
અત્યારે લગભગ દરેક હાથમાં સ્માર્ટફોન જોવા મળે છે તેમ ઘણાં કાંડામાં સ્માર્ટવૉચ પણ જોવા મળે છે. કોઈના કાંડે આવી સ્માર્ટવૉચ જોઈને લોકોનાં ત્રણેક પ્રકારનાં રિએક્શન હોઈ શકે. એક, ‘‘ઓહો, પાર્ટી મોટી લાગે છે, એપલની સ્માર્ટવૉચ ખરીદી છે!’’ બીજું, ‘‘ઠીક છે હવે, કેટલા બજેટની હશે એ દેખાઈ આવે છે!’’ અને જેમને સ્માર્ટવૉચ વિશે કંઈ જ ખબર નથી એમના મનમાં એવો વિચાર પણ આવી જતો હશે કે ‘‘જેનું ડાયલ કાળું ધબ્બ હોય, કંઈ દેખાતું જ ન હોય, એવી ઘડિયાળ શી કામની!’’
સ્માર્ટફોન આવ્યા પછી મોટા ભાગના લોકોના કાંડેથી પરંપરાગત ઘડિયાળ ગાયબ થઈ, પણ હવે એ સ્માર્ટવૉચ સ્વરૂપે પરત ફરી છે. ઓટો ઇન્ડસ્ટ્રીની જેમ વૉચ ઇન્ડસ્ટ્રીમાં પણ પરંપરાગત વૉચ મેન્યુફેક્ચરિંગ કંપની અને ટેક્નોલોજી કંપનીની ભેળસેળ થઈ ગઈ છે. બધી કંપની હવે વિવિધ લેવલનું કામ આપતી સ્માર્ટવૉચ ઓફર કરવા લાગી છે.
જે તે ક્ષણના સમય ઉપરાંત, જુદા જુદા સમયે ઉપયોગી થઈ શકે તેવી માહિતી માણસના કાંડા પર હાથવગી રાખવી એ સ્માર્ટવૉચનો પાયાનો કન્સેપ્ટ છે. પહેલી સ્માર્ટવૉચમાં એનો જ ઉપયોગ થયો.
મોટા ભાગની સ્માર્ટવૉચ ગૂગલની વેર (અગાઉ એન્ડ્રોઇડ વેર), એપલની આઇઓએસ, સેમસંગની ટાઇઝન અને પેબલ નામની ઓપરેટિંગ સિસ્ટમ્સ પર ચાલે છે. મોટા ભાગની સ્માર્ટવૉચને સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકાય છે, પણ કેટલીક ઘણી સ્માર્ટવૉચ એ વિના પણ, ડાઇરેક્ટ ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાય છે.
દસમા-બારમા ધોરણમાં પાસ થતા વિદ્યાર્થીને ઇનામ તરીકે સ્માર્ટવૉચની પસંદગી થવા લાગી છે અને બિઝી એક્ઝિક્ટયુટિવ્સ કે એથ્લેટ્સ પણ તેમની એક્ટિવ લાઇફ મેનેજ કરવા એડવાન્સ્ડ સ્માર્ટવૉચ ખરીદવા લાગ્યા છે.
સ્માર્ટફોનની જેમ સ્માર્ટવૉચની રેન્જ પણ હવે બહુ વિસ્તૃત થવા લાગી છે. તમે પણ એકાદી ખરીદવાનો વિચાર કરતા હો, તો એનાં વિવિધ પાસાં પર એક નજર ફેરલી લો.
વિશ્વની પહેલી ‘સ્માર્ટવૉચ’

