(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ક્રિપ્ટો ‘કરન્સી’માં રોકાણ માટે લલચાયા? જાણવા જેવી તમામ બાબતો એક સાથે જાણી લો…

દુનિયાભરમાં ક્રિપ્ટોકરન્સી બહુ ગાજતી ટેક્નોલોજી બની ગઈ છે. ભારતમાં આ વર્ષના બજેટ પહેલાંથી અને બજેટ પછી આ મુદ્દો વધુ ગાજ્યો છે. આપણે બધાં પાસાં તપાસીએ.

લેખના મૂળ હેડિંગમાં કરન્સી શબ્દ અવતરણમાં મૂકવામાં આવ્યો છે એ તરફ ધ્યાન આપજો. એવું કેમ કર્યું? કેમ કે દુનિયા આખીમાં ‘ક્રિપ્ટોકરન્સી’  તરીકે જે બાબત બહુ ગાજી રહી છે તેને ભારત સરકાર કોઈ પણ રીતે કરન્સી ગણવા તૈયાર નથી – નામમાં પણ નહીં! આથી આ વર્ષના બજેટમાં નાણામંત્રી ક્રિપ્ટોકરન્સી વિશે ભારત સરકારનું વલણ સ્પષ્ટ કરશે તેવી અનેક લોકોને આશા હતી ત્યારે તેમણે ‘ક્રિપ્ટોકરન્સી’ને બદલે ‘વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ’ શબ્દ વાપર્યો.

બજેટમાં એક તરફ જાહેરાત થઈ કે ભારત સરકાર ક્રિપ્ટોમાં રોકાણ પર થતી આવક પર ૩૦ ટકા ટેક્સ લેશે. એ સાથે જ એવી પણ સ્પષ્ટતા થઈ કે ટેક્સ લેવામાં આવે એનો અર્થ એ નથી કે ભારત સરકાર ક્રિપ્ટોને સત્તાવાર માન્યતા આપે છે!

ક્રિપ્ટોકરન્સીમાં મબલખ કમાણી છે એવું માનીને એમાં રોકાણ કરીને બેઠેલા કે રોકાણ કરવા તલપાપડટ લોકો નક્કી કરી શક્યા નહીં કે એમણે આ સમાચારથી રાજી થવું કે દુઃખી થવું!

કાયદાની દૃષ્ટિએ ક્રિપ્ટોની સ્થિતિ

આંકડા કહે છે કે ભારતનાં શહેરોમાં વસતો દરેક છઠ્ઠો ભારતીય ક્રિપ્ટોકરન્સી કે ક્રિપ્ટોઈનમાં રોકાણ કરવા લાગ્યો છે. ભારતીયોનું ક્રિપ્ટોમાં કુલ રોકાણ છ લાખ કરોડના આંકને પાર કરી ગયું છે. સરકાર ક્રિપ્ટોકરન્સીના સંચાલન સંબંધિત નિશ્ચિત ધારાધોરણો નક્કી કરતો ખરડો સંસદમાં રજૂ કરે તેવી શક્યતા છે.

એ આવે ત્યાં સુધી લોકોની ક્રિપ્ટોમાંથી તોતિંગ આવકમાં સરકાર ભાગ પડાવવા માટે છે એટલે તેના પર ૩૦ ટકા ટેક્સ ઝીંકાયો છે અને ક્રિપ્ટોને માન્યતા તો નથી જ અપાઈ!

અગાઉ ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં કોઈ પણ પ્રકારની લેવડદેવડ પર પ્રતિબંધ મૂકાયો હતો, પછી એ પાછો ખેંચાયો અને વિવિધ પ્રાઇવેટ એક્સ્ચેન્જની મદદથી, ભારતમાં પણ ક્રિપ્ટોમાં રોકાણ સરળ બન્યું. આ વર્ષના બજેટમાં આ વિશે સરકારનું વલણ સ્પષ્ટ થઈ જવાની આશા હતી, પણ એવું થયું નથી.

ભારતમાં અત્યારે ક્રિપ્ટોકરન્સીના માર્કેટમાં રીતસર હોબાળો છે. સૌને આ વિષય સમજાતો નથી, પણ રોકાણમાં રસ છે. ચીને ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે ભારતીયોને સેલિબ્રિટીઝની મદદથી ક્રિપ્ટોમાં રોકાણ માટે લલચાવવામાં આવે છે.

