(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આપણી ફેવરિટ સોશિયલ સાઇટ્સમાં ઉમેરાયેલાં નવાં ફીચર્સ પર એક નજર

ગયા એક વર્ષમાં ઇન્ટરનેટ પર ઘણું બધું બદલાયું, એના કારણે આપણે પણ ઘણા બદલાયા, અત્યારે માત્ર સોશિયલ મીડિયાની વાત કરીએ!

વર્ષો-વર્ષ આખા ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં સતત ફેરફારો થતા રહે છે પણ ૨૦૨૦ કોરોના આવ્યા પછી આ બધાં પરિવર્તનોએ વધુ વેગ પકડ્યો.કોરોનાને કારણે અચાનક આપણે સૌ ટેકસેવી બન્યા! જુદાં જુદાં ઘણાં કારણોસર આપણે સ્માર્ટફોનનું વધુ ને વધુ શરણું લેવાનંુ થયું. એ વર્ષે વર્ક-ફ્રોમ-હોમ અને લર્ન-ફ્રોમ-હોમને કારણે વીડિયો કૉલિંગનો જુવાળ આવ્યો.

એ ટ્રેન્ડ હવે હાઇબ્રિડ ટ્રેન્ડ તરીકે આગળ વધી રહ્યો છે અને હવે સોશિયલ મીડિયા પરનું ઇન્ટરેક્શન પણ સતત વધી રહ્યું છે. 

ગયા એક વર્ષ દરમિયાન, આપણી ફેવરિટ સોશિયલ મીડિયા સાઇટ્સમાં મોટા પાયે નવાં નવાં ફીચર્સ ઉમેરાયા અને કેટલાક, આપણું ખાસ ધ્યાન ન જાય એવા ફેરફાયો પણ થયા. અત્યારે એ બધા પર એક સાથે નજર ફેરવી લઈએ.

તમે આ સાઇટ્સનો નિયમિત ઉપયોગ કરતા હો (કોણ નથી કરતું?!) તો પણ એમાં આવેલાં અમુક ફીચર્સ કે ફેરફારો તમારી નજરથી દૂર રહ્યાં હોય એવું બની શકે છે.

ગયા વર્ષ દરમિયાન સોશિયલ સાઇટ્સમાં આપણી પ્રાઇવસી, એકાઉન્ટ અને ફીડ કંટ્રોલ તથા સર્વિસના સીધા ઉપયોગની બાબતે ઘણી નવી સગવડો મળી છે.

અહીં આ બધી નવી સગવડોની ટૂંકમાં વાત કરી છે. તમારે એ વિશે વધુ જાણવા જે તે સર્વિસનાં સેટિંગ્સમાં થોડા ઊંડા ઊતરવું પડશે!

આગળ શું વાંચશે?

  • ફેસબુકમાં આવેલાં નવાં ફીચર્સ
  • વોટ્સએપમાં આવેલાં નવાં ફીચર્સ
  • ઇન્સ્ટાગ્રામમાં આવેલાં નવાં ફીચર્સ
  • ટવીટરમાં આવેલાં નવાં ફીચર્સ

ફેસબુક રીલ્સ

ઇન્સ્ટાગ્રામની જેમ ફેસબુકે પણ ગયા વર્ષે વીડિયો શેરિંગ માટે ‘રીલ્સ’ નામે સુવિધા આપી. તેની મદદથી આપણે ફેસબુક એપ પર શોર્ટ વીડિયો અપલોડ કરી શકીએ છીએ અને તેમાં ટેકસ્ટ પણ ઉમેરી શકીએ છીએ.  ચાહો તો તમે ઇન્સાગ્રામની રીલ્સ ત્યાંથી ફેસબુકમાં ઉમેરી શકો છો.

