(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • પ્લે સ્ટોરની ફી બાબતે ગૂગલ ભારતમાં પણ સકંજામાં
  • હવે ફેક ક્રિપ્ટોકરન્સીના કૌભાંડનું દૂષણ પણ વધી રહ્યું છે
  • વર્ક-ફ્રોમ-હોમની આડઅસરો સામે સત્ય નાડેલાની ચેતવણી
  • ગૂગલ મેપ્સમાં ટોલ ટેક્સ જાણી શકાશે

આપણે પોતાના એન્ડ્રોઇડ સ્માર્ટફોન કે એપલ સ્માર્ટફોનમાં કોઈ એપ ડાઉનલોડ કરીએ ત્યારે મોટા ભાગની એપ ફ્રી હોય છે જ્યારે કેટલીક એપ ઇન્સ્ટોલ કરતી વખતે જ ખરીદવી પડે છે. એ માટે આપણે વાયા ગૂગલ, એપના ડેવલપરને રૂપિયા ચૂકવવા પડે. એ જ રીતે, ઘણી એપમાં ‘ઇન-એપ-પરચેઝ’નો વિકલ્પ જોવા મળતો હોય છે. આવી એપ પોતે ફ્રી હોય, પરંતુ વધારાની સવગડો કે ફીચર્સ જોઈતાં હોય તો તે ખરીદવી પડે છે.

 જ્યારે ફોનમાં ઇન્સ્ટોલ કરેલી એપથી આપણે કરિયાણા કે કપડાં વગેરે જેવી વાસ્તવિક ચીજવસ્તુઓની ખરીદી કરીએ ત્યારે તે માટે એપ ડેવલપર તેની પસંદગીના કોઈ પણ પેમેન્ટ ગેટવે મારફત આપણી પાસેથી રૂપિયા મેળવી શકે છે. પરંતુ જ્યારે એપમાં કોઈ પણ પ્રકારની ડિજિટલ ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવે ત્યારે એપલ કે ગૂગલની પોતાની પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો પડે છે.

હવે જુઓ કે આ બંને કંપની એપ ડેવલપર્સનું નાક દબાવીને કેવી તોતિંગ કમાણી કરે છે. જ્યારે એપમાં કોઈ પણ પેમેન્ટ ગેટવેની મદદથી પેમેન્ટ કરવામાં આવે ત્યારે એપ ડેવલપરે તેને મળતી રકમમાંથી મોટા ભાગે બે ટકા જેટલી રકમ તેની પેમેન્ટ ગેટવે સર્વિસને ફી તરીકે ચૂકવવી પડે છે. બીજી તરફ ડિજિટલ કન્ટેન્ટ માટે જ્યારે ફરજિયાતપણે ગૂગલ કે એપલની પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો પડે ત્યારે એપ ડેવલપરે તેમને મળતી રકમમાંથી ૩૦ ટકા જેટલી તોતિંગ રકમ ફી તરીકે ગૂગલ કે એપલને ચૂકવવી પડે છે!

લાંબા સમયથી આખા વિશ્વમાં ગૂગલ અને એપલની આ ફી સામે વિરોધ ઊઠી રહ્યો છે. ભારતમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઈ) નામની જાહેર સંસ્થા સમક્ષ આ બાબતે ગૂગલ સામે ફરિયાદ કરવામાં આવી હતી. આ સંસ્થાની પ્રારંભિક તપાસમાં ગૂગલ કંપની ‘ખોટી અને ભેદભાવભરી રીતે’ એપ ડેવલપર્સને ગૂગલની પોતાની પેમેન્ટ બિલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવા ફરજ પાડતી હોવાનું તારણ મૂકાયું છે. સીસીઆઈ આ  સંબંધે વધુ તપાસ કરશે અને ગૂગલને પણ તેનો પક્ષ રજૂ કરવાની તક આપશે.

ભારતમાં લાંબા સમયથી સરકાર વિવિધ ટેક કંપનીની પોલિસીઓ સામે કડક વલણ અપનાવી રહી છે. તે જોતાં ગૂગલની આ આકરી ફી નીતિ સામે પણ સરકાર પગલાં લે તેવી શક્યતા છે. કોરિયામાં પણ આ જ રીતે સરકારે આક્રમક વલણ અપનાવતાં ગૂગલે ત્યાંના એપ ડેવલપર્સને ગૂગલની બિલિંગ સિસ્ટમ ઉપરાંત અન્ય પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવાની છૂટ આપવી પડી છે. જો ભારતમાં એમ થશે તો ભારતીય એપ ડેવલપર્સ તથા એપ યૂઝર્સને દેખીતો બહુ મોટો ફાયદો થશે.

દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણનો વંટોળ ફૂંકાયો છે. સરકારે તેમાં રોકાણથી થતી આવક પર ૩૦ ટકાનો ટેક્સ લાદ્યો છે પરંતુ ક્રિપ્ટોકરન્સીને કોઈ રીતે સત્તાવાર માન્યતા આપી નથી. દરમિયાન લોકો જે રીતે ક્રિપ્ટોમાં રોકાણ કરવા માટે આંધળી દોટ લગાવી રહ્યા છે તેનો લેભાગુ લોકો લાભ પણ લેવા લાગ્યા છે.

