(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇ-કોમર્સ ભૂલી જાઓ, હવે આવ્યું છે ક્યૂ-કોમર્સ!

રોજબરોજની ચીજવસ્તુઓની તમે હજી નજીકની દુકાનેથી ખરીદી કરો છો કે ઓનલાઇન એપ્સ પર? અબજો રૂપિયાના આ ધંધાનું ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે.

તમે  જો કરિયાણા-શાકભાજીની નાની-મોટી દુકાન ચલાવતા વેપારી હશો તો લેખના હેડિંગમાં ‘કસદાર’ શબ્દ તમને ખટક્યો હશે. મનમાં થયું હશે, ‘‘કેવો કસદાર ને કેવી વાત! એક તો માર્જિન પહેલેથી ઓછો હતો ને એમાં પણ ભાગ પડાવવા હવે આ ઓનલાઇન એપ્સવાળા જોરશોરથી મચી પડ્યા છે!’’ શાકભાજી-કરિયાણાના ધંધામાં માર્જિન કેટલો એ તો એના વપેપારી જ જાણે, પણ આ ધંધામાં ટાટા-અંબાણીને પણ રસ પડ્યો છે એ હકીકત છે (બિરલાવાળા અગાઉ આ ધંધામાં દાઝી ચૂક્યા છે)!

બીજી તરફ માત્ર વીસેક વર્ષ પહેલાં, મુંબઈના એક પરામાં ફક્ત એક સ્ટોરથી આ ધંધામાં પડેલા રાધાકિશન દામાણી પછી તો આઇપીઓ લાવ્યા અને રાતોરાત, વર્ષોથી ઉદ્યોગતિ તરીકે જામેલા અંબાણી-અદાણીની હરોળમાં આવી ગયા!

કરિયાણાની દુકાનવાળાને વર્ષોથી જાહેરાતનું ફરફરિયું છપાવવાની જરૂર લાગતી નહોતી, ત્યાં હવે ઓનલાઇન ગ્રોસરી એપ્સ અખબારોમાં આખેઆખા પાનાની જાહેરાતો કરવા લાગી છે. કેમ? કેમ કે આ ધંધો સૌને કસદાર લાગે છે. ઓનલાઇન સ્વરૂપે તો ખાસ! ટેક્નોલોજીએ આપણા જીવનનાં અનેક પાસાં બદલી નાખ્યાં છે તેમ, ‘કરિયાણાનું હટાણંુ’ કરવાની સદીઓ જૂની પદ્ધતિ પણ, ટેક્નોલોજીના પ્રતાપે તેજ ગતિએ બદલાવા લાગી છે.

હજી હમણાં સુધી જે ધંધામાં બચત ને ડિસ્કાઉન્ટની બોલબાલા હતી, ત્યાં હવે સમયની કિંમત થવા લાગી છે. હજી ડિસ્કાઉન્ટ ભૂલાયું નથી, પણ જ્યાંથી, જેમાંથી ઝડપી-સહેલી ડિલિવરી મળે એ તરફ લોકો વધુ વળવા લાગ્યા છે. આ ધંધાની પદ્ધતિઓ વર્ષોથી બદલાઈ નથી, પણ હવે બહુ ઝડપથી બદલાશે એ નક્કી છે.

આપણે કોઈ પણ હોઈએ – કરિયાણાના ગ્રાહક, વેપારી અને સ્ટાર્ટઅપ્સ – અત્યારે ચાલતા ઘમાસાણનાં બધાં પાસાં સમજ્યા વિના ચાલશે નહીં.

સાદી દુકાનો મજબૂત સ્થિતિમાં હતી, પણ કોરોનાથી ચિત્ર બદલાયું

થોડાં વર્ષ પહેલાં મોલ કલ્ચર વિક્સ્યું ત્યારથી નાના દુકાનદારો ભીંસમાં આવશે એવી ચર્ચા ચાલી હતી, પણ એવું થયું નહીં. ફેશન આઇટમ્સ પૂરતા મોલ્સ ચાલ્યા પણ રોજબરોજની, ઘરવપરાશની ચીજવસ્તુઓ, કરિયાણું, શાકભાજી વગેરે માટે લોકો નજીકની દુકાનમાં જ જતા હતા.

