આગળના સવાલમાં જે ‘પ્લગઇન્સ’ની વાત કરી છે, તેનું એક રસપ્રદ ઉદાહરણ એટલે ‘વૂકોમર્સ’ (/woocommerce.com). હવે દુનિયાની ૪૩ ટકા વેબસાઇટ્સ ‘વર્ડપ્રેસ’ નામની કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (સીએમએસ) પર તૈયાર થાય છે અને આવી સાઇટ પર ઇ-કોમર્સ એટલે કે જુદા જુદા પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ સરળ બનાવે છે વૂકોમર્સ પ્લગઇન.

વર્ડપ્રેસ પ્લેટફોર્મ બે પ્રકારે ઉપલબ્ધ છેઃ વર્ડપ્રેસ.કોમ (https://wordpress.com/) અને વર્ડપ્રેસ.ઓર્ગ (https://wordpress.org/)
વર્ડપ્રેસ.કોમમાં કોઈ પણ વ્યક્તિ બહુ સહેલાઈથી પોતાનો બ્લોગ કે કેટલીક મર્યાદાઓ સાથે વેબસાઇટ બનાવી શકે છે. વર્ડપ્રેસ.કોમના બિલકુલ ફ્રી પ્લાનમાં યૂઝરે ડોમેઇન, હોસ્ટિંગ વગેરે કોઈ બાબતની ચિંતા કરવાની જરૂર હોતી નથી.
જ્યારે કોઈ વ્યક્તિ કે કંપની પોતાની રીતે, કોઈ મર્યાદા વિના વર્ડપ્રેસનો ઉપયોગ કરવા માગે ત્યારે તે પોતાની વેબસાઇટ માટે પોતાનું જ ડોમેઇન અને હોસ્ટિંગ ખરીદી શકે છે. પછી આ હોસ્ટિંગ પ્લાનમાં તે વર્ડપ્રેસ પ્લેટફોર્મ ઇન્સ્ટોલ કરી શકે, જે મફતમાં મળે છે વર્ડપ્રેસ.ઓર્ગ પરથી!
વર્ડપ્રેસ.કોમ અને વર્ડપ્રેસ.ઓર્ગ, બંને મફત હોવા છતાં બંનેમાં મોટો ફેર એ છે કે .કોમ પરના બ્લોગ/વેબસાઇટમાં ઘણી મર્યાદાઓનો સામનો કરવો પડે છે, જ્યારે .ઓર્ગમાં આવી કોઈ મર્યાદા હોતી નથી.
આવી પહેલી મર્યાદા છે, પોતાની સાઇટને ઇકોમર્સ સાઇટમાં ફેરવવાની મર્યાદા.
વર્ડપ્રેસ.કોમમાં હવે વૂકોમર્સ પ્લગઇન ઉમેરી શકાય તેવો પ્લાન છે, પણ તે પેઇડ છે અને તેના માટે દર વર્ષે ૫૪૦ ડોલર જેવી ઊંચી કિંમત ચૂકવવી પડે છે. જો તમારી સાઇટ, પોતાના ડોમેઇન અને હોસ્ટિંગ સાથે વર્ડપ્રેસ.ઓર્ગના પ્લેટફોર્મ પર ડેવલપ કરી હોય તો તેમાં વૂમકોમર્સ પ્લગઇન મફતમાં ઉમેરી શકા છે!
વૂકોમર્સના ફ્રી પ્લગઇનને કારણે વર્ડપ્રેસ વેબસાઇટમાં ઇકોમર્સ સાઇટ ઊભી કરી શકાય છે.
વેબસાઇટ બનાવનાર દરેક ડેવલપરની જરૂરિયાત જુદી જુદી હોય આથી વર્ડપ્રેસમાં પણ મૂળ, કોર વર્ડપ્રેસ પ્લેટફોર્મ મફત મળે અને ડેવલપર પોતાની જરૂરિયાત મુજબ તેમાં જુદા જુદા પ્લગઇન ઉમેરી શકે તેવી પદ્ધતિ વિકસી છે. ફરી, વર્ડપ્રેસ.કોમ પરના બ્લોગ કે વેબસાઇટમાં કોઈ પ્લગઇન ઉમેરી શકાતાં નથી, જ્યારે વર્ડપ્રેસ.ઓર્ગ પરની વેબસાઇટમાં તમે ૫૫૦૦૦ જેટલાં પ્લગઇન્સમાંથી કોઈ પણ તમારી સાઇટમાં ઉમેરી શકો છો.
