
વર્ષો સુધી આપણી બેન્કિંગ વ્યવસ્થા એક જ ઘરેડમાં કામ કરતી હતી. પછી એટીએમ અને પછી નેટ/મોબાઇલ બેન્કિંગ આવતાં, બેન્કના કલાકો અને રજાઓમાં પણ બેન્કિંગ શક્ય બન્યું. હવે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) નામે, સમગ્ર વિશ્વે જેની નોંધ લેવી પડી એવી નવી વ્યવસ્થાથી બેન્ક પૂરેપૂરી આપણા ખિસ્સામાં સમાઈ ગઈ છે.
અલબત્ત, આ અનોખી વ્યવસ્થાનો લાભ હજી સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરતા લોકો પૂરતો સીમિત હતો. યુપીઆઇના આગમન પહેલાં, વિવિધ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓએ પોતાના ફોનધારકોને સાદા ફોનથી પણ રૂપિયાની લેવડદેવડ કરવાની સગવડ આપી હતી, પરંતુ એ જે તે કંપની પૂરતી મર્યાદિત હોવાથી ખાસ સફળ થઈ નહોતી.
હવે સાદા, કીપેડવાળા, ફીચર ફોનનો ઉપયોગ કરતા ભારતના ૪૦ કરોડ જેટલા લોકોને પણ યુપીઆઇમાં આવરી લેવાની શરૂઆત થઈ છે.
અત્યાર સુધી યુપીઆઇનો ઉપયોગ – સાદા ફોનમાં એ ટેકનિકલી શક્ય હોવા છતાં – સ્માર્ટફોનમ પર સીમિત હતો. હવે સાદા ફોનનો ઉપયોગ કરતા 40 કરોડ લોકો સુધી પણ યુપીઆઇનો લાભ પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એ સાથે, યુપીઆઇનું પણ વોલેટ આવી રહ્યું છે, જે સ્માર્ટફોનમાંથી પેમેન્ટ વધુ સહેલું, ઝડપી અને સલામત બનાવી શકે છે.
અત્યાર ફક્ત સ્માર્ટફોન પૂરતી મર્યાદિત પહોંચ સાથે યુપીઆઇથી ભારતનું બેન્કિંગ ચિત્ર ખાસ્સું બદલાઈ રહ્યું છે ત્યારે લગભગ તમામ ભારતીયોને તેનો લાભ મળવાનું શરૂ થશે એ પછી તેનાં ખરેખર દૂરગામી પરિણામો આવશે.
૨૦૧૬માં યુપીઆઇ વ્યવસ્થા લોન્ચ થઈ ત્યારથી તેનાં વિવિધ પાસાં, ફ્રોડનાં જોખમો વગેરેની આપણે ‘સાયબરસફર’માં નિયમિત રીતે વાત કરી છે. હવે આવી રહેલા કેટલાક મહત્ત્વના ફેરફારો પર એક સાથે નજર ફેરવીએ.

અત્યાર સુધી ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ની સુવિધા સ્માર્ટફોન પર ઉપલબ્ધ હતી. તાજેતરમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ‘યુપીઆઇ 123પે’ નામે આ સુવિધા ફીચર ફોન એટલે કે સાદા ફોન માટે પણ લોન્ચ કરી દીધી છે. આપણી આસપાસના લોકોમાં મોટા ભાગના હાથમાં હવે સ્માર્ટફોન જોવા મળે છે, પરંતુ હજી પણ દેશમાં લગભગ ૪૦ કરોડ લોકો સાદા ફોનનો ઉપયોગ કરતા હોવાનો અંદાજ છે!
રિઝર્વ બેન્કની આ પહેલને કારણે હવે ઇન્ટરનેટ કનેક્ટિવિટી વિનાના સાદા ફોનમાં પણ યુપીઆઇનો ઉપયોગ શક્ય બનશે.