આમ અત્યારે કાયદાની દૃષ્ટિએ માત્ર અમુક વાતની સ્પષ્ટતા છે – ક્રિપ્ટોમાં રોકાણ પર પ્રતિબંધ નથી, તેમાંથી થતી આવક પર ટેક્સ છે અને કરન્સી તરીકે ક્રિપ્ટોને સરકારી માન્યતા નથી. એટલે કે ભારતમાં કોઈ પણ બાબત પેટે રકમ ચૂકવવાની હોય તો તે માત્ર રૂપિયામાં જ થઈ શકે, ક્રિપ્ટોકરન્સીમાં નહીં. તમે રૂપિયા આપીને ક્રિપ્ટોમાં રોકાણ કરી શકો, તેમાંથી આવક થાય તો ટેક્સ ચૂકવો અને પછી તમારા નફાને રૂપિયામાં ફેરવી શકો અને એ રૂપિયાનો મનફાવે તેમ ઉપયોગ કરી શકો!

દરમિયાન ક્રિપ્ટો એક્સચેન્જની જાહેરાતો લોકોને ‘ગેરમાર્ગે દોરતી હોવાના’ના દાવા સાથે, ભારતમાં જાહેરાતોનું નિયમન કરતી સંસ્થા તે વિશે કંઈક પગલાં લે એવી પણ માગણી ઊઠી રહી છે, જે પર પગલાં લેવાયાં પણ છે. બીજી તરફ, ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ભારતમાં ક્રિપ્ટો એક્સચેન્જ માટે એક સ્વનિયંત્રક આચારસંહિતા નક્કી કરવા માટે બ્લોકચેઇન એન્ડ ક્રિપ્ટો એસેટ્સ કાઉન્સિલની રચના કરી છે. ભારતમાં કાર્યરત તમામ મોટાં ક્રિપ્ટો એક્સચેન્જ આ કાઉન્સિલનાં મેમ્બર છે.

એટલું સ્પષ્ટ થયું છે કે સરકાર ક્રિપ્ટો પર સદંતર પ્રતિબંધ મૂકવાના મૂડમાં નથી, એ જોતાં આ તદ્દન અસ્થિર બજાર વધુ ઊંચકાતું રહે એવું લાગે છે.

ખાસ કરીને ગયા વર્ષના અંત ભાગમાં ભારતમાં ક્રિપ્ટોમાં રોકાણનો મુદ્દો ગરમાગરમ ચર્ચાનો વિષય બન્યો હતો. અખબારોમાં, ટીવી પર, ઇન્ટરનેટ પર બધે જ ક્રિપ્ટો એક્સચેન્જની જાહેરાતોનો જોરદાર મારો થયો હતો.

ગયા વર્ષે ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપમાં આપણી ટીમ પાકિસ્તાન સામે હારી ગઈ એ પહેલાં, ક્રિકેટના ખરા રસિયાઓ ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચે એવાં સપનાં જોતા હતા, પણ આ વર્લ્ડ કપની મેચના ટીવી ટેલિકાસ્ટ દરમિયાન અનેક લોકોની આંખોમાં નવાં સપનાં અંજાયાં હતાં – રાતોરાત લખપતિ નહીં, કરોડપતિ થવાનાં સપનાં!

એક સમયે ક્રિકેટ મેચના ટેલિકાસ્ટ દરમિયાન કોલ્ડડ્રિંક્સની જાહેરાતોની ભરમાર રહેતી. એ જ કંપનીઓ ટુર્નામેન્ટ્સની સ્પોન્સર બનતી. એ પછી મોબાઇલ કંપનીઓ મેદાનમાં આવી. ત્યાર પછી મોબાઇલમાંની વિવિધ એપ્સ, ખાસ કરીને પેમેન્ટ અને ઈ-કોમર્સને લગતી એપ્સ મેદાને પડી. આ વખતે – તમે કદાચ નોંધ્યું પણ હશે – ક્રિપ્ટોકરન્સીમાં રોકાણની સવલત આપતી એપ્સની જાહેરાતોની ભરમાર રહી!

ટીવી પર અને અન્ય માધ્યમોમાં ક્રિપ્ટો એક્સેચન્જની જાહેરાતોનું પ્રમાણ અચાનક જોરદાર વધી ગયું છે. હજી હમણાં સુધી લોકોને રીયલ મની ગેમ્સના રવાડે ચઢાવતી એપ્સ માટે મોટા ગજાના ક્રિકેટર્સ બેટિંગ કરતા હતા ને હવે વિવિધ ક્રિપ્ટો એક્સચેન્જ માટે બોલીવૂડના સ્ટાર્સ સેન્ટર સ્ટેજમાં આવી ગયા છે. તેમની સાથે યૂટ્યૂબર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુઅન્સર્સ પણ કામે લાગ્યા છે.

