(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સોશિયલ મીડિયા સાઇટ્સમાં આપણને શું બતાવવું તે કેમ નક્કી થાય છે? આપણું ધાર્યું કેવી રીતે થાય?

તમે સોશિયલ મીડિયાના ગુલામ બનશો કે તેને ગુલામ બનાવવા માગશો? બંને વાત આપણા જ હાથમાં છે. વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સ આપણને વધુ રસ પડે તેવું બતાવવાની હરીફાઈમાં લાગી છે. મહત્ત્વની વાત એ કે આપણે શું જોવું તેનો નિર્ણય આપણા હાથમાં જ હોવો જોઈએ. બધી સાઇટ એવો અંકુશ આપતી નથી, પરંતુ અમુક સાઇટ્સ આવો અંકુશ આપવા લાગી છે. આપણે એ બરાબર સમજી લઈએ તો ફાયદામાં રહીએ.

સોશિયલ મીડિયા આપણા મન, જીવન પર હાવી થઈ ગયું છે – જે લોકો સોશિયલ મીડિયાના પ્રવાહમાં તણાઈ ગયા નથી એમની આ એક કાયમી ફરિયાદ છે. એ ખોટી નથી, પણ એવું ત્યારે થાય જ્યારે આપણે પોતે એમ થવા દઈએ! આ રીતસર પેલી રસ્સાખેંચની રમત જેવી વાત છે – બંને પક્ષ પોતપોતાની બાજુ ખેંચે છે, જે વધુ જોર કરી જાય એ જીતે!

એ હકીકત છે કે મોટા ભાગે ફેસબુક જેવી સાઇટ્સ પર, આપણે શું જોવું એ આપણા અંકુશમાં હોતું નથી. ફેસબુક પરની આપણી પ્રવૃત્તિ, અન્ય લોકોની પ્રવૃત્તિ અને ફેસબુકની પોતાની ઇચ્છા – આ બધું ધ્યાનમાં રાખીને આપણને હોમપેજ પર ‘ફીડ’ તરીકે ઓળખાતી નિશ્ચિત પોસ્ટ્સ બતાવવામાં આવે છે. ફેસબુકે ‘આપણને શું જોવું ગમશે’ એ નક્કી કરવામાં માસ્ટરી  કેળવી લીધી છે, એટલે તો એ સૌથી પોપ્યુલર છે!

જોકે ફેસબુક અને બીજી સોશિયલ સાઇટ્સ માત્ર પોતાના સ્વાર્થ ખાતર આમ કરે છે એમ કહેવું ખોટું છે.

બધી સાઇટ્સ પર હવે એટલા વ્યાપક પ્રમાણમાં યૂઝર્સ હોય છે કે આપણે જેમને ફોલો કરતા હોઈએ એ બધા લોકો અને બિઝનેસની બધી પોસ્ટ માત્ર ‘વહેલા તે પહેલા’ના ધોરણે મૂકાતી જાય તો આપણે એ સાઇટ કે એપમાં એક્ટિવ ન હોઈએ એટલા સમયમાં પોસ્ટ થયેલું લગભગ બધું જ જોવું આપણે ચૂકી જઈએ. આથી આ બધી કંપનીઓએ ‘આપણને જે જોવામાં વધુમાં વધુ રસ પડી શકે’ એ નક્કી કરવાની વિવિધ પદ્ધતિઓ એટલે કે ‘અલ્ગોરિધમ’ વિક્સાવ્યાં.

તકલીફ એ થઈ કે આ અલ્ગોરિધમ વિક્સાવવામાં આપણા ફાયદા કરતાં, કંપનીનો નફો વધારવા પર ફોકસ વધી ગયું. ઉપરાંત, સોશિયલ મીડિયા પર કોઈને થોડી પોપ્યુલારિટી મળે તો એને બીજા યૂઝર નહીં, અલ્ગોરિધમ પોતે વધુ ધક્કા મારીને વધુ પોપ્યુલર બનાવે એવી સ્થિતિ સર્જાઈ!

આ બધું ન જાણતી વ્યક્તિ, ખાસ કરીને ટીનેજર્સ, તેમની પોસ્ટને ધારી લાઇક્સ ન મળે એટલે કારણ વગર ડિપ્રેશનમાં ગરકાવ થવા લાગે છે!

