(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મેળવો નવી ઓળખ, ડિજિટલ વિઝિટિંગ કાર્ડથી!

દુનિયા તેજ ગતિએ ડિજિટલ બની રહી છે, તો હવે તમારા વર્ષોજૂના વિઝિટિંગ કાર્ડને પણ ડિજિટલ બનાવી જુઓ.

છેલ્લે તમે તમારું પોતાનું કે બીજા કોઈનું વિઝિટિંગ કાર્ડ ક્યારે જોયંુ હતું? તમારા કામકાજના પ્રકાર અનુસાર, બની શકે કે આજે જ અથવા યાદ નહીં હોય કે ક્યારે?! વિઝિટિંગ કાર્ડ લાંબા સમયથી આપણી ઓળખ છે, પણ એ પોતે પોતાની અસલી ઓળખ ગુમાવી રહ્યું છે.

છેલ્લાં બે વર્ષથી તો આપણે અન્ય લોકોને રૂબરૂ મળવાનું જ ઓછું થઈ ગયું છે એટલે આમ પણ બિઝનેસ કાર્ડની આપલે કરવાની તક ઓછી મળે છે, પણ કોરોના પહેલાંના સમયથી પ્રિન્ટેડ વિઝિટિંગ કાર્ડ ધીમે ધીમે ભૂલાવા લાગ્યાં હતાં. પ્રિન્ટિંગ મટિરિયલના ડિઝાઇનિંગ સાથે ગાઢ રીતે સંકળાયેલી એડોબ જેવી કંપનીના રિસર્ચ કહે છે કે હવે વિઝિટિંગ કાર્ડ ડિઝાઇન અને પ્રિન્ટ કરવાનું પ્રમાણ ઘણું ઘટવા લાગ્યું છે. કંપનીનો સર્વે કહે છે કે પ્રિન્ટેડ કાર્ડની આપ-લે થાય તો પણ, લગભગ ૯૦ ટકા કાર્ડ, બીજા હાથમાં પહોંચ્યાના પહેલા જ અઠવાડિયામાં ડસ્ટબિન ભેગાં થાય છે. કાર્ડ મેળવનારને કાં તો એ બિઝનેસ/સર્વિસની જરૂર હોતી નથી અથવા તેમાંની વિગતો યોગ્ય રીતે સાચવી લેવાનો તેની પાસે સમય હોતો નથી.

બિઝનેસ કાર્ડને કાર્ડ સ્વરૂપે, ખાસ તેના આલ્બમમાં સાચવી રાખવાનો સમય લગભગ વીતી ગયો છે. કામઢા બિઝનેસમેન જરૂરી લાગે તો કાર્ડ સેક્રેટરીને આપે અને તે કાર્ડની વિગતો ડિજિટલ એડ્રેસ બુકમાં સાચવી લે. પરંતુ સેક્રેટરી ન હોય તો? તો કાર્ડ કચરામાં જાય એ નક્કી!

પોતાનું ડિજિટલ કાર્ડ તૈયાર કરવાના જુદા જુદા ઘણા રસ્તા છે. દરેકના આગવા ફાયદા  છે અને કેટલીક મર્યાદાઓ છે. ચાહો તો તમે જાતે, સાદું પણ ડિજિટલ કાર્ડ ડિઝાઇન કરી લો અથવા કોઈ ફ્રી સર્વિસની મદદથી આકર્ષક કાર્ડ તૈયાર કરી શેર કરો.

એટલે જ નવા સમયમાં બિઝનેસ કાર્ડ પણ ડિજિટલ બન્યાં છે. દરેક ડિજિટલ બાબતની જેમ, ડિજિટલ બિઝનેસ કાર્ડ પણ અનેક રીતે બની શકે છે અને દરેકનાં પ્લસ-માઇનસ પોઇન્ટ્સ છે.

તમને શું અનુકૂળ પડશે તે તમે નક્કી કરો લો!