એ ખાસ નોંધવા જેવું છે કે આ પહેલાં પણ સાદા ફોન પર યુપીઆઇ સુવિધાનો લાભ લઈ શકાતો હતો પરંતુ તેમાં અનસ્ટ્રકચર્ડ સપ્લિમેન્ટરી સર્વિસ ડેટા (યુએસએસડી) નામે ઓળખાતી ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો. સામાન્ય યૂઝર માટે યુએસએસડીથી યુપીઆઇનો ઉપયોગ ખાસ્સો ગૂંચવણભર્યો હતો.
તમને યાદ હોય તો આપણે સાદા ફોનમાં અમુક નિશ્ચિત કોડ ડાયલ કરીને એસએમએસ દ્વારા સાદા ફોનમાં બિલ સંબંધિત વિવિધ માહિતી મેળવી શકતા હતા. એ જ રીતે યુપીઆઇ સુવિધા માટે *99# કોડ ડાયલ કરવાનો રહેતો હતો. એ પછી સાદા ફોનના નાના સ્ક્રીન પર એક પછી એક મેનૂ જોવા મળે અને તેમાં વિવિધ બાબતો સિલેક્ટ કરીને યુપીઆઇથી લેવડદેવડ થઈ શકતી હતી. યુપીઆઇ 123પે સુવિધા લોન્ચ થયા પછી આ પ્રક્રિયા પ્રમાણમાં વધુ સરળ બની છે. નવી વ્યવસ્થામાં ચાર અલગ અલગ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થશે.
ઇન્ટરએક્ટિવ વોઇસ રિસ્પોન્સ (આઇવીઆર)ની મદદથીઃ આ પદ્ધતિમાં યૂઝરે સાદા ફોન પરથી એક ચોક્કસ નંબર પર કોલ કરીને યુપીઆઇ માટે પહેલી વાર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યાર પછી ફોન પર ઓટોમેટિક સિસ્ટમને સૂચનાઓ આપીને ઇન્ટરનેટ કનેક્ટિવિટી વિના રૂપિયાની લેવડદેવડ કરી શકાશે.
એપ્સની મદદથીઃ સાદા ફીચર ફોનમાં પણ કેટલીક એપ્સ ઇન્સ્ટોલ કરી શકાતી હોય છે. ફીચર ફોન માટેની યુપીઆઇ એપ્સમાં સ્માર્ટફોનમાંની એપની જેમ યુપીઆઇ વ્યવસ્થાના મોટા ભાગના ફીચરનો લાભ લઈ શકાશે. અલબત્ત હાલ પૂરતું આ રીતે ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકશે નહીં.
પ્રોક્સિમિટી સાઉન્ડ બેઝ્ડ પેમેન્ટ્સઃ આ પદ્ધતિમાં સાઉન્ડ વેવ્સની મદદથી નેટવર્કિંગ સ્થાપિત કરીને નજીકના ડિવાઇસમાં કોન્ટેક્ટલેસ, ઓફલાઇન ડેટા કમ્યુનિકેશન થઈ શકશે.
મિસ્ડ કોલની મદદથીઃ આપણે ભારતીયોને આ ચોથી પદ્ધતિ સૌથી વધુ માફક આવે તેવી છે! આ પદ્ધતિમાં યુપીઆઇ લેવડદેવડ શરૂ કરવા માટે આપણે એક નિશ્ચિત નંબર પર મિસ કોલ આપવાનો રહેશે. એ નંબર પરથી વળતો કોલ આવશે અને ત્યાર પછી વિવિધ રીતે આપણી ઓળખ સાબિત કરીને લેવડદેવડ કરી શકાશે. હાલની યુપીઆઇ વ્યવસ્થાની જેમ સૌથી પહેલાં બેન્ક ખાતામાં રજિસ્ટર્ડ ફોન નંબરની મદદથી પોતાના બેન્ક ખાતાને ફોન સાથે કનેક્ટ કરવાનું રહેશે.