તમે ટીનેજર હો કે ‘મેં તો દુનિયા જોઈ લીધી છે’ એવું માનતા વડીલ, સોશિયલ મીડિયા પર આપણને જે બતાવવામાં આવે છે એ કઈ રીતે નક્કી થાય છે એ બરાબર સમજો નહીં તો – અને માત્ર તો જ – સોશિયલ મીડિયા આપણા પર હાવી થઈ શકે છે.

તમે ઇચ્છો તો, સોશિયલ સાઇટ્સ પર તમારી મરજી ચલાવી શકો છો. નહીં ચલાવો, તો એ સાઇટ પોતાની મનમાની કરશે!

તમે સોશિયલ મીડિયાના સરેરાશ યૂઝર હો કે પછી માર્કેટિંગ માટે તેનો ઉપયોગ કરતા હો, તેમાં કોને શું બતાવવું તે કઈ રીતે નક્કી થાય છે અને એના પર આપણને કેટલો કંટ્રોલ મળે છે એ સમજવામાં ફાયદો છે!

આવો સૌથી પોપ્યુલર સોશિયલ સાઇટ્સમાં ન્યૂઝફીડ કે ટાઇમલાઇન પરની પોસ્ટ્સના ક્રમ કેવી રીતે નક્કી થાય છે તે જાણીએ.

 

બધા પ્રકારની સોશિયલ મીડિયા સાઇટ્સમાં ફેસબુકનું ન્યૂઝફીડ અલ્ગોરિધમ સૌથી અટપટું છે. ફેસબુક સૌથી વધુ લોકપ્રિય છે એટલે આ અલ્ગોરિધમ ધાર્યું કામ કરે છે એવું પણ કહી શકાય! ફેસબુકની શરૂઆત થઈ ત્યારથી આપણી ન્યૂઝફીડમાં લોકોને શું બતાવવું તે કંપની પોતે નક્કી કરે છે.

ફેસબુક પર આપણે ખાસ્સા સક્રિય હોઇએ,  સંખ્યાબંધ લોકોને ફ્રેન્ડ બનાવ્યા હોય, મોટા પ્રમાણમાં બિઝનેસ પેજિસ તથા ગ્રૂપ્સને આપણે ફોલો કરતા હોઇએ તથા એ બધા પણ ફેસબુક પર ખાસ્સા સક્રિય હોય તો આપણે જ્યારે ફેસબુક ઓપન કરીએ ત્યારે આપણી નજરમાં આવવા માટે અનેક પોસ્ટ તૈયાર હોય છે.

ફેસબુક ‘વહેલા તે પહેલા’ ધોરણે આ બધું આપણને બતાવતી નથી. તેના બદલે તે જુદી જુદી અનેક પ્રકારની ગણતરી અને તાળા મેળવીને આપણને કઈ બાબતમાં વધુ રસ પડશે તે નક્કી કરે છે. નવેમ્બર ૨૦૦૭માં ‘લાઇક’ બટન આવ્યું ત્યારે માત્ર તેના પરથી અલ્ગોરિધમ નક્કી કરતું કે આપણને ક્યા પ્રકારની પોસ્ટમાં વધુ રસ પડે છે.

હવે વાત એટલી સાદી નથી.

હવે તો આપણે કઈ વ્યક્તિની પોસ્ટ પર વધુ પ્રતિસાદ આપીએ છીએ, એ વ્યક્તિ ફેસબુક પર કેટલી એક્ટિવ છે, એમની એ ચોક્કસ પોસ્ટને ફેસબુક પર કેટલો પ્રતિભાવ મળી રહ્યો છે, ફેસબુકને પોતાને શું બતાવવામાં લાભ છે અને એ ઉપરાંત બીજું ઘણું બધું ધ્યાને લઇને ફેસબુક આપણી ન્યૂઝફીડમાં કોઈ પોસ્ટને આગળ કે પાછળ ધકેલે છે. 

આપણો કંટ્રોલ :

તમે ઇચ્છો તો કોઈ ચોક્કસ વ્યક્તિની પોસ્ટ તમને પહેલાં બતાવવામાં આવે એવું સેટિંગ કરી શકો છો. એ માટે ફેસબુકના સેટિંગ્સમાં ‘ન્યૂઝફીડ પ્રેફરન્સિસ’ સર્ચ કરો અને તેમાં જોઇતાં સેટિંગ્સ કરી લો.

