સોશિયલ મીડિયામાં આપણા સૌની સ્થિતિ પેલી જૂની વાર્તાના રાજા જેવી છે. રાજાએ એક થાંભલાને પકડ્યો હતો અને પછી એ બૂમાબૂમ કરતા હતા કે થાંભલો છૂટતો નથી. કોઈ ગુરુએ આવીને સમજાવ્યું કે થાંભલાએ તને નથી પકડ્યો, તેં થાંભલાને પકડ્યો છે. છોડી દે તો છૂટી જશે.

આપણે સૌ વ્યસનની હદે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને હજી નવી જનરેશન હોય તો સ્નેપચેટ જેવી એપ્સનો ઉપયોગ કરીએ છીએ અને સાથોસાથ આ એપ્સની લત છૂટતી નથી એવી વાતો પણ – આ જ સોશિયલ પ્લેટફોર્મ્સ પર – કરીએ છીએ.
મૂળ ફ્રેન્ચ કંપનીએ વિકસાવેલી એક એપને ઇન્સ્ટાગ્રામના વધુ સારા વિકલ્પ તરીકે જોવામાં આવે છે.
એ હકીકત છે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ, સ્નેપચેટ, પિન્ટરેસ્ટ વગેરે પ્રકારના લગભગ બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે આપણા મગજ પર પકડ જમાવવાની કળામાં જબરજસ્ત માસ્ટરી કેળવી લીધી છે. આ એપ્સ બરાબર જાણે છે કે આપણને શું જોવું ગમે છે અને એ હિસ્ટ્રી ધ્યાનમાં રાખીને આપણે એક બાબત જોવાનું પૂરું કરીએ ત્યાં તરત જ એવી ને એવી બીજી બાબત સામે ધરવામાં આવે છે. અથવા, જે તે પ્લેટફોર્મ પર આપણા ફ્રેન્ડઝની એક્ટિવિટી કે આપણને સંબંધિત હોય તેવી બાબતોનાં નોટિફિકેશન્સનો આપણા પર મારો કરે છે.
આપણે બીજું મહત્ત્વનું કામ કરતા હોઇએ તો પણ આ બાબતો એક વાર જોઈ લેવાની લાલચ જતી કરી શકતા નથી. પરિણામે આ બધી સર્વિસમાં ઘણી વાર આપણા કામના કલાકોના કલાકો વેડફાઈ જાય છે.
લોકોની બદલાતી પસંદ
હવે ધીમે ધીમે લોકો સોશિયલ મીડિયાની આ આડઅસર વિશે સભાન થઈ રહ્યા છે. સાથોસાથ, લોકોની આ નવી સભાનતાનો લાભ લેવા માટે પણ નવેસરથી પ્રયાસો થઈ રહ્યા છે! આ પ્લેટફોર્મ્સ એવાં છે જે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જેમ આપણો બહુ સમય ચોરી જવાની કોશિશ કરતાં નથી અને છતાં આપણને તેની આદત લાગી જાય છે.
હવે ધીમે ધીમે લોકોને સમજાઈ રહ્યું છે કે હાલની લોકપ્રિય સોશિયલ સાઇટ્સનું તેમને વ્યસન થઈ રહ્યું છે.
છેલ્લા થોડા સમયથી આપણે જોઇએ છીએ તેમ ઇન્ટરનેટ પર ‘વર્ડલ’ નામની એક ગેમ તથા તેના જ પ્રકારની બીજી સંખ્યાબંધ ગેમ્સ સારી એવી પોપ્યુલર થઈ છે. આ ગેમ્સની ખાસિયત એ છે એ લગભગ બધી જ, દિવસમાં માત્ર એક વાર રમી શકાય છે. ૨૪ કલાકમાં માત્ર ચાર પાંચ મિનિટ આ ગેમને ફાળવો તે પછી તેની નવી ચેલેન્જ માટે આપણે રાતના બાર વાગ્યા સુધી રાહ જોવી પડે.
પરિણામ એ આવ્યું કે ઘણા લોકો માટે એકતરફ પરંપરાગત સોશિયલ મીડિયા સાઇટ્સ પર કલાકો પસાર થઈ જતા હોય અને બીજી તરફ વર્ડલ જેવી ગેમમાં આખા દિવસમાં માત્ર ગણતરીની મિનિટ પસાર થતી હોય છતાં ‘ટોપ ઓફ માઇન્ડ રીકોલ’ વર્ડલનો વધુ હોય! એટલે કે આપણા મનમાં વર્ડલના વિચારો વધુ ચાલતા હોય. તેના પર ઓછામાં ઓછો સમય વિતાવ્યા છતાં.
નવા પ્રકારની સોશિયલ એપ
લોકોની બદલાયેલી માનસિકતાનો લાભ લેવા માટે એક નવી ‘એન્ટિ સોશિયલ મીડિયા એપ’ મેદાને પડી છે. નામ પર ધ્યાન આપજો – ‘બીરિઅલ’ (મૂળ ફ્રેન્ચ એપ તેનો ઉચ્ચાર ‘બીરીલ’ હોવાનું કહે છે).
પહેલી નજરે આ એપ ઇન્સ્ટાગ્રામ જેવી જ ફોટો શેરિંગ એપ છે. જેમ ઇન્સ્ટાગ્રામમાં લોકો રેસ્ટોરન્ટમાં કે કોઈ ઇવેન્ટમાં કે પછી જ્યારે મન થાય ત્યારે પોતાની સેલ્ફી, ગ્રૂપની ઇમેજ કે ફૂડ ડિશિઝની ઇમેજ લઇને તેને પોસ્ટ કે રીલ કે સ્ટોરી સ્વરૂપે ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે, કંઈક એવું જ બીરિઅલ પર કરી શકાય છે.
હાલની બધી જ સોશિયલ સાઇટ્સનો પ્રયાસ એ રહે છે કે લોકો વધુમાં વધુ સમય તેમની સાઇટ કે એપ પર ગાળે.
પરંતુ એક મોટો ફેર છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાતી ઇમેજ માટે ઘણા લોકો ખાસ્સી તૈયારી કરે છે. વિવિધ ફિલ્ટર્સ એપ્લાય કરીને ઇમેજને વધુ આકર્ષક બનાવવાનો પ્રયાસ થાય છે (એટલે તો ઘણી વાર ઇન્સ્ટાગ્રામ પર શેર થયેલી ઇમેજ અને તેની વાસ્તવિકતા દર્શાવતી ઇમેજ પણ શેર કરવામાં આવે છે અને એ પોસ્ટ પણ વાઇરલ થાય છે)!
ટૂંકમાં સામાન્ય છાપ એવી છે કે ઇન્સ્ટાગ્રામ પર જે કંઈ શેર થતું હોય છે તે લોકોની રિઅલ લાઇફ દર્શાવતું નથી. તેને હંમેશાં વિવિધ પ્રકારના ફિલ્ટર (માત્ર એપમાંનાં, દેખીતાં નહીં!)થી જે વાસ્તવિક છે તેના કરતાં કંઈક વિશેષ, એક્સ્ટ્રા ઓર્ડિનરી બતાવવાનો પ્રયાસ થાય છે.

