
બારમા ધોરણ પછી તરત નોકરી! એ પણ ગ્લોબલ લેવલની ટેક કંપનીમાં, આઇટી ફીલ્ડમાં! કોઈ પણ વિદ્યાર્થી અને મા-બાપ માટે આ વાત સપના સમાન હોઈ શકે. સામાન્ય રીતે બારમા ધોરણ પછી એન્જિનીયરિંગમાં ચાર વર્ષનો ડિગ્રી કોર્સ કર્યા પછી આ વાત સંભવ બને. પરંતુ એ ચાર વર્ષમાં જે કંઈ ભણવામાં આવે તે ગ્લોબલ ટેક ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતોને અનુકૂળ હશે કે નહીં તેની કોઈ ગેરંટી નહીં. એ જ રીતે ચાર વર્ષના અભ્યાસ પછી સારી નોકરી મળશે કે નહીં તેની પણ કોઈ ગેરંટી નહીં.
એચસીએલ ટેક્નોલોજિસ કંપની પાંચ વર્ષથી, દોરણ બાર પછી એક વર્ષની ટ્રેનિંગ ને પછી કંપનીમાં જોબ ઓફર કરી રહી છે. આ પ્રોગ્રામમાં ટ્રેનિંગ બાદ જોબની સાથોસાથ દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઝમાં ઓનલાઇન ડિગ્રી કોર્સ પણ કરી શકાય છે.
આ તકલીફના ઉપાય તરીકે (અને કંપનીના પોતાના હેતુ માટે પણ), ભારતની જાણીતી, મલ્ટિનેશનલ ટેક કંપની એચસીએલ ટેકનોલોજિસે વર્ષ ૨૦૧૭થી ‘અર્લી કરિયર પ્રોગ્રામ’ લોન્ચ કર્યો છે. તેમાં જોડાવાની તક મળે તો બારમા ધોરણ પછી મહિને દસ હજાર રૂપિયાના સ્ટાઇપેન્ડ સાથે સીધેસીધી ટેક ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની તક મળે છે.
ટ્રેનિંગ પછી એ જ કંપનીમાં પ્રમાણમાં સારી નોકરીની તક પણ ખરી. પછી, નોકરી સાથે જાણીતી યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવવા માટે અભ્યાસ કરવાની પણ તક.

‘આટલું હોય તો પછી વિચારવાનું શું રહ્યું?’ એમ લાગતું હોય તો એક મિનિટ અટકો.
સ્માર્ટ કરિયર ઇચ્છતા હો તો તેને માટેની તકોનું સ્માર્ટ એનાલિસિસ પણ જરૂરી છે!
અહીંથી આગળ આ પ્રોગ્રામનાં વિવિધ પાસાં દર્શાવ્યાં છે, એ બધાનો વિચાર કર્યા પછી નક્કી કરો કે આ પ્રોગ્રામ તમારે માટે કામનો છે કે નહીં.
મુદ્દો એ પણ વિચારવાનો છે કે ખાસ કરીને આઇટી ફીલ્ડમાં કારકિર્દીના આયામો હવે બહુ મોટા પાયે બદલાઈ રહ્યા છે. ગ્લોબલ લેવલે, ગૂગલ જેવી કંપની ફકત છ મહિનાના સર્ટિફિકેટ કોર્સ ઓફર કરે છે, જે ચાર વર્ષના ડિગ્રી કોર્સની સમકક્ષ ગણાય છે. કંઈક અંશે એ ટ્રેન્ડ હવે આપણા દેશમાં પણ આવી પહોંચ્યો છે.
અભ્યાસમાં તેજસ્વી પણ આર્થિક મુશ્કેલી ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ પ્રોગ્રામ ઘણી સારી તક આપે છે.