દરેક જાહેરાતમાં, દરેક સ્ટાર લગભગ એક જ વાત કહે છે – ક્રિપ્ટો મેં ઇન્વેસ્ટ કિયા ક્યા? સિમ્પલ હૈ! એની સાથે પ્રિન્ટ એડ હોય તો તદ્દન ઝીણા અક્ષરે અને ટીવી એડ હોય તો વ્યક્તિ સાંભળી શકે પણ સમજી ન શકે એટલી ઝડપથી કાયદાકીય સ્પષ્ટતાઓ કરી લેવામાં આવે છે. લોકોના મનમાં ફક્ત એટલી જ વાત ઊતરે છે કે ક્રિપ્ટોમાં રોકાણ નહીં કરીએ તો મોટો લાભ લેવાનું ચૂકી જઈશું કેમ કે ફ્યૂચર તો યહી હૈ!

અત્યાર સુધી ક્રિપ્ટોમાં રોકાણ નહીં કરો તો રહી જશો એવું ઠસાવતી જાહેરાતોની ભરમાર રહી છે. હવે આવી જાહેરાતો પર કેટલાંક નિયંત્રણો મૂકાયાં છે.

ક્રિકેટર્સ, બોલીવૂડ સ્ટાર્સ વગેરે કોઈ પણ બ્રાન્ડ, પ્રોડક્ટ કે સર્વિસને એન્ડોર્સ કરતી વખતે માત્ર એટલું જોતા હોય છે કે પોતે કાયદાની રીતે તકલીફમાં મૂકાય તેમ નથીને?

લોકોના ‘હીરો’ તરીકે તેમની કંઈક નૈતિક, સામાજિક જવાબદારી પણ છે એ કોઈ વિચારતું નથી.

મહાનાયક અમિતાભ બચ્ચન એમાં થોડા જુદા પડ્યા છે. તેમણે થોડા સમય પહેલાં પાનમસાલાની જાહેરાતમાંથી પીછેહઠ કરી તેની સાથોસાથ એક ક્રિપ્ટોકરન્સી એક્સ્ચેન્જના કેમ્પેઇન માટે હા પાડ્યા પછી, હાલ પૂરતી રોક લગાવી. તેમણે પોતાના એ નિર્ણય વિશે પોતાના બ્લોગ પર જે લખ્યું, એ સમજવા જેવું છે.

ભાવાર્થ કંઈક આવો છે, ‘‘ક્રિપ્ટોનો બિઝનેસ જબરજસ્ત તેજ ગતિએ વધી રહ્યો છે. ભારતમાં સુપ્રીમ કોર્ટ અને આરબીઆઈ વગેરેએ તેના સંચાલન અને જાહેરાતો માટે મંજૂરી આપી છે એ બધું જોઇને એક કંપનીના ક્રિપ્ટો એક્સચેન્જની જાહેરખબર માટે મેં સંમતિ આપી, પરંતુ પછી વિચારતાં મને લાગ્યું કે જો કંઈ ખોટું થશે, લોકો રૂપિયા ગુમાવશે તો દોષનો ટોપલો મારા પર ઢોળાશે. એટલે એમાંથી નીકળી જવાનું નક્કી કર્યું. અલબત્ત કંપનીએ સત્તાવાર મંજૂરીઓ મળે ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું છે… કોઈ પણ બાબતનાં જમા-ઉધાર પાસાંનો નિર્ણય કરવો બહુ મુશ્કેલ પ્રક્રિયા છે. નૈતિક અને સામાજિક રીતે કેવી અસર થશે એ તપાસવું સૌથી મહત્ત્વનું છે…’’

ક્રિપ્ટોની જાહેરાતો માટે નવાં ધારોધોરણો

ભારતમાં અખબારો અને અન્ય મીડિયામાં જોવા મળતી જાહેરાતોનું એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એએસસીઆઈ) દ્વારા નિયમન થતું હોય છે. આપણને કોઈ અખબારમાં કે ટીવી ચેનલમાં કે અન્ય માધ્યમમાં કોઈ પણ જાહેરાત વાંધાજનક લાગે તો તેની સામે આપણે આ એએસસીઆઈમાં ફરિયાદ નોંધાવી શકીએ છીએ.

