અન્ય ઓટીટી પ્લેટફોર્મની સરખામણીમાં યુટ્યૂબ અલગ પ્રકારનું પ્લેટફોર્મ છે. તેનો આપણો ઉપયોગ મોટા ભાગે ફ્રી એકાઉન્ટથી હોવાથી આપણે તેમાં પાસવર્ડ શેર કરવાની જરૂર રહેતી નથી.

પરંતુ, યુટ્યૂબ ગૂગલ જેવી કંપનીનો એક ભાગ હોવાથી, તેમાં આપણી ખાસ્સી ચોક્સાઇભરી જાસૂસી થઈ શકે છે. આપણે યુટ્યૂબ પર શું શું જોઈએ છે તેનો પૂરો રેકોર્ડ જાળવીને તેના આધારે અન્ય વીડિયો ઓટો પ્લે થાય છે કે સૂચવવામાં આવે છે. વીડિયો સાથે જોવા મળતી એડ્સ પણ, ઇન્ટરનેટ કે યુટ્યૂબ પરની આપણી પ્રવૃત્તિને આધારે નક્કી થતી હોય છે.
યુટ્યૂબમાં આપણે શું જોઈએ છીએ તે આપણા સર્કલમાંના અન્ય લોકો જોઈ શકતા નથી, પરંતુ યુટ્યૂબ પરની તમારી બધી પ્રવૃત્તિઓ ટ્રેકરેકોર્ડ રહે તે તમને ગમતું ન હોય કે યુટ્યૂબ એકના એક પ્રકારના વીડિયો બતાવવા લાગે એ પણ તમને ગમતું ન હોય તો તેના બે ઉપાય છે.

એક, તમે જ્યારે વીડિયો એપ ઓપન કરો ત્યારે તેમાં ઇનકોગ્નિટો મોડ ઓન કરીને પછી વીડિયો જુઓ. બીજો રસ્તો, યુટ્યૂબને આપણી એક્ટિવિટી કે સર્ચની હિસ્ટ્રી ન જાળવવાની સૂચના આપવાનો છે. આ બીજા રસ્તા માટે…
- યુટ્યૂબ એપ ઓપન કરો. તેમાં તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી, સેટિંગ્સમાં જાઓ.
- તેમાં ‘હિસ્ટ્રી એન્ડ પ્રાઇવસી’ પેજ પર, અગાઉ જોયેલા અને સર્ચ કરેલા વીડિયોની હિસ્ટ્રી ક્લીયર કરવાનો વિકલ્પ મળશે.
- અહીંથી તમે વૉચ અને સર્ચ હિસ્ટ્રી પોઝ પણ કરી શકો છો, જેથી આવી નવી હિસ્ટ્રી ક્રિએટ ન થાય.
- ‘મેનેજ ઓલ એક્ટિવિટી’ પર ક્લિક કરીને, તમે તમારી અગાઉની જે હિસ્ટ્રી તૈયાર થઈ હોય તેને તપાસી શકો છો. નિયત સમયે બધું ઓટો-ડિલીટ થતું રહે એવું સેટિંગ પણ કરી શકાય.
‘કશુંક છુપાવવા’ સિવાય પણ, યુટ્યૂબની હિસ્ટ્રી ડિલીટ કરવાના ફાયદા છે!