આ પછી પોતાના બેન્ક કાર્ડની વિગતોની મદદથી બેન્ક ખાતા માટે એક યુપીઆઇ પિન બનાવી શકાશે.
આ પછી જ્યારે પણ સાદા ફોનથી રકમ મોકલવી હોય ત્યારે આગળ જણાવેલી વિવિધ પદ્ધતિથી ટ્રાન્સફરની શરૂઆત કરવાની થશે. આ પ્રક્રિયા દરમિયાન પોતાનો યુપીઆઇ પિન આપીને ઓળખ સાબિત કરવાની થશે અને તે પછી રકમ ટ્રાન્સફર કરી શકાશે.
રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર રિઝર્વ બેન્ક સાદા ફીચર ફોનમાં પણ યુપીઆઇનો ઉપયોગ વધુને વધુ સરળ અને સલામત બનાવવા માટે હજી વધુ નવી પદ્ધતિઓ પર પણ કામ કરી રહી છે.
જાગૃતિ માટે વધુ પ્રયાસો જરૂરી
ભારતમાં બેન્કિંગ વ્યવસ્થામાં યુપીઆઇ વ્યવસ્થાથી જબરજસ્ત મોટું પરિવર્તન આવ્યું છે, બેન્ક શાખાઓ અને એટીએમ પરનું ભારણ ઘણું ઘટ્યું છે અને આંખના પલકારે રૂપિયાની લેવડદેવડ શક્ય બની છે. પરંતુ સ્માર્ટફોન ધરાવતા લોકો પણ હજી યુપીઆઇના ઉપયોગ બાબતે ઘણી ગૂંચવણો અનુભવે છે અને યુપીઆઇ સંબંધિત વિવિધ પ્રકારના ફ્રોડનો ભોગ બનતા રહે છે. એ જોતાં ફીચર ફોનમાં યુપીઆઇનો ઉપયોગ ટેકનિકલ રીતે સલામત હોવા છતાં ગઠિયાઓ માનવસહજ ભૂલોનો લાભ ન લે એ જોવા માટે ફીચર ફોનમાં યુપીઆઇ સંબંધિત બાબતોની સામાન્ય લોકોમાં જાણકારી વધારવા માટે રિઝર્વ બેન્કે ઘણી બધી કસરત કરવી પડશે.
(૧) એકાઉન્ટ લિંક કરો

સાદા ફોનમાં યુપીઆઇનો લાભ લેવા માટે સૌથી પહેલાં તમારા બેન્ક ખાતાને યુપીઆઇ સાથે જોડવું પડશે. એ માટે 080 4516 3666, 080 4516 3581 અથવા 6366 200 200 નંબર પર કૉલ કરો. તેમાં હાલમાં હિન્દી કે અંગ્રેજીમાં વાતચીત થઈ શકે છે. અહીં તમારી બેન્કનું નામ જણાવવાનું રહેશે અને પછી આપેલી સૂચનાઓનું પાલન કરતાં તમારું યુપીઆઇ એડ્રેસ તૈયાર થશે. એ પછી તમારે તેનો પિન સેટ કરવાનો થશે.
(૨) લેવડ-દેવડ નક્કી કરો

એક વાર આ વિધિ પૂરી થયા પછી, જ્યારે તમારા બેન્ક ખાતામાંથી કોઈને રકમ મોકલવી હોય, ગેસ બિલ ભરવું, લોનનો હપ્તો ભરવો હોય કે મોબાઇલ રિચાર્જ કરવો હોય ત્યારે ફરી આ જ નંબર પર કોલ કરો અને સિસ્ટમ તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરતા જાઓ. (વોઇસ આધારિત આઇવીઆરને બદલે બીજી કોઈ પદ્ધતિનો ઉપયોગ કરતા હશો તો આ વિધિ થોડી જુદી હોઈ શકે છે).
