વિકિપીડિયાના લેખો, એ પણ નક્શા પર? ડેટા વિઝ્યુઅલાઇઝેશનના આ જમાનામાં આપણને આ વાતની નવાઈ ન લાગવી જોઈએ.

નીયરબાયવિકિ (https://en.nearbywiki.org/) એક એવી વેબસાઈટ છે જે વિકિપીડિયાના વિવિધ આર્ટિકલ્સને ઇન્ટરએક્ટિવ નકશા પર મૂકી આપે છે. આ સાઇટ પર જતાં પહેલાં આપણું લોકેશન જાણવાની મંજૂરી માગવામાં આવે. જો આપણે હા કહીએ તો નકશો આપણા લોકેશન પર ઝૂમ થાય અને ચોતરફ વિકિપીડિયાનો ‘ડબલ્યુ’ કે વિવિધ આંકડા દર્શાવતાં પ્લેસમાર્ક જોવા મળે.
સામાન્ય રીતે આપણે કોઈ પણ સ્થળ વિશે ગૂગલ મેપ્સ જેવી સર્વિસમાં સર્ચ કરીને ઘણી વધુ વિગતો મેળવી શકીએ. પરંતુ મેપ્સ સર્વિસ અને નીયરબાયવિકિ સર્વિસના હેતુ અલગ અલગ છે.
ડબલ્યુ લખેલા પ્લેસમાર્કનો અર્થ સ્પષ્ટ છે – એ લોકેશનને સંબંધિત કોઈ લેખ વિકિપીડિયા પર છે! સંખ્યાઓ લખેલા પ્લેસમાર્કનો અર્થ પણ સહેલો છે – એ લોકેશન વિશે પ્લેસમાર્કમાં દેખાતી સંખ્યા જેટલા આર્ટિકલ્સ વિકિપીડિયા પર છે. એ સ્થળને ઝૂમ કરતાં જુદાં જુદાં સ્થાનોનાં વિકિપીડિયા આર્ટિકલ દર્શાવતાં પ્લેસમાર્ક્સ જોવા મળે. આપણે કોઈ પ્લેસમાર્ક પર ક્લિક કરીએ તો એ સ્થળ વિશે વિકિપીડિયામાંના આર્ટિકલમાંથી ટૂંકી વિગત જોવા મળે અને ત્યાંથી આગળ વધીને આપણે વિકિપીડિયાના આખા આર્ટિકલ સુધી પહોંચી શકીએ!

સામાન્ય રીતે આપણે કોઈ પણ સ્થળ વિશે ગૂગલ મેપ્સ જેવી સર્વિસમાં સર્ચ કરીને ઘણી વધુ વિગતો મેળવી શકીએ. પરંતુ મેપ્સ સર્વિસ અને નીયરબાયવિકિ સર્વિસના હેતુ અલગ અલગ છે. મેપ્સમાં જોવા મળતા રીવ્યૂ કે સવાલ-જવાબો નીયરબાયવિકિમાં જોવા મળતા નથી. તેમાં ફોકસ માત્ર તે સ્થળ વિશેના વિકિપીડિયામાંના આર્ટિકલ પર છે.
શાળામાં શિક્ષક કે માતા-પિતા પોતાનાં સંતાનોને વિવિધ સ્થળો વિશે સમજ કેળવી રહ્યા હોય ત્યારે આવી કોઈ સર્વિસની મદદથી એ સ્થાને સંબંધિત વિવિધ વિકિપીડિયા આર્ટિકલ સુધી સહેલાઈથી પહોંચી શકે છે. આ આર્ટિકલ્સ સામાન્ય સર્ફિંગ કે સર્ચિંગ દરમિયાન આપણા રડારમાં કદાચ ન આવે પરંતુ નીયરબાયવિકિ પર એ ક્લિકવગા રહે છે.
તમારા પોતાના ગામ-શહેર કે વિસ્તારથી શરૂઆત કરી જુઓ અને પછી દુનિયાભરનાં વિવિધ સ્થળોની સફર પર નીકળી પડો!

