ગઈ દિવાળી વખતના ‘ફેસ્ટિવલ સેલ્સ’, ત્યાર પછી ‘ન્યૂ યર સેલ’, પછી ‘૨૬ જાન્યુઆરીનું સેલ’… એક પછી એક આવતાં સેલ્સમાં જોવા મળતી ‘ધમાકેદાર’ ઓફરનો લાભ લઈને નવું લેપટોપ લેવાનું તમે ચૂકી ગયા? ઇચ્છા તો ઘણી હતી, પણ ‘ધમાકેદાર’ ઓફર પછી પણ ભાવ તમારા બજેટની બહાર છે એવું લાગ્યું?
સ્માર્ટફોનનો ઉપયોગ જબરજસ્ત વધ્યા પછી પીસી અને લેપટોપ બંનેનાં વળતાં પાણી થયાં હતાં, પણ કોરોના પછી વર્ક કે લર્ન-ફ્રોમ-હોમ આવ્યું અને પછી હાઇબ્રિડ વર્કિંગ કે લર્નિંગનો તબક્કો આવ્યો છે.

આ પદ્ધતિ હવે લાંબો સમય ચલણમાં રહેવાની છે એ નક્કી છે. પરિણામે ફરી એક વાર લેપટોપના માર્કેટમાં તેજી આવી ગઈ છે.
લેપટોપની સરખામણીમાં ડેસ્કટોપ લાંબો સમય ચાલે એ ખરું, પણ બંનેનાં પર્ફોર્મન્સમાં હવે કોઈ ફેર રહ્યો નથી અને કિંમતમાં પણ ખાસ તફાવત ન રહ્યો હોવાને કારણે વધુ ને વધુ લોકો લેપટોપની પસંદગી કરવા લાગ્યા છે. એ ઘણી બધી રીતે વધુ સગવડભર્યું પણ છે.
મુશ્કેલી એ જ કે તમારી પાસે પહેલેથી લેપટોપ હોય, તે જૂનું થવા લાગ્યું હોય, તમે નવું ખરીદવાનો વિચાર પણ કરતા હો ત્યાં કોરોના આવી જતાં ભાવ વધી ગયા!
હવે તો સેકન્ડ હેન્ડ લેપટોપના ભાવ પણ ખાસ્સા વધી ગયા છે.
જોકે નિરાશ થવાની જરૂર નથી! તમારું લેપટોપ બહુ જૂનું ન હોય તો તમે હજી પણ તેનો કસ કાઢી શકો છો.
બે રીતે. એક તો, લેપટોપમાં જાતે થોડા ઘણા ફેરફાર કરીને અને બીજો રસ્તો ગૂગલ કંપની આપી રહી છે, જોકે એ માટે આપણે થોડી રાહ જોવી પડશે.
નવું લેપટોપ તમારા બજેટની બહાર હોય તો જૂના લેપટોપને કમ સે કમ એટલું તો સુધારી જ શકાય કે તે હજી થોડો સમય તમારાં કામ કરતું રહે.
જો તમારું લેપટોપ ખાસ્સું જૂનું હોય, તેનું પ્રોસેસર, મધર બોર્ડ વગેરે નવા સમયની, નવી ટેકનોલોજીનાં કોમ્પોનન્ટ્સનો ભાર સહન કરી શકે તેમ ન જ હોય, તો તમારે બજેટમાં બાંધછોડ કરીને પણ નવું લેપટોપ ખરીદવું રહ્યું.
પરંતુ લેપટોપ એટલું જૂનું ન હોય તો તમે કેટલાક સાદા રસ્તા અજમાવીને અને કેટલાક હાર્ડવેરમાં ચેન્જ કરવા જેવા રસ્તા અજમાવીને તેને ફરી પાછું ખાસ્સું દોડાવી શકો છો.
અહીં એવા કેટલાક રસ્તાની વિગતવાર વાત કરી છે. અહીં જણાવેલા બધા રસ્તા, બધાં લેપટોપમાં શક્ય નહીં હોય, પણ જેટલું શક્ય હોય એટલું કરી જોવામાં કંઈ ખોટું નથી.
