સાહેબ, તમારું લોકેશન વધુ સમજાવશો? હું તમારી નજીક છું, પણ સિસ્ટમમાં તમારું એડ્રેસ પૂરું હોય તેવું લાગતું નથી…’’ આપણે ફૂડ ડિલિવરી એપમાં કોઈ ફેવરિટ રેસ્ટોરાંમાંથી ફેવરિટ ડિશ ઓર્ડર કરી હોય, એપમાં આપણે જોઈ પણ શકીએ કે ડિલિવરી પર્સન રેસ્ટોરાંથી આપણો ઓર્ડર પીકઅપ કરીને નીકળી ગયો છે, પછી ખબર પડે કે આપણા ઘર નજીક પહોંચીને તે આમતેમ અટવાઈ રહ્યો છે. આપણે ફોન પર તેને એડ્રેસ સમજાવવાની કોશિશ કરીએ અને છેવટે પેલી ડિશ આપણા ડાઇનિંગ ટેબલ સુધી પહોંચે ત્યાં સુધી આપણો મૂડ પણ ઠંડો થઈ ગયો હોય!

હવે વિચારો કે આપણો ફ્લેટ નંબર, બિલ્ડિંગનું નામ, રસ્તાનું નામ વગેરે સરનામાની રીતે પૂરતી વિગતો હોવા છતાં આવી તકલીફ થતી હોય તો જે જગ્યાનું સ્પષ્ટ સરનામુંં જ ન હોય તેની ઓળખ કેવી રીતે થાય કે ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય? જેમ કે આપણે અમદાવાદના કાંકરિયા પર કે મુંબઈની ચોપાટીએ કોઈ ચોક્કસ જગ્યાએ મિત્રને મળવા માગતા હોઈએ તો તેનું એક્ઝેટ સરનામું કેવી રીતે કહેવું?
વર્લ્ડ બેન્કના આંકડા અનુસાર દુનિયાથી અડધાથી વધુ વસતી સ્પષ્ટ સરનામું ધરાવતી નથી. આપણે માટે આ વાત માનવી મુશ્કેલ છે. પરંતુ આવા લોકોને સાદી ટપાલથી માંડીને ચૂંટણીમાં મત આપવામાં કે આફતના સંજોગમાં મદદ મેળવવામાં પણ મુશ્કેલી પડતી હોય છે.
દુનિયાનાં અનેક સ્થળો એવાં છે જેનું કોઈ સ્પષ્ટ કે સહેલું સરનામું નથી. આફતમાં અહીં રાહત પહોંચાડવી પણ મુશ્કેલ બને છે.
આ તકલીફમાં ટેકનોલોજીની મદદથી નવા ઉપાય શોધાઈ રહ્યા છે. ગૂગલે ૨૦૧૮થી ભારતમાં ‘પ્લસ કોડ્સ’ નામની એક વ્યવસ્થા લોન્ચ કરી હતી. આ વર્ષની શરૂઆતમાં ભારતના તમામ ઘર માટે આવું સરનામું મેળવવાની વ્યવસ્થા લોન્ચ થઈ. આ નવા પ્રકારનાં ડિજિટલ સરનામાં કેવી રીતે કામ કરે છે અને આપણે તેનો કઈરીતે લાભ લઈ શકીએ તેની વિગતવાર વાત કરીએ.

પેલી મોબાઇલ કંપનીની ટીવી જાહેરાત યાદ છે? દરેક માણસનો મોબાઇલ નંબર એ જ તેનું નામ, જાત-પાતનો કોઈ ભેદભાવ જ નહીં, ‘‘વોટ એન આઇડિયા, સરજી!’’
એની જેમ દુનિયાના દરેક સ્થળને ભાષાથી નહીં, એક ચોક્કસ કોડથી એડ્રેસ આપવાની પદ્ધતિ એટલે ‘પ્લસ કો઼ડ્સ’. પૃથ્વીના કોઈ પણ ખૂણાના સ્થળનું કોઈ પણ સરકારી નક્શાઓ પર ભલે કોઈ નામ ન હોય, તેનું ડિજિટલ ચોક્કસ એડ્રેસ હોય!