એએસસીઆઈ દ્વારા ક્રિપ્ટો સંબંધિત જાહેરાતોને લગતા ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે જે પહેલી એપ્રિલથી લાગુ થઈ જશે. એએસસીઆઈના દાવા મુજબ તેણે સરકાર તથા ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રીના વિવિધ સ્ટેકહોલ્ડર્સ સાથે લાંબી ચર્ચાઓ પછી આ ધોરણો નક્કી કર્યાં છે.

આ ધોરણો મુજબ :

  • વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ (વીડીએ) પ્રોડક્ટ (ક્રિપ્ટોકરન્સી માટે સરકારે અપનાવેલો નવો શબ્દ!), તેમાં રોકાણ અને લે-વેચની સગવડ આપતા એક્સચેન્જની જાહેરાતોમાં હવેથી આ વિધાન સામેલ કરવું ફરજિયાત રહેશે ‘‘ક્રિપ્ટો પ્રોડક્ટસ અને એનએફટીનું નિયંત્રણ થતું નથી અને તે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તેમાં લેવડદેવડથી કોઈ પણ નુકસાનની સ્થિતિમાં કાયદાકિય રીતે પગલાં લઈ શકાતાં નથી.
  • આ પ્રકારની જાહેરાતોમાં ‘કરન્સી’, ‘સિક્યોરિટી’, ‘કસ્ટોડિયન’, ‘ડિપોઝિટરીઝ’ જેવા શબ્દોનો ઉપયોગ થઈ શકશે નહીં. કેમ કે આવા શબ્દો સામાન્ય રીતે જેનું કાયદાકીય રીતે નિયંત્રણ થતું હોય તેવી નાણાકીય પ્રોડક્ટ્સ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
  • આવી જાહેરાતોમાં વર્ચ્યુઅલ ડિજિટલ એસેટમાં રોકાણ સંબંધિત જે કંઈ ખર્ચ થતો હોય તે સ્પષ્ટપણે દર્શાવવાનો રહેશે.
  • આવી જાહેરાતોમાં પાછલા ૧૨ મહિના કરતાં ઓછા સમયમાં, વર્ચ્યુઅલ ડિજિટલ એસેટમાં જે વળતર મળ્યું હોય એ બતાવી શકાશે નહીં. જેથી આટલા ટૂંકા ગાળામાં ક્રિપ્ટોમાં સારું વળતર જોવા મળ્યું હોય તો તેનાથી રોકાણકારો ગેરમાર્ગે દોરાય નહીં.

ભારતમાં અત્યાર સુધી ક્રિપ્ટો અને તેમાં રોકાણ સંબંધિત, વિવિધ એક્સચેન્જ દ્વારા જે જાહેરાતો કરવામાં આવી છે તેમાં ક્રિપ્ટોમાં રોકાણમાં રહેલાં જોખમો યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યા નથી તેવો પણ એએસસીઆઈનો સ્પષ્ટ મત છે.

ટૂંક સાર એવો છે કે ક્રિપ્ટોકરન્સીમાં માત્ર જાહેરાતોથી લલચાઈને રોકાણ કરશો નહીં. ભારતમાં ક્રિપ્ટોકરન્સી બાબતે હજી કાયદાકીય સ્પષ્ટતા નથી ત્યારે તમારે તેમાં રોકાણ કરવું જોઈએ? આ સવાલ લાખ રૂપિયાનો નહીં, કરોડોનો છે. બસ, આંધળૂકિયાં કરશો નહીં!

ક્રિપ્ટોકરન્સી એક પ્રકારની ડિજિટલ મિલકત છે. હાલની સ્થિતિમાં, સરેરાશ ઇન્વેસ્ટર તરીકે અત્યારે આપણે તેમાં રોકાણ કરી શકીએ, એક્સચેન્જ કે બ્રોકર દ્વારા તેની લે-વેચ કરી શકીએ અને અમુક શરતોને આધીન, અમુક જગ્યાએ ઓનલાઇન ખરીદી વખતે પેમેન્ટ માટે ક્રિપ્ટોકરન્સી દ્વારા ચૂકવણી પણ કરી શકીએ (ભારતમાં અત્યારે ક્રિપ્ટોકરન્સી ઓનલાઇન ખરીદી શકાતી કોઈ પણ ડિજિટલ પ્રોડક્ટ જેવી જ છે, તેનો રૂપિયાની જેમ બીજી કોઈ પણ વસ્તુ કે સર્વિસ ખરીદવા માટે ઉપયોગ થઈ શકતો નથી, એટલે કે ભારતમાં તે સત્તાવાર ચલણ નથી).