ડિગ્રીનું મહત્ત્વ હજી પણ છે, પરંતુ જો વિદ્યાર્થીનો પરિવાર આર્થિક ભીંસ અનુભવતો હોય, તો એ આ પ્રકારના પ્રોગ્રામમાં જોડાઈને પ્રમાણમાં સારું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકે છે. અલબત્ત, એમાં પણ કેટલીક શરતો તો છે અને થોડું ગુમાવવાનું પણ છે. આપણે બધાં જ પાસાં તપાસીએ.
વિશ્વની અને ભારતની આઇટી કંપનીઓ મોટા ભાગે બે તકલીફોનો સામનો કરે છે – એક, સારા કેન્ડિડેટ્સ મળતા નથી અને બે, જો મળે છે તો એ લાંબો સમય કંપનીમાં ટકતા નથી!
આ બંને તકલીફના ઉપાય તરીકે, કંપનીઓ ફ્રેશર્સને તક આપતી વખતે પોતાની ચાળણી મોટી કરી રહી છે. ધીમે ધીમે સાયન્સ અને એ ગ્રૂપ ઉપરાંત કોમર્સના વિદ્યાર્થીઓને પણ આઇટીમાં તક મળવા લાગી છે. પછી કંપની પોતે જ તેને, પોતાની જરૂરિયાતને અનુકૂળ બનાવવા ટ્રેઇન કરે. બદલામાં, મોટા ભાગે જે તે કંપની એ કેન્ડિડેટ લાંબો સમય તેની સાથે જોડાઈ રહે એ માટે તેની પાસે બોન્ડ સાઇન કરાવે. અમુક ખાસ પ્રકારની સ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ ટ્રેન્ડ સારો પણ છે. તેમને થોડું જતું કરીને, ભલે ધીમી ગતિએ પણ સ્થિર, સારી નોકરીની તક મળે છે.
ભારતની ટેક કંપની એચસીએલ ટેક્નોલોજિસે, વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવી લે ત્યાં સુધી રાહ જોવાને બદલે, તેમને બારમા ધોરણ પછી તરત પસંદ કરી, જાતે જ ગ્રૂમ કરવાનો વ્યૂહ અપનાવ્યો છે.
આપણે તેની વિગતો જાણીએ.
‘ટેકબી’ પ્રોગ્રામ શું છે?
એચસીએલ ટેકનોલોજીસે ‘ટેકબી’ નામે એક ‘અર્લી કરિયર પ્રોગ્રામ’ લોન્ચ કર્યો છે. આ પ્રોગ્રામ વર્ષ ૨૦૧૭થી લોન્ચ કરવામાં આવ્યો છે. ધોરણ ૧૨ પછી તરત આર્થિક સ્વતંત્રતા મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ તથા ટેક ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને આ પ્રોગ્રામ ડિઝાઇન કરવામાં આવ્યો છે.
પ્રોગ્રામમાં જોડાવાની ફી
આ વિશે કંપનીની સાઇટ પર પૂરતી સ્પષ્ટતા નથી, પણ બે પ્રોગ્રામ માટે એક-એક લાખ રૂપિયાની ફી દર્શાવવામાં આવી છે, જેની વ્યવસ્થા માટે પણ બેન્ક લોન મેળવવાની મદદ કરવામાં આવે છે. ઉપરાંત કંપની સ્ટાઇપેન્ડ આપતી હોવાથી, આ રકમ પાછી મળે છે.
સિલેકશનની પ્રક્રિયા
હાલની સ્થિતિ અનુસાર વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨માં ધોરણ ૧૨ની પરીક્ષા પાસ કરી લેનાર અથવા આ વર્ષે ધોરણ ૧૨ની પરીક્ષા આપીને પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામમાં જોડાઈ શકે છે. અત્યારે રજિસ્ટ્રેશન ઓપન છે. એ માટે www.hcltechbee.com વેબસાઇટ પર એપ્લિકેશન ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરવાનું રહે છે.