જ્યારે બીરિઅલમાં, એપના નામ મુજબ લોકોને તેમની રિઅલ લાઇફની સ્થિતિ રિઅલ સ્વરૂપે જ શેર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આ એપમાં પણ વર્ડલની જેમ આપણે દિવસમાં એક જ વાર એક્ટિવ થઈ શકીએ છીએ. એપ ઇન્સ્ટોલ કર્યા પછી તેમાં એકાઉન્ટ ખોલાવીને આપણે આગળ વધીએ એટલે એ પછી આખા દિવસમાં ગમે ત્યારે આપણને એપ તરફથી એક નોટિફિકેશન આવે છે અને તેમાં કહેવામાં આવે કે આવતી બે મિનિટમાં એક ફોટોગ્રાફ લઇને એપ પર શેર કરો!
એપ અલગ કઈ રીતે છે?
આ એપમાં ફોટોગ્રાફ લેવાની રીત પણ યુનિક છે. તેમાં ફ્રન્ટ અને બેક બંને કેમેરા એક સાથે એક્ટિવેટ થઈને ઇમેજ કેપ્ચર કરે છે. લોકો પાસે માત્ર બે મિનિટનો સમય હોય છે. એટલે એ ઊંઘમાંથી ઊઠ્યા હોય તો ત્યારની, ઓફિસમાં કામ કરી રહ્યા હોય તો એ સમયની, બગીચામાં લટાર મારવા નીકળ્યા હોય તો એ સમયની…પોતે જે સ્થિતિમાં હોય તે સ્થિતિની રિઅલ ફ્રન્ટ અને બેક કેમેરાથી એક સાથે લેવાયેલી ઇમેજ કેપ્ચર કરીને એપ પર શેર કરવાની રહે છે.
જો આપણે આ રીતે ફટાફટ ઇમેજ શેર કરીએ તો બરાબર એ જ રીતે, દિવસ દરમિયાન આપણા ફ્રેન્ડ સર્કલમાંના લોકોએ શેર કરેલી ‘કેન્ડિડ’ (પૂર્વતૈયારી વિનાની, તત્ક્ષણ) ઇમેજ પણ જોવા મળે. આ એપમાં ઇમેજ પર કોઈ પણ પ્રકારનું ફિલ્ટર એપ્લાય કરવાની સગવડ મળતી નથી. આખરે એપનું નામ જ બીરિઅલ છે!

ટૂંકમાં આ એપ આખા દિવસમાં માત્ર એક વાર આપણને ઇમેજ શેર કરવાનું કહે છે અને દિવસમાં એક જ વાર આપણા જુદા જુદા મિત્રોની રિયલ લાઇફમાં, તેઓ ફિલ્ટર્ડ નહીં પરંતુ જે રિઅલ સ્થિતિમાં હોય એ સ્થિતિમાં ડોકિયું કરવાની વિન્ડો ખોલી આપે છે.
અત્યારે સમગ્ર વિશ્વમાં આ એપ જબરજસ્ત પોપ્યુલર થઈ રહી છે. ખાસ કરીને ટીનેજર્સ અને કોલેજિયન્સના એક બહુ મોટા વર્ગને આ એપ ઇન્સ્ટાગ્રામ કરતાં પણ વધુ પસંદ પડવા લાગી છે. એપલના એપ સ્ટોર પર આ એપે ટોપ ૧૦ એપમાં સ્થાન મેળવી લીધું છે અને સોશિયલ મીડિયા કેટેગરીમાં મેટા કંપનીની ત્રણેય એપ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પછી બીરિઅલ ચોથા ક્રમે પહોંચી ગઈ છે.
જોકે લોકોની પસંદ-નાપસંદ જે રીતે ઝડપથી બદલાય છે તે જોતાં આ એપ માત્ર થોડા સમયનો ‘ફેડ’ સાબિત થશે કે પછી ખરેખર લોકોને ગમી જશે અને એક અલગ પ્રકારના સોશિયલ મીડિયા તરીકે લાંબું ખેંચી જશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે!