ખાસ કરીને લેપટોપમાં નવી એસએસડી હાર્ડડિસ્ક નાખી શકો અને ગૂગલ ડ્રાઇવ (મફતમાં ૧૫ જીબી અને પેઇડમાં વર્ષે રૂ. ૧૩૦૦ જેવા ખર્ચમાં ૧૦૦ જીબી સ્પેસ) અને માઇક્રોસોફ્ટ વનડ્રાઇવ (મફતમાં ૫ જીબી અને પેઇડમાં વર્ષે ૩થી ૬ હજારમાં છ યૂઝર માટે ૧-૧ ટીબી સ્પેસ) જેવી સગવડનો લાભ લઈને તમારી કામની બધી જ ફાઇલ્સ ક્લાઉડમાં સ્ટોર કરીને લેપટોપને શક્ય એટલું ખાલી રાખશો તો એ હજી પણ પ્રમાણમાં સારું પર્ફોર્મન્સ આપી શકશે. આ વાત નવા લેપટોપને પણ લાગુ પડે છે.
ટ્રાય કરી જુઓ, લાભમાં રહેશો!
બીજો રસ્તો, ગૂગલ કંપની આપી રહી છે. જૂનાં, પ્રમાણમાં નબળાં હાર્ડવેર કે પ્રોસેસરવાળા લેપટોપમાં ક્રોમબુક જેવી ઓપરેટિંગ સિસ્ટમ ઉમેરીને, નબળા ઘોડાનો કાયાકલ્પ કરીને ફરી રેસમાં ઉતારવા જેવી આ વાત છે. જોકે એ બિલકુલ મફત હશે કે કેમ તે હજી સ્પષ્ટ નથી. ઉપરાંત, આ રીતે આપણે જૂના વિન્ડોઝ લેપટોપને ક્રોમબુક બનાવી દઈશું, એમાં વિન્ડોઝના બધા પ્રોગ્રામ ચાલી શકશે નહીં.
આટલી પૂર્વભૂમિકા સાથે, જૂના લેપટોપને ફરી જોમવંતું બનાવવાના રસ્તા તપાસીએ.
લેપટોપનું પર્ફોર્મન્સ બગડવાનું એક મુખ્ય કારણ તેની સ્ટોરેજમાં કામની અને નકામી ફાઇલ્સનો ભરાવો થવાનું છે. આ સ્થિતિથી બચવા માટે, પહેલેથી કામની ફાઇલ્સ માટે એક વ્યવસ્થિત ફોલ્ડર સ્ટ્રકચર ગોઠવવું જરૂરી છે.
જે પ્રોજેક્ટ પરનું કામ બિલકુલ પૂરું થઈ જાય તેને સંબંધિત વધારાની ફાઇલ્સ ડીલિટ કરવાની તથા ભવિષ્યમાં કામ લાગી શકે તેવી ફાઇનલ ફાઇલ્સનો ગૂગલ ડ્રાઇવ કે વનડ્રાઇવ જેવા ક્લાઉડ સ્ટોરેજમાં તથા એક્સટર્નલ હાર્ડ ડિસ્કમાં, એમ બે જગ્યાએ વ્યવસ્થિત બેકઅપ રાખવાની ટેવ પણ કેળવવા જેવી છે.

આમ કરવાથી આપણે રેન્સમવેર કે માલવેરના સંભવિત હુમલાથી થતા નુકસાનથી બચી શકીશું તેમજ લેપટોપમાં બિનજરૂરી ફાઇલ્સનો ભરાવો થશે નહીં.
આપણને સીધી કામની ન હોય તેવી અનેક પ્રકારની ફાઇલ્સ પણ કમ્પ્યૂટરમાં જનરેટ થતી હોય છે તેની નિયમિત સફાઇ પણ જરૂરી છે. અગાઉ આ માટે સીક્લિનર ઘણું ઉપયોગી સોફ્ટવેર હતું પરંતુ હવે તેના પર લોકોનો વિશ્વાસ ડગી ગયો છે. તેના વિકલ્પરૂપે લગભગ દરેક સારો એન્ટિવાયરસ પ્રોગ્રામ પીસીને ક્લિનઅપ કરવાની સગવડ આપતો હોય છે.
તે સુવિધાનો મહિને ઓછામાં ઓછી એક વાર ઉપયોગ કરીએ તો લેપટોપમાં બિનજરૂરી ફાઇલ્સનો ભરાવો થશે નહીં. તમારા લેપટોપમાં સી અને ડી કે તેથી વધુ ડ્રાઇવ હોય તો એ દરેકને વધુમાં વધુ ખાલી કરવાનું લક્ષ્ય રાખશો તો લેપટોપ સતત સરસ પર્ફોર્મન્સ આપતું રહેશે.