આને ખરેખર સ્માર્ટવૉચ કહેવાય કે નહીં એ તમે નક્કી કરજો, પણ આઇડિયા ખરેખર સ્માર્ટ હતો! અમેરિકાના ડીફેન્સ ડિપાર્ટમેન્ટે ૧૯૭૩માં મિલિટરી ઉપયોગ માટે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ પ્રોજેક્ટ લોન્ચ કર્યો (જેને પ્રતાપે આજે ખાસ્સી ચોક્સાઈથી, દુનિયાના કોઈ પણ ખૂણે રહેલી વ્યક્તિ કે વસ્તુનું લોકેશન ટ્રેકિંગ થઈ શકે છે) તેની અડધી સદી પહેલાં, ૧૯૨૦ના દાયકામાં બ્રિટનમાં ‘પ્લસ ફોર રુટ ઇન્ડિકેટર’ નામે કાંડે ઘડિયાળની જેમ પહેરી શકાય એવું એક સાધન વિકસ્યું હતું (જુઓ ઉપરની ઇમેજ).
આ સાધન સાથે બ્રિટનના એક શહેરથી બીજા શહેર જવાના કાગળ પરના ટચૂકડા નક્શાના વિવિધ સેટ મળતા હતા. ત્યારની એ ‘સ્માર્ટવૉચ’માં એક નક્શો ફિટ કર્યા પછી બે નોબથી તેને ઉપર-નીચેની તરફ સ્ક્રોલ કરી શકાતો અને એ રીતે લોકો પોતે જ્યાં જવું હોય તેનો રસ્તો જાણી શકતા હતા! આઇડિયા ખરેખર સ્માર્ટ હતોને?!
(૧) ઓપરેટિંગ સિસ્ટમઃ એપલની સ્માર્ટવૉચ આઇફોન સાથે જ ચાલશે, પણ અન્ય મોટી કંપનીની સ્માર્ટવૉચ એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પ્રકારની ઓએસના સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈ શકે છે. ફક્ત તમારે તમારી જરૂરિયાત અનુસારની એપ્સ તેમાં ઇન્સ્ટોલ કરવી જોઈશે.
(૨) ખરેખરો ઉપયોગઃ તમારે સ્માર્ટવૉચનો ખરો ઉપયોગ શો છે તે પહેલાં નક્કી કરવું પડશે. તમે સિરિયસ યૂઝર હો તો એ મુજબનાં ફીચર્સ બરાબર તપાસીને પછી પસંદગી કરવી પડશે, ફક્ત ઇનામ કે ગિફ્ટ આપવાનો હેતુ હોય તો ઓછા બજેટની કોઈ પણ સ્માર્ટવૉચ ચાલી જશે!

(૩) બજેટઃ સ્માર્ટફોનની જેમ, સ્માર્ટવૉચમાં પણ કિંમતની બહુ મોટી રેન્જ છે. બજારમાં ફક્ત ૩૦૦ રૂપિયાની (ખરેખર!) સ્માર્ટવૉચ પણ મળે છે જેમાં એલેક્સા, જીપીએસ, ફિટનેસ ટ્રેકિંગ સગવડ છે. બીજી તરફ એપલ વૉચની કિંમત લગભગ ૬૫ હજાર રૂપિયા છે!
(૪) બેટરી લાઇફઃ સ્માર્ટવૉચ ખરીદવાનો તમારો હેતુ શો છે અને એ માટે તમે કેટલું બજેટ ફાળવી શકો તેમ છો એ નક્કી થયા પછી કદાચ પહેલો વિચાર બેટરી લાઇફનો કરવો જોઈએ. ફીચર-રીચ એપલ સ્માર્ટવૉચમાં લગભગ બે આખા દિવસ જેટલી બેટરી ચાલે છે તો બહુ ફીચર ન ધરાવતી, પ્રમાણમાં સાદી સ્માર્ટવૉચમાં બેટરી આખું અઠવાડિયું પણ ચાલી શકે છે.

