હમણાં ભારત સરકારે ૨૦ યુટ્યૂબ ચેનલ અને બે વેબસાઇટ પર પ્રતિબંધ મૂક્યો. આ ચેનલ્સ અને વેબસાઇટ્સ પાકિસ્તાન વતી ભારત સામે દુષ્પ્રચાર ફેલાવતી હતી. કાશ્મીર, ભારતીય સેના, ભારતમાંની લઘુમતીઓ, રામમંદિર, જનરલ બિપિન રાવત વગેરે મુદ્દે આ ચેનલ્સ પર સખત વાંધાજનક કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવતું હતું.
હવે વિગતો બહાર આવી છે કે ‘નયા પાકિસ્તાન ગ્રૂપ’ નામનું, પાકિસ્તાનમાંથી સંચાલિત એક નેટવર્ક આ યુટ્યૂબ ચેનલ્સ ચલાવતું હતું, તેના ૩૫ લાખથી વધુ સબસ્ક્રાઇબર હતા અને ૫૫ કરોડ જેટલા વ્યૂ મળી ચૂક્યા હતા. એ પણ નોંધવા જેવું છે કે આમાંની કેટલીક ચેનલ્સ પાકિસ્તાની ન્યૂઝ ચેનલ્સના જાણીતા ન્યૂઝ એન્કર્સ ઓપરેટ કરતા હતા.

આ તો વાંધાજનક ચેનલ્સ સામે સરકારે લીધેલાં સત્તાવાર પગલાંની વાત થઈ. હવે આતંકવાદીઓ અને પોલીસ સંસ્થાઓ વચ્ચે સતત ચાલતી ખેંચતાણની જરા હળવી બાજુ પણ જોઈએ!
વિશ્વવ્યાપી આતંકવાદી જૂથ અલકાયદાના હજી વળતાં પાણી નહોતાં થયાં એ સમયમાં આ જૂથે ‘ઇન્સ્પાયર’ મેગેઝિન નામે પહેલી જ વાર પોતાનું એક ઇંગ્લિશ મેગેઝિન લોન્ચ કર્યું હતું. આ મેગેઝિનમાં પશ્ચિમના મુસ્લિમ યુવાનોને આતંકવાદ તરફ વાળતા લેખો પ્રકાશિત થતા હતા. એ મેગેઝિનના અંકોમાં ‘રસોડામાં બોમ્બ કેવી રીતે બનાવવો’ ટાઇપના લેખો પ્રકાશિત થતા હતા.
એ મેગેઝિન જ એ પ્રકારનું હતું કે તેમાં આ પ્રકારનું કન્ટેન્ટ મળવું સ્વાભાવિક હતું. મેગેઝિનના રીડર્સને આ મેગેઝિન ડાઉનલોડ કરવાની તાલાવેલી હોય એ પણ સમજી શકાય એવું હતું. સંખ્યાબંધ લોકોએ મેગેઝિનની ફાઇલ ડાઉનલોડ કરી અને ખોલીને જોયું તો એમાં બોમ્બને બદલે ખરેખર રસોડામાં કપકેક બનાવવાની વિવિધ રેસિપી જોવા મળી!
પછી હકીકત બહાર આવી કે યુકેની સિક્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ એમઆઇ૬ના એજન્ટ્સે આ કરામત કરી હતી! તેમણે અલકાયદાના મેગેઝિન તથા તેની સાઇટને હેક કરી હતી. સિક્રેટ એજન્ટ્સે એ મેગેઝિનમાંથી ઓસામા બિન લાદેન અને અલકાયદાના અન્ય એક ટોચના આતંકવાદી અયમાન-અલ-જવાહિરીના લેખો પણ ગાયબ કરી દીધા હતા. જોકે આ સાયબર એટેકના બે અઠવાડિયા પછી અલકાયદાએ એ મેગેઝિનનો નવો ઇસ્યુ લોન્ચ કર્યો અને બીજા ચાર અંકો પણ પ્રગટ કર્યા હતા. મજા એ થઈ કે સિક્રેટ એજન્ટે યુકેમાં ખરેખર લોકપ્રિય એક બેકરીની કપકેક રેસિપીઝને અલકાયદાના મેગેઝિનમાં કોપી-પેસ્ટ કરી હતી. આ કિસ્સો બહાર આવતાં બેકરીને અણધારી પ્રસિદ્ધિ મળી, પણ બેકરીના માલિકો બિલકુલ રાજી થયા નહીં!
આખેઆખા ઇન્ટરનેટનો બેકઅપ લેતી સર્વિસ Archive.orgમાં અલકાયદાના મેગેઝિનની બોમ્બની રેસિપીને બદલે કપકેક બનાવવાની રીત સમજાવતી પીડીએફનો બેકઅપ પણ લેવાયો હતો (‘સાયબરસફર’માં આપણે આ સર્વિસ વિશે વાત કરી ગયા છીએ). જોકે એ પછી આર્કાઈવ વેબસાઇટ પરથી તેને દૂર કરવામાં આવ્યો હતો.
વર્ષ ૨૦૧૨માં ‘ઓપરેશન કપકેક’ નામે એક ઇંગ્લિશ કોમેડી મૂવી પણ બની હતી, જોકે એને પેલા સિક્રેટ હેકિંગ મિશન સાથે કોઈ લેવાદેવા નહોતી!
