(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • લિંક્ડઇન હવે હિન્દીમાં પણ
  • અન્યોની સંમતિ વિના ફોટો શેર કરી શકાશે નહીં
  • વોટ્સએપમાં યુપીઆઇના યૂઝર્સ વધશે
  • ટેલિગ્રામમાં ચેનલ્સમાં સ્પોન્સર્ડ મેસેજ ઉમેરાઈ રહ્યા છે
  • આપણી ન્યૂઝફીડમાં શું વધુ જોવું તે નક્કી કરી શકાશે
  • ડિસલાઇક બટન વિઝટર્સ માટે ગાયબ થશે
  • હવે કેબનું બુકિંગ પણ વોટ્સએપમાંથી જ થઈ જશે
  • તમે પણ ‘કૂ’ કરવાનું શરૂ કર્યું?

પ્રોફેશનલ્સ માટેના નેટવર્કિંગ પ્લેટફોર્મ લિંક્ડઇનનો હવે હિન્દી ભાષામાં ઉપયોગ થઈ શકશે. આ સાથે હવે લિંક્ડઇન સમગ્ર વિશ્વની કુલ ૨૫ ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ કારણે હવે ડેસ્કટોપ તથા એન્ડ્રોઇડ અને આઇઓએસ માટેની લિંક્ડઇન એપમાં યૂઝર્સ તેમની ફીડ, પ્રોફાઇલ, જોબ્સ, મેસેજિંગ વગેરે વિગતો હિન્દીમાં પણ જોઈ શકશે.

આ પછીના તબક્કામાં લિંક્ડઇન પર બેંકિંગ અને વિવિધ સરકારી વિભાગો ઉપરાંત જુદી જુદી ઇન્ડસ્ટ્રીમાં હિન્દીભાષી પ્રોફેશનલ્સ માટેની જોબ ઓપોર્ચ્યુનીટીઝ પણ ઉમેરશે. એ સાથે સમગ્ર પ્લેટફોર્મ પર હિન્દી ભાષામાં કન્ટેન્ટ ઉમેરવા પર પણ ભાર આપવામાં આવશે. સ્માર્ટફોનમાં લિંક્ડઇન એપ્લિકેશનનાં બધાં પાસાં હિન્દીમાં જોવા માટે યૂઝરે પોતાના સેટિંગ્સમાં ‘પ્રીફર્ડ ડિવાઇસ લેંગ્વેજ’ તરીકે હિન્દી ભાષા પસંદ કરવી પડશે.

ડેસ્કટોપમાં લિંક્ડઇનના હોમપેજ પર ‘મી’ આઇકન પર ક્લિક કરીને ‘સેટિંગ અને પ્રાઇવસી’માં જવાનું રહેશે. તેમાં ડાબી તરફ ‘એકાઉન્ટ પ્રેફરન્સીસ’માં ‘સાઇટ પ્રેફરન્સીસ’ ક્લિક કરવાનું રહેશે. આ પછી લેંગ્વેજ ઇંગ્લિશમાંથી બદલીને હિન્દી કરી શકાશે.

લિંક્ડઇન પર અત્યારે લગભગ ૮૦ કરોડ એક્ટિવ યૂઝર્સ છે અને અન્ય તમામ ઇન્ટરનેટ સર્વિસિસની જેમ લિંક્ડઇન માટે ભારત યુએસ પછીનું બીજું સૌથી મોટું માર્કેટ છે.

કંપનીના મત અનુસાર મહામારી દરમિયાન ભારતમાં લિંક્ડઇનના ઉપયોગમાં ઉછાળો આવ્યો છે. સમગ્ર વિશ્વમાં ૬૦ કરોડ હિન્દીભાષી લોકો છે. આથી લિંક્ડઇન સંપૂર્ણપણે હિન્દીભાષામાં ઉપલબ્ધ થતાં તેનો ઉપયોગ કરવામાં લોકોને વધુ સરળતા રહેશે.

ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો બહુ સહેલાઇથી પોતાના અને અન્ય લોકોનો ફોટોગ્રાફ્સ પબ્લિકલી શેર કરતા હોય છે. ટ્વીટર પર પણ આવું વલણ સામાન્ય છે. પરંતુ ફેસબુક મોટા ભાગે ફ્રેન્ડઝ વચ્ચેના કમ્યુનિકેશન માટેનું માધ્યમ છે. જ્યારે ટ્વીટરનો ઉપયોગ જુદા પ્રકારે થાય છે. ફેસબુક અને ટ્વીટર વચ્ચેનો આ તફાવત હવે વધુ ઘેરો બનશે.

હમણાં ટ્વીટરે જાહેર કર્યું છે કે તેના પ્લેટફોર્મ પર લોકોના વ્યક્તિગત ફોટોગ્રાફ્સ કે વીડિયો તેમની મંજૂરી વિના અન્ય લોકો શેર કરી શકશે નહીં. આ ઉપરાંત અન્ય લોકોની અંગત માહિતી પણ, તેમની મંજૂરી વિના ટ્વીટર પર શેર કરી શકાશે નહીં.

ટ્વીટરે આ પ્રતિબંધની જાહેરાત તો કરી છે પરંતુ તેનો અમલ કેવી રીતે કરવામાં આવશે તે વિશે સ્પષ્ટતા નથી. જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓના ફોટોગ્રાફ્સ, વીડિયો કે અન્ય માહિતીના શેરિંગ બાબતે આ નીતિના અમલ સમયે ટ્વીટર એટલું તપાસશે કે ટ્વીટર પર શેર કરવામાં આવેલી માહિતી પહેલેથી ટીવી કે અખબાર જેવા અન્ય માધ્યમમાં શેર થઈ ગયેલી છે કે નહીં.

વોટ્સએપમાં યુનિવર્સલ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) આધારિત પેમેન્ટ સર્વિસ લોન્ચ થવામાં ઘણો વિલંબ થયો અને એ પછી મર્યાદિત સંખ્યામાં તેના યૂઝર્સ માટે આ સર્વિસને મંજૂરી મળી. આ કારણે પહેલાં ફક્ત એક કરોડ યૂઝર્સ માટે આ સર્વિસ લોન્ચ થઈ એ પછી બે કરોડ યૂઝર પોતાના વોટ્સએપ એકાઉન્ટમાં યુપીઆઇ સગવડનો લાભ લઈ શક્યા.

હવે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વોટ્સએપને ચાર કરોડ યૂઝરને પેમેન્ટ સર્વિસની સગવડ આપવાની મંજૂરી આપી છે. હાલમાં વોટ્સએપના ભારતમાં લગભગ ૪૦ કરોડ યૂઝર છે.

જો વોટ્સએપમાં પહેલેથી તેના તમામ યૂઝર માટે યુપીઆઇ પેમેન્ટની મંજૂરી મળી હોત તો ગૂગલપે, ફોનપે, પેટીએમ, એમેઝોનપે વગેરે અન્ય તમામ સર્વિસ કરતાં આ બાબતે વોટ્સએપ આગળ નીકળી ગઈ હોત. પરંતુ ઓનલાઇન પેમેન્ટના સંવેદનશીલ મુદ્દે કોઈ એક કંપનીનો ઇજારો ઊભો ન થાય એ માટે વોટ્સએપને તબક્કાવાર વધુ યૂઝર ઉમેરવાની સગવડ મળી રહી છે.

ફેસબુકના વિવિધ વિવાદોને કારણે પણ લોકો વોટ્સએપમાં પોતાની બેન્કની વિગતો ઉમેરતાં ખચકાય છે.

જોકે એ યાદ રાખવા જેવું છે કે વોટ્સએપમાં પેમેન્ટ સંપૂર્ણપણે યુપીઆઇ આધારિત હોવાથી આ વ્યવસ્થા અન્ય કોઈ પણ યુપીઆઇ એપ જેટલી જ સલામત છે. એક વાર વોટ્સએપમાં લોકોને રૂપિયાની આપલે કરવાની આદત પડશે એ પછી ભારતમાં ઓનલાઇન પેમેન્ટનું ચિત્ર નવેસરથી બદલાશે એ નક્કી છે.