(૩) પિન આપી કામ પૂરું કરો

આ સર્વિસમાં વિવિધ ભારતીય ભાષાઓ ઉમેરાઈ રહી છે, આથી તેનો ઉપયોગ વધુ સહેલો બનશે. તમે પસંદ કરેલા પેમેન્ટ માટે આગળ વધતાં, ટ્રાન્ઝેક્શન પૂરું કરવા માટે યુપીઆઇ પિન પૂછવામાં આવશે. આ નંબર આપતાં, આપણી ઓળખ સાબિત થશે અને આપણા ખાતામાંથી રકમ સામેના ખાતામાં ચાલી જશે. ખાસ યાદ રાખશો કે રકમ મોકલવા માટે જ પિન આપવાનો રહે છે, રકમ મેળવવા માટે નહીં.
સાદા ફોનની જેમ, સ્માર્ટફોનમાં પણ યુપીઆઇનો ઉપયોગ વધુ સરળ બની રહ્યો છે. જોકે તમે યુપીઆઇ અને વોલેટ્સમાં ફેર શું એ બાબતે હજી ગૂંચવાતા હો તો તમારી ગૂંચવણ થોડી વધે તેવી શક્યતા છે! બીજી તરફ, તમને ફટાફટ યુપીઆઇથી પેમેન્ટ કરવાનું બરાબર માફક આવી ગયું હોય તો તમારે માટે ખુશખબર છે.
હવે યુપીઆઇનું પણ વોલેટ આવી રહ્યું છે. આ વોલેટ ‘યુપીઆઇ લાઇટ’ નામે ઓળખાશે.
આ વ્યવસ્થા શરૂઆતમાં ઓફલાઇન અને ઓનલાઇનના સંતુલનમાં ચાલશે અને પછી બીજા તબક્કામાં તે પૂરેપૂરી ઓફલાઇન મોડમાં કામ કરશે. હાલમાં પેટીએમ, ફોનપે વગેરેમાં વોલેટ છે જ, પરંતુ તે યુપીઆઇની જેમ યુનિવર્સલ નથી.

યુપીઆઇનું વોલેટ આપણી હાલની યુપીઆઇ એપમાં જ ઉમેરાઈ જશે. આપણે ઇચ્છીએ તો તેને ઇનેબલ કરી શકીશું. એ પછી આપણે ઓનલાઇન હોઇએ ત્યારે પોતાની ઓળખ સાબિત કરીને આપણા યુપીઆઇ વોલેટમાં રૂા.૨૦૦૦ સુધીની રકમ ઉમેરી શકીશું. ત્યાર પછી ફોન ઓફલાઇન હોય ત્યારે પણ વોલેટમાંથી પેમેન્ટ કરી શકાશે. અત્યારે કોઈ પણ જગ્યાએ ક્યૂઆર કોડ સ્કેન કરીને કે અન્ય રીતે યુપીઆઇથી પેમેન્ટ કરવું હોય ત્યારે આપણા ફોનમાં ઇન્ટરનેટ કનેકશન ચાલુ ન હોય તો આપણે ચાલુ કરવું પડે છે. ઉપરાંત પેમેન્ટ કરવા માટે યુપીઆઇ પિન પણ આપવો પડે છે.
યુપીઆઇ વોલેટમાં આ બંને ઝંઝટ નીકળી જશે. વોલેટની મદદથી ફોન ઓફલાઇન હોય ત્યારે પણ પેમેન્ટ કરી શકાશે અને એ પણ યુપીઆઇ પિન આપ્યા વિના! આ રીતે જ્યારે ફોન ઓફલાઇન હોય અને પેમેન્ટ કરીએ તો વોલેટમાંથી એટલી રકમ કપાઈ જશે. ઉપરાંત જો તમે એકથી વધુ યુપીઆઇ એપ્સનો ઉપયોગ કરતા હો તો એ દરેકમાં આ રીતે ઓફલાઇન બેલેન્સ રાખી શકાશે. યુપીઆઇ વોલેટનો ઉપયોગ રૂ. ૨૦૦થી ઓછી રકમના ટ્રાન્ઝેકશન માટે થશે. આપણે જ્યારે યુપીઆઇથી રૂ. ૨૦૦ કે તેથી ઓછી રકમનું પેમેન્ટ કરીશું ત્યારે જો એપમાં યુપીઆઇ લાઇટ ઇનેબલ કરેલ હશે તો આ રકમ બાયડિફોલ્ટ તેમાંથી જ કપાશે.