હાલની સ્થિતિ અનુસાર જાન્યુઆરી ૧, ૧૯૯૯થી ઓક્ટોબર ૩૧, ૨૦૦૩ વચ્ચે જન્મેલા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. બારમા ધોરણમાં અભ્યાસ દરમિયાન મેથેમેટિક્સ અથવા બિઝનેસ મેથેમેટિક્સનો સબ્જેક્ટ હોવો જરૂરી છે.
એ પછી આ ઉમેદવારો માટે અંગ્રેજીમાં, ઓનલાઇન કરિયર એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓની ક્વોન્ટિટેટિવ, લોજિકલ રિઝન અને લેંગ્વેજની ક્ષમતા ચકાસવામાં આવે છે. તેમાં સફળ વિદ્યાર્થીઓનો સિલેકશન કમિટી દ્વારા ફેસ-ટુ-ફેસ ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે.
ટ્રેનિંગની પ્રક્રિયા
સિલેકશનની પ્રક્રિયામાં સફળ થયેલા વિદ્યાર્થીઓને એચસીએલના ટ્રેનિંગ સેન્ટર્સમાં જોડાવાની તક મળે છે. તેઓ આ પ્રોગ્રામમાં છ થી બાર મહિનાની ટ્રેનિંગ માટે જોડાય છે. પહેલા છ થી નવ મહિના દરમિયાન વિદ્યાર્થીને આઇટીના ફન્ડામેન્ટલ્સ, પ્રોગ્રામિંગ લેંગ્વેજ, ઇન્ડસ્ટ્રી ટૂલ્સ, પ્રોસેસિસ વગેરેની ક્લાસરૂમ ટ્રેનિંગ આપવામાં આવે છે. ત્યાર પછી ત્રણ થી છ મહિના દરમિયાન વિદ્યાર્થીઓને એચસીએલના લાઇવ પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક મળે છે.

આ ટ્રેનિંગ નોઇડા, બેંગ્લુરુ, લખનૌ, નાગપુર, ચેન્નઈ, મદુરાઈ અને વિજયવાડાના કંપનીના ટ્રેનિંગ સેન્ટરમાં આપવામાં આવે છે. હાલની સ્થિતિમાં હાઇબ્રિડ મોડેલ અપનાવવામાં આવ્યું છે. જે અનુસાર ઓનલાઇન તથા ટ્રેનિંગ સેન્ટરમાં ક્લાસરૂમ ટ્રેનિંગનો સમન્વય છે. જે સેન્ટરમાં હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં વિદ્યાર્થી તેનો લાભ લઈ શકે છે. પરંતુ તે ફરજિયાત નથી.
ટ્રેનિંગ દરમિયાન વિદ્યાર્થીને દર મહિને રૂ. ૧૦,૦૦૦નું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.
ટ્રેનિંગના વિષયો
ટ્રેનિંગના શરૂઆતના મહિનાઓમાં વિદ્યાર્થીના પર્ફોર્મન્સ અનુસાર તેને એપ્લિકેશન ડેવલપમેન્ટ, સોફ્ટવેર એન્જિનીયરિંગ, કોડિંગ, ટેસ્ટિંગ, પ્રોડકટ્સ એન્ડ એપ્લિકેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, વેબ સર્વર ડિપ્લોયમેન્ટ, પ્રોસેસ ઓટોમેશન વગેરે વિવિધ સ્ટ્રીમમાં જોડાવાની તક મળે છે. મુખ્યત્વે આ બાર મહિનામાં વિદ્યાર્થીને આઇટી ફાઉન્ડેશન, જોબ બેઝ્ડ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ, સિમ્યુલેશન્સ તથા એચસીએલના ગ્લોબલ પ્રોજેક્ટ્સમાં કામ કરીને હેન્ડ્સ ઓન એક્સપિરિયરન્સ મેળવવાની તક મળે છે.
