(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જૂના વિન્ડોઝ લેપટોપને ફેરવી શકાશે નવી ક્રોમબુકમાં!

વિચાર સરસ છે, પણ ઘણી શરતો લાગુ છે.

કોરોનાએ ઘણી બધી રીતે આખી દુનિયામાં ઉથલપાથલ કરી અને ટેક્નોલોજીની દુનિયા પણ એમાંથી બાકાત રહી નથી. કોરોના પહેલાં કમ્પ્યૂટર અને લેપટોપનું વેચાણ સતત ઘટી રહ્યું હતું, લોકો પૂરેપૂરા સ્માર્ટફોનને શરણે જવા લાગ્યા હતા, ત્યાં કોરોના આવ્યો. તેને પગલે વર્કિંગ ને લર્નિંગ ફ્રોમ હોમ આવ્યાં ને કમ્પ્યૂટર, ખાસ તો લેપટોપના ભાવ ઊંચકાયા! ખરેખરા અર્થમાં!

પાછલાં બે વર્ષમાં ના છૂટકે તમે લેપટોપ લેવા બજારમાં કે ઓનલાઇન શોપ્સમાં આંટા માર્યા હશે તો તમે અનુભવ્યું હશે કે લેપટોપના ભાવ પહેલાં કરતાં ખાસ્સા વધ્યા છે.

ટેક્નોલોજી કંપનીઓની નજરમાં પણ લેપટોપના ભાવ વધ્યા છે. ઓફિસ અને સ્કૂલ બંને હેતુ માટે લેપટોપનો ઉપયોગ વધતાં આ ક્ષેત્રની મહારથી કંપનીઓ નવા જોર સાથે મેદાને પડી છે.

અત્યાર સુધી આ બાબતે મુખ્યત્વે ત્રણ કંપનીઓએ પોતપોતાનાં રજવાડાં ઊભાં કર્યાં હતાં – માઇક્રોસોફ્ટે વર્ષોથી કમ્પ્યૂટર/લેપટોપનું બજાર સર કર્યું હતું, ગૂગલે એન્ડ્રોઇડથી સ્માર્ટફોનમાં પોતાની ધાક ઊભી કરી અને એપલે લેપટોપ/સ્માર્ટફોન બંને ક્ષેત્રે પોતાનો પ્રમાણમાં નાનો, પણ આગવો ચાહકવર્ગ ઊભો કર્યો.

ગૂગલે એપલથી જુદે ચીલે ચાલીને સ્માર્ટફોનમાં રાજ જમાવ્યું. શરૂઆતમાં તેણે પોતાના હેન્ડસેટ ન વિકસાવ્યા, માત્ર ઓપરેટિંગ સિસ્ટમ વિક્સાવી ને એ હેન્ડસેટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને મફત આપી. પરિણામે એન્ડ્રોઇડ સ્માર્ટફોનનું વેચાણ અબજોના આંકે પહોંચ્યું!

હવે એ જ માસ્ટરસ્ટ્રોક ગૂગલે લેપટોપ માટે ફટકાર્યો છે.

તેણે આપણા જૂના અને વિન્ડોઝ કે મેકની નવી ઓપરેટિંગ સિસ્ટમનો ભાર ન ખમી શકે તેવા પીસી/લેપટોપ માટે નવી ઓપરેટિંગ સિસ્ટમ આપી છે – મફત! હાલમાં મફત છે અને ભવિષ્યમાં પણ મફત જ રહે એવી પૂરી શક્યતા છે.  બીજી તરફ માઇક્રોસોફ્ટે વિન્ડોઝ ૧૧ વર્ઝનવાળા લેપટોપમાં એન્ડ્રાઇડ એપ્સનો લાભ આપવાનું શરૂ કર્યું છે!

આ આટાપાટામાં, આપણે કામની વાતો જરા વિગતવાર સમજીએ!