આપણે ટ્વીટર ઓપન કરીએ એ સાથે વિવિધ લોકોની જે ટ્વીટ્સ દેખાય તેને ટ્વીટર ‘ટાઇમલાઇન’ તરીકે ઓળખાવે છે. આ ટાઇમલાઇનમાં આપણને શું બતાવવું એ માટે ફેસબુક કરતાં ટ્વીટર ઘણો જુદો અભિગમ અપનાવે છે. ટ્વીટર આપણે શું જોવું, કેવી રીતે કે કેવા ક્રમમાં જોવું તે આપણને નક્કી કરવા દે છે.

એક તરફ ટ્વીટર આપણે જે અન્ય યૂઝર્સને ફોલો કરતા હોઇએ તેમની દરેક ટ્વીટ તેઓ જે ક્રમમાં ટ્વીટ કરતા જાય એ જ ક્રમમાં આપણને બતાવે છે.

બીજી તરફ ટ્વીટર આપણને જેમાં વધુ રસ પડી શકે એવી ટ્વીટસ પણ તારવીને બતાવે છે.

ત્રીજી તરફ આપણે ટ્વીટરથી દૂર રહ્યા પછી ફરી તેની એપ ઓપન કરીએ ત્યારે આપણને રસ પડી શકે એવી જે ટ્વીટ્સ આવી ગઈ હોય તે બધી ફરી જોવાની તે તક આપે છે! આમાંથી આપણે ધારીએ ત્યારે અલગ અલગ મોડમાં સ્વિચ થઈ શકીએ છીએ.

આપણો કંટ્રોલ :

ટ્વીટર એપમાં ઉપર જમણે સ્ટાર આઇકન પર ક્લિક કરતાં એ ક્ષણે આપણે ક્યા મોડમાં છીએ તે જોવા મળે છે. જેમ કે પહેલાં, આપણે જેમને ફોલો કરી રહ્યા હોઇએ એમની ટ્વીટ્સ આપણી ટાઇમલાઇનમાં ક્રમબદ્ધ રીતે જોવા મળે છે.

‘લેટેસ્ટ ટ્વીટ્સ’નો આ મોડ બદલીને આપણે ‘હોમ’ મોડમાં જઇએ તો ટ્વીટર પોતાની વિવિધ ગણતરીને આધારે નક્કી કરે છે કે આપણને કઈ ટ્વીટમાં વધુ રસ પડશે અને એ મુજબ તે આપણને બતાવે છે. એ સિવાય ટ્વીટરના સર્ચ બટન પર ક્લિક કરીને આપણે જે તે સમયે ટ્રેન્ડિંગ હેશટેગ્સ, વિવિધ ન્યૂઝ કે વિષય અનુસારની ટ્વીટ્સ પણ જોઈ શકીએ છીએ. ટ્વીટરમાં ‘લિસ્ટ’ નામની સગવડથી આપણે વિવિધ વિષય યૂઝરને વધુ સહેલાઈથી ફોલો કરી શકીએ છીએ.

૨૦૧૬ સુધી ઇન્સ્ટાગ્રામ પર ક્રોનોલોજિકલ સિકવન્સમાં પોસ્ટ બતાવવામાં આવતી એટલે કે વહેલા તે પહેલાના ધોરણે. આપણે જે લોકો કે બ્રાન્ડને ફોલો કરતા હોઇએ તેમણે સમયના જે ક્રમ અનુસાર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હોય એ જ ક્રમમાં તેમની બધી પોસ્ટ આપણને જોવા મળે.

એ સમયે ઇન્સ્ટાગ્રામને લાગ્યું હતું કે લોકોને આ જ રીતે ક્રમબદ્ધ પોસ્ટ બતાવવામાં આવે તો ઘણા ખરા લોકો એમને ખરેખર જે પોસ્ટ જોવામાં વધુ રસ હોય તે જોવાનું ચૂકી જાય કારણ કે તમે એપ ઓપન કરો ત્યારે નવી આવેલી અમુક પોસ્ટ પર નજર ફેરવો, પરંતુ છેક ઊંડે સુધી જવાનો કદાચ તમારી પાસે સમય ન હોય. આથી ઇન્સ્ટાગ્રામ પર અલ્ગોરિધમ આધારિત ફીડ બતાવવાની પદ્ધતિ વિકસાવવામાં આવી.