નવા ડિજિટલ યુગમાં, આપણી કોન્ટેક્ટ ડિટેઇલ્સ અન્ય સાથે શેર કરવાના જુદા જુદા ઘણા રસ્તા છે. આપણા ઈ-મેઇલ પ્રોગ્રામમાં પોતે સેટ કરેલી સિગ્નેચર, જુદી જુદી સોશિયલ સાઇટ્સ પરના આપણા પ્રોફાઇલ વગેરે આખરે એ જ કામ કરે છે, પણ કોઈ વ્યક્તિ આપણી કોન્ટેક્ટડિટેઇલ માગે ત્યારે તેને એ વિગતો આપી શકાય એ રીતે ડિજિટલ કાર્ડ બનાવવાની સગવડ આપતી ઘણી સર્વિસ શરૂ થઈ છે.

સામેની વ્યક્તિ દૂર હોય તો પણ તેને આપણી કોન્ટેક્ટ ડિટેઇલ્સ ફટાફટ શેર કરવામાં ડિજિટલ બિઝનેસ કાર્ડ કામ લાગે છે. લોકોને જેની વર્ષોથી આદત છે એ પ્રિન્ટેડ વિઝિટિંગ કાર્ડ જેવા જ સ્વરૂપનું ડિજિટલ કાર્ડ, બિઝનેસની દૃષ્ટિએ વધુ ઉપયોગી છે.

બિઝનેસ કાર્ડનું મુખ્ય કામ આપણી કોન્ટેક્ટ ડિટેઇલ સામેની વ્યક્તિને આપવાનું છે. પરંતુ એ અડધું કામ થયું. સામેની વ્યક્તિ આપણી જુદી જુદી બધી વિગતો સહેલાઈથી સાચવી શકે ત્યારે બિઝનેસ કાર્ડ આપવાનું કામ પૂરું થાય – પછી એ સાદું પ્રિન્ટેડ હોય કે ડિજિટલ. આથી પ્રિન્ટેડ કાર્ડનો ફોટો લઈ વોટ્સએપમાં શેર કરો તો એ પણ ડિજિટલ કાર્ડ તો થયું, પણ એ કાર્ડનો પૂરો અર્થ સરતો નથી.

ખરેખરા ડિજિટલ કાર્ડની સગવડ આપતી ઘણી ખરી સર્વિસ, કોઈ એક વેબ સર્વિસમાં કાર્ડ ક્રિએટ કરી, તેને વિવિધ રીતે શેર કરવાની સગવડ આપે છે અને પછી, એ કાર્ડ મેળવનારી વ્યક્તિ ફક્ત એક ક્લિકમાં તેમાંની વિગતો પોતાની એડ્રેસ બુકમાં સેવ કરી શકે છે.

ડિજિટલ કાર્ડ પ્રિન્ટેડ કાર્ડ કરતાં વધુ ઉપયોગી છે. ઝાઝાં ફીચર્સ ન જોઈતાં હોય તો આવું કાર્ડ ‘પ્રિન્ટ’ કરવાનો કોઈ ખર્ચ નથી. કાગળની બચત એટલે પર્યાવરણનો પણ ફાયદો. દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ સાથે પલકવારમાં ડિજિટલ કાર્ડ શેર કરી શકાય. ઇચ્છો એટલી વિગતો તેમાં ઉમેરી શકો, ગમે ત્યારે બદલી શકો.

સારી સર્વિસની મદદ લીધી હોય તો સામેની વ્યક્તિની એડ્રેસબુકમાં પણ આપણને કાયમી સ્થાન મળે. પરંતુ, કેટલાક ગેરફાયદા છે. સામેની વ્યક્તિ આપણું ડિજિટલ કાર્ડ જોવા ઓનલાઇન હોવી જરૂરી છે. એ કાર્ડની વિગતો એડ્રેસબુકમાં સેવ સહેલાઈથી શેર ન કરી શકે કે ન કરે, તો ડિજિટલ કાર્ડ પણ ખોવાઈ જવાનું છે!