આજના ફાસ્ટ સમયમાં મલ્ટિટાસ્કિંગ અનિવાર્ય છે. મલ્ટિટાસ્કિંગ એટલે એક સાથે જુદા જુદા પ્રોગ્રામ ઓપન કરવા એટલું જ નહીં, હવે તો આપણે આગળ વધીને એક પ્રોગ્રામમાં પણ જુદી જુદી ટેબ્સમાં કામ કરવા લાગ્યા છીએ!
તમારું કામ જ એ પ્રકારનું હોય તો આ રીતે કામ કર્યા વગર છૂટકો નથી. પરંતુ લેપટોપમાં એકથી વધુ પ્રોગ્રામ્સ એક સાથે ઓપન કરીએ અને દરેક પ્રોગ્રામમાં એકથી વધુ ટેબ્સ કે ફાઇલ્સ ઓપન કરીએ તેમ તેમ લેપટોપ પર ભાર વધતો જાય છે.

આપણે વર્ડ પ્રોગ્રામમાં કામ કરી રહ્યા હોઇએ ત્યારે કોઈ કારણસર એક્સેલ પ્રોગ્રામ ઓપન કરવો પડે તો કરીએ પરંતુ તેનું કામ પૂરું થતાંવેંત તેને બંધ કરી દેવાની ટેવ કેળવવા જેવી છે. બ્રાઉઝિંગ સમયે આપણે આદતવશ જુદી જુદી ઘણી વિન્ડોમાં કામ કરતા હોઇએ છીએ. આપણામાંથી ઘણાંને કામ કરતાં કરતાં યુટ્યૂબમાં ગીતો સાંભળવાની ટેવ હોય છે.
ક્રોમ જેવાં બ્રાઉઝર લેપટોપની ખાસ્સી મેમરીનો ઉપયોગ કરતાં હોય છે. એમાં પણ જો તમે ક્રોમ બ્રાઉઝરના પાવર યૂઝર હો, જુદી જુદી વિન્ડોમાં અલગ અલગ પ્રોફાઇલ (એટલે કે અલગ અલગ ગૂગલ એકાઉન્ટ)માં કામ કરતા હો અને તે દરેકમાં જુદી જુદી ટેબ ઓપન કરતા હો તો આ બધાને કારણે લેપટોપની હાલત રેલવે સ્ટેશન પરના કૂલી જેવી થાય!
નવું, હાઇ પર્ફોર્મન્સ આપતું લેપટોપ ખરીદવું પોસાય તેમ ન હોય તો મલ્ટિટાસ્કિંગની આ આદતો બદલ્યા વગર છૂટકો નથી!
સ્માર્ટફોનના પર્ફોર્મન્સમાં જુદી જુદી તકલીફો થવા લાગે તો આપણે તેને સહેલાઇથી ફેકટરી રીસેટ કરી લઈએ છીએ. એવું જ કામ લેપટોપમાં પણ થઈ શકે.
અલબત્ત એ પહેલાં તમારા તમામ મહત્ત્વના ડેટાનો બેકઅપ લેવો જરૂરી છે.
સામાન્ય રીતે કમ્પ્યૂટરને ફોર્મેટ કરવામાં આવે ત્યારે તેની સી ડ્રાઇવ પૂરેપૂરી ભૂંસાતી હોય છે અને તેના સિવાય અન્ય ડ્રાઇવમાં રાખેલો ડેટા સલામત રહેતો હોય છે.

આમ છતાં સી ડ્રાઇવ સિવાયનો ડેટા પણ ડીલિટ થશે જ તેવું માનીને, તેનો આગળ વાત કર્યા મુજબ યોગ્ય રીતે અને બે જગ્યાએ બેકઅપ લઈ લેશો તો કદાચ નિયમિત બેકઅપની ટેવ પણ પડી જશે!
એ પછી સૌથી પહેલાં તમે કમ્પ્યૂટરમાં જેટલા પ્રોગ્રામ ઇન્સ્ટોલ કર્યા હોય તેની એક યાદી બનાવી લો.
પ્રોગ્રામ્સ સી ડ્રાઇવમાં ઇન્સ્ટોલ થતા હોવાથી લેપટેપને ફોર્મેટ કે ફેકટરી રીસેટ કરવાથી તે અચૂકપણે ડીલિટ થવાના છે. તમારે માટે ઉપયોગી દરેક પ્રોગ્રામની સોર્સ ફાઇલ તમારી પાસે છે કે નહીં તે પણ તપાસી લો.