લાંબા સમયથી વોટ્સએપની હરીફ બની રહેલી ટેલિગ્રામ મેસેજિંગ સર્વિસમાં હવે જાહેરાતો આવી રહી છે. અલબત્ત આ જાહેરાત મેસેજના સ્વરૂપે જ હશે જે સ્પોન્સર્ડ હશે. ફેસબુકમાં જે રીતે બિઝનેસ પેજ પરની પોસ્ટ પ્રમોટ કરી શકાય છે એ જ રીતે ટેલિગ્રામમાં કોઈ પણ વ્યક્તિ પોતાની ચેનલ અને બોટ્સને સ્પોન્સર્ડ મેસેજ તરીકે પ્રમોટ કરી શકશે.

આ પ્રકારના સ્પોન્સર્ડ મેસેજ એક હજારથી વધુ મેમ્બર ધરાવતી અને પબ્લિક તથા વન-ટુ-મેની પ્રકારની ચેનલમાં જોવા મળશે. કઈ ચેનલમાં સ્પોન્સર્ડ મેસેજ બતાવવો તેનો બધો આધાર પબ્લિક પેનલના ટોપિક પર રહેશે. ટેલિગ્રામે સ્પષ્ટતા કરી છે કે કઈ ચેનલમાં સ્પોન્સર્ડ મેસેજ બતાવવો તે નક્કી કરવા માટે યૂઝરના કોઈ પણ પ્રકારના ડેટા તપાસવામાં આવશે નહીં. ટેલિગ્રામે એવી પણ સ્પષ્ટતા કરી છે કે તેના પ્લેટફોર્મ પર ચેટમાં કોઈ જાહેરાત બતાવવામાં આવશે નહીં. એટલે કે સ્પોન્સર્ડ મેસેજ આપણા ચેટલિસ્ટ, પ્રાઇવેટ ચેટ કે ગ્રૂપ્સમાં દખલ કરશે નહીં.

હાલમાં ટેલિગ્રામ પર સ્પોન્સર્ડ મેસેજિસનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને તે માત્ર અમુક યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. આ ફીચર તમામ યૂઝર માટે લોન્ચ થઈ જાય એ પછી જે ચેનલ્સમાં સ્પોન્સર્ડ મેસેજ બતાવવામાં આવે તે ચેનલના એડમિનને ટેલિગ્રામ પોતાની આવકમાંથી ભાગ આપશે.

આપણે જો ફેસબુકનો ઉપયોગ કરતા સરેરાશ યૂઝર્સમાંના એક હોઇએ, તો આંકડાઓ કહે છે કે આપણી ન્યૂઝફીડ પર આપણી નજરમાં આવવા માટે સરેરાશ ત્રણ હજાર જેટલી પોસ્ટ વચ્ચે હુંસાતુંસી ચાલતી હોય છે!

આપણે ફેસબુક પર જેમના ફ્રેન્ડ્ઝ હોઇએ કે જેમને ફોલો કરતા હોઈએ એ લોકો, આપણે જે ગ્રૂપ્સમાં જોડાયા હોઇએ એ ગ્રૂપ્સ, બિઝનેસ પેજિસ, સ્પોન્સર્ડ પોસ્ટ વગેરેમાંથી આપણને ન્યૂઝફીડમાં પહેલાં શું બતાવવું એ ફેસબુક પોતાની આગવી રીતે નક્કી કરે છે.

આમ કરવામાં તે અનેક બાબતો ધ્યાનમાં લે છે, આપણે જેમની સાથે વધુ ઇન્ટરએકશન કરતા હોઇએ, જે લોકોની પોસ્ટ સાથે અન્ય લોકો વધુ ઇન્ટરએકશન કરતા હોય, આપણી ફેસબુક પરની હિસ્ટ્રીને આધારે આપણને જે બાબતમાં વધુમાં વધુ રસ પડી શકે એવું ફેસબુકને લાગતું હોય તથા જેમાં ફેસબુકનો ફાયદો હોય તેવી બધી બાબતો ફેસબુક વધુ પ્રમાણમાં આપણી ન્યૂઝફીડ પર આગળ ધરે છે.

