આજના સમયમાં કરિયરને જીમમાંની ટ્રેડમિલ સાથે સરખાવી શકીએ. ટ્રેડમિલ ચાલુ કર્યા પછી તેના પર આપણે ચાલવાનું શરૂ કરીએ તો પણ ત્યાંના ત્યાં જ રહીએ. એ જ રીતે આજના સમયમાં પ્રમાણમાં સારી સંતોષજનક નોકરી મળ્યા પછી હાશ કરીને બેસી જઇએ તો ત્યાંના ત્યાં રહીએ. ઉલ્ટાના પાછા પડવાની શક્યતા ખરી. જ્યાં છીએ ત્યાં જ રહેવું હોય તોય સતત ચાલવું પડે, નવું શીખવું પડે. હોઇએ ત્યાંથી આગળ જવું હોય તો ચાલવાને બદલે દોડવું પડે.

સદભાગ્યે કરિયરમાં ઉપયોગી થાય એવું નવું શીખવાના પાર વગરના સ્રોત ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. ઇચ્છો તો યુટ્યૂબ પર પણ અનેક ફ્રી ટ્યુટોરિયલ્સ મળી આવે. એવો એક સ્રોત છે લિંક્ડઇન લર્નિંગ એપ.
પહેલી સ્પષ્ટતા એ કે આ એપમાં મોટા ભાગના ટ્યુટોરિયલ્સ ફ્રી નથી. પેઇડ લવાજમ આધારિત છે અને લવાજમ ખાસ્સું ખર્ચાળ છે. મહિને લગભગ અઢી હજાર રૂપિયા જેટલું. પરંતુ એપમાં ઘણું કન્ટેન્ટ ફ્રી પણ છે. મોટા ભાગના કિસ્સામાં સમગ્ર ટ્યુટોરિયલના અમુક હિસ્સા ફ્રી છે. આપણે તેને ડાઉનલોડ પણ કરી શકીએ છીએ. એપ ઇન્સ્ટોલ કર્યા પછી લિંક્ડઇનના પોતાના એકાઉન્ટથી આપણે લોગઇન થઈ શકીએ છીએ અને લિંક્ડઇનના પ્રોફાઇલમાં આપણે જે વિગતો આપી હોય તે મુજબ એપમાં આપણને વિવિધ કોર્સ સૂચવવામાં આવે છે.

એ સાથે એક મહિનાની ફ્રી ટ્રાયલ પણ આપવામાં આવે છે. સીધી જ ફ્રી ટ્રાયલ શરૂ કરી દેવાને બદલે આપણને ઉપયોગી લાગે તેવા વિવિધ કોર્સ શોધી લીધા પછી ફ્રી ટ્રાયલ શરૂ કરીએ તો વધુ સારું રહેશે. આ એપમાં બિઝનેસ, ક્રિએટિવિટી તથા ટેકનોલોજી સંબંધિત ૧૬૦૦૦થી વધુ કોર્સ ઉપલબ્ધ છે.
પ્રોફેશનલ લર્નિંગ: LinkedIn Learning: Online Courses to Learn Skills

