ઘણી વાર એવું બને કે આપણને પીડીએફ ફાઇલ મળી હોય અને આપણે તેમાંની ટેકસ્ટ એડિટેબલ સ્વરૂપમાં જોઈતી હોય. આવું શક્ય છે કે નહીં તેનો આધાર મૂળ પ્રોગ્રામમાંથી પીડીએફ કેવી રીતે બનાવવામાં આવી છે તેના પર છે.

જો મૂળ પ્રોગ્રામમાંથી કોઈ ખાસ પ્રોસેસ વિના પીડીએફ બનાવવામાં આવી હોય તો આપણે પીડીએફને કોઈ પણ પીડીએફ રીડર પ્રોગ્રામમાં અથવા બ્રાઉઝરમાં ઓપન કરી, તેમાંની ટેક્સ્ટને કોપી કરીને બીજે ક્યાંય પણ પેસ્ટ કરી શકીએ છીએ. તકલીફ ફક્ત એટલી કે આ રીતમાં દરેક લાઇનની ટેક્સ્ટ અલગ અલગ લાઇનમાં જ પેસ્ટ થાય, આપણે દરેક લાઇનને જોડવી પડે.
અમુક પીડીએફમાંથી આ રીતે ટેક્સ્ટ કોપી-પેસ્ટ કરી શકાતી નથી. ખાસ કરીને ડેસ્કટોપ પબ્લિશિંગ માટેના અમુક પ્રોગ્રામમાં ટેકસ્ટને ‘કન્વર્ટ ટુ કર્વ’ એટલે કે એડિટેબલ ટેક્સ્ટને બદલે આઉટલાઇન કે ઇમેજમાં ફેરવીને પછી પીડીએફ બનાવવાની સગવડ હોય છે. આવી પીડીએફમાંથી સીધેસીધી ટેક્સ્ટ કોપી કરીને મેળવી શકાતી નથી.

આવી ફાઇલમાંથી ટેકસ્ટ મેળવવા માટે આપણે ઓપ્ટિકલ કેરેકટર રેક્ગ્નેશન (ઓસીઆર) નામે જાણીતી ટેકનોલોજીનો ઉપયોગ કરવાની કસરત કરવી પડે.
- મોટા ભાગે પીડીએફના દરેક પેજને ઇમેજમાં ફેરવી ગૂગલ લેન્સ કે માઇક્રોસોફ્ટ લેન્સ જેવી એપની મદદથી આ કામ કરી શકાય.
- પરંતુ જો ટેકસ્ટ કન્વર્ટ ટુ કર્વ કરવામાં આવી ન હોય તો પીડીએફને ગૂગલ ડ્રાઇવમાં અપલોડ કરી ગૂગલ ડોક્સ તરીકે ઓપન કરવાનો પ્રયાસ કરી જુઓ. પીડીએફ ફાઇલમાંની બધી ટેક્સ્ટ એડિટેબલ ટેકસ્ટના સ્વરૂપમાં મળશે!
- એ જ રીતે, એક પીડીએફ ફાઇલમાંથી, અલગ અલગ પેજની એકથી વધુ પીડીએફ બનાવવી હોય તો પણ ગૂગલ ડ્રાઇવ કામ લાગશે.
- તેમાં પીડીએફ ઓપન કરી, પ્રિન્ટ કમાન્ડ આપો અને જોઈતાં પેજ પસંદ કરી, ફરી પીડીએફ સ્વરૂપે જ પ્રિન્ટ એટલે કે સેવ કરી લો!