આમ પણ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર હાલમાં યુપીઆઇથી જેટલી લેવડદેવડ થાય છે તેમાંથી અડધોઅડધ રૂ. ૨૦૦ સુધીની રકમ માટે જ હોય છે. આથી આટલી રકમની લેવડદેવડ બહુ સહેલાઈથી અને ઝડપથી થઈ શકે એ માટે યુપીઆઇ લાઇટ વોલેટની સુવિધા લોન્ચ કરવામાં આવી રહી છે. યુપીઆઇ વોલેટ શરૂઆતમાં માત્ર અમુક બેન્ક્સ માટે પ્રયોગાત્મક રીતે થઈ રહ્યું છે. એક વાર તેના ઉપયોગ વિશે પૂરી સ્પષ્ટતા આવ્યા પછી તમામ યુપીઆઇ એપ્સમાં તે ઉમેરાશે.
શું ફાયદો છે?
યુપીઆઇમાં સૌથી મોટું જોખમ આપણી પોતાની ભૂલનું હોય છે – રકમમાં એક મીંડું કે એક આંકડો ઉમેરાઈ જાય અને પિન આપી દઈએ તો એ દસ ગણી રકમ સીધી ખાતામાંથી ઉપડી જાય!
આથી યુપીઆઇ લાઇટનો ઉપયોગ કરતા હોઈએ તો રૂ. ૨૦૦થી ઓછી રકમ પિન વિના જશે અને એથી વધુ રકમ માટે પિન માગવામાં આવશે, આથી આપણા મનમાં તરત ખતરાની ઘંટી વાગશે કે રકમ ભૂલથી વધુ લખાઈ ગઈ લાગે છે! યુપીઆઇ લાઇટથી ફ્રોડનું પ્રમાણ પણ ઘટી શકે છે.
અત્યાર સુધી, આપણા બેન્ક ખાતાને યુપીઆઇ વ્યવસ્થા સાથે કનેક્ટ કરવા માટે બેન્કનું ડેબિટ કાર્ડ હોવું અનિવાર્ય હતું. હવે ડેબિટ કાર્ડ ન હોય, પરંતુ આધાર કાર્ડ હોય તો પણ આ કામ કરી શકાશે. આ વ્યવસ્થા આમ તો માર્ચ ૧૫, ૨૦૨૨થી લોન્ચ થઈ ગઈ હોવાના અહેવાલ છે, પરંતુ આધારની મદદથી યૂઝરની ઓળખ સાબિત કરવાની વ્યવસ્થા હજી ઘણી બેન્ક અમલમાં મૂકી શકી નથી, આથી તમને તેનો લાભ મળતાં વાર લાગી શકે છે.

આ સગવડ મળ્યા પછી, પોતાના બેન્ક ખાતાને યુપીઆઇ સાથે સાંકળવા માત્ર આધાર નંબર આપવાનો રહેશે. એ પછી, આધારમાં રજિસ્ટર્ડ નંબર પર ઓટીપી આવશે, બેન્ક ખાતામાં પણ આ જ નંબર રજિસ્ટર્ડ હોવો જરૂરી છે. સાચો ઓટીપી આપ્યા પછી, આપણું વર્ચ્ચુઅલ પેમેન્ટ એડ્રેસ ક્રિએટ કરી શકાશે અને પછી યુપીઆઇ પિન સેટ કરી, રૂપિયાથી લેવડ-દેવડ કરી શકાશે.