ક્રિપ્ટોકરન્સી ડિજિટલ છે એનો અર્થ એ કે ક્રિપ્ટોકરન્સીનું રૂપિયાના સિક્કા કે ચલણી નોટો જેવું કોઈ વાસ્તવિક સ્વરૂપ નથી. જેમ અગાઉ શેરનાં કાગળિયાં-સર્ટિફિકેટ રહેતાં હતાં અને તે ડીમટિરિયલાઇઝ્ડ થયા પછી આપણા ડિમેટ એકાઉન્ટમાં માત્ર એન્ટ્રી તરીકે શેર જળવાય છે. કંઈક એ રીતે, ક્રિપ્ટોકરન્સીનું કાગળ પર કોઈ અસ્તિત્વ જ નથી.

એ માત્ર આપણા એકાઉન્ટમાં એન્ટ્રી તરીકે જળવાય છે. વિવિધ પ્રકારની ક્રિપ્ટોકરન્સી ‘ડિસ્ટ્રિબ્યુટેડ લેજર’ (બ્લોકચેઇન) તથા ‘પીયર-ટુ-પીયર નેટવર્ક’થી તૈયાર થાય છે. ક્રિપ્ટોકરન્સી પાછી કોઈન અને ટોકન એવા બે ભાગમાં વહેંચાયેલી છે. અત્યારે સરેરાશ લોકો માટે આ બધું સરખું છે, પણ વાસ્તવમાં દરેકમાં નિશ્ચિત તફાવત અને નિશ્ચિત ઉપયોગ છે.

ભારતની દૃષ્ટિએ જોઇએ તો આપણા રૂપિયાનું સંચાલન વિવિધ બેન્ક તથા સેન્ટ્રલ બેન્ક તરીકે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. શેરબજારનું નિયમન સેબી અને અન્ય સંસ્થાઓ દ્વારા થાય છે. મ્યુચ્યુઅલ ફંડમાંના આપણા રોકાણનું નિયમન વિવિધ સંસ્થાઓ દ્વારા થાય છે. ક્રિપ્ટોકરન્સી માટે આવી કોઈ સરકારી કે સેન્ટ્રલ ઓથોરિટી નથી. તે એકબીજા સાથે સંકળાયેલા સંખ્યાબંધ કમ્પ્યૂટરની ચેઇન દ્વારા માત્ર મેનેજ થાય છે. કોઈ એક વ્યક્તિ કે સંસ્થા તેનું સંચાલન કરતી નથી. હાલમાં સરકારની તેમાં કોઈ જ ભૂમિકા નથી.

ક્રિપ્ટોકરન્સી કેવી રીતે બને, તેનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય તેની લે-વેચ કેવી રીતે થાય વગેરે બધી બાબતો પર કોઈ સરકારનો અંકુશ હોતો નથી.

ઉપરાંત, આપણે માટે બિટકોઇન સૌથી વધુ જાણીતું નામ છે, પરંતુ એ સિવાય ડોજકોઇન, લાઇટકોઇન, ચેઇનલિંક, મૂનકોઇન, શીબા ઇનૂ, પોલકાડોટ વગેરે જાતભાતની અનેક ક્રિપ્ટોકરન્સી વિકસી છે. બધી મળીને છથી દસ હજારથી જેટલી ક્રિપ્ટોકરન્સીની આપ-લે થતી હોવાનું અનુમાન છે. તેનું કુલ મૂલ્ય બે ટ્રિલિયન ડોલરથી વધુ મનાય છે! હવે બિલકુલ ફેક-બનાવટી ક્રિપ્ટોકરન્સી પણ લોન્ચ થવા લાગી છે.

તમે ઓટીટી પ્લેટફોર્મ પર મૂવી કે વેબસિરિઝ જોવાના શોખીન હશો તો તમે જાણતા હશો કે થોડા સમય પહેલાં ‘સ્ક્વીડ ગેમ’ નામની એક કોરિયન વેબસિરિઝ નેટફ્લિક્સ પર જબરી પોપ્યુલર થઈ હતી.

આ વેબસિરિઝ એટલી પોપ્યુલર થઈ કે તેના નામે રાતોરાત એક ક્રિપ્ટોકરન્સી ડેવલપ થઈ. તેની ઓનલાઇન લે-વેચ થવા લાગી. શરૂઆતમાં આ ક્રિપ્ટોકોઇન ખરીદીને ફટાફટ તેને વેચી નાખનારા લોકો માલામાલ થઈ ગયા. અહેવાલો અનુસાર, આ ક્રિપ્ટોકોઇનમાં લોકોને ફક્ત ૩ દિવસમાં ત્રણ હજાર ટકા (આંકડા ફરી વાંચો, લખવામાં કોઈ ભૂલ નથી!) જેટલું વળતર મળ્યું.

