
નવરાત્રિને હજી વાર છે, પણ માની લો કે નવરાત્રિ આવી ગઈ છે, તમે ‘ટ્રેન્ડીશનલ’ ડ્રેસમાં સજ્જ થઈને ફ્રેન્ડ્સ સાથે ગરબાની રમઝટ માણી રહ્યા છો. એ સમયે, તમારી નજીક, રાત્રીના સમયે પણ સ્ટાઇલિશ ગોગલ્સ પહેરેલ કોઈ હેન્ડસમ યુવાન કે ફૂટડી યુવતી તમને ટીકી ટીકીને જુએ છે એવું લાગે, તો બહુ ખુશ ન થશો. બની શકે એ યુવક કે યુવતી તમારો વીડિયો ઊતારી રહ્યા હોય અને પછી તેને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ કે એવી બીજી એપ પર સ્ટોરી તરીકે શેર કરવાની તૈયારીમાં હોય! એ વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન કે કોઈ કેમેરા નથી. ફક્ત તેણે ગોગલ્સ પહેર્યાં છે.
આ છે ફેસબુકની નવી ભેટ – ‘સ્માર્ટ ગોગલ્સ’, આઇવેર માટે વિશ્વસ્તરે જાણીતી બ્રાન્ડ રે-બાન (કે રે-બેન) સાથે મળીને.
આ અગાઉ ફેસબુક જેવી સ્નેપચેટ એપે, માત્ર તેના પ્લેટફોર્મ પર શેર કરી શકાય તેવા વીડિયો/ઇમેજ કેપ્ચર કરતાં ‘સ્પેક્ટેકલ્સ’ લોન્ચ કર્યાં હતાં. એની પણ પહેલાં, ગૂગલના સ્માર્ટ ગ્લાસ ગાજ્યા હતા.
આ ગોગલ્સ હજી ભારતમાં ઉપલબ્ધ નથી, પણ તેના વિશે જાણી રાખીએ.
એમાં ઓગમેન્ટેડ રિયાલિટી હોવાથી તેના મેડિકલ કે ઇન્ડસ્ટ્રીયલ યૂઝની પણ શક્યતાઓ હતી, પણ એ ગ્લાસિસ છેવટે ગૂગલે પાછા ખેંચી લીધા.
હવે ફેસબુકે આ ગોગલ્સ લોન્ચ કર્યાં છે.
આમ તો તે સપ્ટેમ્બર ૨૦૨૧માં જ લોન્ચ થઈ ગયાં હતાં, હવે તેમાં નવાં નવાં ફીચર્સ ઉમેરાઈ રહ્યાં છે. આ ગોગલ્સનો ઉપયોગ કરનારા લોકો કહે છે કે હાલમાં તે વધુ એક ‘ટેક-ટોય’થી વિશેષ કશું જ નથી. તે ફક્ત, પ્રાઇવસીની બાબતે મોટી પરેશાની ઊભી કરી શકે તેમ છે કેમ કે લોકો આવાં ગોગલ્સ પહેરીને ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે વ્યક્તિનો, તેને ખાસ જાણ ન થાય એ રીતે, વીડિયો કે ફોટો લઈ શકે છે!
મેટા કંપનીએ ગોગલ્સ માટે જાણીતી બ્રાન્ડ રે-બાન સાથે જોડાણ કર્યું છે. રે-બાન કંપનીનાં ગોગલ્સમાં કેમેરા, માઇક્રોફોન અને સ્પીકર્સ ઉમેરીને ‘સ્માર્ટ’ કહી શકાય તેવાં ગોગલ્સ બનાવવામાં આવ્યાં છે. નામ આપ્યું છે: ‘રે-બાન સ્ટોરીઝ’. ધ્યાન આપજો, નામમાં કે પ્રોડક્ટ પર ક્યાંય મેટા કે ફેસબુકનું નામ કે લોગો નથી!

અત્યારે આ ગોગલ્સ અમેરિકા, કેનેડા, યુકે, આયર્લેન્ડ, ઓસ્ટ્રીયા, બેલ્જિયમ, ઇટલી, સ્પેન અને ઓસ્ટ્રેલિયામાં રે-બાનના ફિઝિકલ સ્ટોર્સ કે ઓનલાઇન સ્ટોરમાંથી ખરીદી શકાય છે. ઇન્સ્ટાગ્રામ પર રે-બાનના પેજ પર જઈ, તમે આ ગોગલ્સની વર્ચ્યુઅલ ટ્રાયલ પણ લઈ શકો છો.
ભારતમાં આ ગોગલ્સ હજી ઉપલબ્ધ નથી. હાલમાં તેની કિંમત ૨૯૯ યુએસ ડોલર એટલે કે લગભગ ૨૩,૦૦૦ રૂપિયાથી શરૂ થાય છે!
મેટા કંપનીએ જાણીતી ગોગલ્સ બ્રાન્ડ રે-બાન સાથે મળીને, સાદાં ગોગલ્સથી વિશેષ ‘સ્માર્ટ’ સગવડો આપે તેવાં ગોગલ્સ લોન્ચ કર્યાં છે.
‘રે-બાન સ્ટોરીઝ’ દેખાવમાં સામાન્ય ગોગલ્સ જેવાં જ દેખાય છે, પણ તે કેમેરા, માઇક્રોફોન અને સ્પીકરથી સજ્જ છે. આથી આ ગોગલ્સ પહેર્યાં હોય ત્યારે આજુબાજુ જે દેખાતું હોય તેનો વીડિયો કે ઇમેજિસ કેપ્ચર કરી શકાય. ગોગલ્સની મદદથી મ્યુઝિક સાંભળી શકાય કે તેનો હેન્ડ્સફ્રી તરીકે ઉપયોગ કરી, અન્ય લોકો સાથે ફોન પર વાતચીત કરી શકાય.