એ પછી મોટા માર્ટ અને સુપરસ્ટોર્સ આવતાં ચિત્ર ફરી બદલાવા લાગ્યું. એસી સ્ટોરમાં, કાર્ટ લઈને લહેરથી ટહેલતાં દાળ-શાક ખરીદવાનું લોકોને ગમવા લાગ્યું અને નાના દુકાનદારો તેની ઝાળ અનુભવવા લાગ્યા. એ સમયે, પાંચ-છ વર્ષ પહેલાં મોટાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સે કરિયાણા અને શાકભાજી ઓનલાઇન વેચવાનો પ્રયાસ કર્યો, પણ કોઈની કારી ફાવી નહોતી. પછી કોરોના આવતાં ફરી સ્થિતિ બદલાઈ. મોટા સ્ટોર્સ પર નિયંત્રણો આવ્યાં, પણ કરિયાણાની નાની દુકાનો ખુલ્લી રહી શકી. પરંતુ એ જ અરસામાં લોકો ‘કોન્ટેક્ટલેસ’ ખરીદી તરફ વળવા લાગ્યા.

આપણા સ્માર્ટફોનમાં જુદી જુદી ચીજવસ્તુ કે સર્વિસ માટે ઓનલાઇન ઓર્ડર કરી શકાય એવી એપ્સની ભરમાર થવા લાગી. મોટા સ્ટોર્સ પણ પોતાની ઓનલાઇન એપ્સ લાવવા લાગ્યા. હવે ગ્રાહકો સાદી દુકાનો ને ઓનલાઇન એપ્સમાં વહેંચાવા લાગ્યા છે.

જે આજે કરિયાણામાં થઈ રહ્યું છે, એ કાલે આપણા જીવન અને કામ ધંધાને સ્પર્શતી દરેક બાબતોમાં થવાનું છે. નવા સમયની નવી રીતો શીખવી-સમજવી અનિવાર્ય છે.

ઇ-કોમર્સ ધીમી ગતિએ વેગ પકડી રહ્યું હતું, પણ કોરોનાને કારણે ઓનલાઇન ખરીદી, ઓનલાઇન પેમેન્ટ્સ વગેરે બધું જ અચાનક વધ્યું અને આપણને એ બધું સગવડભર્યું પણ લાગ્યું. હવે શહેરોમાં લોકો છાપાંની સાથે એપ પર દૂધની થેલીનાં પણ ‘લવાજમ’ ભરવા લાગ્યા છે. રોજિંદા કરિયાણા અને શાકભાજીનો ધંધો આપણા દેશમાં બહુ મોટો છે અને હજી પણ બહુ મોટા પાયે એ નાના વેપારીઓના હાથમાં જ છે, પણ એમાં ઝડપથી બદલાવ આવી રહ્યો છે. આ વખતે નાના વેપારીઓએ પોતાનો ગરાસ લૂંટાતો બચાવવા, પોતે પણ ટેક્નોલોજીનો ઉપયોગ અપનાવ્યા વિના છૂટકો નથી.

મોટી કંપનીઓની મોટી લડાઈ, નાના સ્ટાર્ટઅપ્સની નાની લડાઈ

અત્યારે એક તરફ દેશના ટાટા, અંબાણી, દામાણી, વિદેશના વોલમાર્ટ, એમેઝોન ને બીજાં અનેક સ્ટાર્ટઅપ્સ છે અને બીજી તરફ દેશના ખૂણે ખાંચરે કરિયાણાની નાની-મોટી દુકાનના દુકાનદારો છે.


આમાંથી અત્યારે કોનું પલડું, કેટલું ભારે છે એ ખરેખર જાણવા જેવું છે.

નિષ્ણાતો કહે છે કે ૨૦૨૫ સુધીમાં ભારતમાં ઓનલાઇન ગ્રોસરી માર્કેટ વર્ષે ૨૪ અબજ ડોલર (રૂપિયા નહીં)નો ધંધો કરવા લાગશે. આ અાંકડો દેશના કુલ કરિયાણા બજારના વકરાના માત્ર ૩ ટકા છે! અત્યારે દેશના કરિયાણા બજારના પૂરા ૯૫ ટકા પર  બિલકુલ અસંગઠિત, નાના-થોડા મોટા દુકાનદારોનું રાજ છે.