ભારતમાં અત્યારે ભીમ એપ, ગૂગલપે, ફોનપે, પેટીએમ, એમેઝોનપે અને ૩૦૪ બેન્ક્સ યુપીઆઇ પેમેન્ટ સર્વિસ ઓફર કરી રહી છે.
હવે ટૂંક સમયમાં ટાટા ગ્રૂપ પણ પોતાની યુપીઆઇ એપ લોન્ચ કરે તેવી શક્યતા છે. આ માટે ટાટા ગ્રૂપ દ્વારા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની મંજૂરી માગવામાં આવી હોવાના અને કંપનીએ તેનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું હોવાના અહેવાલ છે.
ટાટાની યુપીઆઇ એપ મહત્ત્વની બનશે કેમ કે હજી ગયા જ મહિને ટાટા ગ્રૂપની ‘સુપરએપ’ લોન્ચ થઈ છે. ભારતમાં એક જ એપમાં ઘણું બધું થઈ શકે એવો સુપરએપનો કન્સેપ્ટ હજી બહુ ચલણી બન્યો નથી. મોટી મોટી કંપનીઓ આ દિશામાં પ્રયાસ કરી રહી છે ત્યારે ટાટા ગ્રૂપે લાંબો સમય રાહ જોવડાવ્યા પછી તેની સુપરએપ ‘ટાટા ન્યૂ (TATA Neu)’ લોન્ચ કરી છે. અનેક બિઝનેસ સેકટર્સમાં સક્રિય ટાટા ગ્રૂપની, સીધી કન્ઝ્યુમર સાથે સંબંધિત હોય એવી બધી કંપનીની પ્રોડક્ટ્સ આ એક સુપરએપ હેઠળ આવરી લેવામાં આવી રહી છે.
રોજબરોજના કરિયાણા માટેની બિગબાસ્કેટ એપ, દવાઓ માટેની 1એમજી, કન્ઝ્યુમર એપ્લાયન્સિસ માટેની ક્રોમા, ટાટાની ફ્લાઇટ બુકિંગ સર્વિસિસ તથા અન્ય ઓનલાઇન શોપિંગ માટેની ટાટા ક્લિક જેવી બધી સર્વિસિસને આ એક સુપર એપમાં આવરી લેવામાં આવી છે.
પાછલા કેટલાક મહિનાઓથી ટાટા ગ્રૂપ તેના પોતાના એમ્પ્લોઇઝને આ એપ ઓફર કરીને એપનું ટેસ્ટિંગ કર્યું હતું. ટાટા ગ્રૂપ બહુ લાંબા સમયથી આ સુપરએપ કામ કરી રહ્યું હતું અને ગઇ દિવાળીમાં તે લોન્ચ થઈ જાય તેવી શક્યતા હતી. પરંતુ તેનું લોન્ચિંગ સતત પાછળ ઠેલાતું ગયું. હવે વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ની આઇપીએલને ટાટા ગ્રૂપ સ્પોન્સર કરી રહ્યું છે ત્યારે તેની સાથોસાથ આ સુપરએપ પણ લોન્ચ કરવામાં આવી.
આ એપ એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરેની પણ સીધી હરીફાઇ કરે તેવી શક્યતા છે, ગ્રાહકોને તેમની ખરીદી પર ‘ન્યૂકોઇન્સ’ રૂપે રિવોર્ડ આપવામાં આવશે, પણ એપનો ઉપયોગ કરનારા લોકોના મતે આ એપ સુપરએપની કક્ષામાં આવે તેવી નથી.

રૂપિયાની લેવડ-દેવડ માટે વિવિધ પ્રકારની ડિજિટલ સર્વિસનો આપણો ઉપયોગ વધ્યો છે એ સાથે, તેને સંબંધિત આપણા પ્રશ્નો પણ વધ્યા છે. તેને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સાથમાં ‘ડિજિસાથી’ નામે એક સીધી હેલ્પલાઇન સર્વિસ શરૂ કરી છે.
