કલ્પના કરો કે તમે જે કાર કે સ્કૂટર ખરીદેલ હોય તેમાં કોઈ એક ચોક્કસ કંપનીનાં જ ટાયર કે કોઈ એક ચોક્કસ કંપનીનું પેટ્રોલ જ ચાલી શકે તેમ હોય તો? આપણે કોઈ એવા વિસ્તારમાં જવાનું થાય જ્યાં એ કંપનીના ટાયર તો છોડો, પેટ્રોલ જ ન મળતું હોય તો? બે મિનિટ અટકીને આ મુદ્દા પર વિચાર કરશો તો સમજાશે કે કોઈ પણ કંપનીના પેટ્રોલથી વાહન ચલાવી શકાય એવી હાલની સ્થિતિ કેટલી રાહતભરી છે!

ટેકનિકલ ભાષામાં આ બાબતને ‘ઇન્ટરઓપરેબિલિટી’ અથવા ‘સ્ટાન્ડર્ડડાઇઝેશન’ કહી શકાય. આ જ વાત બીજી રીતે વિચારવી હોય તો થોડા વર્ષ પાછળના સમયમાં પહોંચી જઇએ.
સાદા ફીચર ફોનના સમયમાં જેટલી કંપનીના ફોન એટલી જાતનાં ચાર્જર હતાં! આપણે બહારગામ જઇએ અને પોતાના ફોનનું ચાર્જર સાથે લેવાનું ભૂલી જઇએ તો તકલીફ થઇ જાય. હવે એન્ડ્રોઇડના સમયમાં એ મુદ્દે રાહતભર્યું સ્ટાન્ડર્ડાઇઝેશન થઈ ગયું છે. આપણે બીજા કોઈને ઘરે હોઇએ ત્યારે એમની પાસે કોઈ પણ કંપનીનો – એન્ડ્રોઇડ – ફોન હોય તો તેમના ચાર્જરથી આપણું કામ ચાલી જાય.
આવી સ્થિતિ ઓફિસ ડોક્યુમેન્ટ્સની બાબતે અગાઉ નહોતી. જુદી જુદી કંપનીના ઓફિસ પ્રોગ્રામ્સમાં તૈયાર કરેલા ડોક્યુમેન્ટ્સ બીજી કંપનીના એ જ પ્રકારના સોફ્ટવેરમાં ચાલી શકતા નહોતા (સ્થાનિક ભાષામાં ફોન્ટની બાબતે હજી ઘણે અંશે આવી અરાજકતા છે, જે યુનિકોડ ફોન્ટથી ઘટી છે).

ઓફિસ ડોક્યુમેન્ટ્સની જ વાત કરીએ તો આ ક્ષેત્રમાં માઇક્રોસોફ્ટના ઓફિસ પ્રોગ્રામ્સનો એવો દબદબો છે કે તેના સિવાય બીજી કંપનીના ઓફિસ પ્રોગ્રામ હશે એવો પણ આપણને સહેલાઈથી વિચાર આવતો નથી. હકીકતમાં માઇક્રોસોફ્ટ ઉપરાંત એપલ, આઇબીએમ, ગૂગલ, ડબલ્યુપીએસ, લિબેરઓફિસ, ઓપનઓફિસ વગેરે જુદી જુદી ઘણી કંપની કે ઓર્ગેનાઇઝેશનના ફ્રી કે પેઇડ ઓફિસ પ્રોગ્રામ્સ હોય છે, જે બધા જ માઇક્રોસોફ્ટના વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ જેવા જ ઓફિસ સોફ્ટવેર આપે છે.
સામાન્ય રીતે આમાંથી કોઈ પણ સોફ્ટવેરમાં તૈયાર કરેલ ડોક્યુમેન્ટ તે ચોક્કસ સોફ્ટવેરને સંબંધિત ફાઇલ એક્સટેન્શન ધરાવતું હોય છે. જેમ કે માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ માટે .doc અથવા .docx પ્રકારના એક્સટેન્શન હોય. અગાઉ એવી સ્થિતિ હતી કે આવા કોઈ ચોક્કસ સોફ્ટવેર અને તેનું ફાઇલ એક્સટેન્શન ધરાવતું ડોક્યુમેન્ટ અન્ય કંપનીના સોફ્ટવેરમાં ખુલી શકે નહીં, પછી ભલે બંને સોફ્ટવેર એક જ પ્રકારનું કામ આપતા હોય.
