જોતમે સોશિલય મીડિયા પર ખાસ્સા એક્ટિવ હશો તો હમણાં હમણાં અન્ય યૂઝર્સ તરફથી લીલાં-પીળાં કે ગ્રે ચોકઠાંવાળા સ્ક્રીનશોટ્સ વારંવાર શેર થતા હોવાનું જોઈ કદાચ ગૂંચવાતા હશો. આ ઇન્ટરનેટનો નવો ક્રેઝ છે! નેટ પર ઘણી વાર બહુ સામાન્ય લાગતી બાબત અચાનક જબરજસ્ત વાયરલ બની જતી હોય છે.
આવું તાજું ઉદાહરણ છે ‘વર્ડલ’ ગેમ.
ક્રોસવર્ડની જેમ, પણ કોઈ ક્લૂ વિના સાચો શબ્દ શોધવાની મથામણ કરાવતી આ ગેમની મજા એ છે કે તેમાં રોજેરોજ ફક્ત એક જ શબ્દ શોધવાની તક મળે છે, એ પણ માત્ર છ ટ્રાય કરીને! શબ્દની હિંટ આપી હોય અને તેના આધાર આડા-ઊભા શબ્દો ગોઠવવાની ક્રોસવર્ડ ગેમ ઇંગ્લિશ, ગુજરાતી અને બીજી ભાષાઓમાં વર્ષોથી લોકપ્રિય છે. અખબારોમાં છપાતા આવા શબ્દ કોયડા ખાસ કરીને નિવૃત્ત લોકોને આનંદથી સમય પસાર કરવામાં બહુ મદદરૂપ થાય છે.
‘વર્ડલ’ એક પ્રકારે આવી જ એક શબ્દ રમત છે. તેમાં આપણને પાંચ ખાલી ચોકઠાં આપવામાં આવે છે, જેમાં પહેલેથી નક્કી થયેલો શબ્દ કયો તે આપણે શોધવાનું છે. નીચે, બીજાં પાંચ ખાલી ચોકઠાં આપેલાં હોય છે. આપણે સૌથી પહેલાં, ઉપલાં પાંચ ચોકઠાંમાં મનમાં સૂઝે તે આલ્ફાબેટ લખવાના. આપણે મૂકેલો આલ્ફાબેટ સાચા શબ્દના સ્પેલિંગની જેટલો નજીક હોય એ મુજબ એ ચોકઠાનો રંગ બદલાય.
વાત આટલી જ છે, પરંતુ હાલમાં લોકો કલાકો સુધી આ રમત રમતાં થાકતા નથી. ગયા મહિનાથી પોતાનો પ્રોગ્રેસ શેર કરવા માટેનું બટન મળ્યા પછી લોકો ધડાધડ લીલાં, પીળાં ચોકઠાં ધરાવતાં પોતાના વર્ડલ સોશિયલ મીડિયા પર શેર કરવા લાગ્યા અને ગેમ વાયરલ બની ગઈ! શેર થયેલા વર્ડલમાં જવાબ ન હોય, માત્ર રંગીન ચોકઠાં હોય.
મજા ગેમની સિમ્પ્લિસિટીમાં છે. ફક્ત આલ્ફાબેટ ધારવાના છે! પણ ઇંગ્લિશ સારું હશે તો જ વાત બનશે. ઉપરાંત, રોજનો ફક્ત એક જ શબ્દ, વધુ કંઈ નહીં. હવે તો આ ગેમ એટલી પોપ્યુલર બની છે કે આજના કોયડાનો સાચો જવાબ કયો હતો તે બીજા દિવસે કહેતી વેબસાઇટ્સ પણ શરૂ થઈ છે. તમને રસ પડ્યો હોય તો https://www.powerlanguage.co.uk/wordle/ સાઇટ પર આ ગેમ રમી શકાશે. જવાબ આપતી સાઇટ્સ જાતે શોધી જુઓ!
આ ગેમનો ગુજરાતી એંગલ!

ગેમ ઇંગ્લિશ શબ્દોની છે, પણ આ વાતમાં એક મજાનો અને ગુજરાતી તરીકે આપણને પણ રસ પડે એવો એક ટ્વીસ્ટ હવે આવે છે! આ ગેમ જોશ વર્ડલ (Josh Wardle)નામના એક સોફ્ટવેર એન્જિનિયરે બનાવી છે. પોતાની સરનેમ સાથે વર્ડ પ્લે કરીને તેને ગેમનું નામ ‘Wordle-વર્ડલ’ રાખ્યું!
