(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇમેજ તો ઠીક, વીડિયોમાંથી બેકગ્રાઉન્ડ એક-બે ક્લિક કરી દૂર કરો!

હોલીવૂડ-સાઉથની મૂવીઝ જેવી કરામત તમે પણ કરી શકો છો, કોઈ ખાસ સોફ્ટવેર વિના.

સાઉથની ‘બાહુબલી’, ‘આરઆરઆર’ કે ‘કેજીએફ’ જેવી મૂવી કે પછી હોલીવૂડની માર્વેલ સીરિઝની ‘કેપ્ટન અમેરિકા’, ‘એવેન્જર્સ’ કે ‘સ્પાઇડરમેન’ જેવી મૂવીઝમાં અસલી-નકલીની જબરજસ્ત ભેળસેળ હોય છે.  એ જ રીતે, ટીવીની ન્યૂઝ ચેનલ્સમાં પણ હવે ન્યૂઝ એન્કર બોલી રહ્યા હોય ત્યારે તેમની પાછળ વિવિધ દૃશ્યો સર્જાતાં હોય અને ન્યૂઝ એન્કર એ દૃશ્યોનો જ એક ભાગ હોય તેવું લાગે…

આપણે હવે બરાબર જાણીએ છીએ કે આ બધું ‘સીજીઆઇ’ એટલે કે કમ્પ્યૂટર જનરેટેડ ઇમેજરી કે વીએફએક્સની કમાલ હોય છે. આ કમાલ ‘ગ્રીન સ્ક્રીન’ તરીકે ઓળખાતી ટેકનિકથી થાય છે એ પણ હવે લગભગ આપણે સૌ જાણીએ છીએ.

ગ્રીન સ્ક્રીનમાં, મૂવીના એક્ટર્સ કે ન્યૂઝના એન્કરનું, તેમના બેકગ્રાઉન્ડમાં સંપૂર્ણપણે લીલા રંગના પડદા સાથે શૂટિંગ કરવામાં આવે છે અને ત્યાર પછી કમ્પ્યૂટરની કરામતથી એ ગ્રીન બેકગ્રાઉન્ડ દૂર કરી, તેના સ્થાને બીજો કોઈ પણ કલર, ઇમેજ કે વીડિયો દૃશ્યો ઉમેરી શકાય છે.

અગાઉ આ બધું કરવા માટે એક્ચ્યુઅલ ગ્રીન સ્ક્રીન, સારો સ્ટુડિયો અને સારા વીડિયો એડિટિંગ સોફ્ટવેરની જરૂર પડતી અને એવું સેટઅપ હોલીવૂડ, બોલીવૂડના સ્ટુડિયો કે ન્યૂઝ ચેનલ્સને જ પોસાતું. સમય વીતતાં, ધીમે ધીમે આ બધું સૌને માટે સાવ સહેલું બની ગયું. હવે તમે ઘરના કોઈ ખૂણામાં ગ્રીન પડદો લગાવી, સાદા મોબાઇલથી  વીડિયો શૂટ કરો અને પછી પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ કે ડેસ્કટોપ માટેના કોઈ પણ ફ્રી વીડિયો એડિટિંગ એપ કે સોફ્ટવેરની મદદથી ગ્રીન બેકગ્રાઉન્ડ દૂર કરી, તેના સ્થાને બીજાં કોઈ પણ દૃશ્યો ઉમેરી શકો છો.

પણ, એટલીય મહેનત ન કરવી હોય તો? ઇન્ટરનેટ પર એના પણ ઉપાય છે. ‘સાયબરસફર’માં અગાઉ આપણે ફોટોગ્રાફનાં બેકગ્રાઉન્ડ દૂર કરવાની વિવિધ રીતો જાણી છે, હવે વીડિયોનાં બેકગ્રાઉન્ડ બદલવાની કરામત પણ જાણી લઈએ.

https://www.unscreen.com/ નામની એક વેબસાઇટ કોઈ પણ વીડિયોનું બેકગ્રાઉન્ડ દૂર કરવાની સગવડ આપે છે.