ટૂંકમાં આ ગોગલ્સ ફોનના એક્સ્ટેન્શન જેવું કામ આપે છે. આ અગાઉ ગૂગલ અને હમણાં સ્નેપચેટ કંપનીએ સ્માર્ટ ગ્લાસીસ તૈયાર કર્યા છે. એ બંનેમાં ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર) એટલે કે ગોગલ્સના ગ્લાસ પર ઇન્ફર્મેશન ડિસ્પ્લે થાય એવી પણ સગવડ હતી. ફેસબુક અને રે-બાન સ્ટોરીઝ ગોગલ્સમાં આવી કોઈ એઆર ફેસિલિટી નથી, એ ફક્ત વીડિયો/ઇમેજ કેપ્ચર, મ્યુઝિક અને કોલિંગની સુવિધા આપે છે.
આ ગોગલ્સ પહેરનારી વ્યક્તિ વોઇસ કમાન્ડથી ઇમેજ કે વીડિયો કેપ્ચર કરી શકે છે. ગોગલ્સની જ મદદથી મ્યુઝિક સાંભળી શકે કે વાતચીત પણ કરી શકે છે.
તમે આ ગોગલ્સ ખરીદો અને પહેરીને કોઈ પાર્ટી માણી રહ્યા હો ત્યારે ‘હેય ફેસબુક, સ્ટાર્ટ એ વીડિયો’ એવો વોઇસ કમાન્ડ આપતાં, ફેસબુક આસિસ્ટન્ટની મદદથી ગોગલ્સમાંના કેમેરા એક્ટિવેટ થાય છે. આવા જુદા જુદા વોઇસ કમાન્ડથી ગોગલ્સ પાસેથી ઘણાં કામ કરાવી શકાય છે,અથવા ગોગલ્સ પરનાં બટન્સ/સેન્સરથી આ કામ કરી શકાય છે.

ગોગલ્સનો ઉપયોગ કરવા માટે ‘ફેસબુક વ્યૂ’ નામની એપની જરૂર પડે છે. આ એપ ફોનમાં ઇન્સ્ટોલ કર્યા પછી તેને ગોગલ્સ સાથે પહેલી વાર અન્ય બ્લુટૂથ ડિવાઇસની જેમ પેર કરવાની રહે છે, પછી દરેક વાર તે ઓટોમેટિક પેર થાય છે. ગોગલ્સમાં સ્ટોરેજ પણ છે એટલે વીડિયો/ઇમેજ કેપ્ચર થયા પછી તેમાં સ્ટોર થાય છે અને પછી ફોનમાંની એપમાં ટ્રાન્સફર થાય છે. એપમાં તેનું એડિટિંગ કરીને કે ફિલ્ટર્સ ઉમેર્યા પછી તેને શેર કરી શકાય છે.
ગોગલ્સમાં ખાસ પ્રકારના કેમેરા, કમ્પ્યૂટર ચિપ, સ્ટોરેજ અને અન્ય સુવિધાઓ મૂકવામાં આવી છે. ગોગલ્સ ફેસબુકની ખાસ એપના સાથમાં કામ કરે છે.
દેખાવમાં સામાન્ય ગોગલ્સ જેવાં ‘રે-બાન સ્ટોરીઝ’માં ફ્રન્ટમાં ગ્લાસના બંને છેડે ૫ મેગાપિક્સેલના બે કેમેરા છે. ગ્લાસની પાછળ ફ્રેમમાં એક બાજુ પાવર ઓન-ઓફ કરવાનું બટન છે.