આ ક્રિપ્ટોકોઇન કોણે લોન્ચ કર્યા? મૂળ ઓટીટી વેબસિરિઝ બનાવનારા લોકો તેમાં સંકળાયેલા હતા કે નહીં? ક્યા આધારે તેમાં આટલું વળતર મળે છે એ બધું વિચારવાની કોઈએ તસ્દી ન લીધી.

લોકોએ સ્કવીડ ગેઇમ કોઇન ખરીદવા રીતસર દોટ લગાવી અને પછી અચાનક આ ક્રિપ્ટોકોઇનનો વાવટો સંકેલાઈ ગયો. ક્રિપ્ટોકરન્સીની ભાષામાં (અન્ય સ્કેમમાં પણ) તેને ‘રગ પૂલ’ (પગ નીચેથી જાજમ ખેંચી લેવી) કહે છે. આ રીતે, બનાવટી ક્રિપ્ટો લોન્ચ કરનારા લોકો, અન્ય લોકો પાસેથી સત્તાવાર ચલણમાં નાણાં ઉઘરાવી ગાયબ થાય છે અને ઇન્વેસ્ટર્સ પાસે પોતાના આ ક્રિપ્ટો કોઈને વેચી શકે તેવું પ્લેટફોર્મ જ રહેતું નથી.

તેમાં રોકાણ કરનારા લોકોના લગભગ ૨૫ કરોડ રૂપિયા રાતોરાત ઝીરો થઈ ગયા. આ ક્રિપ્ટોકોઇનની વેબસાઇટ, સોશિયલ મીડિયા પરનાં એકાઉન્ટ્સ વગેરે પણ રાતોરાત ગાયબ થયાં.

સ્કવીડ ગેઇમની પોપ્યુલારિટીને પગલે લોન્ચ થયેલ ક્રિપ્ટોકોઇનમાં શરૂઆતમાં આગઝરતી તેજી જોઇને તેમાં રોકાણ કરવા માટે દોટ લગાવનારા લોકો ક્યાંય કોઈ ફરિયાદ કરી શકે તેમ નથી. કેમ કે ભારતમાં ક્રિપ્ટોકોઇન્સને લગતા હજી કોઈ સ્પષ્ટ નિયમો નથી. આ પહેલાં, સપ્ટેમ્બર ૨૦૨૦માં ‘સુશીસ્વેપ’ નામના આ જ પ્રકારના સ્કેમમાં લોકોના ૯૬ કરોડ રૂપિયા ધોવાયા હતા.

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરીને રાતોરાત લખપતિ તો ઠીક કરોડપતિ થવાનો વિચાર તમારા મનમાં પણ રમતો હોય તો એ બરાબર સમજી લેવા જેવી છે કે બધા ક્રિપ્ટોકોઇન એકસરખા નથી.

અત્યારે એવી સ્થિતિ છે કે રોજ અનેક પ્રકારના નવા કોઇન લોન્ચ થઈ રહ્યા છે. ઇન્ટરનેટની એક્સેસ ધરાવતી અને આ બાબતની થોડી ઘણી જાણકારી ધરાવતી કોઈ પણ વ્યક્તિ પોતાની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરી શકે છે.

બધા કોઇન બિટકોઇન કે તેના જેવા ગણ્યાંગાઠ્યા ક્રિપ્ટોકોઇનની જેમ વર્ષોથી બજારમાં ટકી રહેલા કોઇન નથી. અત્યારે બજારમાં આવી રહેલા જુદા જુદા ક્રિપ્ટોકોઇનમાં રોકાણ માટે વોટ્સએપ અને ઇમેઇલ્સથી લોકોને લલચાવવામાં આવી રહ્યા છે.

આ બધા મેસેજ અને સેલિબ્રિટિઝને ચમકાવતી એડની મદદથી આપણા મનમાં એવું ઠસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ સાવ સહેલું છે અને તેના જેવું વળતર બીજે ક્યાંય નથી. આ સંપૂર્ણપણે અર્ધસત્ય છે. ઓનલાઇન એક્સચેન્જ એપ્સની મદદથી વિવિધ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ ખરેખર સહેલું બની રહ્યું છે. પરંતુ,  જો નસીબ સારા હોય તો (અને તો જ) તેમાં અણધાર્યું અને જબરું વળતર છે. આવા વળતરની કોઈ ગેરન્ટી નથી. ક્રિપ્ટોકરન્સીમાં સલામતી નથી, હાલ પૂરતી તો નહીં જ.

ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કઈ રીતે થઈ શકે છે?

ક્રિપ્ટોકરન્સી ‘માઇન’ કરવાની મૂળ પ્રક્રિયા ખાસ્સી અટપટી છે, પણ સરેરાશ લોકો પોતાના દેશના સત્તાવાર ચલણનાં નાણાંથી ક્રિપ્ટોકોઇન્સ ખરીદીને તેમાં રોકાણ કરી શકે છે અને મરજી મુજબ તેને વેચી, તેને ફરી સત્તાવાર ચલણનાં નાણાંમાં ફેરવી શકે છે.

જેમ આપણે શેરબજારમાં બ્રોકર મારફત શેરની ખરીદી અને વેચાણ કરી શકીએ છીએ એ જ રીતે ક્રિપ્ટોકોઇન્સ માટે વિવિધ ક્રિપ્ટો એક્સચેન્જ વિકસ્યાં છે. ભારતમાં હાલની ઘડીએ ક્રિપ્ટોકરન્સી માટે બહુ સ્પષ્ટ નિયમો નથી, પણ ક્રિપ્ટોમાં રોકાણ અને તેની લેવેચ પર પ્રતિબંધ નથી.

ક્રિપ્ટો એક્સચેન્જમાં જોડાવા માટે આપણે કેવાયસી વિગતો આપીને તેમાં એકાઉન્ટ ખોલાવવું પડે છે. એ પછી જે તે એક્સચેન્જની એપ મારફત આપણે રૂપિયા ચૂકવીને, વર્તમાન ભાવે તેના મૂલ્ય જેટલા ક્રિપ્ટોકરન્સી ખરીદી શકીએ છીએ. આવી એક્સચેન્જ એપમાં શેરબજારમાંના શેરની જેમ આપણે ક્રિપ્ટોકરન્સીના મૂલ્યમાં થતી વધઘટ જોઈ શકીએ છીએ અને આપણી મરજી મુજબ તેની ખરીદી કે વેચાણ કરી શકીએ છીએ.

હાલમાં બધા એક્સચેન્જની કાર્યપદ્ધતિ થોડી ઘણી અલગ અલગ છે. એક્સચેન્જ ક્રિપ્ટોકરન્સીની દરેક લેવડદેવડ માટે ફી અથવા કમિશન લે છે. હાલ વધુ ને વધુ લોકોને ક્રિપ્ટોમાં રોકાણ તરફ વાળવાનો પ્રયાસ હોવાથી અમુક એક્સચેન્જ તેમાં એકાઉન્ટ ખોલાવીએ એ સાથે જોઇનિંગ બોનસ આપે છે, જે ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરી શકાય. તો કોઈ એક્સચેન્જ અમુક નિશ્ચિત સ્તરના રોકાણે પહોંચ્યા પછી આપણને રીવોર્ડ આપે છે.

ફરી શેરબજાર સાથે સરખામણી કરીએ તો તેમાં આપણે કોઈ કંપનીનો ઓછામાં ઓછો એક શેર ખરીદવો પડે. પછી તેનો ભાવ પાંચ રૂપિયા હોય કે પાંચ હજાર રૂપિયા હોય. ક્રિપ્ટોકરન્સીના માર્કેટમાં એવું નથી. જેમ કે એક બિટકોઇનનો ભાવ રૂપિયામાં અડધા કરોડે પણ પહોંચે છે!

સ્વાભાવિક રીતે સામાન્ય લોકો આવા ભાવે આખો એક બિટકોઇન ખરીદી શકે નહીં. એટલે તમે ઇચ્છો તો બિટકોઇનનો માત્ર અમુક ભાગ ખરીદી શકો છો. જેમ કે તમે ૦.૦૦૦૦૦૦૦૧ બિટકોઈનનું વર્તમાન ભાવે જે મૂલ્ય થતું હોય તેટલા રૂપિયા ચૂકવીને માત્ર ૦.૦૦૦૦૦૦૦૧ બિટકોઈન ખરીદી શકો છો! એટલે જ ભારતમાં ઘણા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જની જાહેરાતો ફક્ત ૧૦૦ રૂપિયાથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનો આગ્રહ કરે છે!

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ ફાયદાકારક ને સલામત છે?