જો તમે પ્રોફેશનલ યુટ્યૂબર હો તો તેની પેઇડ સર્વિસની મદદથી, તમે તમારા પ્રમાણમાં લાંબા વીડિયોમાંથી બેકગ્રાઉન્ડ દૂર કરી, અન્ય બેકગ્રાઉન્ડ ઉમેરી શકો છો. તમે યુટ્યૂબર ન હો તો પણ, બે ઘડી ગમ્મત ખાતર તમે પોતાની નાની ક્લિપ શૂટ કરી, તેનું બેકગ્રાઉન્ડ બદલીને મિત્રો સાથે શેર કર શકો છો!

આ સર્વિસની મજા એ છે કે તેમાં આપણે, ફાઇનલ વીડિયોમાં બેકગ્રાઉન્ડ બદલવાનું છે એવું વિચારીને, પહેલેથી ગ્રીન સ્ક્રીન સાથે શૂટિંગ કરવાની કોઈ જરૂર નથી. કોઈ પણ બેકગ્રાઉન્ડમાં સાદી રીતે જ વીડિયો શૂટ કરી, એ વીડિયો આ વેબસાઇટ પર અપલોડ કરતાં, કોઈ ક્લિક કર્યા વિના સર્વિસ વીડિયોમાંના મૂળ સબ્જેક્ટને યથાવત રાખીને બેકગ્રાઉન્ડ ટ્રાન્સપરન્ટ કરી આપે છે. એ પછી આપણે પોતાની મરજી મુજબ, કમ્પ્યૂટરમાંથી કે સાઇટ પર ઉપલબ્ધ કલર, ઇમેજ કે વીડિયોનું નવું બેકગ્રાઉન્ડ ઉમેરી શકીએ છીએ. એ માટે આપણે સોફ્ટવેરમાં કોઈ પિક્સેલ કે કલર્સ સિલેક્ટ કરવા કે પેઇન્ટ માસ્ક રવા જેવી ટેકનિકનો ઉપયોગ કરવાની ઝંઝટમાં પડવાની કોઈ જરૂર નથી.

બસ, વીડિયો અપલોડ કરતાં સિસ્ટમ તેના પર પ્રોસેસ કરીને આપોઆપ બેકગ્રાઉન્ડ દૂર કરે અને આપણી પસંદગીનું બેકગ્રાઉન્ડ ઉમેરી આપે છે. જો તમે ફોટોગ્રાફમાંથી બેકગ્રાઉન્ડ દૂર કરવા માટે ક્યારેય ફોટોશોપ કે તેના જેવા કોઈ સારા પ્રોગ્રામમાં મથામણ કરી હશે તો તમે જાણતા હશો કે એ કેટલું મુશ્કેલ બની શકે છે. મૂળ સબ્જેક્ટ અને બેકગ્રાઉન્ડ વચ્ચે સ્પષ્ટ તફાવત હોય તો વાત સહેલી બને, પણ મૂળ સબ્જેક્ટ રૂંવાટીવાળી ખિસકોલી કે હવામાં ઊડતા વાળવાળી મોડેલ હોય તો એવી ઇમેજમાંથી બેકગ્રાઉન્ડ દૂર કરવું બહુ મુશ્કેલ બની શકે છેૉ!

એ કામ આ વેબસાઇટ ખાસ્સી સફાઈદાર રીતે કરી આપે છે, આપોઆપ અને પલકવારમાં!


સાઇટ પર ગયા પછી તેના હોમ સ્ક્રીન પર આ સર્વિસ કેવી રીતે કામ કરે છે દર્શાવતો એક નાનો વીડિયો જોવા મળશે. એ જોતાં જ આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે.

તમે ઇચ્છો તો પોતાની ક્લિક અપલોડ કરો અથવા જિફી સાઇટ પરથી સંખ્યાબંધ જિફમાંથી કોઈ ફાઇલ પસંદ કરી, તેના પર આ સર્વિસની અજમાઇશ કરી જુઓ! નવી ટેક્નોલોજીથી કેવી કેવી બાબતો શક્ય બની રહી છે એ જોવા-સમજવા માટે પણ આ વેબસાઇટ જોવી રહી!

