નામ જિઓએચિનો ગેમિનો. ઉંમર ૬૧ વર્ષ અને ઇટાલીના મોસ્ટ વોન્ટેડ માફિયાઓમાં એનું પણ નામ. એક ખૂન કેસમાં પકડાયા પછી એને જેલ થઈ, પણ વર્ષ ૨૦૦૨માં એ જેલમાંથી ફરાર થઈ ગયો.
ઇટાલીથી ભાગીને એ સ્પેનના મેડ્રીડ શહેરમાં પહોંચ્યો. ત્યાં નામ બદલીને એણે નવી જિંદગી શરૂ કરી. નવું નામ રાખ્યું મેન્યુઅલ મોર્નિમો. મેડ્રીડમાં તેણે પોતાના નવા નામે એક સ્ટોર શરૂ કર્યો – અએલ હ્યુએર્ટો ડી મેન્યુ (એટલે કે ‘ધ ગાર્ડન ઓફ મેન્યુ).
જેલ તોડીને ભાગેલા આ ક્રિમિનલે નવા નામે કરિયાણા, શાકભાજીના સ્ટોરની આડમાં નવી જિંદગી શરૂ કરી એ વાતને વીસેક વર્ષ થયા પછી એક દિવસ પોલીસ મેડ્રીડમાં તેના સ્ટોર સુધી પહોંચી ગઈ. માફિયાને પોતે પકડાયો એ કરતાંય, એ વાતનો વધુ આંચકો લાગ્યો કે પોલીસ તેના સુધી પહોંચી કઈ રીતે?
તેણે પોલીસને પૂછ્યું પણ ખરું, ‘‘તમે મને શોધી કેવી રીતે શક્યા? દસ વર્ષથી મેં મારા ફેમિલીને એક ફોન કોલ સુદ્ધાં કર્યો નથી! મને ટ્રેસ કેવી રીતે કર્યો?!’’
જવાબ મળ્યો, ગૂગલ મેપ્સની મદદથી.

બન્યું એવું હતું કે દુનિયાભરના નાના-મોટા અનેક બિઝનેસની જેમ આ માિફયાનો પ્રોવિઝન સ્ટોર પણ ગૂગલ મેપ્સ પર એક બિઝનેસ તરીકે નોંધાયો હતો. લોકોએ તેને ૪.૭ સ્ટારનું દમદાર રેટિંગ પણ આપ્યું હતું.
એક વાર સંજોગવશાત માફિયા પોતાના સ્ટોરની બહાર કોઈ કસ્ટમર સાથે વાત કરી રહ્યો હતો ત્યારે તેની ઇમેજિસ કેપ્ચર થઈ અને તે ગૂગલની સ્ટ્રીટ વ્યૂ સર્વિસમાં ચડી ગઈ!
તમે જાણો જ છો કે ગૂગલ મેપ્સમાં સ્ટ્રીટ વ્યૂ નામની એક સર્વિસ પણ છે, જેમાં વ્હીકલ્સ પર લગાવેલા ખાસ પ્રકારના કેમેરાથી રસ્તાઓના ૩૬૦ ડિગ્રી વ્યૂ કેપ્ચર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આ રીતે વિવિધ શહેરોના કુલ એક કરોડ માઇલ્સ જેટલી લંબાઇના રસ્તાઓના સ્ટ્રીટ વ્યૂ તૈયાર થયા છે.
વાસ્તવમાં, ઇટાલીના પેલા ફરાર માફિયાને શોધવા માટે પોલીસ ઘણી રીતે તપાસ ચલાવી રહી હતી અને એ સ્પેનમાં ભાગ્યો હોવાની લીડ પણ મળી હતી. ફેસબુક પર એક રેસ્ટોરાંના બિઝનેસ પેજમાં પણ એ માફિયાની નવી તસવીર મળી આવી. ચહેરા પરના એક ખાસ ઘાના નિશાનને કારણે તેની ઓળખ સહેલી હતી. એ રેસ્ટોરાં પણ એ માફિયાનું હતું અને ફેસબુકમાં તેના રીવ્યૂમાં એક યૂઝરે ફરિયાદ કરી હતી કે મેન્યુએ એક ગ્રાહક સાથે તકરાર કરીને તેને મારી નાખવાની ધમકી આપી હતી. એ બધું સીસીટીવીમાં કેપ્ચર થયું હતું.
ઇટાલીની પોલીસ કહે છે કે તેણે આ બધી વાતના તાળા મેળવ્યા અને છેવટે તે માફિયા સુધી પહોંચી!
જોકે આખી વાતમાં કેટલીક વાતની ગડ બેસતી નથી. સામાન્ય રીતે, લોકોની પ્રાઇવસી જાળવવા માટે સ્ટ્રીટ વ્યૂમાં દેખાતાં વાહનોની રજિસ્ટ્રેશન પ્લેટ્સ તથા લોકોના ચહેરા બ્લર કરી દેવામાં આવે છે. છતાં ઇટાલીની પોલીસ માફિયાને ઓળખીને તેના સ્ટોર સુધી કઈ રીતે પહોંચી? શું ગૂગલ પોલીસને બ્લર કર્યા વિનાનાં ઓરિજિનલ ફૂટેજ જોવા આપે છે? કે પછી પોલીસે પોતાના બાતમીદારની ઓળખ છતી ન કરવા ગૂગલ મેપ્સનું નાટક કર્યું?
સત્ય બહાર નહીં આવે, પણ ટેક્નોલોજી જુદી જુદી ઘણી રીતે કામ કરી રહી છે એ નક્કી!