સ્માર્ટવૉચ ખરીદવાનો વિચાર તમારા મનમાં રમી રહ્યો હોય તો સૌથી પહેલાં તમારે એ વિચારવું જોઈએ કે તમે ખરેખર તેનો શો ઉપયોગ કરવાના છો? (સિવાય કે ફક્ત વધુ એક એક્સ્પેન્સિવ ગેજેટ તરીકે તમે તેને ખરીદવા માગતા હો!)
એવું પણ બની શકે કે તમારી જરૂરિયાત ફક્ત સ્માર્ટ બૅન્ડથી પૂરી થઈ જાય તેમ હોય. આજકાલ ટાબરિયાંના કાંડા પર પણ સ્માર્ટ બૅન્ડ જોવા મળે છે, જે તેનો સાચો ઉપયોગ ભાગ્યે કરે છે, પણ જો તમે રોજ કેટલું ચાલ્યા એનો રેકોર્ડ ટ્રેક કરવા માગતા હો અને એ માટે સતત સ્માર્ટફોનમાં હાથમાં પકડી ન રાખવો હોય તો સ્માર્ટ બૅન્ડથી તમારું કામ ચાલી જાય.
ફિટનેસ ટ્રેકર પ્રકારના બૅન્ડમાં પણ ટચૂકડો સ્ક્રીન હોય છે (અને એમાં ઘડિયાળ પણ હોય છે!) અને તેને સ્માર્ટફોનમાં એ બૅન્ડની એપ સાથે કનેક્ટ કરવામાં આવે છે. આ પછી બૅન્ડમાંના સેન્સર્સ આપણો વિવિધ ડેટા એ એપને મોકલે છે અને તેના આધારે આપણે ફિટનેસ એક્ટિવિટી ટ્રેક કરી શકીએ છીએ.
તમે સ્માર્ટફોન કેમ ખરીદવા વિચારો છે એ નક્કી કરશો તો કદાચ એવું બને કે તમારું કામ ફિટનેસ બેન્ડથી જ ચાલી જાય. તમારે વધુ ખર્ચ કરવાની જરૂર નહીં રહે!
જ્યારે સ્માર્ટવૉચમાં બૅન્ડ કરતાં ખાસ્સો મોટો સ્ક્રીન હોય છે, જે વાસ્તવમાં સ્માર્ટફોનના એક્સ્ટેશન જેવું કામ આપે છે.
ફિટનેસ બૅન્ડની જેમ સ્માર્ટવૉચમાં પણ સેન્સર્સ હોય છે, જે આપણો ડેટા ફોનમાંની એપમાં મોકલે છે, એ સિવાય ફોનમાં આવતા ટેક્સ્ટ મેસેજ, ઇમેઇલ્સ, કે સોશિયલ મીડિયા અપડેટ્સ પણ સ્માર્ટવૉચના સ્ક્રીન પર જોઈ શકાય છે, એ વધારાનો ફાયદો થયો.
પાછલા થોડા સમયથી ફિટનેસ બૅન્ડ અને સ્માર્ટવૉચ વચ્ચેની ભેદરેખા ઘણી ખરી ભૂંસાઈ ગઈ છે. એ જ રીતે, ફિટનેસ બૅન્ડ સ્માર્ટવૉચ કરતાં સસ્તા જ હોય એવું પણ રહ્યું નથી. તેમ છતાં, ફીચર્સની બાબતમાં હાઇ-એન્ડ સ્માર્ટવૉચ મોટા ભાગના ફિટનેસ ટ્રેકર કરતાં ખાસ્સી આગળ છે. હવે ઘણી સ્માર્ટવૉચમાં સિમકાર્ડ પણ લગાવી શકાય છે, જેને કારણે સ્માર્ટફોન વિના, એકલી સ્માર્ટવૉચનો સ્માર્ટ ઉપયોગ પણ શક્ય બને છે.
તમારે નક્કી કરવું પડશે કે એક્ઝેક્ટલી તમારે કેવાં ફીચર્સ જોઈએ છે!
ફિટનેસ એક્ટિવિટી ટ્રેક કરવી છે?

તમારું કામ ફિટનેસ બૅન્ડથી પણ ચાલી જાય, પણ હવે મોટા ભાગની સાદી સ્માર્ટવૉચમાં પણ પેડોમીટર (સ્ટેપ્સની ગણતરી) અને હૃદયના ધબકારા માપવાનું અને તેનું મોનિટરિંગ કરવાની સગવડ હોય છે. એડવાન્સ્ડ સ્માર્ટવૉચમાં એ ઉપરાંતની ઘણી એક્ટિવિટી ટ્રેક કરી શકાય છે.
વર્ચ્યુઅલ કોચિંગનો લાભ લેવો છે?

મોટા ભાગે હેલ્થ, ફિટનેસ અને સ્પોર્ટ્સ સંબંધિત વર્ચ્યુઅલ કોચિંગ માટે સ્માર્ટવૉચનો ઉપયોગ હવે વધવા લાગ્યો છે. સ્માર્ટવૉચનાં સેન્સર્સ વિવિધ ડેટા એકઠો કરતાં હોવાથી તેનું પછીથી એનાલિસિસ થઈ શકે છે અને આપણા કોચ દૈનિક પ્રવૃત્તિઓમાં જરૂરી ફેરફારો સૂચવી શકે છે!
હેલ્થ ડેટાનું મોનિટરિંગ કરવું છે?