ટ્રેનિંગ પછી
જો વિદ્યાર્થી આ ટ્રેનિંગ પ્રોગ્રામ સફળતાથી પૂરો કરે તો તેને તેના પર્ફોર્મન્સ અનુસાર એચસીએલમાં યોગ્ય જોબ ઓફર કરવામાં આવે છે. એ સમયે તેને વાર્ષિક રૂ. ૧.૭૦ થી ૨.૨૦ લાખની સ્ટાર્ટિંગ સેલેરી ઓફર કરવામાં આવે છે.
જોબની સાથે ઉચ્ચ અભ્યાસ
એચસીએલ કંપનીએ બિટ્સ પીલાની, એમિટી યુનિવર્સિટી તથા સાસ્ત્રા યુનિવર્સિટી સાથે પાર્ટનરશિપ કરી છે. આથી ‘ટેકબી’ પ્રોગ્રામ હેઠળ ટ્રેનિંગ પૂરી કર્યા પછી અને એચસીએલમાં સફળતાપૂર્વક નોકરી શરૂ કર્યા પછી વિદ્યાર્થી આ યુનિવર્સિટીઓમાં ત્રણ કે ચાર વર્ષના વર્ક ઇન્ટિગ્રેટેડ લર્નિંગ પ્રોગ્રામમાં જોડાઈ શકે છે. આમ વિદ્યાર્થી નોકરીની સાથોસાથ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી માટે અભ્યાસ કરી શકે છે.
વિદ્યાર્થીએ આમાંથી કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યું હોય, તેના ક્લાસિસ ઓનલાઇન કન્ડક્ટ કરવામાં આવે છે. આથી તે નોકરીની સાથોસાથ અભ્યાસ કરી શકે છે. આ ડિગ્રી કોર્સ માટેની ફી વિદ્યાર્થીએ પોતે ચૂકવવાની રહે છે અને પછી નિશ્ચિત શરતોને આધિન કંપની દ્વારા વિદ્યાર્થીને ચૂકવવામાં આવે છે.
અન્ડર ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં જોડાતા એચસીએલના એમ્પ્લોઈ તરીકે વિદ્યાર્થીએ કોર્સ પૂરો થયા પછી ત્રણ વર્ષ માટે એચસીએલ કંપની સાથે કામ કરવાની સંમતિ આપવી પડે છે.
વધુ માહિતી માટે જુઓ www.hcltechbee.com
હવે લાખ રૂપિયાનો સવાલ – તમારે આ પ્રકારના ટ્રેનિંગ-જોબ પ્રોગ્રામમાં જોડાવું જોઇએ? આ સવાલનો નિશ્ચિત જવાબ જે તે વિદ્યાર્થીની ક્ષમતા અને તેના માબાપની આર્થિક સ્થિતિ પર વધુ આધાર રાખે છે, પરંતુ આપણે તેના જમા અને ઉધાર બંને પાસાં પર નજર ફેરવીએ.
જમા પાસાં
સૌથી પહેલાં જમા પાસાની વાત કરીએ તો આ પ્રોગ્રામ વિદ્યાર્થીને ધોરણ ૧૨ પછી તરત આર્થિક રીતે પગભર થવાની તક આપે છે. પહેલા વર્ષ દરમિયાન (પ્રોગ્રામ ફી ભર્યા પછી) તેને સ્ટાઇપેન્ડ મળે છે અને બીજા વર્ષથી નિશ્ચિત પગાર સાથે નોકરી મળે છે. સામાન્ય સંજોગમાં ચાર વર્ષના ડિગ્રી કોર્સ પછી જ આ શક્ય બન્યું હોત.
ત્યાર પછી આ પ્રોગ્રામ નોકરીની સાથોસાથ ટેકનોલોજી ક્ષેત્રે દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસની પણ તક આપે છે. તેની ફી શરૂઆતમાં વિદ્યાર્થીએ ચૂકવવી પડે છે, પણ પછી કંપની રીઇમ્બર્સ કરે છે. આથી ઉચ્ચ અભ્યાસનો પણ કોઈ આર્થિક ભાર વિદ્યાર્થી કે તેના માબાપ પર રહેતો નથી. હાલમાં ટ્રેનિંગ અને કદાચ ત્યાર પછીની નોકરી પણ હાઇબ્રિડ મોડેલ અનુસાર હોવાથી શરૂઆતમાં બીજા શહેરમાં જઇને રહેવાની ચિંતા અને ત્યાંનો ખર્ચ ઉઠાવવાની જરૂર નથી.