આ ન્યૂઝફીડ પર આપણો પણ કેટલોક અંકુશ છે અને આપણે અમુક ફ્રેન્ડસની પોસ્ટ વધુ જોવા માગતા હોઇએ તો ફેસબુકને તેમ કરવાનું જણાવી શકીએ છીએ.

હવે સમાચાર આવ્યા છે કે ફેસબુક આ બાબતે આપણને હજુ વધુ કંટ્રોલ આપશે. અત્યારે આખી વાત પ્રયોગના ધોરણે ચાલી રહી છે પરંતુ આગળ જતાં આપણે નિશ્ચિત ફ્રેન્ડ, ફેમિલી, ગ્રૂપ્સ અને પેજિસનું કન્ટેન્ટ વધુ જોવું છે કે ઓછું જોવું છે એ નક્કી કરી શકીશું તેમજ આપણને જે ટોપિક્સમાં રસ હોય તેનું કન્ટેન્ટ પણ વધુ જોવું કે નહીં તે ફેસબુકને કહી શકાશે.

યુટ્યૂબે તેના પ્લેટફોર્મ પર વીડિયો માટે ડિસલાઇક દર્શાવતા આંકને પ્રાઇવેટ બનાવવાનો નિર્ણય કર્યો છે. દરેક પ્રકારના સોશિયલ મીડિયાની જેમ યુટ્યૂબ પર ક્યારેક ટ્રોલર્સની આખી ગેંગ એક્ટિવ થઈને કોઈ એક વીડિયો માટે ધડાધડ ડિસલાઇક બટન પર ત્રાટકીને તે વીડિયોની ઇમેજ બગાડવાનો પ્રયાસ કરતી હોય છે.

દેખીતી રીતે આને કારણે વીડિયો ક્રિએટર પર માનસિક દબાણ પણ આવતું હોય છે. એ ધ્યાનમાં રાખીને યુટ્યૂબે જે તે વીડિયોને કેટલા ડિસલાઇક મળ્યા છે એ દર્શાવવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

અલબત્ત એ ધ્યાને રાખવા જેવું છે કે યુટ્યૂબ ડિસલાઇક બટન પૂરેપૂરું દૂર કરી રહી નથી. માત્ર જે તે વીડિયોને કેટલા ડિસલાઇક મળ્યા છે તે વીડિયો ક્રિએટર સિવાય અન્ય લોકો જોઈ શકશે નહીં. વીડિયો ક્રિએટ કરનાર વ્યક્તિ પોતે યુટ્યૂબ સ્ટુડિયોમાં તથા એનાલિટિક્સની અન્ય રીતે પોતાના વીડિયોને કેટલા ડિસલાઇક મળ્યા છે તે જોઈ શકશે.

ચીનમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ માટેની વીચેટ એપ ધીમે ધીમે સુપર એપ બની ગઈ છે અને આ એક જ એપમાંથી જુદી જુદી અનેક પ્રકારની સર્વિસનો લાભ લઈ શકાય છે. વોટ્સએપ એપ પણ એ જ દિશામાં આગળ વધી રહી છે. હવે આપણે વોટ્સએપમાંથી જ કેબ પણ બુક કરી શકીશું!

ઉબર કંપનીએ વોટ્સએપ પર તેના ઓફિશિયલ ચેટબોટ મારફત રાઇડ બુકિંગની સર્વિસ શરૂ કરી છે. શરૂઆતમાં માત્ર લખનૌ શહેરમાં આ સર્વિસ શરૂ થઈ છે અને ભવિષ્યમાં તેને અન્ય શહેરોમાં વિસ્તારવામાં આવશે. આ કારણે યૂઝર હવે વોટ્સએપમાં ઉબરના ચેટબોક્સ સાથે ચેટ કરીને રાઇડ્સ બુક કરી શકશે તેમજ પોતાની ટ્રીપની રિસિપ્ટ પણ વોટ્સએપ પર જ મેળવી શકશે.