પરિણામે ફેસબુકની જેમ ઇન્સ્ટાગ્રામ પરની આપણી પોતાની એક્ટિવિટી, અન્ય લોકોની લોકોની એક્ટિવિટી, તેમને મળતો રિસ્પોન્સ, આપણું લોકેશન વગેરે જાત ભાતની અનેક બાબતો ધ્યાનમાં લઈને આપણને કઈ પોસ્ટ પહેલા બતાવવી એ નક્કી કરવાનું શરૂ થયું. ત્યારથી મોટા ભાગના યૂઝરને લાગે છે કે કંપની યૂઝરની ઇચ્છા-અનિચ્છા ધ્યાને લેવાને બદલે કંપનીનો જેમાં ફાયદો હોય એ જ રીતે આપણી ફીડમાં પોસ્ટ બતાવે છે!

આપણો કંટ્રોલ :

હવે ઇન્સ્ટાગ્રામે કહ્યું છે કે આવતા વર્ષથી તે ફરીથી ક્રોનોલોજિકલ ફીડ એટલે કોઈ અલ્ગોરિધમની દખલ વિના માત્ર વહેલા તે પહેલાના ધોરણે પોસ્ટ બતાવવાનું શરૂ કરશે. ટ્વીટરની જેમ, એ ઓપ્શનલ રહેશે. અત્યારે તમે તમારા પ્રોફાઇલમાં જઈ, ‘ફોલોઇંગ’ પર ક્લિક કરીને, કોની પોસ્ટ નથી જોવી તે નક્કી કરી શકો છો.

ફેસબુક, ટ્વીટર કે ઇન્સ્ટાગ્રામમાં વ્યક્તિ પર સૌથી વધુ ફોકસ છે. જ્યારે યુટ્યૂબ પર આપણને કયા વીડિયો આગળ ધરીને બતાવવા એ ઘણી જુદી રીતે નક્કી થાય છે.

વર્ષ ૨૦૧૧ સુધી યુટ્યૂબમાં ફક્ત એ જોવાતું કે ક્યા વીડિયો સૌથી વધુ ક્લિક થાય છે ને સૌથી વધુ પ્રમાણમાં જોવાય છે. કોઈ વીડિયો થોડો પોપ્યુલર થાય એ પછી યુટ્યૂબ પર તે ઝડપથી વધુ ને વધુ પોપ્યુલર થતો જાય. પછીના વર્ષથી ક્યો વીડિયો કેટલા સમય સુધી જોવાય છે તે તપાસીને યુટ્યૂબ એ વીડિયોને વધુ કે ઓછો પ્રમોટ કરતી હતી.

૨૦૧૫થી યુટ્યૂબનો ધારો એવો રહ્યો છે કે જે વીડિયો લોકોને વધુમાં વધુ પ્રમાણમાં ‘સંતોષ આપતા’ હોય તેને આગળ કરવા. આ ‘સંતોષ’નું પ્રમાણ નક્કી કરવા માટે યુટ્યૂબ પાછી જાત જાતની અટપટી પદ્ધતિઓ અપનાવે છે.

કોઈ વીડિયો ક્લિક કર્યા પછી આપણે તેને આખો જોઇએ છીએ કે નહીં, તેના પર કોઈ કમેન્ટ આપીએ છીએ કે નહીં તે પણ યુટ્યૂબ ધ્યાને લે છે. યુટ્યૂબમાં પણ હવે હેશટેગનો ઉપયોગ થાય છે એટલે આપણે કોઈ એક હેશટેગ સાથેનો વીડિયો જોઇએ તો એ હેશટેગના બીજા વીડિયો પણ આપણને સૂચવવામાં આવે છે.