લાઇવ ચેટ સપોર્ટ

ફેસબુક તરફથી આ બહુ મોટી સગવડ મળી છે. કોઈ પણ મોટી ઇન્ટરનેટ કંપનીના આપણા એકાઉન્ટમાં કંઈક સમસ્યા ઊભી થાય તો કંપની તરફથી સપોર્ટ મેળવવો બહુ મુશ્કેલ હોય છે. મોટા ભાગે કંપનીની કોન્ટેક્ટ ડીટેઇલ મેળવવી પણ મુશ્કેલ હોય છે. ફેસબુકે આમાં નવો ચીલો ચાતર્યો છે. ફેસબુકનું એકાઉન્ટ ધરાવતા જે લોકો પોતાના એકાઉન્ટમાં ફરી લોગઇન ન થઈ શકતા હોય તો એકાઉન્ટની એક્સેસ મેળવવા માટેની જૂની રીતો અપનાવવા ઉપરાંત હવે ફેસબુક કંપનીના એક્ઝિક્યુટીવ સાથે લાઇવ ચેટ કરીને તેની મદદ મેળવવાનો વિકલ્પ પણ ગયા વર્ષથી મળ્યો છે.

ગૂગલ, ટ્વીટર જેવી અન્ય કંપનીઓએ પણ ફેસબુકની આ પહેલનું અનુકરણ કરવા જેવું છે. અલબત્ત અત્યારે આ સુવિધા માત્ર પ્રાયોગિક ધોરણે યુએસના યૂઝર્સ માટે ઉપલબ્ધ છે, પરંતુ વહેલામોડો આપણને પણ તેનો લાભ મળશે. ત્યારે ઘણા યૂઝરની સમસ્યા સહેલાઈથી ઉકેલાવાની આશા જાગશે.

નવી પેજ ડિઝાઇન

ફેસબુકે ગયા વર્ષે ખાસ ભારતના યૂઝર્સ માટે તેનાં પેજને રીડિઝાઇન કર્યા. આ કારણે પેજનું મેનેજમેન્ટ થોડું વધુ સરળ બન્યું છે.

એડ પોલિસીમાં ફેરફાર

ગયા વર્ષથી ફેસબુકે તેના પ્લેટફોર્મ પરના ક્રિએટર્સને પોતાના લાઇવ વીડિયોમાં પોતાની રીતે જાહેરાતો મૂકવાની મંજૂરી આપી. આ પહેલાં ફેસબુકના માત્ર અમુક યૂઝરને આવી સુવિધા મળતી હતી. એ ઉપરાંત ફેસબુકે તેની એડ પોલિસીમાં અન્ય ફેરફારો પણ કર્યા.

હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત આપનાર કંપનીએ વધુ કેટલાક નિશ્ચિત નિયમોનું પાલન કરવું જરૂરી બન્યું છે. આનો અર્થ એ થયો કે ફેસબુક પર જાહેરાત કરનાર કોઈ પણ વ્યક્તિ કે કંપનીએ તેની પોતાની ઓળખ અને લોકેશન પણ જાહેર કરવાં પડશે અને ફેસબુક પર જાહેરાત માટે કોણે રૂપિયા આપ્યા છે તેની પણ સ્પષ્ટતા કરવી પડશે.

ફેસબુક પર રાજકીય પક્ષો દ્વારા થતી જાહેરાતને આ બાબત ખાસ અસર કરે છે.

ગેમ્સનું લાઇવ સ્ટ્રીમિંગ

ફેસબુકે ગયા વર્ષથી તેની એપને લાઇવ ગેમ્સ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મમાં ફેરવી નાખવાના પ્રયાસો શરૂ કર્યા છે. સોશિયલ ચેટિંગમાં ફેસબુક પહેલેથી નંબર વન છે, લોકો તેના પર ગેમ્સ પણ રમે છે. ફેસબુક આવા ગેમિંગ યૂઝર્સની ફેસબુક પર ભીડ ઊભી કરવા માગે છે.

મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ

લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે ફીચર આખરે ગયા વર્ષે વોટ્સએપમાં મળ્યું (‘સાયબરસફર’ના ઓગસ્ટ ૨૦૨૧ અંકમાં આ વિશે આપણે વિગતવાર વાત કરી છે).

આ ફીચરને કારણે વોટ્સએપનો એક સાથે ચાર ડિવાઇસમાં ઉપયોગ શક્ય બન્યો. આ ફીચરની મદદથી આપણે મૂળ જે સ્માર્ટફોનમાં વોટ્સએપ એકાઉન્ટ હોય એના ઉપરાંત અન્ય બ્રાઉઝરમાં વોટ્સએપ એક્સેસ કરી શકીએ છે.

આ ફીચરનો મોટો ફાયદો એ છે કે મૂળ સ્માર્ટફોન ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ ન રહે તો પણ અન્ય ડિવાઇસમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકાય છે.