એક જ પ્રકારનું કામ જુદા જુદા સોફ્ટવેરમાં સંભવ થતું હોવાથી, આવી ફાઇલ્સ અલગ અલગ પ્રોગ્રામમાં ઓપન કરવા માટે ઓપન ડોક્યુમેન્ટ ફોર્મેટ વરદાનરૂપ બને છે.
બ્રોશર ડિઝાઇન કરવાની સગવડ આપતા કોરલ ડ્રો પ્રોગ્રામની ફાઇલ્સ આંકડાની મગજમારી કરવાની સગવડ આપતા માઇક્રોસોફ્ટ એક્સેલ પ્રોગ્રામમાં ખુલી ન શકે એ આપણે સમજી શકીએ. પરંતુ માઇક્રોસોફ્ટ એક્સેલ અને ગૂગલ શીટ્સ બંને સ્પ્રેડશીટ પ્રોગ્રામ હોવા છતાં અને એક જ પ્રકારનું કામ કરવાની સગવડ આપતા હોવા છતાં બંનેની ફાઇલ એકમેકમાં ઓપન ન થઈ શકે એ સ્થિતિ અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જે.
અહીં જ ઓપન ‘ડોક્યુમેન્ટ ફોર્મેટ’ ચિત્રમાં આવે છે.
હવે ખાસ કરીને ઓફિસ સોફ્ટવેર આપતી લગભગ બધી કંપની ઓપન ડોક્યુમેન્ટ ફોર્મેટને સપોર્ટ કરે છે. આ ડોક્યુમેન્ટ્સ માટેનું એક એવું ગ્લોબલ સ્ટાન્ડર્ડ છે જે જુદી જુદી કંપનીના સોફ્ટવેરમાં તૈયાર થયેલા ડોક્યુમેન્ટને એકમેકમાં સહેલાઇથી ઓપન અને એડિટ કરવાની સગવડ આપે છે.
એક રીતે જોઈએ તો ઓપન ડોક્યુમેન્ટ ફોર્મેટ ડોક્યુમેન્ટમાંના ડેટા અને તેને તૈયાર કરનાર સોફ્ટવેરને અલગ અલગ રાખે છે.
જો તમે પીસીમાં કામકાજ માટે માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામનો ઉપયોગ કરતા હો પરંતુ મોબાઇલમાં ગૂગલ ડ્રાઇવનો વધુ ઉપયોગ કરતા હો તો તમે ગૂગલ ડ્રાઇવમાં ડોક્સ કે શીટ્સ પ્રોગ્રામમાં તૈયાર કરેલી ફાઇલ સહેલાઇથી માઇક્રોસોફ્ટ વર્ડ કે એક્સેલ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો. એ જ રીતે પીસીમાં તમે લિબેરઓફિસ જેવા ફ્રી પ્રોગ્રામનો ઉપયોગ કરતા હો તો તેમાં તમારી ફાઇલ્સ માઇક્રોસોફ્ટના ફોર્મેટમાં સેવ કરી શકો છો, જેથી તમારા ક્લાયન્ટને એ ફાઇલ મોકલો ઓ માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામ્સમાં પણ તેને ઓપન કરી શકે!
આ રીતે જુદા જુદા પ્રોગ્રામ અને ફોર્મેટમાં કામ કરતી વખતે હજી પણ ક્યારેક કમ્પેટિબિલિટીના પ્રશ્નો આવે છે એટલે કે અમુક પ્રોગ્રામના અમુક ખાસ ફીચર બીજા પ્રોગ્રામમાં કામ ન કરે, તેમ છતાં, ઓપન ડોક્યુમેન્ટ ફોર્મેટ આજની અનેક સોફ્ટવેર અને સર્વિસમાં વહેંચાયેલી દુનિયા માટે આશીર્વાદ છે એ નક્કી છે.
વધુ જાણો અહીં ઃ https://opendocumentformat.org/