આપણો કંટ્રોલ :

યુટ્યૂબ પર લોગઇન થઈને તમે વીડિયો જોતા હો તો અને ત્યારે જ યુટ્યૂબનું અલ્ગોરિધમ કામે લાગે છે. એવા સંજોગમાં આપણી વોચ હિસ્ટ્રી મુજબ લગભગ એકસરખા વિષયના વીડિયો બતાવાશે. જો તમે લોગઇન થયા વિના, ઇનકોગ્નિટો મોડમાં વીડિયો જુઓ તો વોચ હિસ્ટ્રી કે સર્ચ વગેરે કોઈ માહિતી યુટ્યૂબ પાસે હોતી નથી. આથી એ સમયે યુટ્યૂબ, ‘તેની મરજી મુજબ’ વધુ જોવાઈ રહેલા વીડિયો હોમપેજ પર બતાવે છે.

અન્ય સોશિયલ મીડિયા કરતાં લિંક્ડઇન તેના યૂઝર્સને કારણે અલગ પડે છે. લિંક્ડઇન પ્રોફેશનલ્સ માટેનું નેટવર્ક છે. ફેસબુકમાં જેમ ફ્રેન્ડ્ઝ હોય છે તેમ લિંક્ડઇનમાં કનેકશન્સ અને ફોલોઅર્સ  હોય છે.

લિંક્ડઇનમાં આપણી ફીડમાં આપણને શું બતાવવું તે નક્કી કરવા માટે બે બાબત પર ફોકસ હોય છે – આપણને વધુમાં વધુ રિલેવન્ટ હોય તેવું કન્ટેન્ટ બતાવવું અને જે કન્ટેન્ટ પર આપણે કંઈક એકશન લઇએ તેવી વધુ શક્યતા હોય તેવું કન્ટેન્ટ બતાવવું. લિંક્ડઇનના હોમપેજ પરની ફીડ બાય ડિફોલ્ટ ‘ટોપ’ પોસ્ટ બતાવે છે. એટલે કે આપણને જેમાં રસ પડી શકે તેવી પોસ્ટ લિંક્ડઇન આગળ કરે છે. પરંતુ ટ્વીટરની જેમ આપણે ઇચ્છીએ તો આ મોડ બદલીને ‘રીસન્ટ’  પોસ્ટ્સ બતાવવામાં આવે તેવું સેટિંગ કરી શકીએ છીએ.

૨૦૧૯ પહેલાં સુધી એવી સ્થિતિ હતી કે ફેસબુક કે યુટ્યૂબની જેમ લિંક્ડઇન પર પણ કોઈ પોસ્ટ થોડી પોપ્યુલર થાય એ સાથે લિંક્ડઇનનું અલ્ગોરિધમ કામે લાગી જાય અને એ જ તેને વાયરલ બનાવે. હવે લિંક્ડઇને આ બાબત સુધારી લીધી છે. એ પછી લિંક્ડઇન પર, માત્ર પોપ્યુલર થઈ રહેલી પોસ્ટને આગળ કરવામાં આવે એવું રહ્યું નથી. હવે આપણા પર્સનલ કનેક્શન્સ, પર્સનલ ઇન્ટરેસ્ટને પણ વધુ ધ્યાનમાં લેવામાં આવે છે.

આપણો કંટ્રોલ :

આગળ કહ્યું તેમ બાય ડિફોલ્ટ લિંક્ડઇન તેને જે યોગ્ય લાગે તે ‘ટોપ’ પોસ્ટ આગળ કરીને આપણને બતાવે છે. પરંતુ તે બદલીને જો આપણે ‘રિસન્ટ’ મોડ પસંદ કરીએ તો આપણે જે જે લોકો સાથે કનેક્ટ હોઇએ અને જેમને ફોલો કરી રહ્યા હોઇએ એ  દરેક વ્યક્તિની પોસ્ટ વહેલા તે પહેલાના ધોરણે આપણને બતાવવામાં આવે છે (આ સગવડ મોબાઇલ એપમાં નથી).

બધી સોશિયલ સાઇટ્સમાં પિન્ટરેસ્ટ ઘણી બધી રીતે અલગ પડતી સર્વિસ છે. અન્ય સાઇટ્સ પર યૂઝર પર ફોકસ છે જ્યારે પિન્ટરેસ્ટમાં ટોપિક્સ વધુ મહત્ત્વના છે.