લગભગ બધી જ સ્માર્ટવૉચ વિવિધ સેન્સરની મદદથી સ્વાસ્થ્ય સંબંધી ડેટા એકઠો કરતી રહે છે. આ ડેટા સ્માર્ટફોનમાંની વિવિધ એપ્સ સાથે કનેક્ટ કરી શકાય છે. હવે ઘણી વીમા કંપની નિયમિત વ઼ૉકિંગ કરનારા લોકોને વીમાના પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ આપવા લાગી છે, તેમાં આવો ડેટા કામ લાગી શકે!
એપ્સનો ઉપયોગ કરવો છે?

હવે ખાસ સ્માર્ટવૉચ માટેની એપ્સ ડેવલપ થાય છે, જે એપલ/ગૂગલ ઇકોસિસ્ટમમાં વહેંચાયેલી છે. સ્પોર્ટ્સ એક્ટિવિટીને સંબંધિત એપ્સ સ્માર્ટવૉચને ખરેખર સ્માર્ટ બનાવે છે. મ્યુઝિક એપ્સ અને સ્માર્ટ હોમ ડિવાઇસની કંટ્રોલિંગ એપ્સ પણ સ્માર્ટવૉચમાં જોવા મળે છે.
સેફ્ટી અને પેરેન્ટિંગનો વિચાર છે?

લગભગ બધી સ્માર્ટવૉચમાં લોકેશન ટ્રેકિંગ થઈ શકે છે. આથી સ્માર્ટવૉચ પહેેરેલાં બાળકો નિશ્ચિત વિસ્તારની બહાર જાય (‘જિઓફેન્સિંગ’) તો મા-બાપને તરત એલર્ટ મળે છે. આ સુવિધા અજાણી, જોખમી જગ્યાઓમાં ટ્રેકિંગ સમયે પણ ઉપયોગી થાય છે.
નોટિફિકેશન્સ મેળવવાં છે?