તમારી પાસે એવું કોઈ જૂનું પીસી કે લેપટોપ છે જે હવે તમને ખાસ કંઈ કામ લાગતું નથી, એને વેચી નાખવાનો પ્રયાસ કરો તો કોઈ લેવાલ નથી? અને સાવ નાખી દેતાં જીવ ચાલતો નથી

ખાસ કરીને તમારું લેપટોપ જો કોરોના સમયગાળા પહેલાં ખરીદ્યું હશે તો એ હવે ઘણું જૂનું લાગતું હશે. એનાં સ્પેશિફિકેશન કદાચ એવાં હશે કે આજના સમયની જરૂરિયાત મુજબ મલ્ટિટાસ્કિંગ તેમાં મુશ્કેલ બને. ઓફિસના કામકાજ મુજબ લેપટોપમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અને તેમાં ઇન્સ્ટોલ કરી શકાતા પ્રોગ્રામનો ઉપયોગ કરવો અનિવાર્ય હોય તો જુદી વાત છે, બાકી સંતાનોના ઓનલાઇન અભ્યાસ માટે કે મોટા ભાગે સર્ફિંગ માટે વધુ એક લેપટોપની જરૂરિયાત જણાતી હોય તો હવે તમે જૂના લેપટોપને નવજીવન આપી શકો છો.

અગાઉ ‘સાયબરસફર’માં આપણે ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતી ક્રોમબુક વિશે વિગતવાર વાત કરી ગયા છીએ. આ પ્રકારનાં લેપટોપ ગૂગલના ક્રોમ બ્રાઉઝરના નવા સ્વરૂપની જેમ કામ આપે છે. ક્રોમબુકને મોટા સ્ક્રીન અને મોટા કીપેડવાળા મોબાઇલ સાથે સરખાવી શકાય!

આ લેપટોપમાં, વિન્ડોઝ લેપટોપની સરખામણીમાં ઉતરતા સ્પેસિફિકેશનના હાર્ડવેરથી પણ સારું પર્ફોર્મન્સ મેળવી શકાય છે કેમ કે ક્રોમબુકની ઓપરેટિંગ સિસ્ટમ પોતે ખાસ્સી લાઇટ વેઇટ છે.

મફત ઓપરેટિંગ સિસ્ટમથી સ્માર્ટફોનમાં રાજ ઊભું કરનાર ગૂગલે હવે જૂના પીસી કે લેપટોપ માટે પણ મફત ઓએસ આપી છે.

જે લોકોનું કામકાજ મોટા ભાગે ક્લાઉડમાં જ થતું હોય અને જેમને વિન્ડોઝ સ્પેસિફિક પ્રોગ્રામ્સનો ઉપયોગ કરવાની જરૂર ન હોય તેવા લોકોમાં ક્રોમબુક ખાસ્સી લોકપ્રિય થવા લાગી છે. કોરોના સમયગાળામાં વર્ક ફ્રોમ હોમ અને લર્નિંગ ફ્રોમ હોમની જરૂરિયાતોને કારણે ક્રોમબુકનું વેચાણ ઘણું વધ્યું. ક્રોમબુકની કિંમત વિન્ડોઝ લેપટોપ કરતાં ઓછી હોય છે.

ગૂગલ અલગ અલગ લેપટોપ મેન્યુફેકચરિંગ કંપની સાથે જોડાણ કરીને તેમના લેપટોપમાં ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમ સાથે ક્રોમબુક ઓફર કરે છે. પરંતુ હવે ગૂગલે ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમનું એક નવું વર્ઝન તૈયાર કર્યું છે. ‘ક્રોમ ઓએસ ફ્લેક્સ’ નામની આ ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ પીસી અને મેક સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરી શકાશે અને એ રીતે આપણે જૂના પીસી કે લેપટોપને ગૂગલ પાવર્ડ ક્રોમબુકમાં ફેરવી શકીશું!

ગૂગલની આ નવી ઓપરેટિંગ સિસ્ટમને આપણે પોતાની યુએસબી ડ્રાઇવમાં ડાઉનલોડ કરી શકીએ, પછી તેની મદદથી જૂના પીસી/ લેપટોપમાં તેની ટ્રાયલ લઈ શકીએ અને યોગ્ય લાગે તો તેને જૂના પીસી/લેપટોપમાં કાયમ માટે ઇન્સ્ટોલ કરી શકીશું.

કોલેજના સ્ટુડન્ટ કે ઇન્ટરનેટમાં બધું કામકાજ ધરાવતી કંપની માટે આ ઓએસ ફાયદારૂપ છે – અલબત્ત, હાલ તરત નહીં.