અલબત્ત ઘણાં યૂઝર્સે નોંધ્યું છે તેમ વોટ્સએપ એકાઉન્ટ એક જ હોય તો પણ બ્રાઉઝરમાં એક્સેસ કરીએ ત્યારે અમુક મેસેજ તેમાં ન દેખાય તેવું બની રહ્યું છે. મેસેજિસ સિંક થવામાં મુશ્કેલીને કારણે હાલમાં આ તકલીફ થઈ રહી છે.

તેમ છતાં ખાસ કરીને બિઝનેસ પ્રમોશન માટે વોટ્સએપનો ઉપયોગ કરતી નાની ટીમ માટે મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ વરદાનરૂપ સાબિત થઈ રહ્યો છે.

વોટ્સએપ પેમેન્ટ્સ

વોટ્સએપમાં યુપીઆઈ પેમેન્ટની પણ ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. તેના ટ્રાયલ રનને ૨૦૧૮માં મંજૂરી મળી ગઈ હતી. પરંતુ ત્યારે બહુ મર્યાદિત પ્રમાણમાં વોટ્સએપ યૂઝર્સ તેનો ઉપયોગ કરી શકતા હતા.

ગયા વર્ષથી ચાર કરોડ લોકોને વોટ્સએપમાં યુપીઆઈની મદદથી પોતાનું બેન્ક એકાઉન્ટ કનેક્ટ કરવાની સગવડ મળી ગઈ છે. ભારતના વોટ્સએપના ટોટલ યૂઝર્સ ૪૦ કરોડ ઉપર છે એટલે આગળ જતાં વોટ્સએપને વધુ યૂઝર્સને આ સુવિધા આપવાની મંજૂરી મળશે તે પછી ભારતમાં ઓનલાઇન પેમેન્ટનું ચિત્ર હજી વધુ બદલાશે.

ગાયબ થતા મેસેજ

વોટ્સએપમાં આપણા પર પાર વગરના મેસેજ આવતા હોય તો તેને ડિલીટ કરવા એ એક મોટી કસરત થઈ જાય છે. વોટ્સએપે મેસેજિસ અમુક નિશ્ચિત સમય પછી આપોઆપ ડિલીટ થાય એવી સગવડ ગયા વર્ષે આપી અને એ પછી ગયા વર્ષે આ ફીચર અપડેટ કર્યું. હવે ૨૪ કલાક, સાત દિવસ અથવા ૯૦ દિવસ પછી મેસેજ આપોઆપ ડિલીટ થાય એવી સગવડ મળી છે. વોટ્સએપમાં જે તે વ્યક્તિ અથવા ગ્રૂપની ઇન્ફર્મેશન ધરાવતા પેજ પર પહોંચીને મેસેજ કેટલા સમય પછી ડિલીટ થાય તે આપણે નક્કી કરી શકીએ છીએ.

વેબવર્ઝનમાં વીડિયો-ઓડિયો કોલિંગ

વોટ્સએપનો તમે સ્વજનો કે મિત્રો સાથેના સંપર્ક ઉપરાંત બિઝનેસ કે ઓફિસના કામકાજ માટે પણ વધુ ઉપયોગ કરતા હો તો ગયા વર્ષે  મળેલી આ સુવિધા તમને બહુ કામ લાગી શકે છે. વોટ્સએપનું ડેસ્કટોપ વર્ઝન ડાઉનલોડ કર્યા પછી પીસી કે લેપટોપમાંથી વોટ્સએપના અન્ય યૂઝર સાથે વોઇસ કોલ કે વીડિયો કોલ કરી શકાય છે.

અત્યારે મર્યાદિત પ્રમાણમાં યૂઝર્સને આ સગવડ મળી રહી છે. પરંતુ તેનો વ્યાપ વધ્યા પછી ઓફિસના સમય દરમ્યાન લોકો સામાન્ય કોલને બદલે વોટ્સએપ કોલ  જ કરતા થઈ જાય તો નવાઈ નહીં!