‘ઓપન લોકેશન કોડ્સ’ કે ‘જિઓકોડિંગ સિસ્ટમ’ પર આધારિત આ પદ્ધતિ ગૂગલે ૨૦૧૪માં વિક્સાવી હતી. માર્ચ ૨૦૧૮માં ગૂગલે આ પદ્ધતિ ભારતમાં લોન્ચ કરી. ત્યારે એનો ઉપયોગ સરકારી સંસ્થાઓ અને એનજીઓ પૂરતો સીમિત હતો. હવે ગૂગલે, લોકો પોતાના કરન્ટ લોકેશન પરથી પોતાના ઘર કે અન્ય સ્થળનો પ્લસ કોડ જાણી શકે એવી સર્વિસ લોન્ચ કરી છે.
આ સુવિધા પહેલી વાર ભારતમાં લોન્ચ થઈ છે.
આ પ્રકારે, જ્યોગ્રાફિક કોઓર્ડિનેટ્સને ડિક્શનરી વર્ડ્સમાં ફેરવી, દુનિયાના દરેક સ્થળ માટે, સહેલાઈથી યાદ રહે તેવા ફક્ત ૩ શબ્દનું સરનામું બનાવી આપતી એક સર્વિસ ‘વ્હોટ૩વર્ડ્સ’ (https://what3words.com/) વિશે આપણે સાયબરસફરમાં જુલાઈ ૨૦૨૦માં વાત કરી ગયા છીએ, ત્યારે આપણે પ્લસ કોડ વિશે પણ પ્રારંભિક વાત કરી હતી. ભારતની ટાટા મોટર્સ જેવી કંપની પણ હવે પોતાનાં વાહનોમાં એ સર્વિસનો ઉપયોગ કરવા માટે આગળ વધી રહી છે.
ડ્રોનથી ચીજવસ્તુની ડિલિવરી થવા લાગી છે ત્યારે દુનિયાના દરેક ખૂણા માટે ડિજિટલ એડ્રેસ જરૂરી બન્યાં છે.
અલબત્ત, એ સર્વિસ ખાનગી અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે અને વિશ્વવ્યાપી બની શકી નથી.
બીજી તરફ, ગૂગલે એન્ડ્રોઇડની જેમ પ્લસ કોડ ઓપન સોર્સ રાખેલ હોવાથી, કોઈ પણ કંપની તેની મદદથી, સરનામું કામ લાગી શકે એવી ડિજિટલ સર્વિસ લોન્ચ કરી શકે છે. આફત સમયે રાહત પ્રયાસો કે સરકારી યોજનાઓમાં આ પ્રકારનાં એડ્રેસ મદદરૂપ થશે જ પણ શહેરોમાં ટૂંક સમયમાં ફૂડ અને ગ્રોસરી એપ્સ પણ આપણી પાસે એડ્રેસ તરીકે પ્લસ કોડ્સ માગતી થઈ જાય તો નવાઈ નહીં!
દુનિયાના દરેક સ્થળેને ચોક્કસ ડિજિટલ સરનામું આપવાની કવાયત અન્ય કંપનીઓએ પણ કરી છે, પરંતુ ગૂગલની દુનિયા પર પકડ જોતાં, પ્લસ કોડ વધુ ઝડપથી ફેલાશે.
જેમ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને મફત રાખીને તેની ફરતે જબરો બિઝનેસ ઊભો કર્યો, તેમ પ્લસ કોડને પણ બિલકુલ મફત રાખ્યા છે, આપણે માટે તો ખરો જ, અન્ય કંપનીઓ પણ તેનો મફત ઉપયોગ કરી શકશે.
આ ઉપરાંત ગૂગલ તેના પ્લસ કોડના કેટલાક દેખીતા ફાયદા ગણાવે છે, જે આ મુજબ છે…

ઇ-કોમર્સ, ડિલિવરી, કેબ સર્વિસ વગેરે કોઈ પણ સર્વિસ પ્લસ કોડને પોતાની સિસ્ટમમાં સામેલ કરી શકે છે અને તેના આધારે નવી સિસ્ટમ્સ વિક્સાવી શકે છે.

પ્લસ કોડ ઓફલાઇન પણ કામ કરે છે તેનો લાભ લેવા માટે આપણા ડિવાઇસમાં ઇન્ટરનેટ કનેકશન સતત ઓન હોવું જરૂરી નથી.