આપણે માટે લાભની વાત એ છે કે હાલની ક્રોમબુકની જેમ આ નવી ઓપરેટિંગ સિસ્ટમ પણ ખાસ્સી લાઇટ વેઇટ છે અને તેથી જૂના પીસી/લેપટોપમાં પણ એ સારી રીતે ચાલી શકશે. ગૂગલના દાવા મુજબ ક્રોમ ઓએસ ફ્લેક્સને માત્ર ચાર જીબી રેમ અને ૧૬ જીબી સ્ટોરેજ સ્પેસ જોઇશે. જૂના કમ્પ્યૂટરમાં ઇન્ટેલ કે એએમડી ૬૪ બિટ પ્રોસેસર હશે તો તેમાં આ ઓપરેટિંગ સિસ્ટમ સારી રીતે ચાલી શકશે.

અત્યારે ગૂગલ વિવિધ પ્રકારના બિઝનેસ અને સ્કૂલ્સને ટાર્ગેટ કરીને સૌને માટે આ નવી ઓપરેટિંગ સિસ્ટમ ઓફર કરે છે.

જૂના પીસી કે લેપટોપમાં કોઈ કારણસર વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ ન કરી શકાતી હોય અને મશીન ધીમું કે અસલામત બન્યું હોય તો તેને માટે આ નવી ઓપરેટિંગ સિસ્ટમ વરદાનરૂપ સાબિત થશે. ક્રોમબુકની જેમ ક્રોમ ઓએસ ફ્લેક્સ ગણતરીની સેકન્ડમાં ચાલુ થઈ જાય છે અને સમય સાથે એ ધીમી પડતી નથી. આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ઇન્ટરનેટ કનેકશન મળતું હોય ત્યારે બેકગ્રાઉન્ડમાં જ અપડેટ થઈ જાય છે.

એ ખાસ યાદ રાખશો કે હાલની ક્રોમ ઓએસ ફ્લેક્સ હજી બિટા સ્વરૂપે ઉપલબ્ધ છે અને તેની અજમાયશ કરતી વખતે કેટલાક બગ્સનો સામનો કરવાની તૈયારી રાખવી પડે છે. પરંતુ થોડા સમયમાં આ ઓપરેટિંગ સિસ્ટમનું સ્ટેબલ વર્ઝન રીલિઝ થાય તેવી શક્યતા છે.

નવી ઓએસની ટ્રાય કેવી રીતે કરી શકાય?

આ નવી ઓપરેટિંગ સિસ્ટમનું હજી સાવ સ્ટેબલ વર્ઝન ઉપલબ્ધ નથી, એટલે અત્યારે મોટી આશા રાખ્યા વિના માત્ર તેની ટ્રાય કરવા પર ફોકસ કરી શકાય.

બરાબર યાદ રાખશો કે હાલનું વર્ઝન સ્ટેબલ વર્ઝન નથી. તેના ઉપયોગમાં તકલીફો આવી શકે છે. નવી ઓપરેટિંગ સિસ્ટમ પેનડ્રાઇવ પર મેળવો ત્યારે તેમાંનો બધો ડેટા ભૂંસાઈ જશે એ પણ ધ્યાનમાં રાખશો. હાલમાં માત્ર પેનડ્રાઇવથી નવી ઓએસ ટ્રાય કરી જુઓ. તેને પૂરેપૂરી ઇન્સ્ટોલ કરવા જતાં, જૂની ઓએસ ભૂંસાઈ જશે.

ગૂગલ સ્પષ્ટતા કરે છે કે આ હજી શરૂઆતનો તબક્કો છે એટલે તમારા બધા કામકાજ માટે આ નવી ઓએસ પર ભરોસો રાખશો નહીં. ઉપરાંત, શરૂઆતમાં આપણે માત્ર પેનડ્રાઇવની મદદથી આ ઓએસની અજમાયશ કરી શકીએ એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેબલ રીલિઝ મળ્યા પછી કંપની કે સ્કૂલનાં તમામ પીસીમાં આ નવી ઓપરેટિંગ સિસ્ટમ નાખી શકાય, જો એ તમારે માટે યોગ્ય હોય તો!

સૌથી પહેલાં પેનટ્રાઇવમાં ઓએસ મેળવો

એ માટે તમે https://chromeenterprise.google/os/chromeosflex/ પેજ પર જાઓ. અહીં તમારા વિશે થોડી વિગતો આપી, નવી ઓએસ ટ્રાય કરવાના મેન્યુઅલ તરફ આગળ વધી શકાશે. અહીં આપેલી વિગતો અનુસાર તમારી ૧૬ જીબી પેનડ્રાઇવમાં આ નવી ઓએસ મેળવો.