પ્રાઇવસી ફીચર્સ

ગયા વર્ષે વોટ્સએપમાં કેટલાંક ખાસ પ્રાઇવસી ફીચર્સ પણ ઉમેરાયાં. આ કારણે આપણું ‘લાસ્ટ સીન’ તથા ‘ઓનલાઇન’ હોવાનું સ્ટેટસ અજાણ્યા કોન્ટેક્ટસ ન જોઈ શકે એવી સુવિધા આપણને મળી. એ માટે સેટિંગ્સમાં, એકાઉન્ટમાં, પ્રાઇવસીમાં જવાનું રહેશે.

ક્યૂઆરકોડ સ્કેનર

વોટ્સએપમાં યુપીઆઈ પેમેન્ટ સુવિધા વધુ યૂઝર્સને મળવા લાગી એ પછી વોટ્સએપે તેના કેમેરાને ક્યૂઆર કોડ સ્કેનરમાં ફેરવી નાખ્યો છે. પરિણામે આપણે વોટ્સએપમાં યુપીઆઈ એકાઉન્ટ કનેક્ટ કર્યું હોય તો કોઈ યુપીઆઈ ક્યુઆર કોડ સ્કેન કરીને એ યુપીઆઇ એકાઉન્ટને વોટ્સએપમાંથી રકમ મોકલી શકીએ છીએ કે તેની પાસેથી રકમ માગી શકીએ છીએ.

વોઇસ મેસેજ પ્રીવ્યૂ

વોટ્સએપ પર બહુ મોટા પ્રમાણમાં લોકો વોટ્સએપમાં મેસેજ ટાઇપ કરવાને બદલે વોઇસ મેસેજ મોકલી આપતા હોય છે. હજી હમણાં સુધી વોઇસ મેસેજ રેકોર્ડ કરીએ તે પછી તરત ને તરત તે સેન્ડ થઈ જતો હતો.

ગયા વર્ષથી મેસેજ રેકોર્ડ કર્યા પછી આપણે પોતે તેને ફરી સાંભળી શકીએ અને પછી યોગ્ય લાગે તો મોકલી શકીએ એવી સુવિધા મળી.

મેસેજ ટ્રાન્સફર

ગયા વર્ષે વોટ્સએપે આઇફોન અને એન્ડ્રોઇડ ફોનમાં આપણી જૂની ચેટ્સ ટ્રાન્સફર કરવાનું સહેલું બનાવી દીધું. અગાઉ આઇફોન કે એન્ડ્રોઇડના જ એક ફોનમાંથી બીજા ફોનમાં વોટ્સએપ એકાઉન્ટ ટ્રાન્સફર કરવું સરળ હતું, પરંતુ એકમાંથી બીજા પ્લેટફોર્મમાં જવું અઘરું હતું. હવે આઇફોનના કેબલ કે એન્ડ્રોઇડના યુએસબી ટાઇપ સી પોર્ટથી ચેટ સહેલાઈથી ટ્રાન્સફર કરી શકાય છે. અલબત્ત હજી આ સુવિધા અમુક ફોનમાં જ ઉપલબ્ધ છે.

ઓફિસ માટે પણ વોટ્સએપનો ઉપયોગ કરતા મોટા ભાગના લોકો સ્માર્ટફોન ઉપરાંત પીસીમાં વોટ્સએપનો ઉપયોગ કરે છે. હવે પીસીમાં જ વોઇસ કોલ પણ કરવાની સગવડ મળી છે.

રીલ્સમાં જાહેરાતો

ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીઝમાં જાહેરાતો મૂકી શકાતી હતી. ગયા વર્ષથી રીલ્સમાં પણ વર્ટિકલ અને ફૂલસ્ક્રીન એડ બતાવવાનું શરૂ કરવામાં આવ્યું.

બ્રેક લેવાનું સજેશન

ઇન્સ્ટાગ્રામનો વધુ પડતો ઉપયોગ, ખાસ કરીને ટીનેજર્સના માનસિક સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી એવા હોબાળા થયા પછી, ગયા વર્ષથી ઇન્સ્ટાગ્રામે તેની એપમાં  યૂઝરને બ્રેક લેવાનું સૂચવવાનું શરૂ કર્યું. આ કારણે કોઈ યૂઝર એક જ વિષય પર ઇન્સ્ટાગ્રામમાં વધુ પડતો સમય ગાળે ત્યારે તેને બીજો કોઈ વિષય તપાસવાનું સૂચવવામાં આવશે. એ ઉપરાંત કોઈ યૂઝર ઇન્સ્ટાગ્રામ પર સતત ૧૦, ૨૦ કે ૩૦ મિનિટ ગાળે તો એ સમય પછી તેને બ્રેક લેવાનું સૂચવવામાં આવે એવું યૂઝર પોતે સેટિંગ કરી શકે છે.