બીજા શબ્દોમાં મોટી મોટી કંપનીઓને નવી નવી ટેક્નોલોજી, ડેટા એનાલિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરેની મદદથી કમાણી કરવા માટે અને કરિયાણાવાળાનો ધંધો ખૂંચવવા જબરજસ્ત મોટી તક છે. એ જ કારણે અત્યારે દેશ-વિદેશની મહાકાય કંપનીઓ અબજો ડોલર (ફરી, રૂપિયા નહીં)નું પાણી કરીને આપણને દાળ-દાણા ને શાકભાજી વેચવાની ઓનલાઈન દુકાનો ખોલવા લાગી છે.

થોડાં વર્ષ પહેલાં ઇ-કોમર્સ કંપનીઓએ કરિયાણા અને શાકભાજી, ફળફળાદિ માટે ઓનલાઇન દુકાન શરૂ કરવા છતાં સમયને મુદ્દે તેમનો ધંધો જામતો નહોતો. એટલે હવે આવ્યું ક્વિક-કોમર્સ.

અત્યારે પહેલેથી ઇ-કોમર્સમાં મોટું સ્થાન મેળવી ચૂકેલી કંપની કરિયાણા તરફ વળી છે. તેની સાથોસાથ, તદ્દન અન્ય પ્રકારના પણ ઓનલાઇન, એપ્સ આધારિત બિઝનેસ ચલાવતી કંપની પણ કરિયાણા તરફ વળી છે. ત્રીજી તરફ, નાનાં નાનાં અસંખ્ય સ્ટાર્ટઅપ્સ પણ રોજેરોજ ખૂલી રહ્યાં છે, જે ડાઇરેક્ટ ફોન પર, સોશિયલ મીડિયા પર કે પછી એપ્સ દ્વારા ઓર્ડર લે છે અને શક્ય એટલી ઝડપી ડિલિવરી કરવા પ્રયાસ કરે છે. આમ સાદી દુકાન ધરાવતા કરિયાણાવાળાઓ પર ત્રણ તરફથી ભીંસ વધી છે.

આમાં, કેટલાંક સ્ટાર્ટઅપ્સ કરિયાણાની દુકાન અને ગ્રાહક વચ્ચે માત્ર મધ્યસ્થી બની રહ્યાં છે, જેનાથી કરિયાણાના દુકાનદારને નુક્સાનને બદલે ફાયદો થાય છે.

ઇ-કોમર્સ ભૂલી જાવ, હવે સમય છે ક્યૂ-કોમર્સનો

અત્યાર સુધી ઓનલાઇન સામે સાદી દુકાનની બાજી ઉપર રહી છે, પણ હવે સાદી દુકાનોનાં હથિયાર ઓનલાઇનવાળા અજમાવવા લાગ્યા છે – આ હથિયાર છે સમય.

હજી હમણાં સુધી ચારે તરફ ઇ-કોમર્સની ચર્ચા હતી. નજીકની દુકાનમાં કે શહેરના મોટા માર્કેટમાં જઇને ખરીદી કરવાને બદલે, બધું આંગળીના ઇશારે ખરીદવાની આપણને ટેવ પડવા લાગી હતી. આવી ખરીદીમાં ઓનલાઇન ઓર્ડર કર્યા પછી એ ડિલિવર થાય ત્યાં સુધી ખાસ્સી રાહ જોવી પડે છે. તમે રૂપિયા ખર્ચીને પ્રીમિયમ મેમ્બર બન્યા હો અને ‘મફત’ તથા ઝડપી ડિલિવરી મેળવવાના હકદાર હો તો પણ ડિલિવરીમાં ઓછામાં ઓછા ૨૪ કલાક તો થાય જ.