હવે ફરી, વૂકોમર્સ તરફ વાત વાળીએ. વર્ડપ્રેસની વેબસાઇટ મોટા ભાગે બે પ્રકારની હોય. એક જેમાં બધું જ કન્ટેન્ટ ફ્રી હોય અને બે, જેમાં કન્ટેન્ટ અથવા અન્ય કોઈ પણ પ્રકારની ચીજવસ્તુ વેચવામાં આવતી હોય. વૂકોમર્સ પ્લગઇન આ બીજા પ્રકારની વેબસાઇટ ડેવલપ કરવા માટેનું પ્લેટફોર્મ છે.
આપણા સૌ માટે જાણીતા ઉદાહરણથી વાત કરીએ તો ‘સાયબરસફર’ની વેબસાઇટ વર્ડપ્રેસ.ઓર્ગના પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે અને તેમાં ડિજિટલ કે પ્રિન્ટ એડિશન કે અન્ય પુસ્તકો ખરીદવા માટેની જે વ્યવસ્થા છે તે વૂકોમર્સ પ્લગઇન આધારિત છે.

હવે મજા જુઓ – વૂકોમર્સ પોતે ફ્રી પ્લગઇન છે. પરંતુ તેમાં હજી વધારાની સુવિધાઓ જોઇતી હોય તો એ માટે પાછાં અલગ અલગ ફ્રી કે પેઇડ પ્લગઇન મેળવી શકાય છે!
વૂકોમર્સને પ્લગઇનને કારણે વર્ડપ્રેસ વેબસાઇટમાં ઇકોમર્સ સાઇટ ઊભી કરી શકાય છે. તેમાં જુદી જુદી કેટેગરીમાં જુદી જુદી પ્રોડક્ટનું લિસ્ટિંગ કરી શકાય છે. પછી તેને જુદા જુદા પેમેન્ટ ગેટવેના પ્લગઇન સાથે કનેક્ટ કરી શકાય છે. આથી જે તે વેબસાઇટના મુલાકાતી વેબસાઇટ પરથી ખરીદી કરી શકે છે.
વૂકોમર્સ પ્લગઇન ડિજિટલ અને ફિઝિકલ એમ બંને પ્રકારની ચીજવસ્તુઓ માટેનું ઇકોમર્સ પ્લેટફોર્મ તૈયાર કરી આપે છે.
ફરી ‘સાયબરસફર’નું ઉદાહરણ લઇએ તો ‘સાયબરસફર’ની વેબસાઇટમાં વૂકોમર્સના પ્લગઇનને કારણે ડિજિટલ એડિશનનું લવાજમ વેચી શકાય છે. વાચકો પેમેન્ટ ગેટવે દ્વારા તેનું પેમેન્ટ કરે તો તેમનું ઓટોમેટિક એકાઉન્ટ ક્રિએટ થાય છે અને તેઓ ડિજિટલ ઇસ્યૂ વાંચવાનું શરૂ કરી શકે છે.
બીજી તરફ ધારો કે તમે પ્રિન્ટેડ બુક્સ ખરીદો તો પેમેન્ટ ગેટવે દ્વારા તેનો ઓર્ડર ‘સાયબરસફર’ને પહોંચે છે અને પછી એ ફિઝિકલ પ્રોડક્ટ એટલે કે પ્રિન્ટેડ બુક વાચકને મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. દુનિયાની લગભગ અડધો કરોડ વેબસાઇટ્સ પર વૂકોમર્સ આધારિત પેમેન્ટ ઇકોમર્સ સિસ્ટમનો ઉપયોગ થતો હોવાનો અંદાજ છે.