આ સર્વિસનો લાભ લેવા માટે ઉબરના બિઝનેસ એકાઉન્ટ નંબર પર મેસેજ કરીને, ઉબરનો ક્યૂઆર કોડ સ્કેન કરીને અથવા ઉબર સાથે ચેટ કરવા માટેની લિંક પર ક્લિક કરીને ઉબરના ચેટબોટનો સંપર્ક કરી શકાશે. આ રીતે ઉબર પર રજિસ્ટ્રેશન કર્યા પછી યૂઝર ગમે ત્યારે વોટ્સએપમાં જ પોતાનું પીકઅપ અને ડ્રોપ ઓફ લોકેશન જણાવી શકશે. આ પછી ઉબરની એપની જેમ જ વોટ્સએપમાં કેટલું ભાડું થશે તે જણાવવામાં આવશે અને યૂઝર રાઇડ બુક કરે તો કેટલા સમયમાં કેબ આવશે તે જણાવવામાં આવશે.

ઉબર એપમાં સલામતીનાં જે ફીચર્સ અને વીમાનું સુરક્ષા કવચ મળે છે તે વોટ્સએપ સર્વિસમાં પણ મળશે. કેબના ડ્રાઇવરનું નામ, તેની કારનો નંબર, તેનું લોકેશન વગેરે બધું જ વોટ્સએપમાં જોઈ શકાશે. તેમ જ યૂઝર ઇચ્છે તો પોતાનું નામ કે નંબર જણાવ્યા વિના ડ્રાઇવર સાથે વાત કરી શકશે. હાલમાં આ સુવિધા માત્ર અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. ભવિષ્યમાં અન્ય ભાષાઓ પણ ઉમેરાશે. આપણા શહેરમાં આ સુવિધા ઉપલબ્ધ થયા પછી આપણે ઉબરની અલગ એપ ફોનમાં ઇન્સ્ટોલ કરવાની જરૂર રહેશે નહીં.

ટ્વીટરના ભારતીય જવાબ સમી ‘કૂ’ એપ ધીમે ધીમે લોકપ્રિય થઈ રહી છે. ટ્વીટરની જેમ આ એપમાં ટેકસ્ટ, ફોટો કે વીડિયો અથવા એ ત્રણેયના મિશ્રણ સાથે અન્યોને મેસેજ મોકલી શકાય છે. ટ્વીટરની પોસ્ટ ટ્વીટ કહેવાય છે તેમ ‘કૂ’ પરની આવી પોસ્ટ ‘કૂ’ કહેવાય છે!

જો તમે ‘કૂ’ પર એકાઉન્ટ ધરાવતા હો તો તમારા ફોલોઅર્સને તમારી આવી કૂ જોવા મળે છે તેમ જ તમારા પ્રોફાઇલ પર આવતી વ્યક્તિ અન્ય કોઈ પણ વ્યક્તિ પણ તે જોઈ શકે છે. ટ્વીટર પર જાહેર જીવનમાં સક્રિય નોંધપાત્ર વ્યક્તિઓનું એકાઉન્ટ વેરિફાઇ હોવાની ખાતરીરૂપે બ્લૂ ટિક બતાવવામાં આવે છે તેમ ‘કૂ’માં યલો ટિક બતાવવામાં આવે છે.  ‘કૂ’ પર સક્રિય વ્યક્તિને જો એમ લાગતું હોય કે તે આવું યલો ટિક મેળવવા હક્કદાર છે તો તે eminence.verification@kooapp.com પર ઇમેઇલ મોકલી શકે છે.

આવી વિનંતી મોકલતાં પહેલાં https://www.kooapp.com/eminence ઉપર યલો ટિક માટેના કૂના માપદંડો પર એક નજર ફેરવી લેજો. એ પછી ‘કૂ’ એપની ટીમ તેના નિશ્ચિત ધોરણોને આધારે વિનંતીનું મૂલ્યાંકન કરે છે અને પછી તેને યલો ટિક ફાળવવામાં આવે છે અથવા વિનંતી નકારવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!