સામાન્ય સ્માર્ટવૉચ તમારા સ્માર્ટફોન પર આવતાં બધાં જ નોટિફિકેશન્સ બતાવશે, પણ એડવાન્સ્ડ સ્માર્ટવૉચ તેથી ઘણું આગળ વધી શકે છે. એપલની નવી સ્માર્ટવૉચ પહેરેલ વ્યક્તિ ગબડી જાય તો વૉચ સંખ્યાબંધ નોટિફિકેશન્સ મોકલે છે અને જવાબ ન મળે તો અન્યોને મદદ માટે જાણ કરે છે!
સ્માર્ટવૉચની રેન્જ બહુ વિસ્તરી ચૂકી છે, પણ તેને મુખ્ય ચાર પ્રકારમાં વહેંચી શકાય.
જેમ સ્માર્ટફોન અનેક પ્રકારના હોય છે અને જબરી મોટી પ્રાઇસ રેન્જ ધરાવે છે એ જ રીતે સ્માર્ટવૉચમાં પણ અનેક પ્રકાર છે તેમ જ કિંમતની રેન્જ પણ બહુ મોટી છે.
આમાંથી કઈ સ્માર્ટવૉચની પસંદગી કરવી એ ખરેખર મુશ્કેલ કામ છે. ઉપરાંત દરેક પ્રકારની સ્માર્ટવૉચનાં ફીચર્સ હવે એકમેકને ખાસ્સાં મળતાં આવતાં હોવાથી આપણી પસંદગી વધુ મુશ્કેલ બને છે. આગળનાં પાનાંઓમાં આપણે, સ્માર્ટવૉચના વિવિધ અનુસાર, કેવા પ્રકારનાં ફીચર પર નજર નાખવી જોઈએ તેની વાત કરી.
હવે સ્માર્ટવૉચના મુખ્ય પ્રકાર કયા છે એની પણ વાત કરીએ. એ ખાસ યાદ રાખશો કે બજારમાં આ રીતે, ચોક્કસ કેટેગરી કે પ્રકાર અનુસાર સ્માર્ટવૉચ મળતી નથી. અહીં ફક્ત આપણી સમજ માટે આવા પ્રકાર તારવ્યા છે.
તમે સ્માર્ટવૉચના સિરિયસ યૂઝર હો અને બજેટનો કોઈ પ્રશ્ન ન હોય તો તમારી પાસે મુખ્ય ૩ વિકલ્પ છે ઃ એપલ વૉચ, જે માત્ર આઇફોન સાથે ચાલશે, એન્ડ્રોઇડ વેર ઓએસ ધરાવતી સ્માર્ટવૉચ, જેમાં ખાસ્સી મોટી રેન્જ મળશે અને પેબલ સ્માર્ટવોચ, જે આઇઓએસ અને એન્ડ્રોઇડ બંનેમાં ચાલી શકશે. પરંતુ તમે સિરિયસ યૂઝર ન હો, પણ માત્ર શોખ ખાતર કે ટાઇટ બજેટમાં સ્માર્ટવૉચ ખરીદવા માગતા હો તો અનેક બ્રાન્ડ અને અનેક મોડેલ્સ મળશે. એપલ અને એન્ડ્રોઇડની વેરેબલ માટેની ઓપરેટિંગ સિસ્ટમ સિવાય, જુદી જુદી કંપનીની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતી આવી સ્માર્ટવૉચ મોટા ભાગે એન્ડ્રોઇડ ફોન સાથે કનેક્ટ કરી શકાય છે. સ્માર્ટવૉચનો ઉપયોગ અને સ્પેસિફિકેશન્સની રેન્જ બહુ વિશાળ હોવાથી તેમાંથી કોઈ ચોક્કસની ભલામણ કરવી મુશ્કેલ છે, પણ અહીં આપેલી વિગતો તમને તમારા રિસર્ચમાં મદદરૂપ થશે!
૧. ક્લાસિક : બિલકુલ સિમ્પલ પ્રકારની સ્માર્ટવૉચ
ઓછા બજેટમાં સ્માર્ટવૉચનો શોખ પૂરો કરવો હોય તો સૌથી સિમ્પલ સ્માર્ટવૉચ લઈ શકાય. સામાન્ય ઘડિયાળની જેમ આવી સ્માર્ટવૉચનું મેઇન ફંકશન સમય અને તારીખ ડિસ્પ્લે બતાવવાનું છે. એ સિવાય તેમાં સ્ટોપવૉચ, ટાઇમર અને એલાર્મ ક્લોક જેવાં વધારાનાં, બેઝિક ફંકશન્સ પણ હોય છે.

આ પ્રકારની સ્માર્ટવૉચને બ્લૂટૂથની મદદથી આપણા સ્માર્ટફોન સાથે પેર કરી શકાય છે. એ પછી સ્માર્ટફોનમાં કોઈ મેસેજ આવે કે કોલ આવે ત્યારે તેનું નોટિફિકેશન સ્માર્ટવૉચના સ્ક્રીન પર સિમ્બોલ, બીપ કે એલાર્મ સ્વરૂપે જોઈ શકાય છે. આ પ્રકારની સ્માર્ટવૉચનાં કેટલાંક મોડેલ્સમાં મેસેજનો થોડો ભાગ વાંચી પણ શકાય છે. આવી સ્માર્ટવૉચમાં ફંકશન્સ મર્યાદિત હોવાનો ફાયદો એ છે કે તેમાં બેટરી ઘણા લાંબા સમય સુધી ચાલી શકે છે.
૨. સ્માર્ટ : જરા વધુ સ્માર્ટ કામ આપતી સ્માર્ટવૉચ
સાદી સ્માર્ટવૉચ કરતાં જરા વધુ કામ આપતી સ્માર્ટવૉચ. આ પ્રકારની સ્માર્ટવૉચ કાંડા પર પહેરી હોય ત્યારે સ્ટેપ્સની ગણતરી રાખી શકે છે અને ઊંઘ મોનિટર કરી શકે છે. ઘણી સ્માર્ટવૉચમાં પલ્સ રેટનું પણ મોનિટરિંગ થઈ શકે છે. મોટા ભાગે આવી સ્માર્ટવૉચમાં જીપીએસ ટ્રાન્સમીટર હોય છે જેને કારણે આપણે કેટલું અંતર કાપ્યું તેની નોંધ જળવાય છે.

