ઓપન સોર્સ સોફ્ટવેર એટલે એવો સોફ્ટવેર કે પ્રોગ્રામ જેનો ‘સોર્સ કોડ’ કોઈ પણ વ્યક્તિ તપાસી શકે, બદલી શકે અને તેમાં વધુ ફીચર્સ ઉમેરી શકે. આ ટેકનિકલ વ્યાખ્યા વાંચતાં, ટેક્નોલોજી જેમનો વિષય નથી એમને એવો સવાલ થઈ શકે કે પહેલાં તો એ કહો કે આ ‘સોર્સ કોડ’ શું છે?!
આપણે પહેલાં એ શબ્દનો સોર્સ એટલે કે મૂળ તપાસીએ!

આપણે પોતાના કમ્પ્યૂટર કે સ્માર્ટફોન કે અન્ય સાધનમાં વર્ડ, એક્સેલ કે જીમેઇલ, ફેસબુક જેવા પ્રોગ્રામ કે સર્વિસનો ઉપયોગ કરીએ છીએ, તે, એ સોફ્ટવેરનું આપણને જોવા મળતું સ્વરૂપ છે. તેની પાછળ સોફ્ટવેર ટેક્નોલોજીના નિષ્ણાતોએ લખેલો ‘સોર્સ કોડ’ કામ કરતો હોય છે, જેમાં અત્યંત વિગતવાર રીતે, કમ્પ્યૂટરને સમજાય એવી સૂચનાઓ લખેલી હોય છે. આ સોર્સ કોડને કારણે જે તે સોફટવેરને આપણને જોવા મળતું સ્વરૂપ મળે છે અને તે આપણી એટલે કે યૂઝરની વિવિધ સૂચના અનુસાર કામ કરી શકે છે. સોફ્ટવેરની જેમ વેબસાઇટ્સ અને એપ્સના સોર્સ કોડ પણ આપણને બ્રાઉઝર કે ફોનમાં જે દેખાય છે તેનાથી તદ્દન જુદા હોય છે.
ઘણી ખાનગી કંપની પોતાની ટીમ પાસે અમુક સોફ્ટવેરનો કોડ તૈયાર કરાવે, પછી તે સોર્સ કોડ ખાનગી રાખે છે. આ સોર્સ કોડમાં કંપનીની ટીમ સિવાય બીજી કોઈ વ્યક્તિ ફેરફાર કરી શકતી નથી. આવા સોફ્ટવેર ‘પ્રોપ્રાઇટરી સોફ્ટવેર’ કે ‘ક્લોઝ્ડ સોર્સ સોફ્ટવેર’ કહેવાય છે.
ઓપન સોર્સ સોફ્ટવેરનો મૂળ કોડ મેળવી અન્ય કંપની તેમાં ફેરફાર કરીને મૂળ સોફ્ટવેરની ઉપયોગિતા વધારી શકે છે.
આપણે કોઈ સોફ્ટવેર ખરીદીએ ત્યારે તેના જે ‘એન્ડ યૂઝર લાઇસન્સ’માં ‘આઇ એગ્રી’ કહીને સંમતિ આપીએ છીએ, તેમાં બીજી ઘણી કાયદાકીય બાબતો ઉપરાંત એક મહત્ત્વનો મુદ્દો એ હોય છે કે આપણે એ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકીશું, પણ સોફ્ટવેરની માલિક કંપનીની પરવાનગી વિના સોફ્ટવેર (એટલે કે તેના સોર્સ કોડ)માં કોઈ ફેરફાર કરી શકીશું નહીં.
ઓપન સોર્સ સોફટવેરમાં આ રીતે તેનો સોર્સ કોડ ખાનગી રાખવામાં આવતો નથી.
આવો સોફ્ટવેર તૈયાર કરનાર કંપની કે પ્રોગ્રામર તેનો સોર્સ કોડ અન્યોને ઉપલબ્ધ કરે છે. આથી બીજા લોકો આ કોડ વાંચી શકે, તેની કોપી કરી શકે, તેમાંથી શીખી શકે, તેમાં ફેરફાર કરી શકે, તેને બહેતર બનાવી શકે અને તેને આગળ શેર પણ કરી શકે.
ઓપન સોર્સ સોફ્ટવેર બનાવનારી કંપની પણ એન્ડ યૂઝર લાઇસન્સમાં આપણી મંજૂરી માગે છે, પણ તેમાં આવી ઘણી બધી છૂટ આપવામાં આવે છે. ઓપન સોર્સ બનાવનાર કંપની સામાન્ય રીતે એવો આગ્રહ રાખે છે કે તેના સોર્સ કોડમાં ફેરફાર કરવામાં આવે તે પછી એ સોફ્ટવેરને વેચવાને બદલે, ફ્રી રાખવામાં આવે અને તે નવો કોડ પણ ઓપન સોર્સ તરીકે જાહેર કરવામાં આવે.
ઓપન સોર્સ સોફ્ટવેરનો એક મોટો ફાયદો છે કે તેના પર કામ કરતા લોકોની એક મોટી કમ્યૂનિટી ઊભી થાય છે, જે એકમેકની મદદ કરે છે.

વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામ્સ, વિવિધ ખાનગી કંપનીના ડીટીપી કે એકાઉન્ટિંગ સોફ્ટવેર વગેરે પ્રોપ્રાઇટરી કે ક્લોઝ્ડ સોર્સ સોફ્ટવેરનાં ઉદાહરણ છે.
જ્યારે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, ઉબન્ટુ, લિબર ઓપન ઓફિસ વગેરે ઓપન સોર્સ સોફ્ટવેર છે (ઓપન સોર્સ સોફ્ટવેર મોટા ભાગે ફ્રી હોય છે, એટલે જ સરકારી શાળા કે ઓફિસમાં ઉબન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ અને લિબર ઓફિસ પ્રોગ્રામ્સનો ઉપયોગ થાય છે).
આ સરખામણી આગળ વધારતાં કહી શકાય કે વોટ્સએપ મેસેજિંગ સર્વિસ તેને વિક્સાવનારી કંપનીનો પ્રોપ્રાઇટરી સોફ્ટવેર છે, જે તેણે આગળ જતાં ફેસબુક કંપનીને વેચ્યો, જ્યારે સિગ્નલ મેસેજિંગ સર્વિસને તેને વિક્સાવનારી નોન-પ્રોફિટ કંપનીએ ઓપન સોર્સ રાખી છે.
આરોગ્ય સેતુ એપ ભારત સરકારે વિક્સાવ્યા પછી, તેમાં પ્રાઇવસી અને સિક્યોરિટી સંબંધિત વિવાદો થતાં તેનો સોર્સ કોડ ઓપન કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ તેને તપાસી શકે.
ઓપન સોર્સનું આપણે માટે સૌથી જાણીતું ઉદાહરણ એન્ડ્રોઇડ છે. ગૂગલ કંપનીએ તેને વિક્સાવી તેનો સોર્સ કોડ ઓપન કરી દીધો. આથી, મોબાઇલ હેન્ડસેટ બનાવતી કોઈ પણ કંપની આ ઓપન સોર્સ કોડ મેળવી, તેમાં પોતાની રીતે ફેરફાર કરીને પોતાના મોબાઇલમાં આપણને આપે છે. આથી જ બધા એન્ડ્રોઇડ મોબાઇલ આખરે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા હોવા છતાં, તેનો ઉપયોગ કરવાની રીત દરેકમાં જુદી જુદી હોય છે!