જૂના મશીનમાં પેનડ્રાઇવથી ઓએસ ચલાવી જુઓ

આ પેનડ્રાઇવને, તમારા જૂના પીસી કે લેપટોપમાં કનેક્ટ કરો. પહેલાં, એ ડિવાઇસની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ યથાવત રાખીને નવી ઓએસની માત્ર અજમાયશ કરવાનું યાદ રાખશો.

જો જૂનીને સ્થાને નવી ઓએસ ઇન્સ્ટોલ કરી લેશો તો નવી હજી સ્ટેબલ નથી અને જૂની સાવ ભૂંસાઈ જશે!

બધું બરાબર લાગે, તો જ ઓએસ ઇન્સ્ટોલ કરો

ગૂગલે કયા ડિવાઇસમાં નવી ઓએસ ‘લગભગ કોઈ પ્રોબ્લેમ વિના’ ચાલશે તેની યાદી આપી છે. એ જોઈ જુઓ, તેના સિવાયના પીસી/લેપટોપમાં પણ તે ચાલી શકે છે – પણ કોઈ ડિવાઇસમાં આ ઓએસ પર પૂરેપૂરો ભરોસો મૂકશો નહીં. સ્ટેબલ રીલિઝ મળ્યા પછી તમે ચાહો તેટલાં પીસી/લેપટોપમાં આ ઓએસ ઇન્સ્ટોલ કરી શકશો.

તમારી કંપની કે સ્કૂલનાં બધાં પીસી-લેપટોપમાં ‘ઓફિશિયલ’ ઓપરેટિંગ સિસ્ટમનો વિચાર સારો છે, પણ તમારું કામ ઇન્ટરનેટ આધારિત હોય તો જ આ નવા પ્રકારની ઓએસ તમને ઉપયોગી થશે.

સારું પર્ફોર્મન્સ

જૂના ડિવાઇસમાં નવા સમય મુજબનું પર્ફોર્મન્સ એ આ ઓએસનો સૌથી મોટો ફાયદો છે. તે વિન્ડોઝ કરતાં લાઇટ વેઇટ છે, પણ તે મુખ્યત્વે વેબ આધારિત કામ કરવા માટે છે.

આપણા જૂના લેપટોપમાં ક્રોમ ઓએસ ફ્લેક્સ ઇન્સ્ટોલ કર્યા પછી ઝડપથી વિવિધ વેબ એપ્સ એક્સેસ કરી શકાશે. ક્રોમ ઓએસ ફ્લેક્સ ગણતરીની સેકન્ડમાં ચાલુ થાય છે અને સમય સાથે ધીમી પડતી નથી. તેમાં સિસ્ટમ બેકગ્રાઉન્ડમાં જ અપડેટ થાય છે. આથી સિસ્ટમ અપડેટ થાય ત્યાં સુધી યૂઝરે પોતાનું કામ અટકાવવું પડતું નથી.

સારી સલામતી

ગૂગલનો દાવો છે કે નવી ક્રોમ ઓએસ ફ્લેક્સવાળા લેપટોપમાં એન્ટિવાયરસ પ્રોગ્રામની પણ જરૂર નથી. કારણ એ છે કે આ ઓપરેટિંગ સિસ્ટમમાં કોઈ એક્ઝિક્યુટેબલ પ્રોગ્રામ રન થઈ શકતા જ નથી.

આથી તેમાં વિવિધ પ્રકારના વાયરસ, રેન્સમવેર તથા ફિશિંગ સામે ઇનબિલ્ટ પ્રોટેકશન છે એમ કહી શકાય.  જોખમી સાઇટમાં જવા માટે ક્લિક કરવામાં આવે તો સિસ્ટમ આપણને ચેતવશે તથા લેપટોપ ખોવાઈ કે ચોરાઈ જાય તો તેમાંનો ડેટા, મોબાઇલની જેમ દૂર બેઠાં ભૂંસી શકાશે.

સરળ ઉપયોગ

તમે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સાથેનું નવું લેપટોપ ખરીદ્યું હોય તો તમારો અનુભવ હશે કે તેમાં આપણે લગભગ કોઈ પ્રકારનં સેટઅપ કરવું પડતું નથી.

એ રીતે, આ ઓએસ પણ યુએસબી કે નેટવર્કની મદદથી જૂના પીસી કે લેપટોપમાં ગણતરીની મિનિટમાં ઇન્સ્ટોલ કરી શકાય છે.

