આગળ શું વાંચશો?
- બ્રાઉઝરમાં પણ વાયટુકે પ્રકારનો પ્રોબ્લેમ આવવાની શક્યતા
- આઇફોનમાં ‘ટેપ ટુ પે’ ફીચરથી પેમેન્ટ વધુ સહેલું બનશે
- એપલે એરટેગ્સને સુરક્ષિત બનાવવાનાં પગલાં લીધાં
- ભારતમાં આ વર્ષ પૂરું થતાં પહેલાં 5-જી શરૂ થવાની સંભાવના
વાયટુકે (યર ટુ થાઉઝન્ડ) પ્રોબ્લેમ તમને યાદ છે? આપણે એકવીસમી સદીમાં પ્રવેશવા માટે થનગની રહ્યા હતા ત્યારે કમ્પ્યૂટર જગતના નિષ્ણાતોને એક જુદી વાતની ચિંતા સતાવતી હતી. તેમને ડર હતો કે દુનિયાભરનાં કમ્પ્યૂટર વર્ષ ૨૦૦૦ને ઓળખી શકશે નહીં. કારણ એ હતું કે ઘણા કમ્પ્યૂટર પ્રોગ્રામમાં વર્ષને ચાર અંકને બદલે માત્ર છેલ્લા બે અંકથી દર્શાવવામાં આવ્યું હતું. આ કારણે કમ્પ્યૂટરને વર્ષ ૧૯૦૦ અને વર્ષ ૨૦૦૦ વચ્ચેના તફાવતની ખબર ન પડે એવી શક્યતા હતી!

કંઈક એવી જ સમસ્યા હવે નવેસરથી સામે આવી છે. આ સમસ્યા દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સને લગતી છે. મોઝિલા બ્રાઉઝર વર્ષ ૨૦૦૨માં અને ગૂગલ ક્રોમ બ્રાઉઝર વર્ષ ૨૦૦૮માં લોન્ચ થયું હતું. બંને બ્રાઉઝર સતત વધુને વધુ લોકપ્રિય થતાં ગયાં છે. બંને કંપનીએ પોતપોતાના બ્રાઉઝરમાં નવા નવા અપડેટ્સ આપીને સતત તેનાં નવાં વર્ઝન લોન્ચ કર્યાં છે. હવે આ બંને બ્રાઉઝર તેના અપડેટેડ વર્ઝનની સદી ફટકારવાની બહુ નજીક છે!
ક્રિકેટમાં સદીની નજીક પહોંચેલો બેટ્સમેન જેમ ‘નર્વસ નાઇન્ટીઝ’નો અનુભવ કરે એવું જ આ બ્રાઉઝર્સના ડેવલપર્સ અનુભવી રહ્યા છે.
કારણ એ છે કે આ બ્રાઉઝર્સનું ૧૦૦મું વર્ઝન આવશે ત્યારે તેના વર્ઝનના આંકડા પહેલી વાર બેમાંથી ત્રણ થશે અને ઘણી બધી વેબસાઇટ્સ ફક્ત બે આંકડાના બ્રાઉઝરને ઓળખી શકે એ રીતે ડિઝાઇન થયેલી છે!
ક્રોમ બ્રાઉઝર માર્ચ મહિનામાં જ અને ફાયરફોક્સ મે મહિનામાં સદી ફટકારે તેવી શક્યતા છે. બંને બ્રાઉઝરના ડેવલપર્સ આગામી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને તેનો ઉપાય શોધવા માટે કામે લાગી ગયા છે. જોકે વાયટુકેના કિસ્સામાં બન્યું હતું તેમ આ વખતે પણ આ સમસ્યાનો કોઇક સચોટ ઉપાય નીકળી આવશે કેમ કે ફક્ત ૨૦ વર્ષમાં ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે.
તમારા આઇફોનમાં ‘ટેપ ટુ પે’ નામે એક નવું ફીચર ઉમેરાયું છે. આ ફીચરને કારણે લોકો પોતાના આઇફોન પર બહુ સહેલાઈથી પેમેન્ટ સ્વીકારી શકશે. અન્ય લોકો બીજી વ્યક્તિના આઇફોન પર પોતાના આઇફોનથી હળવેકથી ટેપ કરીને એપલ પે કે કોન્ટેક્ટલેસ ક્રેડિટ/ડેબિટ કાર્ડ અને અન્ય ડિજિટલ વોલેટ્સથી પેમેન્ટ કરી શકશે. નાના બિઝનેસ કે રીટેઇલર્સ પાસે જો આઇફોન હોય તો હવે તેમણે કોન્ટેક્ટલેસ પેમેન્ટ્સ સ્વીકારવા માટે અન્ય કોઈ હાર્ડવેરની જરૂર રહેશે નહીં.