હમણાં કેરળમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટ (ઇડી) એ બનાવટી ક્રિપ્ટોકરન્સીનું એક કૌભાંડ પકડી પાડ્યું. આ કેસમાં મલ્ટિલેવલ માર્કેટિંગની જેમ લોકોને ‘મોરિસ કોઇન’ નામની ક્રિપ્ટોકરન્સીમાં આકર્ષક વળતરનું ગાજર આપી રોકાણ માટે લલચાવવામાં આવતા હતા. વાસ્તવમાં એ નામની કોઈ ક્રિપ્ટોકરન્સી હતી જ નહીં. આ કૌભાંડમાં લગભગ ૯૦૦ રોકાણકારોએ રૂ.૧૨૦૦ કરોડ જેટલી જંગી રકમનું રોકાણ કર્યું હતું.

કોરોનાની અસર હવે ઘણી ઓછી થઈ ગઈ હોવા છતાં હજી પણ ઘણી, ખાસ કરીને આઇટી કંપનીઓમાં ‘વર્ક-ફ્રોમ-હોમ’ ચાલી રહ્યું છે. એક તરફ વર્ક-ફ્રોમ-હોમના ટ્રેન્ડને કારણે ઘણા આઇટી વર્કર્સને એકથી વધુ કંપની માટે કામ કરીને આવક વધારવાની તક મળી છે, તો બીજી તરફ એક જ કંપનીને વફાદાર એમ્પ્લોઈની ફરિયાદ છે કે વર્ક-ફ્રોમ-હોમને કારણે તેમના કામકાજનો સમય નિર્ધારિત રહેતો નથી અને ઓફિસ કરતાં ઘરેથી ઘણા વધુ લાંબા સમય સુધી કામ કરવું પડે છે!

હમણાં માઇક્રોસોફ્ટ કંપનીના સીઇઓ સત્ય નડેલાએ પણ આ જ બાબતે ચિંતા વ્યક્ત કરી.


તેમણે કહ્યું કે કંપનીના મેનેજર્સે તેમની ટીમ સાથેના કમ્યુનિકેશન દરમિયાન ટીમ મેમ્બરના વેલબિઇંગનો પણ અચૂક ખ્યાલ રાખવો જોઇએ. માઇક્રોસોફ્ટ કંપનીએ તેના ટીમ્સ સોફ્ટવેરમાં સુધારા કરવા માટે રિમોટ વર્કિંગથી, સાથે મળીને કામ કરવા પર કેવી અસર થાય છે તેનો એક અભ્યાસ હાથ ધર્યો હતો.

આ અભ્યાસમાં બહાર આવ્યું કે મોટા ભાગના ટીમ મેમ્બર્સે વર્ક-ફ્રોમ-હોમમાં રાતના સમયે પણ કામ કરવું પડે છે. સત્ય નાડેલાએ કહ્યું કે ટીમના મેનેજર્સે પોતાના ટીમ મેમ્બર્સને રાતના સમયે ઈ-મેઇલ્સ મોકલવાનું ટાળવું જોઈએ અને જો ઈ-મેઇલ્સ મોકલે તો રાત્રે જ જવાબ મળે એવો આગ્રહ પણ ન રાખવો જોઇએ.

તેમણે કહ્યું કે ‘‘હું પોતે આવી પહેલ કરું છું અને મારા ટીમ મેમ્બર્સને જો વિકેન્ડમાં ઈ-મેઇલ મોકલું તો એવો આગ્રહ નહીં રાખું કે વિકેન્ડ દરમિયાન પણ તેઓ મને જવાબ મોકલે!’’

ભારતમાં આપણે કોઈ એક શહેરથી બીજા શહેર પોતાના વાહનમાં જવું હોય ત્યારે પેટ્રોલ-ડિઝલના સતત વધતા ભાવની સાથોસાથ તોતિંગ ટોલ ટેક્સ ચૂકવવાની પણ ચિંતા હોય છે!

ગૂગલ મેપ એપ્સમાં આ ચિંતા થોડી હળવી થશે. ટોલ ટેક્સનો ખર્ચ તો આપણે જ ઉઠાવવાનો રહેશે પરંતુ મુસાફરી શરૂ કરતાં પહેલાં આપણે મેપ્સ એપ્સ ઓપન કરીને આપણી સંભવિત મુસાફરીનો રૂટ દર્શાવીશું એ સાથે સમગ્ર રૂટ પર કેટલા ટોલ ટેક્સ આવશે અને એ માટે આપણે કુલ કેટલી રકમ ચૂકવવાની થશે તેનો અંદાજ જાણી શકાશે.

આપણી ચિંતા થોડી હળવી કરવા માટે મેપ્સ એપ આપણને ટોલ ટેક્સ વિનાના વૈકલ્પિક રૂટ પણ બતાવશે. આ ફીચર એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ માટે ગયા મહિને એટલે કે એપ્રિલ ૨૦૨૨થી રોલઆઉટ થવા લાગ્યું છે.

શરૂઆતમાં ભારત, યુએસ, જાપાન અને ઇન્ડોનેશિયાના ૨૦૦૦ જેટલા ટોલ ટેક્સ ધરાવતા રસ્તાઓની માહિતી મેપ્સ એપમાં જોવા મળશે. આગામી સમયમાં વધુ દેશોમાં આ સુવિધા લોન્ચ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!