આપણા પીસી કે લેપટોપના કી-બોર્ડ પર છેક નીચેની તરફ ડાબી અને જમણી બંને બાજુએ વિન્ડોઝ-કી જોવા આપણે વર્ષોથી ટેવાયેલા છીએ. જો તમે નવું નવું લેપટોપ ખરીદ્યું હોય કે બિલકુલ નવું કી-બોર્ડ ખરીદ્યું હોય તો કી-બોર્ડ પર એક તરફ વિન્ડોઝ-કીની જગ્યાએ ઓફિસ કી જોવા મળી શકે છે. તમે માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામ્સનો સારો એવો ઉપયોગ કરતા હો તો આ એક કી તમારું કામ ઘણું સહેલું બનાવી શકે છે.

આ શોર્ટકટ કીના કેટલાક ઉપયોગ નીચે બતાવ્યા છે, એક વાર આ કીના ઉપયોગની ટેવ પડશે પછી ઓફિસ પ્રોગ્રામ્સ તમે બીજી કોઈ રીતે ઓપન કરશો નહીં. જો તમારા કી-બોર્ડમાં ઓફિસ કી જોવા ન મળે તો એ એક કીને બદલે કન્ટ્રોલ+ઓલ્ટર+શિફ્ટ+વિન્ડોઝ એમ ચાર ચાર કી અને પછી નીચે મુજબ બીજી કી પ્રેસ કરવી પડશે (પહેલી નજરે ચાર કીનો ઉપયોગ મુશ્કેલ લાગશે, પણ ટેવ પડતાં સહેલો લાગશે)!
- Office Key + W આ કી કોમ્બિનેશન પ્રેસ કરતાં વર્ડ પ્રોગ્રામ ઓપન થશે અને તેમાં તમે બ્લેન્ક વર્ડ ડોક્યુમેન્ટ ઓપન કરી શકશો.
- Office Key + X આ કી કોમ્બિનેશન પ્રેસ કરતાં એક્સેલ પ્રોગ્રામ ઓપન થશે અને તેમાં તમે બ્લેન્ક એક્સેલ ડોક્યુમેન્ટ ઓપન કરી શકશો.
- Office Key + P આ કી કોમ્બિનેશન પ્રેસ કરતાં પાવરપોઇન્ટ પ્રોગ્રામ ઓપન થશે અને તમે બ્લેન્ક પાવરપોઇન્ટ ડોક્યુમેન્ટ ઓપન કરી શકશો.
- Office Key + O આ કી કોમ્બિનેશન પ્રેસ કરતાં આઉટલૂક પ્રોગ્રામ ઓપન થશે.
- Office Key + T આ કી કોમ્બિનેશન પ્રેસ કરતાં માઇક્રોસોફ્ટ ટિમ્સ વિન્ડો ઓપન થશે.
- Office Key + D આ કી કોમ્બિનેશન પ્રેસ કરતાં તમારી વિન્ડોઝ સિસ્ટમમાં ફાઇલ એક્સપ્લોરરમાં વનડ્રાઇવનું ફોલ્ડર ઓપન થશે. જો તમે વનડ્રાઇવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરેલ નહીં હોય તો બ્રાઉઝરમાં વનડ્રાઇવ ઓપન થશે.
- Office Key + N આ કી કોમ્બિનેશન પ્રેસ કરતાં વનનોટ પ્રોગ્રામ ઓપન થશે (આ પ્રોગ્રામ તમારે માટે અજાણ્યો હોઈ શકે છે, પરંતુ જુદા જુદા પ્રોજેક્ટ વિશે અલગ અલગ પ્રકારની નોંધ ટપકાવવા માટે આ મજાનો પ્રોગ્રામ છે).
- Office Key + L આ કી કોમ્બિનેશન પ્રેસ કરતાં તમારા ડિફોલ્ટ બ્રાઉઝરમાં લિન્ક્ડઇનની વેબસાઈટ ઓપન થશે.
