ઇન્ટરનેટ પર સર્ચ કરવાની બાબતે ગૂગલ સર્ચ સૌથી બહેતર પરિણામો આપે છે એવું આપણે માનીએ છીએ. પણ આ વાત હંમેશા સાચી ન પણ હોય. કદાચ તમારો પણ અનુભવ હશે કે તમે ગૂગલમાં સર્ચ કરી રહ્યા હો ત્યારે તમે જે શોધી રહ્યા હો તે ક્યારેક સહેલાઈથી મળતું નથી.

આવું થવાનું કારણ એ છે કે ગૂગલ આપણી સર્ચ હિસ્ટ્રી વધુ પડતી જાણે છે! ગૂગલ સર્ચ એન્જિનની જે માસ્ટરી છે એ જ વાત આપણે માટે તકલીફ પણ બની શકે છે. આપણે વર્ષોથી, જ્યારથી ઇન્ટરનેટ પર સર્ચ કરતા રહ્યા છીએ ત્યારથી દર વખત ગૂગલ પર સર્ચ કરીએ છીએ. એ કારણે ગૂગલ પાસે આપણી જબરજસ્ત સર્ચ હિસ્ટ્રી એકઠી થઈ છે. આપણે કંઈ પણ સર્ચ કર્યા પછી કેવા સર્ચ રિઝલ્ટ પર ક્લિક કરીએ છીએ અને તે વેબપેજ પર પહોંચ્યા પછી ત્યાં કેટલો સમય ગાળીએ છીએ તે પણ તેને ખબર હોય છે.
આપણે ગૂગલ પર જ્યારે પણ કંઈ પણ નવું સર્ચ કરીએ ત્યારે ગૂગલ આ બધું અને તે ઉપરાંત બીજી કેટલીયે બાબતો ધ્યાનમાં લઈને સર્ચ રિઝલ્ટ બતાવે છે.
આ પદ્ધતિ ઘણી વાર આપણે માટે લાભદાયી બને પણ, ઘણી વાર નડતર રૂપ પણ બને. કેમ કે આપણે કંઈક જુદું, કંઈક નવું જાણવા માગતા હોઈએ, પણ ગૂગલ આપણને અમુક પરિણામ જ જોવાં ગમશે એમ ધારી લઈને એ જ પ્રકારનાં પરિણામો બતાવ્યા કરે છે.

આથી આપણે અગાઉની સર્ચ હિસ્ટ્રીના કોઈ બોજા વિના કંઈક જુદી રીતે સર્ચ કરવું હોય તો તમારા સ્માર્ટફોનમાં ‘ડકડકગો’ જેવું બ્રાઉઝર ઇન્સ્ટોલ કરી લો. અથવા ફાયરફોક્સનું ‘ફોકસ’ નામનું બ્રાઉઝર પણ વાપરી શકાય (એ પણ આખરે ડકડકગો સર્ચ એન્જિનનો જ ઉપયોગ કરે છે!) તેનું પોતાનું સર્ચ એન્જિન આપણી કોઈ સર્ચ હિસ્ટ્રીની અસર વિના નવી સર્ચનાં પરિણામો બતાવે છે. તેમાં આપણે બ્રાઉઝર બંધ કરીએ એ સાથે જૂનું બધું ભૂંસાઈ જાય છે. પરિણામે નવી સર્ચ સમયે, તેના પર અગાઉની સર્ચની અસર રહેતી નથી.