આખી દુનિયામાં લગભગ ૬,૫૦૦ ભાષા બોલાય છે! પ્લસ કોડમાં ભાષાની કોઈ અડચણ નથી, તેમાં માત્ર ૨૦ આલ્ફાન્યૂમરિક કેરેકટરનો ઉપયોગ થાય છે. તે કેસ સેન્સિટિવ પણ નથી ને માત્ર કોપી પેસ્ટ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે. પ્લસ કોડ યાદ રાખવાની કોઈ જરૂર નથી.

એક પ્લસ કોડ કોઈ એક ચોક્કસ વિસ્તાર દર્શાવે છે. પ્લસ કોડમાં વચ્ચે પ્લસ સાઇન મૂકીને વધુ કેરેકટર ઉમેરીને જે તે વિસ્તારનું વધુ સચોટ એડ્રેસ તૈયાર કરી શકાય છે.


રણ જેવા દુર્ગમ વિસ્તારો હોય કે મહાનગરોની ગીચ ઝૂંપડપટ્ટીઓ, તેમાંની દરેક જગ્યાને હવે એક ચોક્કસ સરનામું મળે છે. આ કારણે આવાં સ્થળોને સામાન્ય સંજોગોમાં વિવિધ સેવાઓ આપવાનું કામ કે આફતના સમયે રાહત પહોંચાડવાનું કામ એકદમ સરળ બની શકે છે.

આપણી આ આખી પૃથ્વીને અક્ષાંશ-રેખાંશમાં વહેંચી નાખવાનો વિચાર તો સદીઓ જૂનો છે, ગૂગલે તેનો ડિજિટલ ઉપયોગ ૨૦૧૪માં શરૂ કર્યો, પણ ગુજરાતમાં પૂરાં ૫૭ વર્ષ પહેલાં આ જ વિચાર અમલમાં મૂકાયો હતો!
૧૯૬૫માં ગુજરાતના પાટનગર તરીકે ગાંધીનગર શહેરની સ્થાપના થઈ ત્યારે દરેક રસ્તાને મૂળાક્ષર અને આંકડાનાં નામ અપાયાં. આવા ચાર રસ્તા વચ્ચે બનતાં ચોકઠાં ‘સેક્ટર’ તરીકે ઓળખાય. ગાંધીનગરમાંના ચાર રસ્તાઓ માટે ‘ઘ-૫’, ‘ચ-૬’ કે વિસ્તાર માટે ‘સેક્ટર-૨૧’ જેવાં નામ અજાણ્યા લોકોને હજી પણ ગૂંચવે છે, પણ એ જ પદ્ધતિ હવે નવી ટેક્નોલોજી તરીકે આખી દુનિયામાં અપનાવવામાં આવી રહી છે!

(૧) દુનિયાભરના કોઈ પણ સ્થળને નકશા પર અક્ષાંસ-રેખાંશથી પીન પોઇન્ટ કરી શકાય છે. અક્ષાંશ-રેખાંશના આંકડા લાંબા હોય છે. પ્લસ કોડનું અલ્ગોરિધમ આ આંકડાને એક જ, ટૂંકા કોડમાં ફેરવી નાખે છે.

(૨) શરૂઆતમાં અક્ષાંશ અને રેખાંશમાં ૨૦ ડિગ્રીના અંતરે ચોકઠાં બનાવવામાં આવે છે. પછી દરેક રો અને કોલમને નિશ્ચિત આલ્ફાન્યૂમરિક કોડનું લેબલ આપવામાં આવે છે. આથી એક્સેલ શીટની જેમ દરેક સેલનું ચોક્કસ એડ્રેસ મળે છે.

(૩) આ રીતે, ગ્રીડના દરેક મોટા ચોકઠાને ચોક્કસ કેરેકટર્સની મદદથી પ્લસ કોડ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. એ મોટા ચોકઠામાંના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવવા માટે, આ પદ્ધતિનું પુનરાવર્તન કરવામાં આવે છે – ફક્ત કોડમાં વધુ કેરેકટર ઉમેરાય છે!

(૪) જેમ ભારતમાં ગુજરાત, તેમાં અમદાવાદ, તેમાં નવરંગપુરા વિસ્તાર… એ જ રીતે મોટી ગ્રીડના દરેક ચોકઠાને વધુ નાનાં ચોકઠાંઓમાં ફેરવી નાખવામાં આવે છે અને ફરીથી દરેક ચોકઠાંને એક ચોક્કસ સેલ રેફરન્સથી ઓળખવામાં આવે છે.