સ્ટીકર લિંક્સ

ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીઝમાં લિંક આપેલી હોય ત્યારે સ્ટોરી જોઈ રહેલી વ્યક્તિ ઉપરની તરફ સ્વાઇપ કરીને એ લિંક જોઈ શકે તેવી વ્યવસ્થા હતી. ગયા વર્ષથી ઇન્સ્ટાગ્રામે સ્વાઇપ અપ કરવાને બદલે સ્ટોરીઝમાં જ લિંકનાં સ્ટીકર ઉમેરી શકાય એવી સગવડ આપી.

કોલાબરેશન

ગયા વર્ષથી ઇન્સ્ટાગ્રામમાં એક બીજા યૂઝર સાથેનું કોલાબરેશન વધુ સરળ બન્યું. હવે ઇન્સ્ટાગ્રામના યૂઝર નવી પોસ્ટ અને રીલ્સ ક્રિએટ કરતી વખતે તેમાં અન્ય યૂઝરને સહેલાઈથી સાંકળી શકે છે.

રીલ્સ રીમિક્સ

ટિકટોકની હરીફાઇમાં ઉતરેલી ઇન્સ્ટાગ્રામે ગયા વર્ષથી, ટિકટોકના ટ્યુએટ ફીચરની જેમ, તેના રીલ્સ ફીચરમાં રીમિક્સ કરવાની સગવડ આપી. પરિણામે જે ક્રિએટરે પોતાની રીલની એક્સેસ આપી હોય તેને યથાવત જાળવી, તેના પર બીજા યૂઝર રીલની રીમિક્સ બનાવી શકે છે – ફાયદો બંને યૂઝરને છે!

લાઇવ રૂમ્સ

ગયા વર્ષથી ઇન્સ્ટાગ્રામ પર લાઇવ બ્રોડકાસ્ટમાં એકથી વધુ યૂઝર સંકળાઈ શકે એવી સગવડ મળી. આ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થતી વ્યક્તિ ફક્ત બીજા એક યૂઝરને તેમાં ઉમેરી શકતી હતી. આ કારણે એક ઇન્સ્ટાગ્રામ યૂઝર પોતાના લાઇવ બ્રોડકાસ્ટમાં બીજા યૂઝરને એડ કરીને બંને લાઇવ વાતચીત કરે અને બીજા યૂઝર તેને જુએ-સાંભળે તેવું થતું હતું. ગયા વર્ષથી હવે આવા લાઇવ બ્રોડકાસ્ટમાં એક સાથે ચાર યૂઝર જોડાઈ શકે તેવી સગવડ મળી.

ડિલીટ કરેલા મેસેજ પરત મેળવવા

ઇન્સ્ટાગ્રામ પર આપણે સૌ અવારનવાર ભૂલથી ફોટોઝ કે વીડિયો ડિલીટ કરી બેસતા હોઇએ છીએ. આપણાં પોતાના ઉપરાંત કોઈ હેકર આપણું એકાઉન્ટ હેક કરી લે અને ફોટો કે વીડિયો ડિલીટ કરે તો એ બધું પરત મેળવવું મુશ્કેલ હતું. ગયા વર્ષથી ઇન્સ્ટાગ્રામ પર ‘રીસન્ટલી ડિલીટેડ’ નામે એક ફીચર ઉમેરાયું જેની મદદથી કોઈ પણ કારણસર આપણા એકાઉન્ટમાંથી તાજેતરમાં ડિલીટ થયેલ કન્ટેન્ટ પરત મેળવી શકીએ છીએ.

પ્રોફેશનલ ડેશબોર્ડ

ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ બિઝનેસ પ્રમોશન માટે કરતા લોકોને ગયા વર્ષે પ્રોફેશનલ ડેશબોર્ડની ભેટ મળી. આ કારણે ઇન્સ્ટાગ્રામના બિઝનેસ અને ક્રિએટર એકાઉન્ટને પોતાનું કન્ટેન્ટ વધુ સારી રીતે મેનેજ કરવાની સગવડ મળી.

