આગળ શું વાંચશો?
- જૂના લેપટોપ માટે ક્રોમની નવી ઓપરેટિંગ સિસ્ટમ
- ફેસબુક પર એકથી વધુ પ્રોફાઇલ બનાવી શકાશે
- મહારાષ્ટ્રના વેદાંતને અમેરિકામાં નોકરી મળી, પણ…
- એપ-કેબ ફરી વિવાદમાં
તમને યાદ હશે કે થોડા સમય પહેલાં ‘સાયબરસફર’માં આપણે ગૂગલની નવી ઓપરેટિંગ સિસ્ટમ વિશે વાત કરી હતી. ક્રોમઓએસ ફ્લેક્સ નામની આ ફ્રી ઓપરેટિંગ સિસ્ટમની મદદથી આપણે પોતાના જૂના વિન્ડોઝ કે મેક પીસી, લેપટોપમાં રીતસરનો નવો પ્રાણ ફૂંકી શકીએ છીએ. જોકે આ નવી ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી ત્યારે તે પ્રમાણમાં મર્યાદિત વિન્ડોઝ, મેક કમ્પ્યૂટર્સમાં ઇન્સ્ટોલ કરી શકાતી હતી. હવે તેનો વ્યાપ ઘણો વધારવામાં આવ્યો છે. ગૂગલના કહેવા અનુસાર હવે આ ઓપરેટિંગ સિસ્ટમ જુદાં જુદાં ૪૦૦ જેટલાં ડિવાઇસમાં ઇન્સ્ટોલ કરી શકાય છે.
આથી જો તમારી પાસે જો કોઈ જૂનું વિન્ડોઝ કે મેક લેપટોપ હોય અને તેની મૂળ ઓપરેટિંગ સિસ્ટમ તેને હવે ભારે પડી રહી હોય તો તેમાં આ નવી ઓપરેટિંગ સિસ્ટમની અજમાયશ કરી શકો છો. એ માટે તમારે ક્રોમ ઓએસ ફ્લેક્સ વેબસાઇટ (https://chromeenterprise.google/os/chromeosflex/)પર જવાનું રહેશે અને કોઈ ખાલી પેનડ્રાઇવમાં ક્રોમ ઓએસનું બૂટેબલ ઇન્સ્ટોલેશન ડાઉનલોડ કરવાનું રહેશે. આ પછી તમારા મશીનમાં પહેલાં એ પેનડ્રાઇવથી નવી ઓપરેટિંગ સિસ્ટમ રન કરી જુઓ. જો બધું બરાબર ચાલે છે એમ લાગે અને નવી ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમથી તમારા કમ્પ્યૂટરનું પર્ફોર્મન્સ ખરેખર સુધર્યું છે એવું લાગે તો પછી તમે કમ્પ્યૂટરમાંની જૂની ઓપરેટિંગ સિસ્ટમને સ્થાને આ નવી ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકો છો. જોકે યાદ રાખશો કે વિન્ડોઝ અને મેક ઓએસમાં ચાલતા ઘણા પ્રોગ્રામ ક્રોમઓએસમાં ન ચાલે એવું બની શકે છે.
આથી તમારી પાસે કોઈ જૂનું લેપટોપ પડ્યું હોય જે હવે ધીમું ચાલતું હોય અને તેમાં તમે માત્ર વિન્ડોઝમાં જ ચાલે તેવા કોઇ પ્રોગ્રામ હવે ચલાવવા માગતા ન હો તો જ તેમાં આ નવી ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકો છો. ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ ઘણી લાઇટ વેઇટ હોવાથી આજના સમયની સરખામણીમાં પ્રમાણમાં નબળા હાર્ડવેરવાળા લેપટોપ કે પીસીમાં પણ તમે સારી રીતે કામ કરી શકશો.
અલબત્ત ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમમાં તમારું બધું કામકાજ ક્લાઉડમાં કરવાનું વધુ સરળ રહેશે. એટલે કે તમારું કામકાજ મોટે ભાગે ઇન્ટરનેટના સર્ફિંગ આધારિત હોય અને ઓફિસના કામકાજ માટે તમે ગૂગલ ડ્રાઇવ જેવી સર્વિસનો ઉપયોગ કરતા હો તો જ આ વિકલ્પ તમારે માટે કામનો છે.
ફેસબુક પર તમે તમારી કંપની વિશે કંઈક ભળતુંસળતું પોસ્ટ કરો અને તમારા બોસ પણ એ પોસ્ટ જુએ એવું તમારી સાથે બન્યું છે?! હવે એવી શક્યતા નહીં રહે. ટૂંક સમયમાં ફેસબુક આપણને એક જ એકાઉન્ટ માટે જુદા જુદા પ્રોફાઇલ ક્રિએટ કરવાની સગવડ આપશે. એ મુજબ, ઉદાહરણ તરીકે અંગત મિત્રો માટે અલગ પ્રોફાઇલ, પ્રોફેશનલ કોન્ટેક્ટ્સ માટે અલગ પ્રોફાઇલ અને પરિવારના સભ્યો માટે અલગ પ્રોફાઇલ ક્રિએટ કરી શકાશે.