સર્વિસમાં એકાઉન્ટ ખોલાવી, સહેલાઈથી એક કે વધુ ડિજિટલ બિઝનેસ કાર્ડ તૈયાર કરી શકાય. ચાહો તેટલી વિગતો ઉમેરી શકાય.

આ રીતે તૈયાર કરેલા કાર્ડને વિવિધ રીતે શેર કરી શકાય. ક્યૂઆર કોડ બનાવો, લિંક ક્રિએટ કરો, વોટ્સએપ કરો, મેઇલ કરો…

જેની સાથે કાર્ડ શેર કરો તેની વિગત તમારી એડ્રેસબુકમાં ઉમેરાય. પેઇડ સર્વિસ લીધી હોય તો કાર્ડ કેટલી વાર જોવાયું તે પણ જાણી શકાય.

પેઇડ પ્લાનમાં, તમને પ્રિન્ટેડ વિઝિટિંગ કાર્ડને સ્કેન કરતાં, એમાંની વિગતો, એ સર્વિસની તમારી એડ્રેસબુકમાં ઉમેરાઈ જાય.

તમારા ડિજિટલ કાર્ડને વીડિયો મીટિંગ સમયે તમારા બેકગ્રાઉન્ડ તરીકે સેટ કરી શકાય. લોકો કોડ સ્કેન કરી, વિગતો સેવ કરી શકે!


ડિજિટલ વિઝિટિંગ કાર્ડ આપણા બિઝનેસ સંબંધિત વિગતો અન્ય લોકો સાથે શેર કરવાનું કામ ઘણું સહેલું બનાવે છે. સંખ્યાબંધ સર્વિસ આવી સગવડ આપે છે. આગળના પેજ પર આવી જ એક ફ્રી સર્વિસનો નજીકનો પરિચય આપ્યો છે.

બિલકુલ નાના પાયે કામકાજ કરી રહ્યા છો? તમારી બિઝનેસ વિગતો વોટ્સએપમાં ટાઇપ કરો અને એ જ શેર કરતા રહો! જૂનું વિઝિટિંગ કાર્ડ હોય તો એનો સારો ફોટો પાડી તેનાથી કામ ચલાવી શકાય.

થોડા આગળ વધીને, માઇક્રોસોફ્ટ વર્ડમાં બિઝનેસ કાર્ડનું ટેમ્પ્લેટ પસંદ કરી, તેમાં વિગતો ઉમેરો અને તેને પીડીએફ તરીકે સેવ કરી લો.

હજી આગળ વધવું હોય તો પાવરપોઇન્ટમાં સ્લાઇડની સાઇઝ બદલીને વર્ટિકલ બિઝનેસ કાર્ડ જેવી કરો, તેમાં તમારો મજાનો ફોટોગ્રાફ ઉમેરો, વિગતો ઉમેરો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર વગેરે એકાઉન્ટનાં એડ્રેસ લખો અને તેની લિંક પણ આપો. ફરી તેની પીડીએફ બનાવી લો. પીડીએફ ઓપન કરી, લિંક્સ બરાબર કામ કરે છે તે તપાસી લો અને પછી તમે જાતે ક્રિએટ કરેલું આ ડિજિટલ કાર્ડ સૌને શેર કરતા રહો!

આટલે સુધી આપણું કામ સહેલું થશે, પણ કાર્ડ મેળવનાર ટેકસેવી નહીં હોય અને એ આપણા કાર્ડને ગૂગલ કીપ જેવી સર્વિસમાં સેવ નહીં કરે, તો એનું કામ સહેલું થશે નહીં. તેમની એડ્રેસબુકમાં આપણી વિગતો સહેલાઈથી સેવ થશે નહીં!

