હજી સ્કૂલો ચાલુ-બંધ થઈ રહી છે, અને ક્લાસ ઓફલાઇન અને ઓનલાઇન એમ બંને રીતે ચાલી રહ્યા છે. ક્લાસ પૂરેપૂરા ઓફલાઇન થઈ જશે એ પછી પણ વિદ્યાર્થીઓના હાથમાંથી મોબાઇલ હવે તો બિલકુલ છૂટવાના નથી! વાત અભ્યાસની હોય કે ઓફિસના કામની, સ્માર્ટફોન જેટલા ઉપયોગી છે એટલા જ એ અવરોધરૂપ પણ છે. આપણે ગમે તેટલું મન મક્કમ રાખીને અભ્યાસ કે કામમાં મન પરોવવાનો પ્રયાસ કરીએ, વારંવાર ફોનમાં ટપકી પડતાં નોટિફિકેશન્સ આપણને બહુ સહેલાઈથી યુટ્યૂબ, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટા વગેરે તરફ ખેંચી જાય છે, જ્યાંથી પાછા વળવું મુશ્કેલ હોય છે.

અલબત્ત, બધાં નોટિફિકેશન્સ બિનજરૂરી હોતાં નથી. સદભાગ્યે, એન્ડ્રોઇડના આઠમા અવતારથી જુદી જુદી એપ્સનાં જુદા જુદા પ્રકારનાં નોટિફિકેશન્સ પર આપણને ખાસ્સો કંટ્રોલ મળ્યો છે. તેનો લાભ લેવા સેટિંગ્સમાં પેજ પર જાઓ. તેમાંથી જે તે એપના પેજ પર જાઓ અને એ એપ તમને કેટલા પ્રકારની બાબતો માટે નોટિફિકેશન મોકલી શકે છે એ તપાસો.
અમુક, માત્ર પોતાના કામ સાથે મતલબ રાખતી એપ્સ તરફથી બહુ ઓછા પ્રમાણમાં નોટિફિકેશન્સ મોકલાતાં હોય છે, જ્યારે યુટ્યૂબ કે ફેસબુકમાં તમે જોશો તો ખ્યાલ આવશે આ એપ્સ, કેટકેટલી રીતે લલચાવીને આપણને તેના તરફ ખેંચી જવા માટે તત્પર હોય છે! તમે ઇચ્છો તો આ બધાં નોટિફિકેશન સદંતર બંધ કરી શકો અથવા તમને બિનજરૂરી લાગે એ બાબતોનાં નોટિફિકેશન બંધ કરો. સ્માર્ટફોન પર વેડફાતો ઘણો સમય બચી જશે!