ખર્ચ ઉપરાંત મહત્ત્વનો લાભ એ છે કે આ રીતે બહુ ઝડપથી ઇન્ડસ્ટ્રી રેડી બનવાની તક મળે છે.
ધોરણ ૧૨ પછી તરત જ વિદ્યાર્થીને ગ્લોબલ લેવલની આઇટી કંપની સાથે જોડાવાની અને તેના લાઇવ પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળે છે. પહેલા વર્ષ પછી તરત જોબ મળે અને ચાલુ જોબે સારી યુનિવર્સિટીમાં આગળનો અભ્યાસ કરી શકાય છે. આ અભ્યાસ દરમિયાન આઇટી ઇન્ડસ્ટ્રીમાં જે કોઈ પરિવર્તનો આવતાં જાય તે કદાચ કોલેજના અભ્યાસક્રમમાં સામેલ ન હોય તો પણ જોબમાં તેનો અનુભવ મળવાનું ચાલુ રહે છે.
ઉધાર પાસાં
આર્થિક ચિંતા ધરાવતા વિદ્યાર્થી અને માબાપ માટે આ પ્રોગ્રામ આશીર્વાદરૂપ છે, પરંતુ વિદ્યાર્થી તેજસ્વી હોય અને ઝડપથી આવક ઊભી કરવાની જરૂર ન હોય તો વિદ્યાર્થી માટે આ પ્રોગ્રામ ઘણી બધી રીતે મર્યાદારૂપ બને છે.
સૌથી પહેલાં તો વિદ્યાર્થી ત્રણ કે ચાર વર્ષ માટે કોલેજમાં જઈને, ત્યાંના વાતાવરણમાં ઘડાઈને અભ્યાસ કરવાની તક ગુમાવે છે. ધોરણ ૧૨ પછી પહેલું વર્ષ ટ્રેનિંગમાં જતું રહે છે. આથી આગળનો ડિગ્રી અભ્યાસ અન્ય વિદ્યાર્થીઓની સરખામણીમાં એક વર્ષ મોડો શરૂ થાય છે.
ઉપરાંત જ્યારે લગભગ બધો ખર્ચ કંપની ઉઠાવતી હોય ત્યારે તે વિદ્યાર્થી લાંબા સમય માટે કંપની સાથે જોડાયેલો રહે તેવી કંપનીની અપેક્ષા હોય એ પણ સ્વાભાવિક છે. પ્રોગ્રામમાં જોડાયા પછી જોબની સાથોસાથ ડિગ્રી કોર્સ કરવામાં આવે તો વિદ્યાર્થીએ ડિગ્રી કોર્સ દરમિયાન અને ત્યાર પછી ત્રણ વર્ષ સુધી કંપની ન છોડવાની શરત સ્વીકારવી પડે છે. આમ વિદ્યાર્થીએ બહુ લાંબા સમય સુધી એક જ કંપનીમાં જોડાયેલા રહેવું પડે છે.
બીજી તરફ, આ પ્રોગ્રામમાં જોડાયા પછી પહેલા વર્ષે જે સ્ટાર્ટિંગ સેલેરી મળે છે તેના કરતાં લગભગ દોઢી કે બમણી સેલેરી અન્ય રીતે ચાર વર્ષનો ડિગ્રી કોર્સ કર્યા પછી જોબ મેળવતા વિદ્યાર્થીને મળી શકે છે. આવા વિદ્યાર્થીએ કોઈ બોન્ડ સાઇન કર્યું ન હોય તો તે ઝડપથી કંપની બદલીને પોતાની સેલેરી હજી વધારી શકે છે!