એપલ કંપનીએ આ માટે વિસા, માસ્ટરકાર્ડ, અમેરિકન એક્સપ્રેસ અને ડિસ્કવર જેવા પેમેન્ટ નેટવર્ક સાથે ટાઇઅપ કર્યું છે. અલબત્ત શરૂઆતમાં આ ફીચરનો લાભ યુએસમાંના યૂઝર્સને મળશે. ઉપરાંત આ ફીચર માત્ર આઇફોન એક્સએસ કે ત્યાર પછીના મોડેલમાં મળશે.
એપલે સ્પષ્ટતા કરી છે કે આ ફીચરમાં પ્રાઇવસીની પૂરતી કાળજી લેવામાં આવશે તથા કઈ વાતની ખરીદી થઈ કે કોણે ખરીદી કરી વગેરે વિગતો એપલને ખબર પડશે નહીં.
‘સાયબરસફર’માં આપણે એપલના એરટેગ્સ વિશે વાત કરી ગયા છીએ. એપલ કંપનીએ બનાવેલ ટચૂકડા બટન જેવા એરટેગ આપણે માટે મહત્ત્વની ચીજવસ્તુઓનું ટ્રેકિંગ કરવા માટે માંડ બટન જે જેવડું આ સાધન ઉપયોગી છે. કારની ચાવીથી માંડીને મહત્ત્વની ફાઇલ્સને એરટેગ લગાવી શકાય છે, જેથી તે ખોવાય તો ડિજિટલ મેપ પર તેનું લોકેશન જાણી શકાય!

હવે તેનો ભળતો ઉપયોગ પણ બહાર આવ્યો. થોડા સમય પહેલાં કેનેડા પોલીસે જાહેર કર્યા મુજબ હાઇટેક ચોર પબ્લિક પ્લેસિસમાં પાર્ક થયેલી લકઝરી કાર્સમાં એરટેગ લગાવી દેતા હતા અને પછી સૂમસામ વિસ્તારોમાં બંગલાઓમાં પાર્ક થયેલી આ કાર સુધી પહોંચીને તેની ચોરી કરી જતા હતા!
લોકોનો પીછો કરવા માટે પણ એરટેગનો ઉપયોગ થતો હોવાનો વારંવાર વિવાદ ઊભો થતો રહ્યો છે.
આ બધું ધ્યાનમાં રાખીને એપલ કંપનીએ એરટેગથી અનવોન્ટેડ ટ્રેકિંગ બંધ કરવા માટે તેની ટેકનોલોજીમાં સંખ્યાબંધ અપડેટ્સ જારી કર્યા છે.
હવે કોઈ વ્યક્તિની જાણ બહાર તેના પર્સ કે અન્ય સામાનમાં, એ વ્યક્તિ માટે અજાણ્યો એરટેગ મૂકી દેવાયો હશે અને એ રીતે તેમનું ટ્રેકિંગ થઈ રહ્યું હશે તો તરત તેમને ચેતવવામાં આવશે.
એપલની સિસ્ટમ જે તે વ્યક્તિના આઇફોનના લોકેશન અને તેની તદ્દન નજીકના એરટેગનું લોકેશન તપાસશે, એ બંને એકમેક સાથે કનેક્ટ થયેલ નહીં હોય તો સિસ્ટમ નક્કી કરી લેશે કે એ આઇફોન ધરાવતી વ્યક્તિનું કોઈ બીજી વ્યક્તિના એરટેગથી ટ્રેકિંગ થઈ રહ્યું છે. આથી એ આઇફોનમાં એલર્ટ આવશે કે કોઈ બીજી વ્યક્તિ એરટેગથી તેમનું ટ્રેકિંગ કરી રહી છે! એપલ યૂઝર્સની સિક્યોરિટી બહુ ગંભીર ગણે છે એ ફરી સાબિત થયું.
ભારતમાં ફાઇવ-જી નેટવર્કનું રોલઆઉટ તેના ફાઇનલ તબક્કામાં પહોંચી ગયું છે. આ વર્ષના અંત સુધીમાં આપણને ફાઇવ-જી સર્વિસ મળવાની શરૂઆત થઈ જાય તેવી શક્યતા છે.

તાજેતરમાં ઇલેક્ટ્રોનિક્સ અને આઇટીના કેન્દ્રીય મંત્રીએ ‘‘ઇન્ડિયા ટેલિકોમ ૨૦૨૨’’ બિઝનેસ એક્સપોમાં આ વાત કહી હતી. આ પહેલાં કેન્દ્રીય નાણામંત્રીએ પણ બજેટ સત્ર દરમિયાન જાહેર કર્યું હતું કે આ વર્ષમાં જ ભારતમાં ફાઇવ-જી સર્વિસ શરૂ કરવા માટે જરૂરી સ્પેક્ટ્રમનું ઓકશન આગામી મહિનાઓમાં કરવામાં આવશે.
જોકે આ પ્રક્રિયા ઓગસ્ટ મહિનામાં થવાની શક્યતા છે. એ જોતાં ફાઇ-જી સર્વિસ શરૂ થતાં વર્ષનો અંત તો આવી જ જશે. શરૂઆતમાં અમદાવાદ, ગાંધીનગર, જામનગર સહિત દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદ્રાબાદ, કોલકત્તા, ચેન્નઈ, પૂણે, ગુરૂગ્રામ, ચંદીગઢ, લખનૌ વગેરે શહેરોમાં ફાઇવ-જી સર્વિસ મળવાની શરૂઆત થશે. આ શહેરોમાં ફાઇવ-જીની ટ્રાયલ સર્વિસ શરૂ થઈ ચૂકી છે.