જેની મદદથી, સામાન્ય સંજોગમાં ગોગલ્સનાં ‘સ્માર્ટ’ ફીચર્સ ઓફ કરીને તેનો સામાન્ય ગોગલ્સની જેમ ઉપયોગ કરી શકાય છે. ગોગલ્સની બંને દાંડીના છેડે ૨ સ્પીકર્સ છે. દાંડી પર એક તરફ કેપેસિટિવ સેન્સર છે, જેના પર આંગળી લસરાવી વોલ્યુમ ઓછું-વધુ કરી શકાય. ફ્રેમમાં જ ૩ માઇક્રોફોન અને ક્વૉલકોમની ચિપ છે. ગોગલ્સમાં ૪ જીબીની સ્ટોરેજ છે. ઇયરબડ્સની જેમ, ગોગલ્સને તેના કેસમાં મૂકી દેતાં ચાર્જિંગ થઈ જાય છે.
ગોગલ્સની બેટરી અને સ્પીકર્સની ક્વોલિટી ઘણી સારી છે, પણ કેમેરા હાલમાં ઘણા નબળા છે, વીડિયો/ઇમેજની ક્વોલિટી ખાસ્સી નબળી છે.
બ્લુટૂથ ઇયરબડ્સની જેમ, આ ગોગલ્સ તેના કેસમાં મૂકી રાખ્યાં હોય ત્યારે ચાર્જ થાય છે. ગોગલ્સમાં કેમેરા, સ્પીકર્સ, સેન્સર્સ વગેરે જુદી જુદી સુવિધા છે.
‘રે-બાન સ્ટોરીઝ’ ગોગલ્સનો ઉપયોગ કરવા ‘ફેસબુક વ્યૂ’ નામની એપ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરવી જરૂરી છે. તે આઇફોન અને એન્ડ્રોઇડ બંને માટે ઉપલબ્ધ છે. એપ ડાઉનલોડ કર્યા પછી, ફેસબુક એકાઉન્ટથી તેમાં લોગ-ઇન કરવાનું રહે છે અને તેને ગોગલ્સ સાથે પેર કરવાની રહે છે. એક ગોગલ્સ, એક ફેસબુક એકાઉન્ટ સાથે કનેક્ટ કરી શકાય છે.

એ પછી ગોગલ્સ ફોન સાથે કનેક્ટેડ રહે છે. ફેસબુક આસિસ્ટન્ટ એક્ટિવેટ કર્યા પછી ગોગલ્સ પાસેથી વોઇસ કમાન્ડથી કામ લઈ શકાય છે. મ્યુઝિક કે ફોન કોલ્સનો ગોગલ્સ મારફત લાભ લઈ શકાય છે. ગોગલ્સથી કેપ્ચર કરેલ વીડિયો કે ઇમેજ ફેસબુક વ્યૂ એપમાં ટ્રાન્સફર થાય છે અને પછી ગોગલ્સની સ્ટોરેજમાંથી ડિલીટ થાય છે. ગોગલ્સ એક સાથે ૬૦ સેકન્ડનો વીડિયો કેપ્ચર કરી શકે છે, એપમાં એકથી વધુ વીડિયો જોડી શકાય છે.
આ ગોગલ્સના ઉપયોગ માટે ફેસબુકે એપલ અને એન્ડ્રોઇડ માટે એક ખાસ એપ વિક્સાવી છે. આ એપ સાથે વાયરલેસ રીતે કનેક્ટ થઈને ગોગલ્સ કામ કરે છે.
મેટાનો દાવો છે કે બિલકુલ શરૂઆતથી લોકોની પ્રાઇવસી ધ્યાનમાં રાખીને જ ગોગલ્સ ડિઝાઇન થયેલ છે!
આ દાવાના સમર્થનમાં કંપની કહે છે કે ગોગલ્સમાં ફ્રન્ટ સાઇડ પર, કેમેરાની બંને બાજુએ ઝીણી એલઇડી લાઇટ છે, જે વીડિયો કે ઇમેજ કેપ્ચર થતાં હોય ત્યારે ઓન રહે છે. આથી, ગોગલ્સ પહેરનારી અને વીડિયો/ઇમેજ લઈ રહેલી વ્યક્તિની સામે રહેલી અને જેમની ‘ફિલમ ઊતરી રહી હોય’ એમને જાણ થાય કે કોઈ તેમનો વીડિયો કેપ્ચર કરી રહ્યું છે.

લેખની શરૂઆતમાં નવરાત્રિનું ઉદાહરણ આપ્યું છે, પણ મોલ્સ, પબ્લિક વોશરૂમ્સ વગેરે કોઈ પણ જગ્યાએ આવાં ગોગલ્સ પહેેરેલી વ્યક્તિ કંઈ પણ કેપ્ચર કરી શકે છે. ફેસબુકે ગોગલ્સના ‘સમજદારીભર્યા’ ઉપયોગ માટે લોકોમાં જાગૃતિ લાવવા કેમ્પેઇન કરવાનું વચન આપ્યું છે. ને હા, આ પ્રોડક્ટ ફેસબુકની છે, ડેટા બાબતે કેટલો ભરોસો મૂકવો તે તમે જાણો!
ઇમેજ કે વીડિયો કેપ્ચર થઈ રહ્યાં હોય ત્યારે ગોગલ્સ પર એક એલઇડી લાઇડ ચાલુ રહે છે, જેથી સામેની વ્યક્તિને જાણ થાય કે તેમની ઇમેજ/વીડિયો લેવાઈ રહ્યાં છે.
