ઇન્ટરનેટ પર હવે બધી જ વાતમાં આદાન-પ્રદાન જરૂરી થઈ ગયું છે. વાત માત્ર સોશિયલ મીડિયામાં આપણું યોગદાન આપવાની નથી.
જુદી જુદી ઘણી સાઇટ્સ કે એપમાં આપણે એકાઉન્ટ ખોલાવીએ ત્યારે આપણું નામ, એડ્રેસ, ફોન નંબર, ઇ-મેઇલ વગેરે ઘણી વિગતો આપવી પડે છે. એ જ રીતે, જેટલી સાઇટમાં એકાઉન્ટ, એટલા પાસવર્ડ પણ ખરા! ઓનલાઇન શોપિંગ કરતી વખતે આ બધી વિગતો ઉપરાંત કાર્ડની વિગતો પણ ટાઇપ કરવાની થાય. તમે વારંવાર ઓનલાઇન શોપિંગ કરતા હો તો તમે – તમારું પોતાનું ધ્યાન પણ ન ગયું હોય એ રીતે – ગૂગલના તમારા એકાઉન્ટમાં તમારા ક્રેડિટ કાર્ડની વિગતો સેવ કરી હોઈ શકે છે.

એ પછી, ઇન્ટરનેટ પર જ્યારે આ બધી વિગતો આપવાની થાય ત્યારે તે ઓટોફિલ થઈ શકે છે. સ્માર્ટફોનમાં સેટિંગ્સમાં Auto-fill service સર્ચ કરો.
આથી ગૂગલની આ સર્વિસનાં સેટિંગ્સ સુધી પહોંચી શકાશે. અહીંથી તમે એ પણ જાણી શકશો કે ગૂગલના એકાઉન્ટમાં તમારી કેટલી અને કઈ વિગતો સચવાયેલી છે. અહીં ઓટો-ફિલ સુવિધા ઓન કરશો તો ભવિષ્યમાં જ્યારે કોઈ જગ્યાએ આ બધી વિગતો આપવાની થાય ત્યારે એક ક્લિકથી લગભગ બધી વિગતો ભરાઈ જશે. જ્યાં આ સુવિધા કામ ન કરે ત્યાં સમજવું કે ગૂગલ તે સાઇટ/એપને ભરોસાપાત્ર ગણતી નથી!