પિન્ટરેસ્ટને ઇન્ટરનેટનું વિઝ્યુઅલ સર્ચ એન્જિન પણ કહી શકીએ. કારણ કે લોકો આખા ઇન્ટરનેટ પર તેમને જે પોસ્ટ ગમે તેની ઇમેજ પિન સ્વરૂપે પિન્ટરેસ્ટ પર શેર કરે છે. અન્ય સાઇટ્સ પર કઈ બાબત ક્યા સમયે પોસ્ટ થઈ, એ એક મહત્ત્વનું પાસું હોય છે. જ્યારે પિન્ટરેસ્ટ પર લગભગ બધી જ બાબત ટાઇમલેસ હોય છે. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર આપણને કોઈ ચોક્કસ યૂઝરની પોસ્ટમાં વધુ રસ હોય એવું બની શકે, પરંતુ પિન્ટરેસ્ટ પર આપણે ટોપિક મુજબ જ વિવિધ પિન જોતા હોઇએ કે સર્ચ કરતા હોઇએ. તેમાં કઈ પિન ક્યા યૂઝરે પોસ્ટ કરી છે એ તરફ આપણું ભાગ્યે જ ધ્યાન જતું હોય.

જોકે પિન્ટરેસ્ટ પણ આપણી ફીડમાં કઈ પિન આગળ કરવી તે નક્કી કરવા માટે એ પિન ક્યા ડોમેઇનમાંથી આવી છે, તેને પોસ્ટ કરનાર કોણ છે, જે તે ટોપિક માટે એ પિન કેટલી રિલેવન્ટ છે એ બધું તપાસે છે. એ પછી પિન્ટરેસ્ટ વિવિધ પિનને આગળ કે પાછળ કરે છે.

આપણો કંટ્રોલ :

આપણે પિન્ટરેસ્ટ ઓપન કરીએ એ પછી આપણને જે પ્રકારની પિન્સમાં રસ પડે તે પોસ્ટ કરનાર યૂઝર્સને ફોલો કરી શકીએ છીએ. જેથી એમની પિન આપણને વધુ પ્રમાણમાં જોવા મળે. પરંતુ પિન્ટરેસ્ટ સોશિયલ મીડિયા કરતાં સર્ચ એન્જિન તરીકે વધુ પાવરફુલ છે. એટલે પિન્ટરેસ્ટની હોમ ફીડ પર નજર ફેરવવાની સાથોસાથ સર્ચ બટન પર ક્લિક કરી, મનમાં જે આઇડિયા રમતો હોય તે પિન્ટરેસ્ટમાં સર્ચ કરી લઇએ તો પાર વગરનાં મનગમતાં પરિણામ ફટાફટ જોવા મળે છે.

અન્ય બધી સોશિયલ સાઇટ્સ કરતાં વોટ્સએપ કે ટેલિગ્રામ બિલકુલ અલગ છે. તે વાસ્તવમાં નેટવર્કિંગ સાઇટ છે જ નહીં, માત્ર ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ છે.

ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જ્યારે કોઈ વ્યક્તિ પોસ્ટ મૂકે ત્યારે તે એવું ઇચ્છે કે તેના તમામ ફ્રેન્ડ એ પોસ્ટ જુએ. જ્યારે વોટ્સએપ કે ટેલિગ્રામમાં કોઈ ચોક્કસ વ્યક્તિ કે ગ્રૂપને ધ્યાનમાં રાખીને મેસેજ મોકલવામાં આવે છે. આથી વોટ્સએપ અને ટેલિગ્રામમાં જુદા જુદા મેસેજ વચ્ચે હરીફાઈ જેવું કંઈ હોતું નથી. તેમાં તો એક વ્યક્તિ બીજી વ્યક્તિને મેસેજ મોકલે ત્યારે જો એ બીજી વ્યક્તિ વોટ્સએપ કે ટેલિગ્રામ પર લાઇવ હોય તો તરત ને તરત તેમની હોમ ફીડ પર એ મેસેજ ઉમેરાઈ જાય છે.

એટલે જ તો, આપણો વોટ્સએપ નંબર અનેક લોકોના સ્માર્ટફોનમાં સેવ્ડ હોય તો દિવાળી કે અન્ય કોઈ તહેવારના સમયે આપણા વોટ્સએપમાં એક સાથે અનેક લોકોના મેસેજનો મારો થાય અને જો આપણે  દરેક મેસેજ પર નજર ન ફેરવીએ તો આપણે માટે મહત્ત્વની વ્યક્તિનો મેસેજ મેસેજના પૂરમાં નીચે દટાઈ જાય એવું પણ બને! મેસેજ જોવામાં મોડા પડીએ તો મેસેજ ગયો સમજો.

