ઇન્ટરનેટ પર કોઈ પણ જગ્યાએ કંઈ પણ લખતી વખતે તમારા મનમાં કદાચ બે વિચાર અચૂક ઝબકતા હશે – પહેલો વિચાર, જે લખ્યું છે તે સાચું તો હશે ને? બીજો વિચાર, જે લખ્યું છે એ વધુ સારી રીતે કઈ રીતે લખી શકાય?
પહેલા સવાલનો જવાબ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ‘ગ્રામરલી’ જેવી સર્વિસમાં મળે (‘સાયબરસફર’માં આપણે આ સર્વિસ વિશે અગાઉ વાત કરી ગયા છીએ. ગ્રામરલી આપણા લખાણમાં સંદર્ભ સાથે ભૂલો પકડે છે અને તેમાં સુધારા સૂચવે છે).
બીજા સવાલના જવાબ માટે પણ ઇન્ટરનેટ પર ઘણી સર્વિસ ઉપલબ્ધ છે. એમાંની એક છે, ‘વર્ડટ્યૂન’ (https://www.wordtune.com/).

આ સર્વિસ ઇન્ટરનેટ પર આપણે કંઈ પણ ઇંગ્લિશમાં લખીએ એ પછી જે વાક્ય કંઈક વધુ સારી અથવા જુદી રીતે લખવા માગતા હોઇએ તેને સિલેક્ટ કરીએ તો આ સર્વિસ તે વાક્ય બદલી આપે છે!
હાલમાં આ સર્વિસ માત્ર ઇન્ટરનેટ ઓન હોય ત્યારે અને ક્રોમ બ્રાઉઝરના એક્સટેન્શન તરીકે કામ આપે છે. તેની મદદથી આપણે જીમેઇલ, ગૂગલ ડોક્સ, આઉટલૂક (વેબ વર્ઝન), ફેસબુક, ટ્વીટર, લિંક્ડઇન, વોટ્સએપ (વેબ વર્ઝન) વગેરે સર્વિસમાં ઇંગ્લિશમાં લખેલા વાક્યોના વિકલ્પરુપે નવાં વાક્યો મેળવી શકીએ છીએ.
વર્ડટ્યૂન સર્વિસની તકલીફ એ છે કે તેનું ફ્રી વર્ઝન ખાસ્સું મર્યાદિત છે. ફ્રી વર્ઝનમાં આપણે રોજનાં માત્ર ૧૦ વાક્યો બદલી શકીએ છીએ. તમારે ઇંગ્લિશમાં પ્રોફેશનલ ડોક્યુમેન્ટ તૈયાર કરવાનાં થતાં હોય તો તેના પ્રીમિયમ પ્લાનનો વિચાર કરી શકાય. પેઇડ પ્લાનમાં આ સર્વિસ આપણા વાક્યને જુદા જુદા ટોન મુજબ લખવાનું પણ સૂચવે છે.
પેઇન પ્લાન ન લો તો પણ અને આ સર્વિસનું ફ્રી વર્ઝન મર્યાદિત હોવા છતાં જો નિયમિતપણે ઉપયોગ કરવામાં આવે તો રોજેરોજ તમે લખેલાં માત્ર ૧૦ વાક્યોને અલગ રીતે લખાયેલાં જોવાની પ્રેક્ટિસ કરો તો માત્ર એટલી કવાયતથી પણ ઇંગ્લિશ ભાષા પરની પકડ સારી એવી મજબૂત કરી શકાય! વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સર્વિસ છે.
