દુનિયાભરના વિવિધ દેશોના રસ્તાઓ પર ઘણે અંશે ‘ડ્રાઇવરલેસ’ થઈ શકે એવી કાર હવે વાસ્તવિકતા બનવા લાગી છે. આવી કારમાં ડ્રાઇવરની સીટ પર કોઈ જીવતી જાગતી વ્યક્તિ બેઠી હોય ખરી, પણ એ છાપું વાંચવામાં કે બ્રેકફાસ્ટ લેવામાં મશગૂલ હોય અને કાર પોતાની રીતે ચાલી રહી હોય એવું શક્ય બની ગયું છે. ગૂગલની માલિકીની વેમો કંપનીની નવી ઇલેક્ટ્રિક ટેક્સીમાં સ્ટીઅરિંગ વ્હિલ જ નહીં હોય એવી હમણાં કંપનીએ જાહેરાત કરી છે!

ત્યાં હવે અમેરિકામાં યોજાયેલા સીઇએસ ૨૦૨૨માં ડીયર એન્ડ કંપની નામની વિશ્વભરમાં ખેતીનાં સાધનો બનાવતી સૌથી મોટી કંપનીએ ફુલ્લી ઓટોનોમસ ટ્રેકટર રજૂ કર્યું. આ કંપનીએ જ વર્ષ ૧૮૩૭માં સ્ટીલનું બનેલું હળ રજૂ કરીને યાંત્રિક રીતે ખેતીનાં મંડાણ કર્યાં હતાં. હવે રજૂ થયેલું ઓટોનોમસ ટ્રેકટર આ વર્ષમાં જ ખેતરોમાં દોડવા લાગે એવી શક્યતા છે.
ખેડૂત આવું ટ્રેકટર પોતાના ખેતરમાં લાવે એ પછી પોતાના મોબાઇલ ફોનમાંની એપથી તેને કંટ્રોલ કરી શકશે. આ ટ્રેકટરનું એવી રીતે પ્રોગ્રામિંગ કરી શકાશે કે તે પોતાની મેળે ખેતર ખેડીને બીજ વાવશે, પોષક દ્રવ્યોનો છંટકાવ કરશે અને તૈયાર પાકની લણણી પણ કરી આપશે. એક-એક ઇંચની ચોકસાઈ સાથે આ કામ કરતું આ ટ્રેકટર આધુનિક કેમેરાથી સજ્જ રહેશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી કામ કરશે. ટ્રેકટરનું પૂરેપુરું પ્રોગ્રામિંગ કરવામાં આવે અને તેને રસ્તો બતાવી દેવામાં આવે તો તે ખેતર સુધી પણ આપોઆપ પહોંચી જશે. આ ટ્રેકટર ‘ન્યૂરલ નેટવર્ક અલ્ગોરિધમ્સ’ પર કામ કરશે અને તેના વિવિધ કેમેરાથી આસપાસની સ્થિતિની તેને જે માહિતી મળશે તેનું ફટાફટ પ્રોસેસિંગ કરી તે આગળ વધવાના નિર્ણયો જાતે જ કરશે. ટ્રેકટરમાંની કમ્પ્યૂટર સિસ્ટમને ટ્રેઇન કરવા માટે કંપની પાછલાં ઘણાં વર્ષોથી વિવિધ ખેતરોનો ડેટા એકઠો કરીને સિસ્ટમમાં ફીડ કરી રહી હતી.
કંપનીએ આ નવતર ટ્રેકટરની કિંમત વિશે હજી કોઈ ફોડ પાડ્યો નથી, પરંતુ કંપનીના હાલનાં સૌથી મોંઘાં મોડેલ ૮ લાખ ડોલર સુધીની કિંમત ધરાવે છે (ધ્યાન આપજો, ડોલર. રૂપિયામાં ગણતરી કરવા માટે આ આંકડાને ૭૫, ૮૦થી ગુણવો પડશે!). ટ્રેકટરની વધુ પડતી ઊંચી કિંમત રાખવી પડશે એ સમજતી કંપની ખેડૂતો આવાં ટ્રેકટર ભાડે લઈ શકે એવી વ્યવસ્થા પણ વિચારી રહી છે.

આ સમાચાર સાથે એ પણ જાણી લો કે ભારતમાં ચાર વર્ષ પહેલાં, રાજસ્થાનમાં એક ખેડૂતના ૧૯ વર્ષના દીકરાએ પચાસ હજાર રૂપિયાના ખર્ચે, સાદા ટ્રેક્ટરને પૂરેપૂરી રીમોટથી ઓપરેટ કરી શકાય એવી પદ્ધતિ વિક્સાવી હતી.
યુટ્યૂબ પર ચર્સ કરો : yogesh nagar driverless tractor
