હેકર વિશે આપણા સૌના મનમાં એક આગવી ઇમેજ કોતરાઈ ગઈ છે – એક ચાલાક, લુચ્ચો, ખંધો માણસ, જે પોતાના ઘર કે બેઝમેન્ટમાં પણ આખો દિવસ પોતાનું મોં ઢંકાય એવો હૂડિની કોટ પહેલો બેઠેલો માણસ, જે ઇન્ટરનેટ પર સતત પોતાના શિકાર શોધતો ફરતો હોય… ઇન્ટરનેટ પર હેકરની ઇમેજ પણ મોટા ભાગે આપણે આવી જ જોઈ છે, પણ…
હેકર્સના દિલમમાં રામ વસતા હોય એવું લાગે છે. ‘એથિકલ હેકર’ તરીકે જાણીતા લોકો તો એમની હેકિંગ સ્કિલ્સ કામે લગાડીને જાણીતી, પબ્લિક વેબસાઇટ્સમાંની ખામીઓ શોધીને, તેનો પોતે કોઈ ગેરલાભ ઉઠાવ્યા વિના, તેને સુધારી લેવાની તક આપતા હોય છે. પરંતુ સામાન્ય રીતે ‘ક્રિમિનલ’ ગણાતા હેકર પણ કોમળ દિલના હોવાનું અવારનવાર બહાર આવે છે.

થોડા સમયથી ભારતમાં એક નવા પ્રકારનો રેન્સમવેર સક્રિય થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તમે જાણતા જ હશો કે રેન્સમવેર એક એવુ જોખમ છે જેમાં હેકર કોઈ કંપની, સંસ્થા કે વ્યક્તિના કમ્પ્યૂટરમાં ઘૂસીને તેમાંનો બધો જ ડેટા લોક કરી શકે છે અને પછી ડેટા અનલોક કરવા માટે રેનસમ એટલે કે ખંડણી માગે છે. જો રેન્સમ ચૂકવવામાં ન આવે તો પોતાનો બધો ડિજિટલ ડેટા હંમેશ માટે ગુમાવવાની નોબત આવી શકે છે (આ માટે જ પોતાને માટે મહત્ત્વના ડેટાનો નિયમિત રીતે બેકઅપ એ જ રેન્સમવેરથી બચવાનો એકમાત્ર સચોટ ઉપાય છે).
ઘણા કિસ્સા એવા પણ નોંધાયા છે કે કોઈ હેકરે કોઈના કમ્પ્યૂટર પર રેન્સમવેર એટેક કર્યો હોય અને પછી ખ્યાલ આવે કે એ વ્યક્તિ તેને કોઈ રીતે પેમેન્ટ કરી શકે તેમ નથી તો એક પાઇ લીધા વિના બધો ડેટા ફરી ખોલી આપે!
ભારતમાં નવા ફેલાયેલા રેન્સમવેરની વાત કરીએ તો તેનું નામ ‘ગુડવિલ રેન્સમવેર’ હોવાનું બહાર આવ્યું છે. આ રેન્સમવેર અન્ય પ્રકારના રેન્સમવેરની જેમ કમ્પ્યૂટરમાં ઘૂસીને બધા જ ડોક્યુમેન્ટ્સ, ફોટોસ, વીડિયો તથા અન્ય મહત્ત્વની ફાઇલ્સ એનક્રિપ્ટ કરી નાખે છે. જેને ચોક્કસ ડિક્રિપ્શન કી વિના ફરી ઉપયોગની સ્થિતિમાં લાવવી અશક્ય છે.
ફેર ફક્ત એટલો છે કે આ રેન્સમવેર ફેલાવનારા હેકર્સ પોતે રકમની માગણી કરતા નથી પરંતુ ભોગ બનનાર વ્યક્તિને કહે છે કે એણે ત્રણ રીતે સમાજસેવા કરવાની છે. એક, ગરીબ લોકોને નવાં કપડાં દાનમાં આપવાનાં, બીજું વંચિત પરિવારનાં બાળકોને જાણીતી પિઝા ચેઈનના રેસ્ટોરાંમાં લઇ જઇને ભરપેટ જમાડવાના અને ત્રીજું, નજીકની હોસ્પિટલમાં જઇને તેનું બિલ ભરવા અસમર્થ દર્દીને આર્થિક મદદ કરવાની!
હેકર્સ આગ્રહ રાખે છે કે આ રીતે ત્રણેય પ્રકારે સમાજસેવા કરીને, તેને રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવે અને એ પછી જ ગુડવિલ રેન્સમવેરનો ભોગ બનેલ વ્યક્તિ કે કંપનીનો ડેટા ડિક્રિપ્ટ કરી આપવામાં આવે છે. ભારતની એક સિક્યોરિટી ફર્મે આ ગુડવિલ રેન્સમવેર વિશે પહેલીવાર જાણવા મળ્યું અને કંપનીનો દાવો છે કે આ રેન્સમવેર ભારતની જ એક આઇટી સિક્યોરિટી સોલ્યુશન્સ પૂરાં પાડતી કંપની દ્વારા ચલાવવામાં આવે છે!
