માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટમાં કામ કરતી વખતે ક્યારેય એવું બને કે આપણે ડોક્યુમેન્ટમાંના કોઈ શબ્દ વિશે વધુ માહિતી જાણવાની જરૂર પડે. જો આપણે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ પીસી કે લેપટોપ પર કામ કરી રહ્યા હોઈએ ત્યારે આપણે વર્ડ ફાઇલમાંથી બહાર આવી, બ્રાઉઝર ઓપન કરી, પેલા શબ્દ વિશે સર્ચ કરી જોઈએ.

તેનો વધુ એક સહેલો રસ્તો પણ છે. આપણે વર્ડ ફાઇલમાં જ હોઇએ ત્યારે પેલો શબ્દ સિલેક્ટ કરી, તેને રાઇટ ક્લિક કરતાં એક મેનૂ ખુલે છે અને તેમાં એ શબ્દ વિશે ઇન્ટરનેટ પર સર્ચ કરવાની સગવડ મળે છે.
માઇક્રોસોફ્ટ વર્ડના તમારા વર્ઝન અનુસાર આ સગવડ ‘સ્માર્ટ લૂકઅપ’ અથવા માત્ર ‘સર્ચ’ તરીકે જોવા મળી શકે છે. તેને ક્લિક કરતાં, સ્ક્રીન પર જમણી તરફ એક પેનલ ઓપન થાય છે અને તેમાં માઇક્રોસોફ્ટ બિંગ સર્ચ એન્જિનની મદદથી પેલા શબ્દ વિશે સર્ચ કરીને તેનાં રિઝલ્ટ બતાવવામાં આવે છે. ગૂગલ ડોક્સમાં પણ આવી જ સુવિધા છે, જે ગૂગલના સર્ચ એન્જિન પાવર્ડ છે!