નવા ફોન કે ડિઝાઇનર ડ્રેસ માટે આટલી રાહ જોવામાં કોઈને ખાસ વાંધો ન હોય પરંતુ વાત બ્રેડ-બટર કે શાકભાજીની હોય ત્યારે એવું ન ચાલે. એટલે જ બે-ત્રણ વર્ષ પહેલાં સુધી, મોટી મોટી ઇ-કોમર્સ કંપનીઓએ કરિયાણા અને શાકભાજી, ફળફળાદિ માટે ઓનલાઇન ઓર્ડર અને ડિલિવરી શરૂ કરવા છતાં તેમનો ધંધો જામતો નહોતો. સમયની બાબતે નજીકની કરિયાણાની દુકાન કે ફ્લેટ નીચે જ ઊભતા શાકભાજીની લારીવાળાનો હાથ ઉપર રહેતો હતો.

આથી ઇ-કોમર્સને સ્થાને હવે ‘ક્યૂ-કોમર્સ, ક્વિક-કોમર્સ’ આવ્યું છે. કોરોનાને કારણે  લોકો થોડો સમય રાહ જોઈને પણ, કોન્ટેક્ટલેસ ખરીદી વધુ પસંદ કરવા લાગ્યા એટલે ઇ-કોમર્સમાં પહેલેથી જામી ગયેલાં મોટાં પ્લેટફોર્મ્સથી માંડીને નાનાં-નાનાં અનેક સ્ટાર્ટઅપ્સને નવેસરથી ઓનલાઇન કરિયાણામાં કસદાર ધંધો દેખાવા લાગ્યો છે. ઓર્ડરનું પ્રમાણ વધતાં આ પ્લેટફોર્મ્સ અને સ્ટાર્ટઅપ્સે ઝડપી ડિલિવરી પર ફોકસ કર્યું.

હવે જુદી જુદી કંપની અડધા કલાકમાં કે સાવ ૧૦-૨૦ મિનિટમાં ઓર્ડરની ડિલિવરીનું પ્રોમિસ આપવા લાગી છે. ક્યૂ-કોમર્સનો કનસેપ્ટ યુરોપમાં લાંબા સમયથી જામી ગયો છે. ભારત માટે હજી પ્રારંભિક તબક્કામાં છે, પણ ઝડપથી વિસ્તરશે એ નક્કી છે.

ગ્રોસરી એપ્સના ઓનલાઇન રણમેદાનના કેન્દ્રમાં છે ‘ડાર્ક સ્ટોર્સ’

ક્યૂ-કોમર્સ કનસેપ્ટના કેન્દ્રમાં ‘ડાર્ક સ્ટોર્સ’ રહેલા છે. હજી હમણાં સુધી મોટાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ જુદાં જુદાં શહેરોની બહાર મસમોટાં ગોડાઉન્સ ઊભા કરીને તેમાં જુદી જુદી ચીજવસ્તુઓમાં મોટા પાયે સ્ટોક જાળવતાં હતાં. આપણે ઓનલાઇન ઓર્ડર આપીએ એ પછી આપણા શહેરના ગોડાઉનમાં એ ચીજવસ્તુ ન હોય તો બીજા શહેરમાંથી આપણા શહેરમાં આવે અને પછી ત્યાંથી આપણા ઘર સુધી પહોંચે. ક્યૂ-કોમર્સમાં સપ્લાય ચેઇનની વ્યવસ્થા તદ્દન બદલી નાખવામાં આવી છે.

મોટાં પ્લેટફોર્મ્સ તેમને અત્યાર સુધી મળેલા ઓર્ડર્સના ડેટા એનાલિસિસ પછી ક્યા વિસ્તારમાંથી કરિયાણાના અને શાકભાજી જેવી ચીજવસ્તુના વધુમાં વધુ ઓર્ડર આવે છે તેનું એનાલિસિસ કરીને એ વિસ્તારોના કેન્દ્રમાં પોતાના નાના સ્ટોર ઊભા કરવા લાગી છે.

