ફોન હોય કે આખેઆખી જિંદગી – બધું ભૂલીને નવેસરથી શરૂઆત કરવી, રિસ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરવો એ લગભગ બધી સમસ્યાનો રામબાણ ઇલાજ છે! પણ આપણે એ ભૂલી જઈએ છીએ. સ્માર્ટફોન અને કમ્પ્યૂટરને આ વાત પૂરેપૂરી લાગુ પડે છે. કોઈ પણ નાની મોટી સમસ્યા સર્જાય તો સાધનને પૂરેપૂરું રિસ્ટાર્ટ કરવાથી સામાન્ય તકલીફ હોય તો તેનો ઉકેલ મોટા ભાગે આવી જાય છે.
તમને એવું લાગતું હોય કે ફોનમાં પહેલાં જેવી ઝડપે એપ્સ કામ કરતી નથી કે ફટાફટ સર્ફિંગ થઈ શકતું નથી, તો મોબાઇલમાં ડેટાની પૂરતી સ્પીડ મળતી ન હોય એવું બની શકે છે. ઉપાય તરીકે ફોનને રિસ્ટાર્ટ કરી જુઓ. ફોનને આપણે લાંબા સમયથી રિસ્ટાર્ટ ન કર્યો હોય એવા સંજોગમાં આ ઉપાય ખરેખર કારગત નીવડી શકે છે.
ફોનમાં મોબાઇલ ડેટા સિગ્નલ મળવામાં કંઈક ખામી સર્જાઈ હોય અને આપણે ઉતાવળમાં હોઈએ તો પહેલાં ક્વિકસ્ટાર્ટ સેટિંગ્સમાં જઈને ફોનને એરપ્લેન મોડમાં મૂકી જુઓ. આ મોડમાં ફોનની બધી કનેક્ટિવિટી બંધ થાય છે. થોડી વાર રહીને એરપ્લેન મોડ બંધ કરવાથી બધી કનેક્ટિવિટી નવેસરથી ચાલુ થશે અને ફોન રિસ્ટાર્ટ કર્યા જેવી જ સ્થિતિ સર્જાશે.
એટલાથી કામ ન પતે તો ફોન પૂરેપુરો ઓફ કરીને ફરી ચાલુ કરી જુઓ.
તમારી પાસે એન્ડ્રોઇડ હોય કે આઇફોન તેને માટે રિસ્ટાર્ટ કરવાનો વિકલ્પ પસંદ કરવાને બદલે પાવર ઓફ કરો, થોડી મિનિટ રાહ જુઓ અને પછી ફરી ચાલુ કરો. ફોનમાં કંઈક સામાન્ય તકલીફ સર્જાઈ હશે તો આટલું કરવાથી મોબાઇલમાં ઇન્ટરનેટની ફરી સારી ઝડપ મળવા લાગશે.