તમારા લેપટોપમાં વિન્ડોઝ ૧૦ હોય અને તમે માઇક્રોસોફ્ટ એકાઉન્ટથી લોગઇન થતા હો તો લેપટોપને ફોર્મેટ કરી, કોરી પાટી સાથે શરૂઆત કરવી સહેલી છે. વિન્ડોઝના સેટિંગ્સમાં જઇને એ કામ કરી શકાશે, એ પછી સિસ્ટમ આપોઆપ જરૂરી સેટિંગ્સ ફરી કરી લેશે.
પરંતુ આ કામનો અનુભવ ન હોય તો તમારા જાણીતા કમ્પ્યૂટર એન્જિનીયરની મદદ લેવી હિતાવહ રહેશે.
સ્માર્ટફોનના પર્ફોર્મન્સનો આધાર જુદી જુદી ઘણી બાબતો પર હોય છે. તેમાંની એક બાબત બેટરી છે. બેટરીની લાઇફ સારી રહે એ માટે લેપટોપને સતત પાવર પ્લગ્ડ ઇન રાખવાને બદલે બેટરી ફૂલ ચાર્જ થાય પછી બેટરી પર જ લેપટોપ ચલાવતા રહીએ અને બેટરી ડિસ્ચાર્જ થતી જાય તે પછી, વીસેક ટકા જેટલી બેટરી રહે એટલે તેને ફરી ચાર્જ કરવાનું શરૂ કરીએ એ યોગ્ય પદ્ધતિ થઈ.

પરંતુ કામના ભારણમાં આ બધું આપણે ભૂલી જતા હોઇએ છીએ. પરિણામે બેટરી ધાર્યા કરતાં વધુ ઝડપથી બગડતી જાય છે. જૂની કે પર્ફોર્મન્સ નબળું પડ્યું હોય તેવી બેટરી પર આપણે લાંબા કલાક કામ ન કરી શકીએ એ દેખીતું છે, તેની સાથોસાથ લેપટોપના પર્ફોર્મન્સ પર પણ તેની અસર થાય છે.
લેપટોપમાં કામ કરતી વખતે જુદા જુદા પ્રોગ્રામ્સ અગાઉ કરતાં ધીમી ગતિએ કામ કરે અને ક્યારેક લેપટોપ અણધાર્યું શટડાઉન થાય તો એ બેટરી વધુ બગડી હોવાના સંકેત છે. વિન્ડોઝ લેપટોપમાં બેટરી સહેલાઈથી બદલી શકાતી હોય છે. શક્ય હોય ત્યાં સુધી લેપટોપની કંપનીની ઓરિજિનલ બેટરી ફરી લેવાનો આગ્રહ રાખવા જેવો છે.
ઓફિસ કામ માટે તમારે બહુ ટ્રાવેલિંગ કરવાનું થતું ન હોય, ફક્ત ઘર કે ઓફિસમાં જ ડેસ્ક પર લેપટોપનો ઉપયોગ કરવાનો થતો હોય તો બેટરી બહુ સારી નહીં હોય તો પણ કામ ચાલી જશે. ફક્ત બેટરીને કારણે આખું લેપટોપ બદલવાની જરૂર પડશે નહીં. લેપટોપનો મોબાઇલની જેમ ઉપયોગ કરતા હો તો પછી સારી બેટરી અચૂક જોઈશે!
તમારું લેપટોપ જૂનું હોય તો તેમાં પ્રમાણમાં જૂની ટેકનોલોજીની એચડીડી પ્રકારની હાર્ડડિસ્ક હોવાની પૂરી શક્યતા છે. નવા લેપટોપમાં હવે મોટા ભાગે સોલિડ સ્ટેટ ડ્રાઇવ (એસએસડી) પ્રકારની નવી ટેકનોલોજીની હાર્ડડિસ્ક હોય છે. જૂના પ્રકારની હાર્ડડિસ્કમાં મૂવિંગ પાર્ટ્સ હોય છે. એસએસડીમાં કોઈ મૂવિંગ પાર્ટ્સ હોતા નથી અને જૂની હાર્ડડિસ્ક કરતાં તે ઘણું વધુ સારું પર્ફોર્મન્સ આપે છે.