ન્યૂયોર્ક ટાઇમ્સ અખબારનો રિપોર્ટ કહે છે કે આ ગેમ તેણે પોતાની પલક શાહ નામની ફ્રેન્ડ માટે બનાવી હતી, જેને શબ્દ ચોકઠાં પૂરવામાં મજા પડે છે. પછી આ ગેમ ગયા ઓક્ટોબર મહિનામાં ઇન્ટરનેટ પર મૂકવામાં આવી અને હવે આખી દુનિયા બંને વર્ડલની ફેન બની ગઈ છે!
આ ગેમનું ગૂગલ કનેક્શન!

બિલકુલ સિમ્પલ, રોજ ફક્ત એક શબ્દ જ શોધવાની રમત કરાવતી આ ગેમ ઇન્ટરનેટ પર એટલી પોપ્યુલર થઈ છે કે ગૂગલે પણ તેની અનોખી રીતે નોંધ લીધી છે.
પીસી કે લેપટોપમાં બ્રાઉઝરમાં તમે wordle શબ્દ સર્ચ કરો તો સ્ક્રીન પર ડાબી તરફ ગૂગલનો લોગો વર્ડલ ગેમની જેમ છ ચોકઠામાં ફેરવાઈ જાય છે અને છએ ચોકઠામાં જુદા જુદા આલ્ફાબેટ લખવાના અખતરા પછી, ગૂગલનો સાચો સ્પેલિંગ થતાં છએ ચોકઠા લીલા કલરમાં ફેરવાઈ જાય છે!
મોબાઇલમાં પણ તમે wordle શબ્દ સર્ચ કરો ત્યારે ટોચમાં આ જ રીતે વર્ડલ ગેમ સ્વરૂપે, ગૂગલનો સાચો સ્પેલિંગ શોધવાની મથામણ બતાવવામાં આવે છે. વર્ડલ ગેમ રમવામાં સાવ સિમ્પલ છે. પરંતુ તમને એ ગેમ કેમ રમવી એ વિશે હજી પણ ગૂંચવણ હોય તો ગૂગલની આ રમતથી આખી વાત સ્પષ્ટ થઈ જશે.
ગૂગલે વિશ્વસ્તરે જેની ચર્ચા ચાલતી હોય તેવી બાબતો અને ઐતિહાસિક બાબતોને વર્ષોથી પોતાના લોગોમાં વણી લેવાની પરંપરા અપનાવી છે (ગૂગલનાં બધાં ડૂડલ અહીં જોઈ શકાય છે ઃ https://www.google.com/doodles) પરંતુ વર્ડલના કિસ્સામાં તેણે વર્ડલનું ડૂડલ બનાવ્યું નથી એટલે કે ગૂગલ પર કંઈ પણ સર્ચ કરતી વખતે તેનો લોગો વર્ડલ સ્વરૂપ જોવા મળતો નથી. જ્યારે આપણે વર્ડલ શબ્દ સર્ચ કરીએ માત્ર ત્યારે આ ગેમની ઝલક ગૂગલના લોગોમાં જોવા મળે છે.
આ ગેમ મળશે અહીંઃ www.powerlanguage.co.uk/wordle/
આ વેબપેજ પર પહોંચો ઃ https://www.powerlanguage.co.uk/wordle/- છ હરોળમાં પાંચ અક્ષરનાં ચોકઠાં જોવા મળશે, જે ખાલી હશે.
- આ ગેમમાં રોજનો એક શબ્દ નક્કી હોય છે, આપણે તેના સુધી છ ટ્રાયમાં પહોંચવાનું છે.
- પહેલાં પાંચ ચોકઠાંમાં કોઈ પણ પાંચ અક્ષરનો સાચો શબ્દ ટાઇપ કરો, બાજુના ઉદાહરણ પ્રમાણે CRAZE
- સાચા શબ્દ મુજબ, આપણે ધારેલા શબ્દમાં માત્ર બે આલ્ફાબેટ R, A સાચા છે, બંને સાચી જગ્યાએ છીએ એટલે એ ચોકઠાં ગ્રીન થશે.
- હવે T અને એ તેની જગ્યાએ આવતા હોય તેવો બીજો કઈ શબ્દ ટાઇપ કરો, જેમ કે TRACK
- સાચા શબ્દ મુજબ, આપણે ધારેલા શબ્દમાં હવે C પણ સાચો, પણ તે ખોટી જગ્યાએ હોવાથી તેનું ચોકઠું યલો થશે.
- આ રીતે શબ્દો ધારતા રહી, છ ટ્રાયમાં સાચા શબ્દ સુધી પહોંચો!