કોઈ પણ ગૂગલ એકાઉન્ટથી લોગઇન થયા પછી યૂઝરના પ્રોફાઇલ મુજબ જરૂરી ડેટા લેપટોપમાં ઇન્સ્ટોલ થાય છે અને તેમનાં સેટિંગ્સ, બુકમાર્કસ વગેરે ક્લાઉડ સાથે સિંક્ડ રહે છે.

ઘણા પ્રોગ્રામ નહીં ચાલે

બરાબર યાદ રાખશો કે આ ઓએસ વિન્ડોઝ ઓએસનો વિકલ્પ નથી. માત્ર વિન્ડોઝમાં ચાલી શકે તેવા કોઈ પ્રોગ્રામ આ ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલશે નહીં.

ઉપરાંત, ક્રોમબુકમાં એન્ડ્રોઇડ એપ્સ કે ગૂગલ પ્લે સ્ટોર ચાલે છે, આ ઓએસવાળા ડિવાઇસમાં એવું થશે નહીં.

જો તમારા કામની બધી ફાઇલ્સ ક્લાઉડમાં જ સેવ થતી હોય અને તમારું બધું કામકાજ પણ તમે ગૂગલ ડ્રાઇવ કે માઇક્રોસોફ્ટ ઓફિસના ઓનલાઇન પ્રોગ્રામથી ચલાવી શકતા હો, તો જ આ ઓએસ તમને કામ લાગી શકે છે.

જો તમે વિન્ડોઝ ૧૦ સાથેનું લેપટોપ ખરીદ્યું હોય અને તેમાં વિન્ડોઝ ૧૧ અપડેટ ઉપલબ્ધ થતાંવેંત તમે લેપટોપની ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરી હોય તો તમારે માટે વધુ એક ખુશખબર છે. ગયા વર્ષે માઇક્રોસોફ્ટ કંપનીએ વિન્ડોઝનું ૧૧મું વર્ઝન લોન્ચ કર્યું ત્યારે જ કહ્યું હતું કે હવે લેપટોપમાં પણ એન્ડ્રોઇડ એપ્સ આવી રહી છે. તાજેતરનાં વિન્ડોઝ ૧૧માં આવેલા લેટેસ્ટ અપડેટ સાથે આ શક્ય બની ગયું છે.

આ માટે માઇક્રોસોફ્ટ કંપનીએ એમેઝોન એપ સ્ટોર સાથે જોડાણ કર્યું છે. મતલબ કે આપણે ગૂગલના પ્લે સ્ટોરમાં જઇને લેપટોપમાં એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ નહીં કરી શકીએ પરંતુ એમેઝોન એપ સ્ટોર મારફત તેમાં ઉપલબ્ધ હોય તેવી એન્ડ્રોઇડ એપ્સ ડાઉનલોડ કરી શકીશું.

સારી વાત એ છે કે આ માટે આપણે એમેઝોન એપસ્ટોરમાં જવાની જરૂર નથી,  માઇક્રોસોફ્ટના સ્ટોરમાંથી જ આ કામ સરળતાથી કરી શકાશે. હાલમાં લગભગ ૧૦૦૦ જેટલી એન્ડ્રોઇડ એપ્સનો લેપટોપમાં ઉપયોગ કરી શકાશે.

એ માટે તમારા વિન્ડોઝ ૧૧ પીસી કે લેપટોપમાં માઇક્રોસોફ્ટ સ્ટોર ઓપન કરો. તેના ડાબી તરફના સાઇડબારમાં લાયબ્રેરી બટન ક્લિક કરી જમણી તરફ ઉપરના ખૂણે આપેલ ગેટ-અપડેટ્સ બટન ક્લિક કરો.

આથી પીસીમાં અપડેટ ઇન્સ્ટોલ થશે અને આપણે માઇક્રોસોફ્ટ સ્ટોર એપ બંધ કરીને ફરી ચાલુ કરવાની રહેશે. આ પછી માઇક્રોસોફ્ટ સ્ટોરના હોમ પેજ પર ‘એમેઝોન એપ્સ સ્ટોર પ્રીવ્યૂ’ નામનું એક નવું સેકશન જોવા મળશે. તેમાંથી આપણે વિવિધ એન્ડ્રોઇડ એપ્સ પીસીમાં ડાઉનલોડ કરી શકીશું.

આ એપ્સ આપણા એન્ડ્રોઇડ ફોનમાં જેવો અનુભવ આપે છે લગભગ એવો જ અનુભવ પીસીમાં આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!