોય ત્યાં છેક નીચે લેસર બીમ્સ કે ઝબૂકતી લાઇટ્સ મૂકવાની શરૂઆત કરવામાં આવી છે.
ચીનનાં અમુક શહેરો, હોંગકોંગ અને બેલ્જિયમમાં સામાન્ય લોકો માટેની ફૂટપાથમાં, સ્મોમ્બીઓ માટે ખાસ અલગ સાઇડવૉક તૈયાર કરવામાં આવ્યા છે!
જાપાન જેવા દેશે રસ્તે ચાલતી વખતે સ્માર્ટફોનના ઉપયોગ પર સદંતર પ્રતિબંધ મૂકવા જેવાં પગલાં પણ લીધાં છે.
આ બધી જ વાતો તદ્દન કોમન સેન્સની છે, છતાં ભલભલા લોકો આ સંજોગોમાં મોબાઇલનો ઉપયોગ કરવાની લાલચ રોકી શકતા નથી.
ફોનના વધુ પડતા ઉપયોગની આડઅસરો વિશે આપણે જાણીએ છીએ.
છતાં સામાન્ય સંજોગમાં તો ઠીક, જ્યારે ફોનનો ઉપયોગ કરવાથી હાનિ પહોંચવાની સ્પષ્ટ સંભાવના હોય એવી સ્થિતિમાં પણ આપણે ફોનથી છટકી શકતા નથી – આપણા મન પર આપણો આટલો પણ કાબુ નહીં?
રસોડામાં રસોઈ કરતી વખતે…

ગીતોનો શોખ હોય તો રસોડામાં કોઈ છાજલી પર ફોન મૂકી તેમાં યુટ્યૂબમાં ગીતો જરૂર પ્લે કરી શકાય, પણ રસોઈ કરતાં કરતાં રેસિપીના વીડિયો જોવામાં કે ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટ્સ જોવામાં ભારોભાર જોખમ છે. રસોડામાં ગેસ લીક થાય ત્યારે કે ફક્ત ગરમીને કારણે પણ ફોનની બેટરી ફાટવાનું જોખમ છે.
પેટ્રોલ પમ્પ પર…

પેટ્રોલ પમ્પ પર સામાન્ય સંજોગોમાં, કારમાં કે ખિસ્સામાં સ્માર્ટફોન રાખવામાં કંઈ જોખમ નથી, તેનું રેડિએશન સીધો વિસ્ફોટ કરે એવું જોખમી નથી. સરકાર અને કંપનીઓ પોતે પમ્પ પર કેશલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપે છે, પણ ફોનથી બેધ્યાન બનીએ તો પમ્પ પર તે જોખમી બની શકે.
વાહન ડ્રાઇવ કરતી વખતે…

નવા સમયની કાર્સમાં ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમમાં સ્માર્ટફોનને કનેક્ટ કરી, તેના સ્ક્રીન પર સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ મેપ્સ, પોડકાસ્ટ કે મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરતી વખતે ફોનને ટચ કરવાને બદલે વોઇસ કમાન્ડ્સ જરૂરી છે. સીધો જ ફોનનો ઉપયોગ દેખીતી રીતે જોખમી છે!
બાઇક-સ્કૂટર ચલાવતી વખતે…

આપણા દેશમાં હેલમેટ માટે પણ કાયદો લાવવો પડે છે, એટલે લોકો બાઇક-સ્કૂટર ચલાવતી વખતે કાન-ખભા વચ્ચે મોબાઇલ દબાવે કે હાથમાં ફોન લઈ સ્ટેટસ ચેક કરે એમાં નવાઈ નથી. તમારા પરિવારમાં કોઈને આવી ટેવ હોય તો ગમે તે રીતે અટકાવો, એ બીજા માટે પણ જોખમી છે.
અભ્યાસ કરતી વખતે…

આમાં સીધું અકસ્માતનું જોખમ નથી અને ઓનલાઇન સ્કૂલ-ટ્યૂશનના સમયમાં તેને ટાળી શકાય તેમ પણ નથી, છતાં અભ્યાસ કરતી વખતે ફોન શક્ય એટલો સમય દૂર રાખવામાં સાર છે. બે ઘ઼ડી બ્રેક લઈ સ્ટોરી પોસ્ટિંગ કે ગેમ શરૂ કર્યા પછી સમય ક્યાં જતો રહેશે એ ખબર પણ નહીં પડે.
રાત્રે ઊંઘી જતાં પહેલાં…

રાત્રે હળવા સંગીત માટે ફોનનો ઉપયોગ ચાલે, પણ ઓટીટી પ્લેટફોર્મ્સ કે સોશિયલ મીડિયા કે ન્યૂઝ સાઇટ્સનું સતત બ્રાઉઝિંગ આપણી રોજિંદી, સામાન્ય ઊંઘમાં લાંબા ગાળાની ખલેલ અને તકલીફ ઊભી કરી શકે છે. આ બધી જ વાતો આપણને ખબર જ છે, છતાં ટાળી શકતા નથી!