ત્યાં સુધી પહોંચવા માટે https://www.hihello.me/ જેવી સર્વિસની તમે મદદ લઈ શકો. આ સર્વિસ મનુ કુમાર નામના કેલિફોર્નિયામાં સ્થાયી થયેલા મૂળ ભારતીયે લોન્ચ કરેલી છે. તેમણે આ પહેલાં પેપર વિઝિટિંગ કાર્ડને સ્કેન કરીને ડિજિટલ કોન્ટેક્ટ્સ સેવ કરવાની સગવડ આપતી ‘કાર્ડમન્ચ’ નામની સર્વિસ લોન્ચ કરી હતી. ૨૦૧૧માં લિંક્ડઇન કંપનીએ તેને ખરીદી લીધી. આ પછી મનુ કુમારે ‘હાઇહેલ્લો’ સર્વિસ લોન્ચ કરી.

એન્ડ્રોઇડ અને આઇફોનમાં એપ તરીકે કે બ્રાઉઝરમાં આ સર્વિસનો ઉપયોગ કરી શકાય છે.

આપણે ફ્રી એકાઉન્ટ ખોલાવી બહુ સહેલાઈથી ઉપરના સ્ક્રીનશોટ જેવું ડિજિટલ બિઝનેસ કાર્ડ બનાવી શકીએ છીએ. તમે નામ, ફોન નંબર, ઈમેઇલ, પોસ્ટલ એડ્રેસ, વેબસાઇટ વગેરે વિગતો ઉપરાંત વિવિધ સોશિયલ સર્વિસની લિંક્સ પણ એડ કરી શકો. ઇચ્છો તો એકથી વધુ કાર્ડ પણ ક્રિએટ કરી શકો છો.

એ પછી આ કાર્ડનો ક્યૂઆર કોડ બનાવીને તેને શેર કરો અથવા  તેની લિંક ફેસબુક, ટવીટર, લિંક્ડઇન, વોટ્સએપ, મેસેજ કે ઈ-મેઇલમાં કોઈને પણ મોકલો. સામેની વ્યક્તિ તેને ક્લિક કરે તો ઉપર બતાવ્યા મુજબનું કાર્ડ જોવા મળે!

એ તેને ક્લિક કરી, તમારી વિગતો પોતાના ફોનમાં સેવ કરી શકે છે.

આનો અર્થ એ પણ થયો કે કોન્ટેક્ટ્સની આપલે માટે જેનો સૌથી વધુ ઉપયોગ થાય છે તે વોટ્સએપમાં માત્ર લિંક કે ક્યૂઆર કોડ જશે, પહેલાં તેમને આવું કાર્ડ જોવા મળશે નહીં.

થોડું સર્ચ કરતાં, આ પ્રકારની સર્વિસ આપતી ઘણી કંપની મળી આવશે. લગભગ દરેક ફ્રી ટ્રાયલ આપે છે, પરંતુ અમુક, કેટલીક મર્યાદા સાથે લાઇફટાઇમ ફ્રી પ્લાન પણ આપે છે, થોડું રિસર્ચ કરવું પડશે!

ઉપાય તરીકે તમે કાર્ડને ઇમેજ તરીકે સેવ કરી, તેને શેર કરો અને સાથે તેની લિંક મોકલો, જેને ક્લિક કરી તમારી વિગતો સેવ કરી શકાય.

તમે આ કાર્ડને જ તમારા ઈ-મેઇલ પ્રોગ્રામમાં સિગ્નેચર તરીકે સેટ કરી શકો છો. વધુ એક મજાની સગવડ પણ છે. તમારી વિગતો અને કાર્ડના ક્યૂઆર કોડ સાથેનું ઝૂમ વીડિયો મીટિંગ માટેનું બેકગ્રાઉન્ડ તૈયાર કરી શકાય છે. અન્ય લોકો ચાલુ મીટિંગે કોડ સ્કેન કરી, તમારી વિગતો સેવ કરી શકશે!

કેટલીક કંપની આ બધી જ સગવડો સાથે, એક ચિપવાળું ફિઝિકલ કાર્ડ ખરીદવાની પણ સગવડ આપે છે. એ કાર્ડને ‘નીયર કમ્યૂનિકેશન ફીલ્ડ (એનએફસી)’ ફીચર ધરાવતા સ્માર્ટફોન પર ટેપ કરતાં, કાર્ડમાંની વિગતો ફોનમાં સેવ થઈ જાય છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!