આપણો કંટ્રોલ :

વોટ્સએપ કે ટેલિગ્રામમાં મેસેજ બતાવવાનો અગ્રતાક્રમ નક્કી કરવા માટે અલ્ગોરિધમ જેવું કંઈ છે જ નહીં એટલે એના પર આપણા કંટ્રોલનો સવાલ રહેતો નથી. હા, બંને એપમાં આપણે કોઈ વ્યક્તિ કે ગ્રૂપના મેસેજ હંમેશા ટોપ પર રહે એવું ઇચ્છતા હોઇએ તો તેમને જરા લાંબો સમય પ્રેસ કરી મથાળે મળતા વિકલ્પોમાં જઈ ‘પિન’ કરી શકીએ છીએ. અલબત્ત વોટ્સએપમાં વધુમાં વધુ ત્રણ અને ટેલિગ્રામમાં પાંચ વ્યક્તિ કે ગ્રૂપને આ રીતે પિન કરી શકાય છે.

આ જરા જુદા પ્રકારની વાત છે,પણ આ લેખના સંદર્ભમાં કામની છે. દુનિયા આખીના સમાચારો પર નજર રાખવા માટે તમે ગૂગલની ન્યૂઝ સર્વિસનો ઉપયોગ કરતા હો કે સર્ચ એપમાંની સર્ચ ફીડ પર વારંવાર નજર ફેરવતા હો તો એમાં પણ અલ્ગોરિધમને આધારે નક્કી થાય છે કે આપણને ક્યા સમાચાર બતાવવા!

ગૂગલ ન્યૂઝની વાત કરીએ તો તેની એપમાં સમાચારો મુખ્ય બે ભાગમાં વહેંચી નાખવામાં આવે છે. પહેલો ભાગ ‘ફોર યુ’ તરીકે ઓળખાય છે. તેમાં વિવિધ ગણતરીઓને આધારે ગૂગલ નક્કી કરે છે કે આપણને ક્યા ન્યૂઝ જાણવામાં સૌથી વધુ રસ પડશે. આ કારણે બે વ્યક્તિ એક જ સ્થળ પર એક સાથે પોતપોતાના ફોનમાં ન્યૂઝ એપ ઓપન કરે તો બંનેને ‘ફોર યુ’ સેકશનમાં બિલકુલ જુદા જુદા ન્યૂઝ જોવા મળે. બાકીના ભાગમાં, વિવિધ સેકશન હેઠળ જે હેડલાઇન્સ જોવા મળે છે તે બધા માટે સરખી હોય છે.

આપણો કંટ્રોલ :

ન્યૂઝ એપમાં આપણે કોઈ પણ ન્યૂઝ સોર્સ તરફથી અપલોડ થયેલા ન્યૂઝ જોઈ રહ્યા હોઇએ ત્યારે સાથેના ત્રણ ડોટ પર ક્લિક કરીને એ અખબાર કે વેબસાઇટને હાઇડ કરવાનો વિકલ્પ મળે છે. ન્યૂઝ એપમાં ‘ફોર યુ’ સેક્શનમાં હવે ‘ન્યૂઝ સોર્સિસ’ નામે એક નવો વિભાગ ઉમેરાયો છે. તેમાં આપણે આપણી પસંદના વિવિધ સોર્સમાંથી સમાચારો જોવાનું સેટિંગ કરી શકીએ છીએ. ‘ફોલોઇંગ’ સેકશનમાં નિશ્ચિત ટોપિક, લોકેશન વગેરેના સમાચાર આપણને બતાવવામાં આવે એવું સેટિંગ કરી શકાય છે. ગૂગલ સર્ચ એપમાં જે ફીડ બતાવવામાં આવે છે, તેમાં જે તે ન્યૂઝ આઇટમના ઓપ્શન્સ  પર ક્લિક કરીને તે પ્રકારના ન્યૂઝ કે સોર્સમાં આપણને રસ છે કે નહીં તે કહી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!