ઘણી સ્માર્ટવૉચ ખાસ ખેલાડીઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન થઈ હોય છે. આવી સ્માર્ટવૉચ સામાન્ય હેલ્થ મોનિટરિંગથી વિશેષ ફીચર્સ ધરાવતી હોય છે તેને સ્માર્ટફોન કે કમ્પ્યૂટર મારફત આપણી ફિટનેસ એક્ટિવિટીનું મોનિટરિંગ અને એનાલિસિસ કરતી એપ્સ કે સર્વિસ સાથે કનેક્ટ કરી શકાય છે. સ્માર્ટવૉચમાંનો ડેટા આ પ્રકારની સર્વિસમાં ટ્રાન્સફર કરી શકાય છે.
૩. એડવાન્સ : સ્માર્ટફોનની ખાસ્સી નજીક
અમુક સ્માર્ટવૉચ સ્માર્ટફોનના એક્સટેન્શન તરીકે કામ કરી શકે છે. તેને બ્લૂટૂથ દ્વારા સ્માર્ટફોન સાથે કનેક્ટ કરીએ એ પછી ફોનમાંની ઘણી એપ્સનાં ફીચર્સનો લાભ સ્માર્ટવૉચમાં લઈ શકાય છે. આવી સ્માર્ટવૉચમાં ગૂગલની વેર કે એપલની વૉચ ઓએસ જેવી ઓપરેટિંગ સિસ્ટમ હોય છે જેને કારણે ખાસ સ્માર્ટવૉચ માટેની ઘણી એપ્સનો આપણે લાભ લઈ શકીએ છીએ.

તેમાં ઇનકમિંગ મેસેજ તેમજ કેલેન્ડર એન્ટ્રીઝ વાંચી શકાય છે. વોઇસ રેક્ગ્નેશનથી આપણે સ્માર્ટવૉચ દ્વારા ટેકસ્ટ ટાઇપ પણ કરી શકીએ છીએ. આ પ્રકારની સ્માર્ટવૉચમાં વાંચવાની અને ટાઇપ કરવાની સુવિધા હોવાથી તેના સ્ક્રીન સામાન્ય રીતે મોટા અને બહેતર રેઝોલ્યુશનના હોય છે. જોકે આવી સ્માર્ટવૉચ ખરેખર સ્માર્ટ હોવાથી તેમાં બેટરી ઘણી ખર્ચાય છે.
૪. હાઇ-ટેક : સ્માર્ટફોનથી સ્વતંત્ર, ખરેખર સ્માર્ટવૉચ
આ પ્રકારની સ્માર્ટવૉચ અન્ય સ્માર્ટવૉચ જેવાં બધાં જ ફંકશન ધરાવે છે, પણ તેનાથી એક ડગલું આગળ પણ રહે છે. આવી સ્માર્ટવૉચને સ્માર્ટફોન સાથે કનેક્ટ કરવી પડતી નથી. બીજા શબ્દોમાં આવી સ્માર્ટવૉચને કાંડા પર પહેરી શકાય તેવો સ્માર્ટફોન કહી શકીએ. સ્માર્ટફોનની જેમ તેમાં આગવું સિમકાર્ડ હોય છે.

આવી સ્માર્ટવૉચ ઇન્ટરનેટ સાથે ડાઇરેક્ટ કનેક્ટ થઈ શકે છે અને તેમાં ઇન્ટરનેટ સર્ચ થઈ શકે છે કે જોઈતું કન્ટેન્ટ ડાઉનલોડ પણ કરી શકાય છે. જોકે સ્માર્ટફોનની સરખામણીમાં આવી સ્માર્ટવૉચનો સ્ક્રીન ઘણો નાનો હોવાથી હાલમાં તે સ્માર્ટફોનનો વિકલ્પ બની શકે તેમ નથી. બેટરી સાઇઝ ઘણી નાની ને સામે ફંકશન્સ ઘણાં વધુ હોય છે, આથી આવી સ્માર્ટવૉચની બેટરી પૂરો એક દિવસ પણ ચાલતી નથી.
