વોટ્સએપમાં કોઈ મિત્ર તમને કોઈ ‘ઇન્ટરેસ્ટિંગ’ વેબપેજની લિંક શેર કરે, તમે તેના પર ક્લિક કરીને ઉત્સાહથી એ વેબપેજ પર પહોંચો, પણ પછી તમને એ પેજ પર કશું ઇન્ટરેસ્ટિંગ મળે નહીં તેવું તમારી સાથે બને છે? આપણે પેલી બનાવટી, જોખમી કે ગેરમાર્ગે દોરતી લિંક્સની વાત કરી રહ્યા નથી. આપણા રસના વિષયો જાણતા ખરેખરા મિત્રો તરફથી શેર કરવામાં આવેલા વેબપેજની લિંકની વાત કરીએ છીએ.
આમાં પેલા મિત્રનો કોઈ દોષ નથી.
આમ થવાનું કારણ એ છે કે એ મિત્રને કોઈ વેબપેજમાં આપણને રસ પડી શકે તેવી વાત દેખાય એટલે મિત્ર એ વેબપેજ આપણને શેર કરે. પરંતુ હાલની શેરિંગ વ્યવસ્થાની તકલીફ એ છે કે તેમાં આખેઆખા વેબપેજની લિંક શેર થાય છે – હનુમાનજી સંજીવની પહાડ લાવ્યા હતા તેમ!

એવું ચોક્કસ બની શકે કે એ વેબપેજ પરના લખાણ કે હેડિંગ કે શરૂઆતના લખાણમાં આપણને રસ પડે તેવું કંઈ ન હોય. એટલે આપણને સમજાય નહીં કે આ પેજ આપણને કેમ શેર કરવામાં આવ્યું. કાં તો પેલા મિત્રએ વેબપેજની લિંક શેર કરતી વખતે આપણે રસની વાત ક્યાં દટાયેલી પડી છે એ વિશે પણ થોડું લખવું પડે. પરંતુ એ બધું અંધારામાં તીર મારવા જેવું થાય.
યુટ્યૂબ પરથી કોઈ વીડિયો શેર કરતી વખતે આવી તકલીફ થતી નથી. કેમ તે તેમાં સામેની વ્યક્તિ વીડિયોના કોઈ ચોક્કસ સ્ટેજ પર સીધા જ પહોંચે એવી રીતે વીડિયોની લિંક શેર કરી શકાય છે.
સામાન્ય વેબપેજમાં આવી કોઈ સગવડ નહોતી.
હવે આ તકલીફનો એક સહેલો રસ્તો મળ્યો છે.
હવે તમને ઇન્ટરનેટ પર કોઈ પણ વેબપેજ પર લાંબા લેખમાં કોઈ ચોક્કસ મુદ્દા વિશે તમારા મિત્રનું ધ્યાન દોરવાનું મન થાય ત્યારે તમે તેમને એવી લિંક શેર કરી શકો છો, જે પેલું વેબપેજ તો ઓપન કરે જ, પરંતુ સાથોસાથ આપણે જેના પર ફોકસ કરી રહ્યા હોઇએ સીધા એ મુદ્દા પર પણ લઈ જાય!
આ સગવડ એન્ડ્રોઇડ અને પીસી પર ઉપલબ્ધ છે.
મોબાઇલમાં આ ફીચરની અજમાયશ કરી જોવા માટે કોઈ પણ વેબપેજ ઓપન કરો અને તેમાં કોઈ પણ શબ્દને જરા લાંબો સમય પ્રેસ કરીને હાઇલાઇટ કરો.
વોટ્સએપ જેવી એપ્સમાં આડેધડ મેસેજ ફોરવર્ડ થતા હોય ત્યારે કામની બાબતો પર ફોકસ કરીને શેરિંગ કરો તો જ તેનો અર્થ સરે.
હવે એક નાનું મેનૂ ઓપન થશે જેમાં આપણે સિલેક્ટ કરેલી ટેકસ્ટને કોપી અને શેર કરવાના વિકલ્પ મળશે. તેમાં શેર પસંદ કરો. હવે આપણા ફોનમાંથી જેમાં શેર કરી શકાય તેવી વિવિધ એપ્સ જોવા મળશે. આપણે વોટ્સએપ પર એ લિંક શેર કરવા માગતા હોઈએ તો વોટ્સએપ પસંદ કરો અને તેમાં મિત્રનું નામ પસંદ કરો. એ મિત્ર જ્યારે એ લિંક પર ક્લિક કરશે ત્યારે તેઓ એ વેબપેજ પર પહોંચશે અને તેમાં પણ આપણે જે શબ્દ કે વાક્ય હાઇલાઇટ કરીને લિંક શેર કરી હશે, સીધા એ શબ્દ કે વાક્ય પર પહોંચશે!
એ જ રીતે પીસી કે લેપટોપ પર, કોઈ પણ વેબપેજમાં કોઈ ટેક્સ્ટને સિલેક્ટ કરી રાઇટ ક્લિક કરતાં જે મેનૂ ખૂલે તેમાં ‘કોપી લિંક ટુ હાઇલાઇટ’ એવો વિકલ્પ મળશે. તેને ક્લિક કરતાં, હાઇલાઇટ કરેલા શબ્દ પર લઈ જતી લિંક ક્રિએટ થશે, જેને ગમે ત્યાં શેર કરી શકાશે.
એટલું યાદ રાખશો કે આ સગવડ ગૂગલના ક્રોમ બ્રાઉઝરની છે. એટલે આપણે આ રીતે કોઈ ચોક્કસ શબ્દ કે વાક્ય સિલેક્ટ કરીને તેની લિંક મિત્રને શેર કરીએ પરંતુ એ મિત્રના સ્માર્ટફોનમાં લિંક્સ ઓપન કરવા માટે ક્રોમ સિવાય અન્ય કોઈ બ્રાઉઝર ડિફોલ્ટ એપ તરીકે સેટ કરેલું હશે તો તેમના બ્રાઉઝરમાં એ વેબપેજ જ ખૂલશે, આપણે ઇચ્છીએ છીએ તે વાક્ય કે શબ્દ સુધી તેઓ સીધા પહોંચશે નહીં.
આ સગવડ ઓફિસના કામકાજમાં પણ બહુ ઉપયોગી થઈ શકે છે.

કોઈ પણ વેબપેજ ઓપન કરો. તેમાં કોઈ પણ શબ્દ કે આખું વાક્ય, જરા લાંબો સમય પ્રેસ કરીને સિલેક્ટ કરો. ‘શેર’ પર ક્લિક કરો.

શેરિંગ મેનૂમાં ઉપરના ભાગે, એ વેબપેજ અને તેમાં આપણે સિલેક્ટ કરેલી ટેક્સ્ટ પર લઈ જતી લિંક જોવા મળશે. તેને કોઈ પણ રીતે શેર કરો.

આ લિંક પર ક્લિક કરનાર વ્યક્તિ, આપણે તેને જ્યાં લઈ જવા માગીએ છીએ ત્યાં પહોંચશે. તેમને એ ભાગ હાઇલાઇટેડ પણ જોવા મળશે!