સ્ટોરીઝમાં પણ ટ્રાન્સલેશન

ઇન્સ્ટાગ્રામમાં અત્યાર સુધી પોસ્ટમાંની ટેકસ્ટ અને કેપ્શનનું ટ્રાન્સલેશન મેળવી શકાતું હતું. હવે સ્ટોરીઝમાંની ટેકસ્ટ પણ ઓટોમેટિકલી ટ્રાન્સલેટ કરી શકાય એવી સગવડ ગયા વર્ષથી મળી.

ફોલોઅર્સનું સોફ્ટ બ્લોકિંગ

ટ્વીટર પર કોઈ તદ્દન અજાણી વ્યક્તિ તમને ફોલો કરવા લાગે અને તમે તેનાથી દૂર રહેવા માગતા હો અથવા તમે કોઈ ફોલોઅરથી અંતર જાળવવા માગતા હો તો એ ગયા વર્ષથી થોડું સહેલું બન્યું છે. અગાઉ આપણે કોઈ ચોક્કસ ફોલોઅરને તદ્દન બ્લોક કરી શકતા હતા, પણ હવે તેમને ‘સોફ્ટ બ્લોક’ કરી શકીએ છીએ. આથી તમે એ કોન્ટેક્ટને સોફ્ટ બ્લોક કર્યા હોવાની તેને જાણ પણ થતી નથી.

સેફ્ટી મોડ

ટ્વીટર પર ટ્રોલર્સ બહુ તીવ્ર કે ઝેરી કમેન્ટ્સનો મારો કરી શકે છે, તેનો સામનો કરવા માટે ગયા વર્ષથી સેફ્ટી મોડની સગવડ મળી છે. આ મોડમાં કોઈ યૂઝરની ટ્વીટ્સ વિશે વાંધાજનક ભાષામાં પ્રતિભાવો આવવા લાગે તો ટ્વીટરની સિસ્ટમ એ એકાઉન્ટ્સને કામચલાઉ ઓટો-બ્લોક કરી  દે છે. 

મિસઇન્ફર્મેશન લેબલ

અન્ય સોશિયલ મીડિયાની જેમ ટ્વીટર પર તદ્દન ખોટી માહિતી ફેલાવતી ટ્વીટ્સની ભરમાર રહે છે, ચૂંટણીઓ નજીક હોય ત્યારે તો ખાસ. ગયા વર્ષથી ટ્વીટરે આવી ટ્વીટ્સ પર ખાસ ધ્યાન ખેંચે એ રીતે લેબલ લગાવવાનું શરૂ કર્યું છે. આવાં લેબલ્સ અગાઉ પણ હતાં, ગયા વર્ષે તેને રીડિઝાઇન કરીને વધુ સ્પષ્ટપણે દેખાય એવાં બનાવવામાં આવ્યાં છે. સવાલ એવો થાય કે જો ટ્વીટ ગેરમાર્ગે દોરે તેવી જ હોય તો કંપની તેને ફક્ત લેબલ લગાવવાને બદલે તદ્દન દૂર કેમ કરતી નથી? ભારત જેવા દેશમાં આવાં લેબલ્સને કારણે જ વારંવાર વિવાદ થાય છે. કંપની આવું લેબલ લગાવી પોતાની જવાબદારી ખંખેરી નાખે છે!

બર્ડવોચ

ટ્વીટરે ગયા વર્ષે યુએસમાં ‘બર્ડવોચ’ નામનો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, જેમાં યૂઝર્સ ગેરમાર્ગે દોરતી લાગે તેવી ટ્વીટને ફ્લેગ કરીને તેના વિશે સાચી માહિતી ઉમેરી શકશે. ટૂંકમાં, સોશિયલ મીડિયા કંપની પોતે કોઈ જવાબદારી લેવાને બદલે, બધી વાતે યૂઝર્સને ખો આપી રહી છે!

પ્રોમ્પ્ટ્સ

આપણે ટ્વીટર પર કોઈ ગરમાગરમ ચર્ચાવાળી ટ્વીટ્સમાં ઝંપલાવીશું તો હવે આ ફીચરથી સિસ્ટમ આપણને ચેતવે છે કે આગે ખતરા હૈ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!