સોફ્ટવેર ‘અપડેટ’ અને ‘અપગ્રેડ’ બંને લગભગ એક સરખી કે નજીક નજીકની વાત લાગતી હોવા છતાં બંનેમાં કેટલાક ફેરફાર છે.
જ્યારે કોઈ સોફ્ટવેર કે એપ્લિકેશનના હાલના વર્ઝનમાં કોઈ ફેરફાર કે સુધારો કરવામાં આવે ત્યારે તેને સામાન્ય રીતે ‘અપડેટ’ કહેવામાં આવે છે જ્યારે આખે આખું નવું વર્ઝન તૈયાર કરવામાં આવે તેને ‘અપગ્રેડ’ કહેવામાં આવે છે.

અપડેટ્સ મોટા ભાગે મફત હોય છે અને સહેલાઈથી ઇન્સ્ટોલ કરી શકાય છે. અપગ્રેડમાં પેમેન્ટ જરૂરી હોય તેવું બની શકે છે અને તેને ઇન્સ્ટોલ કરવાનું કામ થોડું માથાકૂટિયું બની શકે છે.
એન્ડ્રોઇડના સંદર્ભે વાત કરીએ તો એન્ડ્રોઇડનું હાલમાં ૧૧મું વર્ઝન ચાલી રહ્યું છે પરંતુ સંખ્યાબંધ લોકોના સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડનું આઠમું, નવમું કે દસમું વર્ઝન હશે. ઘણા ફોનમાં એથી પણ જૂનાં વર્ઝન હશે. એન્ડ્રોઇડ કંપની (અને બીજી લગભગ દરેક સોફ્ટવેર કંપની) તેના સોફ્ટવેરનું નવું વર્ઝન આવી ગયા પછી પણ જૂના વર્ઝનમાં નજીવા સુધારા, ખાસ કરીને સિક્યોરિટી સંબંધિત ફેરફાર કરતી રહે છે.
આ રીતે કંપની અગાઉના વર્ઝનને પણ અમુક નિશ્ચિત સમય સુધી સપોર્ટ કરવાનું ચાલુ રાખે છે. આથી, જૂના વર્ઝનમાં કોઈ ખામી ધ્યાનમાં આવે કે સિક્યોરિટીની દૃષ્ટિએ અમુક ફેરફાર જરૂરી બને ત્યારે કંપની પોતાના સોફ્ટવેરને અપડેટ કરે છે. એન્ડ્રોઇડના કિસ્સામાં, આવા અપડેટ્સ, જે તે મોબાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની મારફત આપણા સ્માર્ટફોન સુધી પહોંચે છે.
સામાન્ય રીતે, સોફ્ટવેરમાં નજીવા ફેરફારો થાય તે અપડેટ્સ અને સોફ્ટવેરનું લગભગ નવું વર્ઝન તૈયાર થાય તે અપગ્રેડ કહેવાય.
દરેક સોફ્ટવેર કંપની તેના હાલના સોફ્ટવેર કે પ્રોગ્રામમાં નજીવા ફેરફારો કે ખામીઓ સુધારવા ઉપરાંત, તેમાં બહુ મોટા પાયે નવાં ફીચર્સ ઉમેરવા પર પણ કામ કરતી હોય છે. આવા ફેરફાર પરનું કામ પ્લાનિંગ મુજબ લોન્ચ કરી શકાય તેવા તબક્કે પહોંચે ત્યારે સોફ્ટવેરનું આખેઆખું નવું વર્ઝન લોન્ચ કરવામાં આવે છે તેને સોફ્ટવેર અપગ્રેડ કહેવામાં આવે છે.
ફરી એન્ડ્રોઇડની વાત કરીએ તો ઘણી મોબાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની એન્ડ્રોઇડના અપડેડ્સ ઉપરાંત એક કે બે વર્ઝન સુધીના અપગ્રેડ પણ મફત આપતી હોય છે. તે પછી તે માત્ર અપડેટ્સ આપવાનું ચાલુ રાખે છે.
એપલ કંપની તેની ઓપરેટિંગ સિસ્ટમમાં નિયમિત રીતે અપડેટ્સ આપવા ઉપરાંત આખેઆખા વર્ઝન પણ અપગ્રેડ કરતી રહે છે. મોટા ભાગના આઇફોન યૂઝર્સ પોતાના આઇફોનમાં નવા વર્ઝન અપગ્રેડનો મફત લાભ લઈ શકે છે.