ફાયદાકારક? નસીબ જોર કરે તો જબરો ફાયદો છે. પણ સલામત? જેટલો જબરો ફાયદો એટલું જ ભારેખમ જોખમ છે. ક્રિપ્ટોકરન્સીના મૂલ્યમાં વિશ્વસ્તરે જબરજસ્ત ઊંચ-નીચ જોવા મળે છે. શેરબજારમાં કોઈ શેરના ભાવ વધશે કે ઘટશે તે નક્કી કરવા માટે જાણકારો જે તે કંપનીના ફંડામેન્ટલ્સનો ઊંડો અભ્યાસ કરી શકે છે. 

વિવિધ એનાલિસિસ પછી શેરબજારમાં રોકાણ કરનાર વ્યક્તિ મોટા ભાગે સારું વળતર મેળવે છે. પરંતુ કંપનીને બરાબર સમજ્યા વિના માત્ર ટીપ્સના આધારે રોકાણ કરનારા લોકો શેરબજારમાં રોકાણ નહિ પરંતુ સટ્ટો ખેલતા હોય છે. મોટા ભાગે તેણે રૂપિયા ગુમાવવાના થાય છે.

કંપનીના શેરના ભાવ જે તે કંપનીના પર્ફોર્મન્સના આધારે વઘે-ઘટે છે, પણ ક્રિપ્ટોકરન્સીમાં કોઈ જ નિશ્ચિત આધાર નથી. ક્રિપ્ટોકરન્સીનું મૂલ્ય મોટા ભાગે સ્પેક્યુલેશન એટલે કે અનુમાનોના આધારે ઊંચું-નીચું થાય છે. ઘણી વાર અમેરિકાની ટેસ્લા કંપનીના સર્વેસર્વા એલન મસ્ક જેવી કોઈ સેલિબ્રિટીની એક ટ્વીટને આધારે ક્રિપ્ટોકરન્સીના મૂલ્યમાં તોતિંગ ઊંચ-નીચ થઈ જાય છે.

માત્ર બિટકોઇનની વાત કરીએ તો છેક શરૂઆતમાં, ૨૦૦૯માં એક બિટકોઈનનો ભાવ એક ડોલર (માંડ ૭૦-૭૫ રૂપિયા) કરતાં પણ ઓછો હતો. ૨૦૨૧માં તેનો ભાવ બાવન લાખ રૂપિયા જેટલે પહોંચ્યો.

એટલે કે બિટકોઇન જ્યારે શરૂ થયા ત્યારે તમે તેમાં ૭૦-૭૫ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેનું મૂલ્ય બાર વર્ષ પછી બાવન લાખ રૂપિયાએ પહોંચ્યું હોત. આટલાં વર્ષમાં નાની બચતનાં અન્ય સાધનોમાં તમારા ૭૫ રૂપિયા વધીને ૧૫૦ કે ૨૦૦ રૂપિયા થયા હોત (આ આંકડા ફરી વાંચો)!

ક્રિપ્ટો કરન્સી વિશે સરકાર પોતાનું વલણ હવે સ્પષ્ટ કરે તેવી શક્યતા છે. તમારે આ વહેલી ગંગામાં ઝંપલાવવું જોઈએ?

લોકો માત્ર આ સરખામણી કરીને બિટકોઇન કે અન્ય ક્રિપ્ટોકોઇન્સ તરફ લલચાય છે, પરંતુ ૭૦-૭૫ રૂપિયાથી અડધા કરોડ સુધીની યાત્રામાં બિટકોઈનના ભાવમાં જે તોતિંગ ઊંચ-નીચ થઈ છે એ લોકો ધ્યાનમાં લેતા નથી.

જેમ કે, ગયા વર્ષે જાન્યુઆરીમાં એક બિટકોઈનનો ભાવ આશરે ત્રીસ લાખ રૂપિયા હતો, એપ્રિલ સુધીમાં તે લગભગ ૪૮ લાખે પહોંચ્યો અને બીજા જ મહિને મે થી જૂન દરમિયાન તેનો ભાવ ગગડીને ૨૨ લાખ રૂપિયા થઈ ગયો હતો. પછી ફરી બાવન લાખે પહોંચ્યો. તમે તેમાં રોકાણ કર્યા પછી શું થશે તે કોઈ કહી શકે નહીં!

આમ તમારી પાસે બિલકુલ ફાજલ મૂડી હોય અને તમે રીતસર જુગાર ખેલી શકતા હો તો જ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરીને જબરું વળતર મેળવવાની આશા રાખી શકાય (એમાંથી ૩૦ ટકા હવે સરકાર લઈ જશે!). પરંતુ મહેનતની કમાણીના, વ્યાજે લીધેલા કે ‘મરણમૂડી’ તરીકે સાચવેલા રૂપિયાનું ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!