ફેસબુકના દાવા મુજબ આવા અલગ અલગ પ્રોફાઇલ ક્રિએટ કરવાનું અને ફેસબુકમાં લોગ-ઇન હોઈએ ત્યારે પ્રોફાઇલ સ્વીચ કરવાનું કામ એકદમ સહેલું રહેશે. આ રીતે, એક એકાઉન્ટ હેઠળ કુલ પાંચ અલગ અલગ પ્રોફાઇલ ક્રિએટ કરી શકાશે. વધારાના પ્રોફાઇલમાં આપણું સાચું નામ હોવું જરૂરી નહીં રહે. હાલમાં ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર આપણું કન્ટેન્ટ અમુક ખાસ લોકો જ જોઈ શકે એવું સેટિંગ કરી શકાય છે. ફેસબુક પર પણ આપણી પોસ્ટ અમુક મિત્ર જોઈ શકે એવું સેટિંગ છે જ, પણ અલગ પ્રોફાઇલથી વાત વધુ સહેલી બનવાની શક્યતા છે.
મહારાષ્ટ્રના નાગપુરમાં રહેતા વેદાંત દેવકાટેને પોતાની મમ્મીના જૂના લેપટોપ પર ક્યારેક ઇન્સ્ટાગ્રામમાં બ્રાઉઝિંગ કરવાનો ચાન્સ મળતો હતો. મમ્મી-પપ્પા બંને નાગપુરની એન્જિનીયરિંગ કોલેજમાં પ્રોફેસર અને અભ્યાસ બાબતે કડક. તેમણે વેદાંતને લેપટોપ અપાવ્યું નહોતું અને સ્માર્ટફોન પણ ભાગ્યે જ વાપરવા મળતો. પણ એક દિવસ, ઇન્સ્ટાગ્રામ પર વેદાંતે એક વેબસાઇટ ડેવલપમેન્ટ કોન્ટેસ્ટની લિંક જોઈ. લોકડાઉન દરમિયાન વેદાંતે મમ્મીના જૂના, ધીમા લેપટોપ પર સોફ્ટવેર ડેવલપમેન્ટ, કોડિંગ, પાયથન વગેરેના ઢગલાબંધ ટ્યુટોરિયલ્સ જોયા હતા. તેણે પેલી કોન્ટેસ્ટમાં ઝંપલાવ્યું.

કોન્ટેસ્ટ અમેરિકાના ન્યૂ જર્સીની એક એડ એજન્સીએ ચલાવી હતી. વેદાંતે તેને માટે ૨૦૬૬ લાઇન્સનો કોડ બે દિવસમાં લખી નાખ્યો અને કંપનીને મોકલી આપ્યો. થોડા દિવસ પછી વેદાંતને એ કંપની તરફથી મેઇલ આવ્યો, એકાદ હજાર એન્ટ્રીમાંથી તેનો પ્રોજેક્ટ સિલેક્ટ થયો હતો અને કંપનીએ તેને જોબ ઓફર કરી હતી – પેકેજ હતું વર્ષે ૩૩ લાખ રૂપિયા! વેદાંતે સ્કૂલ ટીચર્સને આ વાત કરી. તેમણે ખાતરી કરી કે પેલી કંપની અને તેની ઓફર જેન્યુઇન હતાં. તકલીફ એ હતી કે વેદાંત હજી તો દસમા ધોરણમાં ભણે છે અને માત્ર ૧૫ વર્ષનો છે! પેલી કંપનીને આ વાતની ખબર પડતાં તેણે વેદાંતને અભ્યાસ પૂરો કરવા કહ્યું અને કહ્યું કે ત્યાર પછી તેને માટે કંપનીના દરવાજા ખુલ્લા જ છે!
હવે વેદાંતના પ્રોફેસર પપ્પા-મમ્મી તેને માટે નવું લેપટોપ લેવાનું વિચારી રહ્યા છે.
આંગળીના ઇશારે ટેક્સી બોલાવી આપવાની સગવડ આપતી એપ્સ જેટલી સગવડભરી છે એટલી જ વિવાદાસ્પદ પણ રહી છે. આવી સર્વિસમાં મુસાફરી કરતા લોકોની સલામતીનો મુદ્દો અવારનવાર ઊભો થાય છે. હમણાં આ મુદ્દે ઉબર કંપની ફરી વિવાદમાં આવી છે. એક રિપોર્ટ અનુસાર કંપનીએ ‘કિલ સ્વિચ’ નામે ઓળખાતી એક ટ્રિક અજમાવી હતી અને તે રીતે વિવિધ દેશોની સરકારોથી પોતાનો સિક્રેટ ડેટા છૂપાવવાની કોશિશ કરી હતી.

રિપોર્ટ કહે છે કે કંપનીએ તેની કોઈ પણ ઓફિસ પર પોલીસ કે અને અન્ય ઓથોરિટી તરફથી રેડ પડે, ત્યારે કંપનીએ વિક્સાવેલી એક ખાસ ટ્રિકનો ઉપયોગ કરવાની તેના કર્મચારીઓને સૂચના આપી હતી. આંતરિક રીતે આ વ્યવસ્થા ‘કિલ સ્વિચ’ તરીકે ઓળખાતી હતી. કોઈ પણ ઓફિસ પર રેડ પડે ત્યારે આ ‘કિલ સ્વિચ’ એક્ટિવેટ કરવામાં આવે તો કમ્પ્યૂટર્સમાંના અમુક ભાગ બ્લોક થઈ જતા હતા અને એ રીતે કંપનીનો સેન્સિટીવ ડેટા પોલીસથી છુપાવી શકાતો હતો. કંપનીએ આ ટ્રિકનો ભારતમાં પણ ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે.
ભારત ઉપરાંત ફ્રાન્સ, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ, હંગેરી અને રોમાનિયામાં પણ કંપનીએ આ રીતે તેનો ડેટા પોલીસથી છુપાવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ રિપોર્ટ (કે કહો કે કૌભાંડ!) હવે ‘ઉબર ફાઇલ્સ’ તરીકે ઓળખાય છે.