  • તમે આ સર્વિસમાં એકાઉન્ટ ખોલાવ્યા વિના પાંચ સેકન્ડની વીડિયો ક્લિપમાંથી બેકગ્રાઉન્ડ દૂર કરી તેને બદલે બીજું બેકગ્રાઉન્ડ ઉમેરી શકો છો. સાઇટ પર ફ્રી એકાઉન્ટ ખોલાવ્યા પછી ૧૦ સેકન્ડના વીડિયો પર કામ થઈ શકશે.
  • ફ્રી વર્ઝનમાં, વીડિયોનું રેઝોલ્યુશન ૩૬૦પીનું મર્યાદિત રહે છે અને એક ખૂણામાં સર્વિસનો વોટરમાર્ક ઉમેરાય છે.
  • ફ્રી વર્ઝનમાં આપણે જિફ, એનિમેટેડ પીએનજી કે અલગ અલગ પીએનજી/જેપીજી ફ્રેમ્સની ઝિપ ફાઇલ મળે છે (જેનો સારા વીડિયો એડિટિંગ સોફ્ટવેરમાં ઉપયોગ કરી શકાય).
  • પેઇડ પ્રો વર્ઝનમાં વીડિયોની લંબાઈની કોઈ મર્યાદા નથી તેમ જ, તેને જુદા જુદા રેડી ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકાય છે, તેમ જ ઓરિજિનલ વીડિયોનો સાઉન્ડ પણ જાળવી રાખી શકાશે.
  • તમે પ્રોફેશનલ યુટ્યૂબર હો તો અને બેકગ્રાઉન્ડ બદલવાની બધી ઝંઝટમાંથી બચવા માગતા હો, તો આ સર્વિસના પેઇડ વર્ઝનનો વિચાર કરી શકાય.

  • ગ્રીન સ્ક્રીન ટેકનિકમાં પ્રકાશને પરાવર્તિત ન કરે એવા મટિરિયલના ગ્રીન પડદાનો ઉપયોગ થાય છે. આ પડદો ‘ક્રોમા કી ગ્રીન’ કે ‘ડિજિ ગ્રીન’ તરીકે ઓળાખાતા કલરનો હોય છે.
  • ટેકનિકનું નામ ભલે ‘ગ્રીન સ્ક્રીન’ હોય પણ તેમાં બ્લુ કલરના પડદાનો પણ ઉપયોગ થઈ શકે છે. ખાસ કરીને બેકગ્રાઉન્ડ બદલીને રાતનાં દૃષ્યો ઉમેરવાનાં હોય ત્યારે બ્લુ કલર વધુ સારો રહે છે.
  • આ ટેકનિકમાં ખરેખર તો એક સાથે સિલેક્ટ કરી શકાય એવા કોઈ પણ એક સમાન કલરનો ઉપયોગ થઈ શકે, પરંતુ ગ્રીન અથવા બ્લુ કલર સૌથી વધુ વપરાય છે.
  • જેને યથાવત રાખવાનો હોય તે મૂળ સબ્જેક્ટ અને ગ્રીન સ્ક્રીન વચ્ચે છએક ફૂટ જેટલું અંતર રાખવાથી વધુ સારું પરિણામ મળે છે. લાઇટિંગ એ રીતે ગોઠવવું પડે, જેથી મૂળ સબ્જેક્ટનો પડછાયો ગ્રીન સ્ક્રીન પર પડે નહીં.
  • મૂળ સબજેક્ટનાં કપડાંમાં ગ્રીન કલર ન હોય એ પણ જરૂરી છે. બાકી, તેનું માત્ર માથું, હાથ વગેરે દેખાય અને શર્ટ બેકગ્રાઉન્ડ સાથે ગાયબ થાય અને ત્યાં નવું બેકગ્રાઉન્ડ દેખાય એવી ગરબડ થાય!
  • સારી ક્વોલિટીના વીડિયો શૂટ માટે, રો ફોર્મેટમાં શૂટ થઈ શકે તો ઉત્તમ!
  • પછી એડિટિંગ સોફ્ટવેરમાં ગ્રીન બેકડ્રોપ સિલેક્ટ કરી, દૂર કરી, નવું બેકગ્રાઉન્ડ ઉમેરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!