‘ડાર્ક સ્ટોર્સ’ તરીકે ઓળખાતા આ સ્ટોર્સ બે રીતે કામ કરી શકે છે. કાં તો કંપની તેનો ઉપયોગ માત્ર નાના ગોડાઉન તરીકે કરે ને નજીકમાંથી ઓર્ડર મળતાં ત્યાંથી ચીજવસ્તુ ઉઠાવી ફટાફટા ડિલિવરી થાય અથવા કસ્ટરમર પોતે ઓનલાઇન ઓર્ડર કરે પછી તેને ડિલિવરીની ઉતાવળ હોય કે ચાર્જ ચૂકવવો ન હોય તો ઓફિસેથી પરત ફરતાં તે આવા ડાર્ક સ્ટોર્સમાં પહોંચે, કાઉન્ટર પર પોતાનો ઓનલાઇન ઓર્ડર બતાવે, તેમણે ઓર્ડર કરેલ ચીજવસ્તુઓ ડિલિવરી માટે તૈયાર હોય અને ગ્રાહક ઝભલાં ઉપાડીને ઘર તરફ  રવાના થાય!

ઓનલાઇન સિક્કો જમાવી ચૂકેલાં પ્લેટફોર્મ્સ ડાર્ક સ્ટોર્સ દ્વારા ઝડપી ડિલિવરી તરફ વળ્યાં છે, તો બીજી સુપરસ્ટોર્સ પણ પોતાના નાના-નાના ડાર્ક સ્ટોર્સ ઊભા કરવા લાગ્યા છે!

ડાર્ક સ્ટોર્સ કરિયાણાના રણમેદાનમાં ખરેખર કેન્દ્રમાં છે. એક તરફ ઓનલાઇન સિક્કો જમાવી ચૂકેલાં પ્લેટફોર્મ્સ ડાર્ક સ્ટોર્સ દ્વારા ઝડપી ડિલિવરી તરફ વળ્યાં છે, તો બીજી તરફ મોટા ફિઝિકલ સુપરમાર્કેટ્સમાં બિલ ચૂકવવા માટેની લાંબી લાઇન્સથી કંટાળેલા ગ્રાહકો ઓનલાઇન શોપિંગ તરફ વળી ન જાય એ માટે આવા સુપરસ્ટોર્સ પણ પોતાના નાના-નાના ડાર્ક સ્ટોર્સ ઊભા કરવા લાગ્યા છે!

ગ્રાહક તરીકે આપણે બંને તરફથી ફાયદો છે.

‘જૂની ને જાણીતી’ રીતોથી ગ્રાહકો ખેંચવાના નવા મુસખા

કરિયાણા અને શાકભાજી જેવી લોકોને ઝડપથી જોઇતી હોય તેવી ચીજવસ્તુની એકદમ ઝડપી ડિલિવરીના રસ્તાઓ શોધાવા લાગ્યા છે તેમ આવી ચીજવસ્તુ ઓનલાઇન ઓર્ડર કરવા માટે પણ કંપનીઓ તરફથી નવી નવી રીતો અજમાવવામાં આવી રહી છે.

હજી હમણાં જ રિલાયન્સ કંપનીએ જાહેર કર્યું છે કે લોકો જિઓ માર્ટમાંથી ખરીદી કરવા માટે વોટ્સએપનો ઉપયોગ કરી શકશે. અમુક શહેરોમાં આ સર્વિસ શરૂ થઈ ગઈ છે. ભારતમાં વોટ્સએપના ૪૦ કરોડ જેટલા યૂઝર્સ છે. આ લોકોએ કરિયાણાની ઓનલાઇન ખરીદી માટે પોતાના સ્માર્ટફોનમાં નવી કોઈ એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર જ નહીં રહે.

વોટ્સએપ પર જિઓ માર્ટના બિઝનેસ એકાઉન્ટ સાથે રોજિંદી ચેટની જેમ ફટાફટ નાની મોટી ચીજવસ્તુઓનો ઓર્ડર નોંધાવી શકાશે. હાલમાં ડિલિવરી ફ્રી છે અને અમુક રકમનો ઓર્ડર હોવો જોઇએ એવી કોઈ શરત લાગુ નથી. લોકો આ રીતે ચીજવસ્તુઓની રોજિંદી અને નિયમિત ડિલિવરી મેળવવા માટે સબસ્ક્રિપ્શન ભરી શકે તેવી પણ વ્યવસ્થા થઈ રહી છે.