આપણે ટોલ-ફ્રી નંબર 1443 અથવા 1800 891 3333 પર કૉલ કરીને આ સેવાનો લાભ લઈ શકીશું. digisaathi.info વેબસાઇટ પર જઈને પણ આપણે વિવિધ પ્રશ્નોના જવાબ મેળવી શકીશું.
આ વેબસાઇટ અત્યારે ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે.
ડિજિસાથી સર્વિસ પર બેન્કનાં ડેબિટ/ક્રેડિટ કે પ્રીપેઇડ કાર્ડ્સ, પોઇન્ટ-ઓફ-સેલ, ઇ-કોમર્સ, યુપીઆઇ, નેફ્ટ, આરટીજીએસ, આઇએમપીએસ, ક્યૂઆર કોડ્સ, મોબાઇલ અને નેટ બેન્કિંગ વગેરે વિવિધ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ સંબંધિત પ્રશ્નોના જવાબ મેળવી શકાશે.
આ સર્વિસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત બોટથી ચાલશે, એટલે આપણે કોઈ વ્યક્તિ સાથે સીધો સંપર્ક કરી શકીશું નહીં, માત્ર આ બોટને પહેલેથી શીખવવામાં આવેલા જવાબો મેળવી શકીશું. સર્વિસ સતત અપડેટ કરવામાં આવે તેવી શક્યતા છે.
આટલું ધ્યાન રાખશો
આપણું યુપીઆઇ એકાઉન્ટ સીધું બેન્ક ખાતા સાથે કનેક્ટેડ હોય છે અને આંખના પલકારામાં તેમાં ટ્રાન્ઝેકશન પૂરું થઈ જાય છે. આથી આપણી નાની એવી ગફલત મોંઘી પડી શકે છે. સાવચેતી માટે…
મુશ્કેલ પિન રાખો : તમારા યુપીઆઇ એકાઉન્ટ માટે શક્ય એટલો મુશ્કેલ અને અન્ય લોકો સહેલાઈથી ધારી ન શકે તેવો પિન સેટ કરો.
પિન કોઈને કહેશો નહીં : યુપીઆઇ ફ્રોડનો ભોગ બનનારા મોટા ભાગના લોકો ખોટે સમયે અને ખોટી જગ્યાએ પોતાનો પિન આપી બેસે છે. હંમેશા યાદ રાખશો કે તમારે રકમ મેળવવાની હોય ત્યારે કોઈ પિન આપવાનો હોતો નથી.
ફોનકોલનો પ્રતિસાદ ન આપશો : યુપીઆઇ ફ્રોડ કરનારા ઠગ, સામાન્ય લોકોને ફોન કોલ જોડીને વાતચીતમાં પરોવીને તેમની પાસેથી તેમના યુપીઆઇ એકાઉન્ટનો પિન મેળવવાનો પ્રયાસ કરતા હોય છે. યુપીઆઇ સંબંધિત કોઈ પણ ફોન કોલનો – બેન્કમાંથી ફોન છે એમ કહેવામાં આવે તો પણ – જવાબ આપશો નહીં.
લિંક્સ પર ક્લિક ન કરશો : યુપીઆઇ સંબંધિત ફ્રોડ કરનારા લોકો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી તરકટી લિંક મોકલતા રહેતા હોય છે. કોઈ પ્રકારના રિવોર્ડ કે ડિસ્કાઉન્ટની લાલચમાં આવીને આવી લિંક પર ક્લિક કરીને તેમાં પોતાનો યુપીઆઇ પિન આપશો નહીં.
યુપીઆઇ એપ અપડેટેડ રાખો : તમારી યુપીઆઇ એપ ડેવલપર તરફથી અપડેટ આપવામાં આવે ત્યારે અપડેટ કરી લો. સિક્યોરિટીની દૃષ્ટિએ કોઈ ખામી ધ્યાનમાં આવી હોય તો કંપની તરફથી તેને સુધારી લેવા માટે અપડેટ આપવામાં આવતા હોય છે.

