
આપણે જાણીએ છીએ કે જે રીતે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આપણે પ્લે સ્ટોરમાંથી અનેક પ્રકારની એપ્સ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરી શકીએ છીએ એ જ રીતે પીસી કે લેપટોપમાં ક્રોમ બ્રાઉઝરમાં આપણે વિવિધ પ્રકારનાં એક્સ્ટેન્શન ઉમેરીને બ્રાઉઝરમાં અલગ અલગ પ્રકારની સગવડો ઉમેરી શકીએ છીએ. ‘સાયબરસફર’માં આપણે છેક માર્ચ ૨૦૧૬ અંકમાં ક્રોમ માટેના વિવિધ એક્સ્ટેન્શનનો વિગતવાર પરિચય મેળવ્યો હતો.

ક્રોમ બ્રાઉઝરની વાત કરીએ તો આપણે ક્રોમ વેબ સ્ટોર (https://chrome.google.com/webstore)માં જઈને વિવિધ એક્સ્ટેન્શન સર્ચ કરી આપણા બ્રાઉઝરમાં ઉમેરી શકીએ છીએ. અત્યાર સુધી વેબ સ્ટોરમાં ઉપલબ્ધ અનેક એક્સ્ટેન્શનમાંથી ક્યું એક્સ્ટેન્શન બધી રીતે યોગ્ય હશે તે તપાસવાની જવાબદારી આપણે શિરે હતી. આથી એવું બની શકે કે એ એક્સ્ટેન્શન નબળી રીતે ડિઝાઇન થયું હોય તો તે બ્રાઉઝરમાં સગવડ વધારવાને બદલે તેનો ભાર વધારી દે અને છેવટે આપણને નડતરરૂપ બને.

હવે ગૂગલ કંપનીએ આ તકલીફનો તોડ આપ્યો છે. એ મુજબ ગૂગલની ટીમ વિવિધ એક્સ્ટેન્શન્સ પોતાની રીતે તપાસતી રહેશે અને તેની દૃષ્ટિએ જે એક્સ્ટેન્શન બધી રીતે યોગ્ય હોય તેને ચોક્કસ પ્રકારના બે બેજ આપવામાં આવશે.
ફીચર્ડ બેજ
ગૂગલના જણાવ્યા અનુસાર જે એક્સ્ટેન્શન્સ ગૂગલની ટેકનિકલ બેસ્ટ પ્રેક્ટિસિસનું પાલન કરતા હોય તથા યૂઝર એક્સપિરિયન્સ તથા ડિઝાઇનની રીતે અન્ય એક્સટેન્શન્સ કરતાં ચઢિયાતા હોય તેને આ પ્રકારના બેજ આપવામાં આવશે. ક્રોમ બ્રાઉઝરની ટીમ મેન્યુઅલી દરેક એક્સટેન્શન જુદી જુદી રીતે તપાસશે અને પછી તેને ‘ફીચર્ડ’નો બેજ આપવો કે નહીં તે નક્કી કરશે.
એસ્ટાબ્લિશ્ડ પબ્લિશર બેજ
જે એક્સ્ટેન્શનના પબ્લિશરે પોતાની ઓળખ વેરિફાઈ કરી હોય તથા ડેવલપર પ્રોગ્રામ પોલિસીનું સંપૂર્ણ પાલન કર્યું હોય તેને આ બેજ આપવામાં આવશે.
ગૂગલ ક્રોમ માટે એક્સ્ટેન્શન ડેવલપ કરતા ડેવલપર્સ આ પ્રકારના બેજ રૂપિયા કે ડોલર આપીને ખરીદી શકશે નહીં. તેઓ માત્ર પોતાના એક્સ્ટેન્શન માટે આવા બેજ મેળવવા માટે એપ્લાય કરી શકશે. એ પછી ક્રોમ ટીમની તપાસમાં એક્સ્ટેન્શન ખરું ઉતરે તો જ તેને આ બેજ મળશે.
