ઇંગ્લિશ શીખવામાં મદદરૂપ થતી પાર વગરની એપ્સ આપણે શોધી શકીએ છીએ. તેમાંથી એક નોંધપાત્ર એપ છે ‘હેલ્લો ઇંગ્લિશ’. આ એપ ગ્રામર, સ્પેલિંગ, વોકેબ્યુલરી તથા ઇંગ્લિશ બોલવાની અને વાંચવાની સ્કિલ્સ વિકસાવવામાં મદદરૂપ થાય છે. એન્ડ્રોઇડ પર તે ‘એડિટર્સ ચોઈસ’ છે.

સામાન્ય રીતે આવી એપ્સમાં સૂચનાઓ પણ અંગ્રેજીમાં આપી હોય એટલે સાવ બેઝિકથી શરૂઆત કરવી હોય તો બધું ઇંગ્લિશમાં હોવાથી મુશ્કેલી પડે. આ એપમાં આપણે ગુજરાતી, હિન્દી કે અન્ય ભારતીય ભાષા પસંદ કરી શકીએ છીએ.
તકલીફ એ છે કે ગુજરાતી ભાષા પસંદ કરવા જતાં તેનું સ્તર પ્રમાણમાં નબળું હોવાથી અંગ્રેજી શીખવા જતાં ગુજરાતી ભાષા પણ બગડી જાય તેવી પૂરી શક્યતા છે. થોડો આત્મવિશ્વાસ હોય તો અંગ્રેજી જ પસંદ કરીને આગળ વધી શકો છો.
આ એપ શરૂઆતમાં નાનો ટેસ્ટ લઇને આપણી અંગ્રેજીની આવડતને તપાસે છે અને પછી એ મુજબ આપણે માટે યોગ્ય કોર્સ સૂચવે છે.

એપમાં લગભગ ૫૦૦ જેટલા ઇન્ટરએક્ટિવ કોર્સ ઉપલબ્ધ છે. લગભગ દરેકમાં બિગિનર્સ લેસન્સ ફ્રી છે.
ગેમ્સની જેમ, આપણે એપના કોર્સનાં લેવલ પાર કરતા જઇએ તેમ તેમ કોઇન જીતીએ અને કોઇનની મદદથી આગળના કોર્સ અનલોક કરી શકીએ છીએ. ‘પ્રેક્ટિસ’ સેકશનમાં ઇન્ટરએક્ટિવ ગેમ્સ સ્વરૂપે ઇંગ્લિશના વિવિધ પાસાં સમજવાની તક મળે છે. આપણે ન્યૂઝ, આર્ટિકલ, ઓડિયો, કે વીડિયો વગેરે સ્વરૂપે પ્રેક્ટિસ કરી શકીએ છીએ.
જોકે આ એપ ત્યારે જ ઉપયોગી થશે જ્યારે આપણે તેનો નિયમિત ઉપયોગ કરીએ.
એજ્યુકેશન Hello English: Learn English