ઘણા નવાં લેપટોપમાં એસએસડી અને એચડીડી એમ બંને પ્રકારની હાર્ડડિસ્ક હોય છે. એસએસડી પ્રમાણમાં મોંઘી છે (જોકે હવે કિંમતો ઘણી ઘટતી જાય છે). આથી પ્રોગ્રામ્સ ઇન્સ્ટોલ્સ કરવા એસએસડીનો ઉપયોગ થાય અને જે કામ કરીએ તે ફાઇલ સ્ટોર કરવા માટે એચડીડીનો ઉપયોગ કરીએ તેવું બેલેન્સ કરી શકાય. જૂના લેપટોપમાંની જૂની હાર્ડડિસ્કને બદલે નવી એસએસડી નાખવી મોટા ભાગે શક્ય હોય છે. એસએસડી ઉમેરીને તમે લેપટોપના પર્ફોર્મન્સમાં રાત દિવસ જેટલો તફાવત લાવી શકો છો.
લેપટોપમાં બંને હાર્ડડિસ્ક રાખી શકાય તેમ ન હોય, ફક્ત એસએસડી રાખી શકાય તેમ હોય તો તથા તમારું બજેટ ટાઇટ હોય તો એચડીડીની સામે એસએસડીમાં તમને ઘણી ઓછી સ્ટોરેજ મળશે પરંતુ લેપટોપમાં માત્ર હાલમાં ચાલુ હોય તેવા કામની ફાઇલ્સ સાચવો અને અન્ય ફાઇલ્સનો ક્લાઉડ અને એક્સટર્નલ ડ્રાઇવમાં બેકઅપ લઈ લો તો લેપટોપ હંમેશા સરસ પર્ફોર્મન્સ આપતું રહેશે. એસએસડી હશે તો ઘડીના છઠ્ઠા ભાગમાં લેપટોપ શરૂ થશે અને મોબાઇલની જેમ લેપટોપ ફટાફટ ઓપન કરી, કામ પતાવી શકશો!
આપણે આગળ વાત કરી તેમ લેપટોપમાં સારા પર્ફોર્મન્સનો આધાર જુદી જુદી ઘણી બાબતો પર હોય છે તેમાંની એક બાબત રેમ એટલે કે ‘રેન્ડમ એક્સેસ મેમરી’ હોય છે. કમ્પ્યૂટરની સ્ટોરેજ કરતાં આ જુદી બાબત છે. કમ્પ્યૂટરની સ્ટોરેજમાંની ફાઇલ્સ તેમાં હંમેશા જળવાઈ રહે છે. જ્યારે કોઈ પ્રોગ્રામ રન કરીએ ત્યારે તેને સંબંધિત ફાઇલ્સ રેમમાં કામચલાઉ સ્ટોર થાય છે અને તેમાંથી આપણે કામ કરી શકીએ છીએ. આથી લેપટોપમાં રેમ જેમ વધુ તેમ એકથી વધુ પ્રોગ્રામ્સ ચલાવવાની આઝાદી પણ વધુ.

નવા કમ્પ્યૂટરમાં હવે મોટા ભાગે ચાર કે આઠ જીબી જેટલી રેમ તો હોય જ છે. તમારા લેપટોપમાં તેનાથી ઓછી રેમ હોય તો હવેના સમયમાં એવા લેપટોપમાં અમુક હદથી વધુ કામ લેવું મુશ્કેલ બની જતું હોય છે. રેમમાં મુશ્કેલી એ છે કે બધા લેપટોપમાં રેમ વધારવી સહેલી હોતી નથી (એ જ કારણસર તમે જો હવે નવું લેપટોપ ખરીદી રહ્યા હો તો તેમાં રેમ વધારી શકાશે કે નહીં એ એક તપાસવા જેવો મુદ્દો છે).
આ કામ દેખીતી રીતે આપણે જાતે કરવા જેવું નથી. તમારે કમ્પ્યૂટર એન્જિનીયરની મદદ લેવી પડશે. તેને તમારું લેપટોપ બતાવીને પૂછી જુઓ કે તેમાં રેમ વધારી શકાય તેમ છે?
એ પણ યાદ રાખશો કે ફક્ત રેમ વધારવાથી લેપટોપના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે નહીં. પરંતુ શક્ય હોય તો રેમ વધારવાનું કામ હવે પ્રમાણમાં ઓછું ખર્ચાળ છે. નવી એસએસડી ડ્રાઇવ અને વધુ રેમથી તમે જૂના લેપટોપમાં રીતસર પ્રાણ પૂરી શકો છો!