(૧) ગૂગલ મેપ એપ ઓપન કરો. ઉપરના સર્ચ બોક્સમાં ડાબી તરફ પ્લેસમાર્ક પર ક્લિક કરો. આથી હોમ, વર્ક વગેરે લેબલ જોવા મળશે. તમે અહીં પહેલેથી સાદું હોમ એડ્રેસ એડ કર્યું હોય તો તેને ડિલીટ કરી, પ્લસ કોડ ઉમેરી શકાશે. હોમ લેબલ માટે, સેટ લોકેશન પર ક્લિક કરો.

(૨) ‘સેટ હોમ એડ્રેસ’ પેજ પર પહોંચ્યા પછી, તેમાં ‘યૂઝ યોર કરન્ટ લોકેશન’નો વિકલ્પ જોવા મળશે. તેને ક્લિક કરતાં, લોકેશન સેટિંગ બંધ હશે તો ઓન કરવા કહેવામાં આવશે.
ફોનની સિસ્ટમ નક્શા પર તમારું ચોક્કસ સ્થાન નક્કી કરશે અને તેને આધારે ઘરનો પ્લસ કોડ તૈયાર કરશે.

(૩) એકાદ મિનિટમાં આ વિધિ પૂરી થતાં, આપણને આપણા ઘરનો પ્લસ કોડ મળે છે, જે આપણે કોઈ પણ રીતે, ગમે તેને શેર કરી શકીએ છીએ – ગરમાગરમ વડા પાઉં લાવતા ડિલિવરી પર્સનને પણ! ગૂગલ કહે છે કે આપણા એડ્રેસનો રેકમન્ડેશન, એડ્સ વગેરે માટે ઉપયોગ થશે, જે તે આમ પણ કરે છે!
ગૂગલ મેપ એપ ઓપન કરો.
તેમાં જે સ્થળનો પ્લસ કોડ મેળવવો હોય ત્યાં સ્ક્રીન પર ટચ કરી રાખતાં એ સ્થળે એક પિનનો પ્લેસમાર્ક મૂકાશે અને નીચે ‘ડ્રોપ્ડ પિન’નું કાર્ડ ઉમેરાશે, જેમાં પ્લસ કોડ જોવા મળશે.

કરન્ટ લોકેશનનો કોડ જાણવા માટે, મેપ પર તમારું લોકેશન દર્શાવતા બ્લુ સર્કલ પર ટેપ કરતાં તેનો પ્લસ કોડ મળશે.
કાંકરિયા લેકની કોઈ ચોક્કસ જગ્યાનું પણ સરનામું મેળવી શકાય!
નીચેની તરફ ‘ડ્રોપ્ડ પિન’ શીર્ષકવાળું કાર્ડ ઉપરની તરફ સ્વાઇપ કરી ઓપન કરો.

તેમાં પ્લસ કોડના લોગો સાથે,એ સ્થળનો પ્લસ કોડ લખેલો જોવા મળશે.
તેને જરા લાંબો સમય પ્રેસ કરી રાખતાં તે કોપી થશે, તેને વોટ્સએપમાં, ઈ-મેઇલમાં કે બીજે ગમે ત્યાં પેસ્ટ કરી, જેને મોકલવો હોય તેને મોકલો.
એ વ્યક્તિ મેપ એપમાં પ્લસ કોડ પેસ્ટ કરી, તેના એક્ઝેક્ટ લોકેશન જાણી શકશે.

ઉપરના સ્ક્રીનશોટ મુજબ, પ્લસ કોડની બાજુના ક્વેશ્ચન માર્ક પર ક્લિક કરતાં એ પ્લસ કોડ કેવી રીતે બન્યો છે તે જાણવા મળશે.
જો તમે ઓફલાઇન હો ત્યારે પ્લસ કોડ શોધવા જાઓ તો કદાચ તેમાં લોકલ શહેરનું નામ વાંચવા નહીં મળે, પણ ગ્લોબલ કોડ જોવા મળશે, જેમાં કોડની શરૂઆતમાં એરિયા કોડ ઉમેરાયો હશે.
ફોનમાં ગૂગલ મેપ્સ એપ ઓપન કરી, તેમાં પ્લસ કોડ્સનું ફીચર તપાસી જુઓ!