બીજી તરફ પહેલેથી જુદા પ્રકારના ઓનલાઇન બિઝનેસમાં મોટો યૂઝર બેઝ અને ડિલિવરી નેટવર્ક ઊભું કરે ચૂકેલી કંપનીઓ પણ કરિયાણાના ક્યૂ-કોમર્સમાં ઝંપલાવી રહી છે. જેમ કે ઓનલાઇન ફૂડ ડિલિવરી સર્વિસ સ્વિગીએ તેની મુખ્ય એપમાં જ ‘ઇન્સ્ટામાર્ટ’ નામે કરિયાણાની ઇ-દુકાન ઊભી કરી દીધી છે. આપણે  સ્વિગીની એપ ઓપન કરીએ ત્યારે નીચેના મુખ્ય મેનૂમાં ઇન્સ્ટામાર્ટ કેન્દ્રમાં જોવા મળે છે, જે કંપનીનું નવું ફોકસ બતાવે છે.

એપ્સના આ સમયમાં કોણ, ક્યારે કયા ધંધામાં ઝંપલાવશે તે કોઈ કહી શકે તેમ નથી. કરિયાણાની દુકાનવાળાએ કદાચ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે રેસ્ટોરન્ટવાળા આ રીતે પણ તેમના સીધા હરીફ બની જશે!

બળિયાઓની આ બથંબથીમાં કરિયાણાવાળાએ ટકવું હોય તો…

આ લડાઇમાં કરિયાણાની સાદી દુકાનવાળાએ ટકી રહેવું હશે તો દુકાનદારે એ સમજવું પડશે કે ઓનલાઇન એપ્સ કઈ રીતે બાજી પલટી રહી છે.

અત્યાર સુધી આપણી નજીકની કરિયાણાની દુકાનનો હાથ એ વાતે ઉપર હતો કે આપણે જે જોઇએ તે ચીજવસ્તુ ત્યાંથી ફટાફટ મળી જતી હતી.

ઘરે અચાનક મહેમાન આવે અને ચાની ભૂકી ખૂટી ગઈ હોય તો છેવટે દીકરાને દોડાવીને પણ નજીકની દુકાનેથી મગાવી લઈ શકાય. હવે ઓનલાઇન પ્લેટફોર્મ્સ એના કરતાં પણ વધુ ઝડપી ડિલિવરીનું પ્રોમિસ આપવા લાગ્યાં છે. આમ સમય અને સગવડનું હથિયાર કરિયાણાની દુકાનવાળા પાસેથી ઝૂંટવાઈ રહ્યું છે.

નાન દુકાનદારો વોટ્સએપ બિઝનેસ એપ અને ગૂગલ પે ફોર બિઝનેસ જેવાં ટૂલ્સ અને યુપીઆઈ પેમેન્ટની મદદથી હજી પણ ઓનલાઇન એપ્સને ટક્કર આપી શકે છે.

હવે ગ્રાહકો સાથે વર્ષોનો સંબંધ એ એક જ વાત પર કરિયાણાવાળાનો બધો મદાર છે. એનો લાભ લઈને ઘણા કરિયાણાવાળા પોતાના કાયમી ગ્રાહકો પાસેથી વોટ્સએપ પર ઓર્ડર મેળવીને ફટાફટ ડિલિવરી કરવા લાગ્યા છે. વાસ્તવિક કરિયાણાની દુકાન અને નજીકના ગ્રાહકના ઘર વચ્ચે કડી તરીકે કામ કરે અને માત્ર ઓર્ડરની ફટાફટ ડિલિવરી પર ફોકસ્ડ હોય એવાં સ્ટાર્ટઅપ્સ પણ વિકસવા લાગ્યાં છે. એ રીતે જૂના ને જાણીતા કરિયાણાવાળાઓને ટેક્નોલોજી પાર્ટનર મળવા લાગ્યા છે!  તેમને એની જરૂર પડશે જ, કેમ કે હરીફાઈ જબરી છે.

હવે મોટાં શહેરોથી માંડીને નાનાં શહેરો અને ગામ સુધી આ લડાઈ પહોંચી ગઈ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!